ગઈ કાલે (17 એપ્રિલે, બુધવારે) રામનવમી ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. રાવણ માટે શ્રીરામ ભગવાન તેના શત્રુ હતા, પરંતુ શું રાવણના મૃત્યુનું કારણ રામ ભગવાન હતા કે તેનો કામક્રોધાદિક સ્વભાવ? સવાલ એ છે કે સાચો દુશ્મન કોણ? અથવા સાચો શત્રુ કોને કહેવો?
જીવનની દરેક પરિસ્થિતિ સિક્કાની બે બાજુ જેવી હોય છે. સુખ-દુ:ખ, માન-અપમાન, હર્ષ-શોક, પ્રેમ-સંતાપ, આશા-નિરાશા, વેદના-સંવેદના, સંતોષ-તૃષ્ણા જેવાં બે અંતિમો વચ્ચે ઝૂલતું આપણું જીવન અનેક વિચિત્રતાને અભિવ્યક્ત કરે છે. માનવીય સંબંધોમાં આ બે અંતિમો મિત્રતા અને શત્રુતા ઉપર અવલંબે છે. આ સંબંધોમાં મિત્રતા સુખ, માન, હર્ષ, પ્રેમ અને આશાને પ્રગટાવે છે તો શત્રુતા દુ:ખ, અપમાન, શોક, નિરાશા અને વેદનાને જન્મ આપે છે.
શત્રુને કોઈ એક ચોક્કસ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એવી વ્યાખ્યા કે માનક ભાષાની પરિભાષામાં શત્રુને સમજવાનો પ્રયાસ કરવો એ તો શત્રુ શબ્દ સાથે શત્રુતા કરવા જેવું થાય. કેમ કે પ્રત્યેક માનવીના મનમાં શત્રુને માપવા માટેના માપદંડ અલગ-અલગ હોય છે. આપણા દેહને પીડા આપનારને શત્રુ જ કહેવાય તે હંમેશાં સાચું ન પણ બને. નહીં તો કડવું ઔષધ આપનાર માતા, શસ્ત્રક્રિયા કરનાર ડૉક્ટર શત્રુમાં ખપી જશે. વળી, જ્યારે આપણાં મનધાર્યાં કામમાં કોઈ મદદ ન કરે, અથવા તેમાં જે અડચણ કરે ત્યારે આપણે સામેવાળી વ્યક્તિને મનોમન આપણો શત્રુ માની લઈએ છીએ. વિદ્યાર્થી અવસ્થામાં ગૃહકાર્ય કરવામાં કોઈ મદદ ન કરે અથવા તો શાળામાં કોઈક નાનકડી ફરિયાદ કરે ત્યારે અંદર-અંદર શત્રુ માની લેવાય છે. આમાં ખાસ કરીને યુવાન અવસ્થામાં ઘણી વાર રોકટોક કરનારા પરિવારજનો પોતાના શત્રુ મનાય છે. વડીલોને ઘણીવાર કાર્યક્ષેત્રની અંદર સ્પર્ધાત્મક વાતાવરણના કારણે શત્રુભાવના ઉત્પન્ન થાય છે. આમ, એવાં ઘણાં પરિબળો છે કે જેના કારણે શત્રુભાવના વધે છે. પણ આપણા મનમાં આપણે જેને શત્રુ માનીએ છીએ શું એ જ સાચા શત્રુ છે?
લેખના પ્રારંભમાં આપણે ભગવાન શ્રીરામ અને રાવણનું ઉદાહરણ જોયું. હવે પાંડવો અને કૌરવોનો દાખલો જોઈએ. દુર્યોધન માટે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવો શત્રુ હતા, પણ તેના મૃત્યુનું કારણ શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવો હતા કે પછી તેનામાં રહેલો લોભ? એ જ રીતે કંસના મૃત્યુનું કારણ કૃષ્ણ ભગવાન હતા કે કંસનું અભિમાન? દૈત્ય હિરણ્યકશિપુ મરાયો તેની પાછળનું કારણ હતું તેનો અહંકાર. આમ, બાહ્ય શત્રુ તો કદાચ નિમિત્ત બને છે પણ આંતરિક સ્વભાવો જ મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. લોભ, અહંકાર, ક્રોધ, વાસના, ઈર્ષ્યા, કપટ વગેરે આંતરિક દોષો જ આપણી પ્રગતિમાં અવરોધ રૂપ બને છે. તે જ આપણા શત્રુઓ છે.
ગીતા કહે છે કે આ કામ-ક્રોધ રૂપી શત્રુઓ જ આપણી પાસે ન કરવાનું કરાવે છે. ખરેખર, અનેક જન્મોથી સંચિત આપણા આવા મલિન સ્વભાવો જ આપણા સાચા શત્રુ છે. આ શત્રુ આપણને દેખાતા નથી, જલદી ઓળખાતા પણ નથી, કારણ કે આ શત્રુઓ આપણી અંદર રહીને આપણા બની બેઠા છે. આ જ શત્રુઓ ધીરે ધીરે કરીને આપણને વિનાશ તરફ લઈ જાય છે. આ શત્રુઓ શુગરકોટેડ પોઈઝન જેવા છે. ધીરે ધીરે એ આપણા આખા શરીરમાં દુર્ગુણોનાં ઝેર ફેલાવ્યા કરે છે. આપણને આપણી આસપાસ ઘણા એવા દાખલા મળશે, જેમાં સમૃદ્ધિની ટોચ પર પહોંચેલા માણસો ક્ષણવારમાં અધોગતિના પંથે ચઢી જાય છે. ઊંડા ઊતરીએ તો આ જ કારણ મળશે- કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા વગેરે સ્વભાવો.
તો હવે બીજો પ્રશ્ન થાય કે આવા વિનાશકારી શત્રુઓનો વિનાશ કેવી રીતે કરવો? ભગવાન શ્રી રામ સાથે જેમનો જન્મદિવસ પણ ઊજવાયો એ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, સ્વભાવ ઉપર દુશ્મનાવટ રાખવી એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે.
હા, જેમ જેમ આપણે સ્વભાવ રૂપી શત્રુઓને પંપાળ્યા કરીશું તેમ તેમ એ વધુ ને વધુ બળવાન બનતા જશે. સ્વભાવ સાથે વેર બાંધીને ભગવાનની નિષ્ઠાના વિચારથી સ્વભાવ રૂપી શત્રુઓને હરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)