હજારો વર્ષની મહાન સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં જે સમયે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા તે સમયે ચીન પ્રાંતમાં એક સુધારકનો જન્મ થયો હતો. કુન્ગ ફુત્સુ અથવા કન્ફ્યુશિયસ એટલે કન્ફયુશિયસ ધર્મના સ્થાપક હતા. એક વખત ચીનના સમ્રાટે તત્વજ્ઞાની મહાત્મા કન્ફ્યુશિયસને પૂછ્યું, ‘આ જગતમાં સૌથી મહાન કોણ?’ કન્ફ્યુશિયસ કહે: ‘આપ… કારણ કે આપને સત્ય જાણવાની જિજ્ઞાસા છે.’ પછી સમ્રાટે બીજો પ્રશ્ન પૂછ્યોઃ ‘મારાથી મહાન કોણ? કન્ફ્યુશિયસ કહે, ‘હું, કારણ કે હું સત્યને ચાહું છું.’
સમ્રાટે આગળ પૂછ્યું કે, ‘તમારાથી મહાન કોણ?’ ત્યારે કન્ફ્યુશિયસે દૂર એક જગ્યાએ કૂવો ખોદી રહેલી વૃદ્ધા તરફ ઈશારો કરીને કહ્યું કે, ‘જુઓ, પેલી વૃદ્ધા મહાન છે, કારણ કે એ પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ બીજાના લાભ ખાતર પરિશ્રમ કરે છે.’
હવે જરા આ જૂની ને જાણીતી વ્યંગકથા જુઓઃ એક વડીલ પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ટ્રેન આવવાને વાર હતી એટલે સમય પસાર કરવા એ રામાયણ વાંચતા હતા. એમની બાજુમાં એક નવદંપતી બેઠેલાં. વડીલને રામાયણ વાંચતા જોઈ પતિ કહેઃ ‘અરે અંકલ, જરા અપડેટ થાઓ. રામાયણમાં શું વાંચવાનું?’
જવાબમાં વડીલે માત્ર સ્મિત કર્યું. ટ્રેન આવી. ભીડમાંથી માર્ગ કરી વડીલ ટ્રેનમાં ચડી ગયા. થોડી જ વારમાં ટ્રેન ઊપડી. બનવાકાળ ડબ્બામાં વડીલ ને પેલો અપડેટેડ યુવાન ભેગા થઈ ગયા. જો કે હવે યુવાન મજાકના મૂડમાં નહોતો. ઊલટું એ ટેન્શનમાં હતો, કેમ કે એ તો ડબ્બામાં જેમતેમ ઘૂસી ગયો, પણ પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ.
પરિસ્થિતિ પામી ગયેલા વડીલે કહ્યું, ‘ભાઈ, રામાયણ વાંચ્યું હોત તો તને ખબર હોત કે પુષ્પક (વિમાન)માં સીતાજી ચઢ્યાં પછી જ રામજી ચઢ્યા હતા.’ પેલો બિચારો શું બોલે?
રામાયણમાંથી મળતો આ બહુ મોટો બોધપાઠ છે. ભગવાન શ્રીરામ જ નહીં, પરંતુ દરેક મહાપુરુષોનાં જીવનમાં આ વાત સ્પષ્ટપણે જોવા મળે છેઃ હંમેશાં બીજાનો વિચાર કરવો. જેમ કન્ફ્યુશિયસે ગામ માટે કૂવો ખોદતી વૃદ્ધાને મહાનની પંક્તિમાં મૂકી હતી.
૧૯૭૧માં ઉનાળાની એક તપતી બપોરે નડિયાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નગરયાત્રા નીકળી હતી. તડકાથી રસ્તો ધખી રહ્યો હતો. કેટલાક સંતો નગરયાત્રામાં પગપાળા જોડાયેલા. એમાં એક સંતના પગમાં પગરખાં નહોતાં.
અચાનક તેમના નામની બૂમ પડી. પાછળ વળી એમણે જોયું તો પ્રમુખસ્વામી પોતાની મોજડી એ સંત તરફ ફેંકીને કહી રહ્યા હતા કે, ‘પહેરી લો, ઉઘાડા પગે ન રહેવું. પગ દાઝે તો આંખોનાં તેજ ઘટી જાય.’
સંતે મોજડી પહેરી લીધી. બે-ચાર મિનિટ પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો સ્વામીશ્રીએ પોતાની મોજડી આપી છે તેથી તરત કાઢી નાખી. એ જોઈ સ્વામીશ્રીએ કહ્યું, ‘પહેરી લો, હાથમાં પકડવા થોડી આપી છે?’
માત્ર ‘હું’ જ નહીં, પરંતુ જ્યારે ‘હું’ની સાથે આસપાસની વ્યક્તિનો વિચાર કરવામાં આવે ત્યારે જીવન ખરેખર મહાન બનતું હોય છે. સાચું પૂછો તો અનેક સમસ્યા માટે જવાબદાર આ ‘હું’ જ હોય છે. તમારી અંદર ‘હું’ આવે એટલે તમે સ્વાર્થી બની જાઓ અને દયા-લાગણીના ભાવ ધીરે ધીરે ઓછા થવા લાગે છે.
થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે આખો દિવસ આપણા જ વિચારો કરતા હોઈએ છીએ, પરંતુ ભગવાન શ્રીરામ કે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષો આપણને શીખવે છે કે પહેલાં બીજાનો વિચાર કરવો. પોતાનો વિચાર તો જીવ-પ્રાણી માત્ર કરે છે, પરંતુ જે બીજાનો વિચાર કરે છે તે જ મહાન છે. આપણા કારણે બીજાને તક્લીફ પડે એવું શું કામ થવા દેવું? આપણા અસ્તિત્વમાં આપણા સિવાય આપણી આસપાસના લોકોનો પણ ફાળો છે.
આપણે પણ મહાપુરુષોની જેમ આપણને સાથસહકાર આપનારાઓનો વિચાર કરીએ, એમનાં મોં પર સ્મિત લાવવાના પ્રયાસ કરીએ અને જીવન સુખકારી બનાવીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)