શું અસરકારક? ઠાલી વાણી કે અનુકરણીય વર્તન?

‘બોર્ડ એક્ઝામ્સ છે… સમજતો કેમ નથી? જરા સિરિયસ થા…’

‘હવે મોબાઈલ મૂક… કેટલી વાર તને કહ્યું કે મોબાઈલથી તારું ધ્યાન અભ્યાસમાંથી બીજે ભટકાઈ જાય છે?’

‘બસ, આ છેલ્લી વાર… આજ પછી હું તને કંઈ કહેવાનો નથી. જે કરવું હોય એ કરજે… નપાસ થશે એટલે ચણા- શીંગ-મમરાની દુકાન ખોલી આપીશ.’

આજકાલ વિવિધ રાજ્યોમાં બોર્ડ એક્ઝામ્સ ચાલી રહી છે તે વચાળે આવા સંવાદ ઘરેઘરમાં સાંભળવા મળે છે. મોટા ભાગે માણસ માત્રને બીજાને સમજાવવા-સુધારવાનો આગ્રહ સતત રહ્યા કરે છે. આ માટે તે સતત શસ્ત્ર ઉપાડે છે— શબ્દોનું.

અહીં લખ્યા તેવા શબ્દપ્રયોગો દ્વારા આપણે સામેવાળી વ્યક્તિ પર વારે વારે હુમલા બોલાવી દઈએ છીએ, પણ પરિણામ લગભગ આપણી અપેક્ષા સુધી પહોંચતું નથી. જેમ કે, તમે સંતાનોને મોબાઈલથી ટીવીથી દૂર રહેવા સમજાવો છો, પણ તમે પોતે કેટલો સમય એનાથી અળગા રહી શકો છો, એ ક્યારેય વિચાર્યું છે?

મહાપુરુષો આવા કોઈ પણ શસ્ત્રનો પ્રયોગ કર્યા વિના કેવળ પોતાના વર્તન દ્વારા જ કહેવાનું ઘણું બધું કહી દે છે. ભારતમાં અંગ્રેજોનું રાજ હતું, તે સમયની વાત છે. અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશ તરીકે અંગ્રેજ અફસર કિન્લૉક ફાર્બસની નિમણૂક થઈ. આ અંગ્રેજે અમદાવાદમાં આવીને કવિશ્વર દલપતરામની પાસે ગુજરાતી ભાષા શીખવી શરૂ કરી. સામા પક્ષે, તેઓ કવિશ્વરને ગુજરાતી સાહિત્યમાં રચના કરવા પણ પ્રોત્સાહિત કરતા. ધીમે ધીમે બંનેની મૈત્રી ગાઢ થતી ગઈ.

એક વખત આ બંને મહાપુરુષોને સુરતના નવાબ સાહેબે મિજલસમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું, ફાર્બસે દલપતરામને કહ્યું કે, ‘મિજલસમાં આપણે બંને સાથે જઈશું. પણ દલપતરામે કહ્યું કે, ‘ત્યાં તો બીભત્સ નાચ-ગાન હોય. હું તે જોતો નથી.’ ફાર્બસ વિચારમાં ઊંડા ઊતરી ગયા. વિચારના અંતે તેમણે પણ મિજલસમાં ક્યારેય ન જવાનો નિર્ણય લીધો. આ છે વર્તનની અસર.

સામાન્ય રીતે આપણે આપણા વિચારો સાથે એટલા બધા લાગણીથી જોડાઈ જઈએ છીએ કે આપણે ગમે તેમ કરીને આપણી વાત સામેવાળાના મનમાં ઠસાવવાના પ્રયત્નો આદરીએ છીએ. આ માટે શરૂ થયેલો સહજ વાર્તાલાપ ક્યારેક ઉગ્ર ચર્ચા સુધી પહોંચે છે. પ્રતિપક્ષીને પોતાના પક્ષે ભેળવવા માટે શરૂ થયેલી આવી ચર્ચા મોટા ભાગે પરિણામ લાવવામાં નિષ્ફળ નીવડે છે. ક્યારેક આવી ચર્ચા મિત્રો વચ્ચે મોટી તિરાડ પણ સર્જી દે છે. એની સામે શુદ્ધ આશયથી થયેલું નાનું એવું વર્તન પણ કેટલી સહજતાથી સામેવાળાના હૃદયમાં સત્પ્રેરણાનું ઝરણું વહાવી શકે છે.

ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના પરમહંસોને શીખ આપી હતી કે, ‘તમે વર્તન શુદ્ધ રાખજો. તમારું વર્તન વાતું કરશે.’ ભગવાન સ્વામિનારાયણનાં વચનોને જીવનારા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ આ ગુણ ઊડીને આંખે વળગે એવો રહ્યો છે.

પ્રસંગ છે સન ૧૯૬૭ની સાલનો. સૌરાષ્ટ્રના ગોંડલ નગરમાં ગુરુ યોગીજી મહારાજના ૭૫મો જન્મજયંતી મહોત્સવની પૂર્વતૈયારીની સેવામાં પ્રમુખસ્વામી મહારાજ જોડાયા હતા. એક વખત બન્યું એવું કે તેઓ નિર્માણ પામી રહેલી હોસ્ટેલનું બાંધકામ જોવા માટે નીકળ્યા હતા. સમયામાં આ ભવન પણ ઉપયોગમાં હોવાથી લેવાનું બાંધકામ સમયસર પૂર્ણ થાય એ આવશ્યક હતું ગુરુકુળના આ ભવનનો બીજા માળે આવેલા પ્રાર્થનાખંડમાં લાદી બેસાડવાનું કામ મુંબઈના લવજીભાઈ સંભાળતા. પ્રમુખસ્વામી મહારાજે તેમને પૂછ્યું: ‘કામ કેવું ચાલે છે?

લવજીભાઈ કહે, ‘ચાર-પાંચ દિવસોથી લાદીઓ ઉપર ચડાવીને મજૂરોના હાથમાં ચાઠાં પડી ગયાં છે તેથી એ કામ અટકાવીને બેઠા છે. લાદીઓ ઉપર ચડાવવાની ના પાડે છે.’

પ્રમુખસ્વામી મહારાજે વિચાયું કે આપણે જાતે જ આ કાર્ય ઉપાડી લઈએ. તેઓ ત્યાં ગયા. કોઈને, કંઈ કહ્યા વગર લાદીઓની થપ્પી પોતાના માથા પર ઉપાડી અને બીજે માળે જઈને ઉતારી. આ તરફ લવજીભાઈને વિશ્વાસ નહોતો આવતો કે, જેમના એક ઈશારે કેટલાય લોકો સેવાને સમર્પિત થઈ જાય એવા સમૈયાની વિર્કિંગ કમિટીના અધ્યક્ષ પોતે માથે લાદીઓ ઉપાડીરહ્યા છે?! પ્રમુખસ્વામી મહારાજે કોઈને નાનીસરખી ટકોર પણ ન કરી. આ નિરપેક્ષ સેવાની અસર એ થઈ કે તેઓને જોઈને અન્ય ભક્તો પણ સેવાસ્થળે દોડી આવ્યા અને લાદીઓ ઉપર ચડાવવા લાગ્યા.

આવા પ્રસંગોની શૃંખલાઓને લીધે જ કદાચ અંગ્રેજીમાં કહેવત પડી હશે કે, યૉર ઍક્શન સ્પીક લાઉડર ધેન યૉર વર્ડ્સ અર્થાત્ વર્તનનો અવાજ એવડો મોટો હોય છે કે વાણીનો ધ્વનિ એમાં દબાઈ જાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)