સંસ્કાર… આ એક એવો શબ્દ છે, જે આપણે અવારનવાર વાંચીએ, સાંભળીએ, બોલીએ છીએ, પણ સંસ્કાર શબ્દનો સાચો અર્થ શું? થોડા સમય પહેલાં એક સમાચાર વાંચવામાં આવેલા કે મહાનગરોમાં લેવાતા છૂટાછેડામાં સાઠ કે એથી મોટી વયનાં પતિ-પત્નીની સંખ્યા નોંધનીય છે. સમાજશાસ્ત્રીઓએ આનો અભ્યાસ કર્યો અને જે કારણ મળ્યાં એ હાસ્યાસ્પદ હતાં. જેમ કે, પતિને ફાસ્ટ પંખો જોઈએ તો પત્નીને સ્લો. કોઈએ કહ્યું કે સ્પાઉસ (જીવનસાથી)ની વાણીમાં કડવાશ આવી ગઈ છે, જીવનસાથીની વસ્ત્રોની પસંદગી રેઢિયાળ થઈ ગઈ છે, રસોઈ પહેલાં જેવી બનતી નથી…
આ બધાં કારણ એ બીજું કંઈ નહીં, પણ સંસ્કારની ખામી છે. હું કહું એમ જ થવું જોઈએ. પંખો તો આ જ સ્પીડ પર રહેશે, હું તો આમ જ બોલીશ… આ હું, મેં મારું એ બીજું કંઈ નહીં, પણ સૌથી મોટા કુસંસ્કાર છે… અને, તમે ઍડજસ્ટ થઈને જીવો એ સુ-સંસ્કાર. અહંશૂન્યતાના સંસ્કાર એ દરેક સંસ્કારની જનની છેઃ ઈટ ઈઝ ધી મધર ઑફ ઑલ વર્ચ્યુસ.
એક વાર પૂજ્ય પ્રમુખસ્વામીને કોઈએ પત્ર લખીને પ્રેમાગ્રહ કર્યો કે પત્રનો ઉત્તર આપો તો એમાં એક વાક્ય અંગ્રેજીમાં લખજો. સ્વામીજીએ એમને પ્રત્યુત્તર પાઠવી નીચે લખ્યું, “આઈ બ્લેસ યુ.”
તે વખતે સ્વામીજીનું કોઈ સંતે ધ્યાન દોર્યું કે “સ્વામી, આમાં આઈ તમે નાનો લખ્યો. અંગ્રેજી ગ્રામરના નિયમ પ્રમાણે પહેલો અક્ષર કૅપિટલ હોવો જોઈએ, આઈ કૅપિટલ હોવો જોઈએ.”
મંદ સ્મિત કરતાં સ્વામીએ કહ્યું કે “એ બરાબર, પણ જીવનમાં હંમેશાં આઈ નાનો જ રાખવો. તો સદા સુખી રહેશો.”
આમ, આઈ સ્મૉલ રાખવો એ સંસ્કાર છે. અને ધારો કે કોઈને આઈ મોટો રાખવાની ટેવ હોય તો એણે સમજી લેવાની જરૂર છે કે આ પૃથ્વી પર એની આસપાસ કે સમાજમાં દર ત્રીજી વ્યક્તિ એનાથી મોટી હોય જ છે, તમારા કરતાં બુદ્ધિશાળી, તમારા કરતાં વધારે આવડતવાળી હશે જ. તમે જેમ ઈચ્છો કે તમારી બુદ્ધિમતાની કદર કરી તમને માનપાન મળવાં જોઈએ તો બીજાની બુદ્ધિને, બીજાની કુનેહને બિરદાવી એને માનસમ્માન આપવાં એ સંસ્કાર છે. એ વ્યક્તિ બાળક હોઈ શકે, યુવાન હોઈ શકે, વડીલ હોઈ શકે, સમાજના કોઈ પણ વર્ગમાંથી આવતી હોઈ શકે.
બીજા એક મહત્વના સંસ્કાર એટલે સ્વજાગૃતિ. સેલ્ફ અવેરનેસના સંસ્કાર. હું ક્યાં છું, શું કરું છું, શું બોલું છું, મારી આસપાસ કોણ છે, આ બધાંની જાણકારી હોવી એ પણ એક સંસ્કાર છે. મારાં વાણીવર્તનની અસર શું થશે, મારા વિશે બીજા કેવો અભિપ્રાય બાંધશે મારાથી એવું કોઈ વર્તન ન થઈ જાય, એવાં કોઈ વેણ ઉચ્ચારાઈ ન જાય, જેનાથી મારા કુટુંબને, સમાજને, દેશને નુકસાન પહોંચે. આનું જાણપણું હોવું એ સંસ્કાર. પૂજ્ય પ્રમુખસ્વામીના ધામગમન બાદ ગાંધીનગરમાં એમની શ્રદ્ધાંજલિ સભા હતી. આ સભામાં ગુજરાતના એક બહુ જ મોટા ગજાના આગેવાને પોતાના વક્તવ્યમાં કહ્યું કે “હું 40 વર્ષથી પ્રમુખસ્વામીને જોતો હતો. એમણે કંઈકેટલા સામાજિક, રાજકીય કે દેશને સ્પર્શતા મુદ્દા વિશે પોતાના અભિપ્રાય આપ્યા હશે, પણ એમણે ક્યારેય એક પણ શબ્દ એવો ઉચ્ચાર્યો નહીં કે જેનાથી કોઈને ઠેસ પહોંચે, જેનાથી વિવાદ ઊભો થાય. વિચાર કરો, સિત્તેર વર્ષના જાહેર જીવન દરમિયાન એક પણ વાક્ય વિવાદ થાય એવું નથી બોલવું કે એવું વર્તન ન કરવું એ કેટલી મોટી વાત! કેવા સંસ્કાર!
કહેવાનું એટલું જ કે કંઈ પણ કરતી વખતે, બોલતી વખતે સેલ્ફ અવેરનેસ હોવી જ જોઈએ. તમે કોણ છો? અત્યારે ક્યાં છો? કોની સમક્ષ બોલી રહ્યા છો?
બસ તો, અહંશૂન્યતા અને સ્વજાગૃતિ આ બે સંસ્કાર અપનાવશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)