આમ રચો સ્નેહીજનો સાથે હૃદયસેતુ

અમેરિકામાં જૉની કેશ નામનો એક બહુ મોટા ગજાનો ગાયક થઈ. તેણે તેના જીવનકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયાં. અમેરિકામાં મ્યુઝિક ક્ષેત્ર માટે અત્યંત પ્રતિષ્ઠિત ગણાય એવો ગ્રેમી એવૉર્ડ પણ મેળવેલો. ૧૯૬૧માં એક જ વર્ષમાં જૉનીએ ૨૯૦ લાઈવ કન્સર્ટ્સ કરેલા, જેમાં દસ લાખ લોકો સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહેલા.

અમર્યાદ ધનસંપત્તિ, પ્રતિષ્ઠા, વાહવાહથી જૉની ડ્રગ્ઝનો બંધાણી થઈ ગયો. વધુ પડતી ગોળીના સેવનથી એનું ગળું સુકાઈ જતું, એ ગાઈ શકતો નહોતો, સાઠેક કિલો વજન ઊતરી ગયું. પોલીસ કસ્ટડી, હૉસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટરમાં એની આવનજાવન ચાલુ રહેતી. ચોમેરથી હતાશ થયેલા જૉનીએ ટેનેસીની ખતરનાક નિકાજેક ગુફામાં અથડાઈ-કૂટાઈને જીવનનો અંત આણી દેવાનું નક્કી કર્યું. આ ગુફા એવી અડાબીડ અને અટપટી છે કે એમાં ગયેલો પાછો ભાગ્યે જ આવી શકે. જૉની કેશ કેલિફોર્નિયાથી ટેનેસી ગયો. અંધારી ગુફામાં કલાકો સુધી રઝળીને મૃતઃપ્રાય થઈને તે ઢળી પડ્યો, પરંતુ અથડાતો-કૂટાતો અચાનક એ ગુફાની બહાર આવી ગયો. તે સમયે પોતાની માતા અને પત્ની જૂન કાર્ટરને ત્યાં ઊભેલાં જોયાં. સૌ જૉનીની ભાળ કાઢતાં આવી પહોંચેલાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. આવું શું કામ કર્યું એ વિશે એક શબ્દ નહીં.

આવાં સ્નેહ-સંભાળે શું જાદુ કર્યો તેનું બયાન આપતાં જૉની લખે છે કે મારી પત્ની, માતાના સ્નેહે મને હિંમત આપી. હું જ્યારે એકલવાયો અને ઓરમાયો થયો ત્યારે તેમણે મને પ્રેમ આપ્યો છે.’ આમ, પત્ની અને માતાના સ્નેહે તે કલાકારને બચાવી લીધો. તેની ડ્રગની લત છૂટી ગઈ અને જીવન પુનઃ સીધી લીટીમાં આવી ગયું. 2003માં 72 વર્ષની વયે એનું અવસાન થયું.

ઉપરોક્ત સત્યઘટનામાં ‘પ્રેમ’ની તાકાત દેખાય છે. જેમ્સ ઓટ્રાય યથાર્થ બોલ્યા છે કે, ‘સ્નેહભરી સંભાળ એક આખી દુનિયા બદલી શકે છે. એ દુનિયા ભલેને યુવાનની જ કેમ ન હોય?’ કહ્યું છેને કે બાય અ સ્વીટ ટંગ ઍન્ડ કાઈન્ડનેસ, યુ કૅન ડ્રૅગ ઍન એલિફન્ટ વિથ હૅર અર્થાત્ જો મમતા હોય તો હાથી જેવા હાથીને કાચા સૂતરના તાંતણે દોરી શકાય.

ન્યુ જર્સીમાં રહેતા એક યુવાનનાં લગ્ન માતા-પિતાએ દેશની એક સુકન્યા સાથે ધામધૂમથી કરાવ્યાં, પણ લગ્ન પછી એ યુવાને પત્નીને અમેરિકા લાવવાનો સાફ ઈનકાર કરી દીધો. મા-બાપ, સગાંવહાલાં સમજાવીને થાક્યાં. સંયોગથી એ અરસામાં જ ન્યુ જર્સીમાં જ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ‘ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ’ કલ્ચરલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા યોજાયો. પેલો યુવાન ઉત્સવ પ્રસંગે સ્વામીશ્રીના સંપર્કમાં આવ્યો. સ્વામીશ્રીના સ્નેહ અને સૌહાર્દમાં એ યુવાન ભીંજાયો. એક સાંજે સ્વામીશ્રીએ તેને લગ્ન બાબત પૂછ્યું ત્યારે તેણે કહ્યું : ‘આપ કહો તે કરવા તૈયાર છું. આપના આશીર્વાદ હોય તો હું તેને બોલાવીશ.’ આમ, સ્નેહના જાદુથી એક પેચીદો પ્રશ્ન પળમાં પીગળી ગયો.

સાચું જ કહેવાયું છે કે જે હૃદયમાંથી નીકળે છે તે હૃદયસોંસરવું ઊતરે છે. તમે કોઈ વાર આ વાત જાતે પણ અનુભવી હશે. ઘણા લોકો એવા હોય છે, જેમની સાથે વાત કરીને એવું લાગે કે તે આપણી સાથે જાણે દિલથી વાત કરી રહ્યાં છે. એમના દિલમાંથી નીકળેલો એક એક શબ્દ સામેવાળાના દિલમાં ઊતરી જાય, એ શબ્દોને ગ્રહણ કરવાનું તેને અનુસરવાનું ખરેખર મન થાય. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ આપણે પણ આપણાઓ પ્રત્યે હૃદયનો સેતુ રચીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)