ઈશ્વરરચિત આ સૃષ્ટિમાં વિચાર અને લાગણી એટલે સંવેદનાઓની જુગલબંધી. આવી જુગલબંદી માત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો બુદ્ધિની નીપજ છે, જ્યારે સંવેદના હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય, પણ તે ક્ષણિક હોય છે, જ્યારે અન્યો માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના-સંવેદનાથી સદભાવ જન્મે થાય છે, જે અન્યોનાં હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે. મોટા ભાગે બુદ્ધિ અંગત સુખ-સુવિધાનો જ વિચાર કરે છે, જ્યારે હૃદયની સંવેદના અન્યોની વેદના-પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે આઈ એમ નોટ અ હેન્ડસમ ગાય, બટ આઈ કેન ગિવ માય ‘હેન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.
બીજાના હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો જ પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે અને તેમાંય, કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ “પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ’ ‘પરનું હિત જેવો બીજો કોઈ ધર્મ નથી. ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે.
ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર એમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. નાનકનું હૃદય ભાવાદ્ર થઈ ગયું. તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું- ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’
તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે, “બેટા, આ પૈસા તું ક્યાંથી લાવ્યો?’
ગુરુ નાનકે કહ્યું, પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’
સાધુએ કહ્યું: ‘તો પછી વેપાર માટે જ વાપરને. અમને શું કેમ આપે છે?’
તે સમયે ગુરુ નાનક સહસા જ બોલી ઊઠયા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા તેના કરતાં વધુ સારો વેપાર કર્યો?’
ખેર, આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહી, પરંતુ મૂક અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.
1987માં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. તે વખતે પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પ શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળ તથા ગૌશાળામાં પણ બનતી મદદ કરવી શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારે પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું. આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શીલાલેખ સમાન કોતરાયેલી છે.
દુષ્કાળના એ દિવસો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ બોટાદ પાસેના તીર્થધામ સારંગપુર ખાતે રોકાયા હતા. નિત્યક્રમ મુજબ, રોજ સાંજે તેઓ મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા. એક વાર તેમણે ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવીને પૂછ્યું કે “આ વર્ષે ચીકુ ખૂબ આવ્યાં છે. આ ચીકુનું શું કરો છો?’ વાડી સંભાળનાર સંતે કહ્યું, “ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતાં રાખીને બીજાં બજારમાં મોકકલી આપીશું.”
ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તે કહ્યું, ‘જુઓ, બધાં ચીકુ ઉતારી લેવાનાં નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય તેથી બિચારાં પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ રાખી મૂકવાં અને પાણી ભરેલાં કૂંડાં પણ રાખવાં, જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.
કોઈ ચિંતકે કહ્યું છે કે, કોઈના ભાણાનું (થાળીનું) પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ. આપણા સનાતન હિંદુ ધર્મના શાસ્ત્રો આપણને આવી સર્વોતકૃષ્ટ ભાવના શીખવે છે.
ઉપનિષદ્ કહે છેઃ બીજા માટે ત્યાગ કરીને ભોગવો (ગ્રહણ કરો). આ આપણી સંસ્કૃતિ છે. આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદના આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેમની જીવનશૈલી છે. તેમના પગલે પગલે આપણે પણ સંવેદનાના અગાધ સમુદ્રમાં અવગાહન કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)