ટિક્ ટિક્ ટિક્…. નીરવ શાંતિમાં દીવાલ પર ટિંગાયેલી ઘડિયાળના કાંટાનો ધ્વનિ કાનમાં પડઘાય છે. આ કાંટા ક્ષણો વીણતા રહે છે તો દીવાલ પર લટકતું કૅલેન્ડર તારીખ-વાર સરકાવતું રહે છે. સ૨કતા સમયની સાથે સાથે સંસારમાં એક દૌડ ચાલે છેઃ સંબંધ ખરડાવવાની, માણસાઈને મરોડવાની, પોતાને જિતાડવાની… પછી ભલે એ મેળવવા બીજાને પછાડવા પડે.
આજે અમીર થવાની ઘેલછામાં, પદ અને પ્રતિષ્ઠાની મહેચ્છામાં માનવસંબંધો તૂટવા લાગ્યા છે, લાગણીથી જોડાતા માણસો લાગણીશૂન્ય થતા જાય છે, પરંતુ યાદ રાખીએ કે જિંદગીની ઝાકઝમાળમાં એકલતા, હતાશા કે નિરાશાથી બચવાનો ઉપાય સ્નેહ, લાગણી અને સંવેદના છે. સંવેદનાથી દુઃખ સામે લડવાનું બળ મળે છે.
અમેરિકામાં જૉની કૅશ નામના ગાયકે પોતાના જીવનકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયાં, સંગીત ક્ષેત્રનો અતિ મૂલ્યવાન ગ્રેમી એવૉર્ડ મેળવ્યો. લાખો લોકો એને સાંભળવા લાઈવ કન્સર્ટમાં ધક્કમુક્કી કરતા. 1932માં જન્મેલો જૉની માત્ર પચીસ વર્ષની ઉંમરે લખલૂટ પૈસા-પ્રસિદ્ધિ અને સતત મળતા અટેન્શનથી છકી જઈને ડ્રગ્સના ફંદામાં ફસાયો. ૧૯૫૭નું એ વર્ષ હતું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ડ્રગ્સના કારણે ધીરે ધીરે એની પડતી શરૂ થઈ. જેલના અને હૉસ્પિટલના, રિહેબિલિટેશન સેન્ટરના ધક્કા ચાલુ થઈ ગયા, મિત્રોએ સાથ છોડી દીધો.
છેવટે જૉનીએ એક નિર્ણય લીધો. એણે ટેનેસી રાજ્યમાં આવેલી નિકાજેક કેવ્સમાં અથડાઈ-કૂટાઈને જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું. આ બિહામણી ગુફામાં ઘણાએ પ્રાણ ખોયા છે. જૉની અંધારી ગુફામાં ગયો, અથડાતોકૂટાતો મૃતપ્રાય થઈને ઢળી પડ્યો. થોડા સમય પછી એ ભાનમાં આવ્યો તો એણે ફરી ગુફામાં અથડાવાનું શરૂ કરી દીધું. ચાલતાં-ચાલતાં ચમત્કારિક રીતે એ ગુફાની બહાર આવી ગયો. સામે તેની માતા અને પત્ની જૂન કાર્ટર ઊભાં હતાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. ઘરે લઈ જઈ તેની દેખભાળ કરવા લાગ્યાં. 2003માં 71 વર્ષની વયે એનું અવસાન થયું. જૉનીએ એની આત્મકથામાં નોંધ્યું કે ‘આજે હું જીવતો છું તેનું કારણ મારી માતા અને મારી પત્નીએ આપેલો પ્રેમ છે. હતાશામાં હિંમત અને એકલતામાં પ્રેમ આપ્યો.’ ટૂંકમાં પત્ની અને માતાએ લીધેલી સંભાળ, સંવેદનાએ એક કલાકારને મૃત્યુ અને ડ્રગ્સના વ્યસનમાંથી બચાવી લીધો.
અમેરિકાની કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી નામની સંસ્થાએ માણસની સફ્ળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા દસ હજાર વ્યક્તિ પર રિસર્ચ કરીને તારણ કાઢ્યું કે, વ્યક્તિની સફ્ળતાનો ૧૫ ટકા આધાર તેની બુદ્ધિ, આવડત પર છે, જ્યારે ૮૫ ટકા સ્નેહાળ સંબંધ, સંવેદના, લાગણી પર છે. આપણા પરિવારજનો, મિત્રો, આપણી સાથે કાર્ય કરતા સાથીઓનો આદર પ્રાપ્ત કરવો હોય તો, તેની લાગણી અને તેની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી પ્રવૃત્તિ કરીશું તો જ સામી વ્યક્તિનું માનસ અને વલણ બદલાશે. લાગણીના સ્વીકાર દ્વારા આપણે લોકોનો આદર પ્રાપ્ત કરી શકીએ છીએ.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન કરેલા દરેક કાર્ય લાખો સ્વયંસેવકો અને હજારો સંતોને સાથે રાખી કર્યાં છે. ક્યારેય કોઈનામાં મનભેદ કે મતભેત નથી થયા. કારણ? તેમણે જે તે વ્યક્તિઓને પ્રેમ, હૂંફ આપ્યાં, તેમની સંભાળ રાખી, તેના વિચારોને સમજી અને સ્વીકારી, તેમની ભૂલોને અવગણી જે તે કાર્યના નિષ્ણાત બનાવ્યા છે. જેના કારણે આજે આપણે બીએપીએસ સંસ્થાનાં કાર્યો, પ્રગતિ જોઈએ છીએ.
હૂંફાળાં સંબંધ, સ્નેહ અને લાગણી તો રત્ન જેવાં છે. જોઈને સૌ કોઈ વિસ્મય પામેઃ કેટલાં સુંદર છે, પણ તે બનતાં કેટલો સમય લાગ્યો હશે તે કોઈ નથી સમજી શકતું. સમજાય છે એના માટે પ્રગતિના દરવાજા આપોઆપ ખૂલી જાય છે. હવે નિર્ણય આપણા હાથમાં કે આપણે સંબંધો કેવા બનાવવા છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)