1857માં જર્મનીના (હાલ ફ્રાન્સમાં) સ્ટ્રાસબર્ગ શહેરમાં એક પાદરીના ઘરે જન્મેલા ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર 1950ના દાયકાના આરભમાં આફ્રિકાના જંગલના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ રક્તપીત્તિયાઓની સેવા કરી રહ્યા હતા અને એમને માટે એક વસાહત બાંધી રહ્યા હતા. એક દિવસ એ વસાહતમાં રક્તપીત્તિયાઓ માટેની હૉસ્પિટલનું છાપરું બાંધી રહ્યા હતા તે વખતે સ્વીડનથી એક મહત્વની વ્યક્તિ એમને ખાસ કામસર મળવા આવી. એમણે હરખભેર કહ્યું, ‘ડૉક્ટર, હું સ્ટૉકહોમથી આવું છું. મારે તમારી સાથે… ‘
એમનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડૉક્ટરે કહ્યું, ‘સારું થયું તમે આવ્યા… બહુ ટાઈમસર આવ્યા. એક કામ કરોને- આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો? કારણ કે એક હાથે પતરું પકડીને બીજા હાથે ખીલા મારવાનું મને ફાવતું નહોતું.’
પોતાનો ઉમળકો શમાવીને પેલી સ્વીડનવાસી વ્યક્તિએ ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઈ રહ્યા પછી ડૉ. શ્વાઈત્ઝરે કહ્યું, ‘હવે બોલો. શીદ આવવું પડ્યું?’
પેલી વ્યક્તિએ કહ્યું, ‘ડૉક્ટર! નૉબેલ પારિતોષિક સમિતિએ મને મોકલ્યો છે. આપ સ્ટૉકહોમ પધારો અને આ વર્ષનું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતી છે.’
ડૉક્ટરે સહજભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યું, ‘હું આવીશ, પણ હમણાં નહીં. મારે આ મકાન તૈયાર કરવાનું છે. દર્દીઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.’ એટલું બોલી ડૉક્ટર શ્વાઈત્ઝર પાછા પતરાં બેસાડવાના કામમાં લાગી ગયા.
1952માં ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝરને શાંતિ માટેનું પારિતોષિક મળ્યું, જેમાં 33,000 અમેરિકન ડૉલરની રોકડ રકમ પણ હતી. તે સમયમાં ઘણી જ મોટી ગણાય એવી પુરસ્કારની આ રકમ એમણે લેપ્રસી કોલોની બાંધવામાં તથા હૉસ્પિટલનું વિસ્તરણ કરવામાં ખર્ચી નાખી. જીવનના અંત સુધી, લગભગ પચાસ વર્ષ તેમણે માનવસેવામાં વિતાવ્યાં.
તમે શું કામ કરો છો, એ એટલું મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે સોંપાયેલું કામ તમે કઈ ભાવનાથી કરો છો. પછી ભલેને કાર્ય સાવ સામાન્ય હોય, પણ જો તમે તે ઉત્સાહ અને ઊમંગ સાથે પૂરા દિલથી કરો તો તે પણ મહાન જ છે.
મહાપુરુષોના જીવનમાં આ સિદ્ધાંત મૂર્તિમાન જોવા મળે છે. અમેરિકન સમાજસેવક માર્ટિન લુથર કિંગે કહ્યું છે કે, ‘માણસના નસીબમાં જો રસ્તા સાફ કરવાનું લખ્યું હોય તો એ સાફસૂફી એવી રીતે કરવી, જાણે માઈકલ એન્જેલો એનું શ્રેષ્ઠ પેઈન્ટિંગ બનાવતો હોય અથવા બિથોવન સંગીત કંપોઝ કરતા હોય અથવા શેક્સપિયર કવિતા લખતા હોય. રસ્તો એવી રીતે સાફ વાળવો-ઝૂડવો કે દેવતાઓ પણ બોલી ઊઠે- ‘અહીં કોઈ મહાન શેરી વાળવાવાળો રહેતો હશે.’
આજે વિશ્વમાં હાફ-હાર્ટન્ડ્નેસનો બહુ જ મોટો પ્રશ્ન છે. માણસ કામ તો કરે છે, પણ કરવું પડે છે એટલે કરું છું એવા ભાવથી. કંટાળા સાથે અને રસ વિના, મનને મારીને. એ જે કાર્ય કરે છે, તેમાં એને કોઈ ને કોઈક ફરિયાદ રહેતી હોય છે. આથી જ સમય અને શક્તિનો વ્યય કરવા છતાં તેને જોઈએ એવું પરિણામ નથી મળતું. આના બદલે જો તમે સ્વીકારી લો કે મારે આ કામ કરવાનું જ છે અને વિચારો કે આ હું સારી રીતે કેમ કરી શકું તો કંટાળો નહીં આવે.
મહાપુરુષોની આ જ વિશેષતા છે કે તેઓ પ્રત્યેક કાર્ય હોલહાર્ટેડલી અર્થાત્ દિલથી કરે છે. આથી, તેઓ દ્વારા થતું પ્રત્યેક કાર્ય સકારાત્મક આંદોલનો સર્જે છે.
જગતનો પ્રત્યેક નાગરિક જો મહાન પુરુષોએ ચીંધેલા આ માર્ગને અનુસરે તો આ જગ કેટલું સુંદર બની જાય?
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
