માનવસંબંધોને ધ્વસ્ત કરતા મિસાઈલને ઓળખો…

આ મહિનાના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ નિર્ણય લઈને પહલગામ હત્યાકાંડનો જવાબ આપવાનું નક્કી કર્યું. તે પછી આપણી ભારતીય સેનાની ત્રણેય પાંખે ખભેખભા મિલાવીન ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો, પીઓકે તથા પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સમાં રહેલા આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા. પાકિસ્તાને વળતા હુમલાની કોશિશ કરી, પણ દર વખતે ભારતે તેને નિષ્ફળ બનાવ્યા, જેનું કારણ છે આપણી હાઈ ટેક ડિફેન્સ સિસ્ટમ. એમાંય યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાનના છમકલા વખતે સ્વદેશી “આકાશ” મિસાઈલ સિસ્ટમની વિગત પ્રકાશમાં આવી.

શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ “આકાશ” જમીન પરથી જ ડ્રોન, મિસાઈલ, હેલિકોપ્ટર અને ફાઈટર જેટ્સ જેવા દૂશ્મનના હવાઈ ટાર્ગેટનો પળવારમા નાશ કરી શકે છે. બાહોશ વિજ્ઞાની ડો. પ્રહલાદ રામરાવે પંદર વર્ષની જહેમત બાદ “આકાશ-મિસાઈલ સિસ્ટમ” વિકસાવી.

-અને રસપ્રદ વાત એ કે પ્રખર વિજ્ઞાની તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે જ ડો. પ્રહલાદ રામરાવનું હીર પારખી એમને “આકાશ-પ્રોજેક્ટ”ની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી. બાળકો, કિશોરો, યુવાનોના હીર પારખી એમને ભવિષ્યની મોટી જવાબદારીઓ માટે સજ્જ કરનારા ડો. કલામ કેવી માટીના બન્યા હશે? આ પ્રસંગ જુઓઃ

1980ના દાયકામાં ડો. કલામ એક મોટા પ્રોજેક્ટ પ૨ આશરે સિત્તેર જેટલા વિજ્ઞાનીઓ સાથે કામ કરી રહ્યા હતા. એક દિવસ આમાંના એક વિજ્ઞાનીએ તેમને વિનંતી કરી કે, “આપણા શહેરમાં એક સાયન્સ એક્ઝિબિશન આવ્યું છે અને મેં મારા બાળકોને એમા લઈ જવાનું પ્રોમિસ આપ્યું છે. તો, આજે સાંજે થોડો વહેલો ઘરે જઈ શકું?”

ડો. કલામે તરત હા પાડી. પણ, વિજ્ઞાની એમના કામમાં એવા પરોવાઈ ગયા કે મોડી સાંજ સુધી નવરા જ ન પડ્યા. રાતે આઠેક વાગ્યે મનમાં ખેદ લઈને એ ઘરે પહોંચ્યા. ઘરમાં બાળકોનો કિલકિલાટ સંભળાયો નહીં, એટલે એમણે કુતૂહલવશ પત્નીને પૂછ્યું કે, “બાળકો ક્યાં છે?”

પત્નીએ કહ્યું કે, “તમારા ઉપરી અધિકારી આવ્યા હતા. એ બાળકોને સાયન્સ એક્ઝિબિશન જોવા લઈ ગયા છે.”

એ ઉપરી અધિકારી એટલે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ.

કોઈએ સાચું જ કહ્યું છેઃ “કામથી વિશેષ વ્યક્તિની ગણના કરે એ સાચું નેતૃત્વ.” ડો. કલામે જોયું કે પેલા વિજ્ઞાની કામના લીધે બાળકોને આપેલું પોતાનું વચન ભૂલી જશે અને પિતા-પુત્રના સંબંધ અસરગ્રસ્ત થશે આથી એ પોતે તેના બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા.

ઘણી વાર માણસ પોતાનામાં એટલો બધો ડૂબેલો રહે છે કે એ બીજાને સમજી નથી શક્તો. ફળ સ્વરૂપે, માણસ લૌકિક સફળતા પામ્યા પછી પણ માનવસંબંધોમાં નિષ્ફળ જાય છે, પણ મહાપુરુષો આપણને સમજાવે છે કે, હંમેશા કામ કરતા વ્યક્તિને અગ્રક્રમ આપવો જોઈએ.

આજે કુટુંબોમાં થતા નાનામોટા ઝઘડાઓની પાછળ ક્યાંક ને ક્યાંક આ જ કારણ રહેલું છે. મહદંશે આપણા ઝઘડાના મૂળમાં જશો તો તારણ નીકળશે નબળા પાયા પર રચાયેલા માનવસંબંધ. નોકરીવ્યવસાય, કારકિર્દીની પાછળ રત રહેવામાં ઘણી વખત જીવનસાથી કે સંતાનો સાથેનું અંતર એટલું બધું વધી જાય છે કે એમની સાથેના મેળાપનો અંત કલેશમાં જ પરિણમે છે. અલબત્ત, કદાચ દરેક વખત ઝઘડો નથી થતો તો પણ તેમને આપણા સાંન્નિધ્યમાં આનંદ તો નથી આવતો. આવા અનિચ્છનીય પરિણામનું મૂળ શોધવાનો જો આપણે પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે મોટા ભાગે આપણે તેમને તેમની નાજુક પળોમાં સમજી નથી શક્યા અથવા તેમને સમજવાનો પ્રયત્ન નથી કર્યો. ક્યારેક તેઓને આપણે પૂરતો સમય નથી આપ્યો તો ક્યારેક આપણે તેમને પ્રેમ આપવામાં ઊણા ઊતર્યા છીએ.

ટૂંકમાં, આપણે માનવસંબંધોના જતન માટે જાગ્રત નથી રહ્યા. મહાપુરુષોના જીવનમાંથી આ ગુણને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન તો કરી જ શકીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)