બાવળિયા કાંટા કમાણી કરાવી શકે?

વાત છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની. તે વખતે અંગ્રેજોએ ભારતથી ઘણું લોખંડ બ્રિટન મોકલી આપ્યું હતું, જેના પરિણામે ભારત દેશમાં લોખંડની એવી તંગી ઊભી થઈ કે, નાની ટાંચણી પણ મળે નહીં. આજે કલ્પના પણ કરી ન શકીએ, પણ તે સમયકાળમાં સામાન્ય ટાંચણીના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા.

હવે, આવી કપરી પરિસ્થિતિમાં પ્રજા તરીકે આપણે શું કરી શકીએ? પ્રજા તો નહીં, પણ રાજા શું કરી શકે એ જુઓઃ ગોંડલ રાજ્યના દીર્ઘદ્રષ્ટા રાજવી શ્રી ભગવતસિંહજી મહારાજની ચકોર આંખોએ એક દિવસ પોતાની ઑફિસમાં એક દશ્ય જોયું. સ્ટેટ પર આવતા પત્રો કે સ્ટેટ તરફથી લખાતા પત્રો કામ પૂરું થયા બાદ કચરાટોપલીમાં જાય છે, જે સાહજિક છે, પણ પત્ર સાથે ટાંચણી પણ કચરાપેટીમાં જાય છે. તેઓ વિચારમગ્ન થયા કે, ‘એક તો લોખંડની અછત અને તેમાં આ ટાંચણી કચરાપેટીમાં જાય છે. શું કરીએ તો તેની બચત થાય.’

-અને તેમના મનમાં એક વિચાર સ્ફુર્યો. બીજા દિવસે તેમણે ગોંડલ સ્ટેટના દાતણ વેચનારાના મુખીને બોલાવી ફરમાન જાહેર કરાવ્યું, ‘તમામ સેવકોએ બાવળનાં દાતણ કાપીને વધેલી શૂળ ફેંકવી નહીં. બલકે, સારી, મજબૂત અને કાગળમાં ભરાવવા કામ લાગે તેવી શૂળોનાં બંડલ બનાવી રોજ સાંજે સ્ટેટની ઑફિસમાં પહોંચાડવી. ત્યાર બાદ ઑફિસ-સ્ટાફ ટાંચણીને બદલે શૂળ વાપરવા માંડ્યા. બે વર્ષ બાદ ભગવતસિંહજીએ દીવાન પાસે આંકડો કઢાવ્યો ત્યારે આશ્ચર્ય, રાજયની તિજોરીને 1,22,000 રૂપિયાનો ફાયદો થયો હતો. એ સમયમાં…

અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ ધેર ઈઝ ઑન્લી વન ડિગ્રી ઑફ ડિફરન્સ બિટવીન હૉટ વૉટર ઍન્ડ સ્ટીમ…આપણી સફળતા અને નિષ્ફળતામાં, આપણને થયેલાં નફો અને નુકસાનમાં ક્યારેક આપણે જેની ગણતરી પણ ન કરી હોય તેવાં વિચાર, વસ્તુ કે વ્યક્તિ કારણભૂત હોય છે.

એક જહાજ એડન બંદરેથી મુંબઈ આવવા નીકળ્યું. જહાજના બાહોશ ખલાસીએ એક માણસને દિશા સૂચવતા હોકાયંત્ર પાસે બેસાડ્યો. સાથે સૂચના પણ આપી કે સોય આમથી તેમ થાય, તેની જગ્યા બદલે તો તરત જાણ કરવી. આગળ જતાં જહાજે સહેજ દિશા બદલી. હોકાયંત્રનો કાંટો એક ઈંચના વીસમા ભાગ જેટલો ખસ્યો. પેલા માણસને થયું, ‘હવે આટલામાં શું જાણ કરવી?’ એણે ખલાસીને કહેવાનું ટાળ્યું. એમ કરતાં-કરતાં જહાજે પંથ કાપી નાખ્યો. છેવટે ભારતનો કિનારો દેખાયો, પણ જહાજનું ધ્યેય-સ્થાન મુંબઈ પાંચસો માઈલ ઉત્તરે રહી ગયું હતું.

ક્યાં એક ઈંચના વીસમા ભાગના બે છેડા વચ્ચેનું અંતર અને ક્યાં પાંચસો માઈલનું અંતર અને ક્યાં બાવળની શૂળ અને ક્યાં લોખંડની ટાંચણી. સામાન્ય રીતે દેખાતી આ બે સૂક્ષ્મ વસ્તુએ પરિણામ ઉપર ઘણો મોટો તફાવત સર્જી દીધો. કહેવાનું એ કે આ જગતમાં મૂલ્યવિહીન કંઈ જ નથી. દરેક ચીજનું પોતીકું મૂલ્ય, મહત્વ છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1200 થી વધુ મંદિરોની રચના કરી. પરંતુ લંડનના નેઝડન ટેમ્પલ જેવા પથ્થરનાં કળા-કોતરણીવાળાં બેનમૂન મંદિરથી લઈને સુરતની બી.એ.પી.એસ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ જેવા ઘણા પ્રકલ્પ હરિભક્તોનાં સેવા-સમર્પણની સાથે કચરાપેટીમાં નાખવાલાયક ઠંડાં પીણાંનાં ટીન કે છાપાં-સામયિકની પસ્તી જેવી ચીજવસ્તુને એકઠી કરાવીને તેના પૈસામાંથી પાર પાડ્યા છે.

ઘણી વાર આપણાં મનમાં નાની વસ્તુ, માપ કે માનવનું કોઈ મૂલ્ય નથી હોતું, પરંતુ કોઈ પણ નાનામાં નાની વસ્તુનું કંઈક મૂલ્ય હોય છે, જે જીવનમાં કોઈ પણ ક્ષણે ઉપયોગમાં આવી શકે છે. જેમ એક નાની ચાવી મોટા મકાનમાં પ્રવેશવાનું દ્વાર ખોલે છે તેમ નાના વિચારોને જ ધ્યાનમાં રાખી જીવતા મહાન પુરુષોએ સિદ્ધિનાં શિખરો સર કર્યા છે. એવી જ રીતે આપણે પણ આપણી આજુબાજુથી પ્રાપ્ત થતા નાના, પરંતુ સારા વિચારોને અમલમાં મૂકી પ્રગતિના પંથે પ્રયાણ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)