સુખ-દુ:ખ વચ્ચે હળવા રહેવાની ચાવી…

બુધવારે વસંત પંચમીની સમી સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ઐતિહાસિક બી.એ.પી.એસ. હિંદુ મંદિરનું ઉદઘાટન કર્યું. એ પહેલાં વહેલી સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તથા અન્ય સદગુરુ સંતોએ મંદિરની બધી જ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. ભગવાન સ્વામીનારાયણ ઉપરાંત મંદિરમાં ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-સીતાજી-હનુમાનજી, શિવ-પાર્વતી-ગણેશજી, ભગવાન જગન્નાથ, પદ્માવતી-તિરુપતિ બાલાજી-ઐય્યપ્પાજી-અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન-ગુણાતીતાનંદ સ્વામી-રાધા-કૃષ્ણ જેવાં હિંદુ દેવ-દેવીઓની મૂર્તિ છે.

ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનાં દર્શન કરતાં જ ખ્યાલ આવે કે માનવજીવનના દરેક પાસાને તેમનું જીવન સ્પર્શે છે. જીવનસંગ્રામમાં વિજયી બનવા માગતા પ્રત્યેક મનુષ્ય માટે કૃષ્ણ એક આદર્શ છે, જીવન જીવવાનો પાઠ આપનાર અલૌકિક અને લોકોત્તર શિક્ષક છે. મૃત્યુની ટ્રેનનો ઈંતેજાર કરતી જિંદગીના પ્લૅટફૉર્મ પર બેઠેલી હતાશ વ્યક્તિના મુખ પર હાસ્ય ફરીથી હિલોળા લઈ શકે એવું ભગવાનનું પ્રેરક જીવન આપણી સમક્ષ છે.

યોગેશ્વર, દામોદર, રણછોડ, મુરારિ, વગેરે અનેક નામોથી વિખ્યાત થયેલા તેઓનું એક વિશિષ્ટ નામ છે મુરલીધર. ત્રિભંગી મુદ્રામાં ઊભા રહી હોઠ પર મોરલી રાખી બે હાથથી તેને વગાડતા મોરલીધર શ્રીકૃષ્ણનું દર્શન અત્યંત મધુર છે. આજે માણસ પોતાનાં દુઃખોનો રાઈમાંથી મેરુ બનાવી રોદણાં રડ્યા કરે છે ત્યારે અનેક દુઃખોની વચ્ચે પણ આ રીતે આનંદની મોરલી વગાડતા કૃષ્ણનું જીવન આપણને ઘણું કહી જાય છે, પરંતુ મોરલીધરની મોરલીની મીઠપની પાછળ તેમણે સ્વયં પીધેલી કડવાશને જાણો છો?

કાળકોટડીમાં જન્મ. જન્મતાવેંત માતા-પિતાનો વિયોગ. મામા કંસ અને માસી પુતનાનો ઘાતક પ્રેમ એ પામ્યા. બાળપણમાં શકટાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર જેવા અસુરોનો સામનો કર્યો. ‘કૃષ્ણાય સ્વાહા’ બોલીને આહુતિ આપનાર ઋષિઓનો અનાદર સહ્યો. રાધા અને ગોપીઓ આદિ પ્રિયજનોનો સદા માટે વિરહ સહન કરવાનો થયો. કંસને મારીને પણ જીવનમાં નિરાંતે બેસવા મળ્યું નથી. મથુરામાં રાજ કરતા થયા ત્યાં તો જરાસંધ આવીને તૂટી પડ્યો. ભારતભરના ક્ષત્રિયોને ભેગા કરી ૧૭ વખત મારવા આવ્યો. તેનાથી ભાગીને ગુજરાતમાં આવીને દ્વારકા વસાવી. ભક્તોના સંકલ્પની પૂર્તિ માટે કે દુખિયાઓના ઉદ્ધાર માટે 16,108 રાણીઓને પરણ્યા. એ દરેક રાણીને દસ દીકરા અને એક દીકરી. તેના કેવા અને કેટલા પ્રોબ્લેમ્સ હશે એની તો કલ્પના જ કરવી રહી.

અંગત કોઈ પ્રશ્ન નહીં છતાં ભાઈભાંડુઓના ઝઘડામાં ભાગ લેવાનું થયું. દુર્યોધનને સમજાવવા ગયા, પણ માન્યો નહીં. યુદ્ધમાંય પાછા મુખ્ય યોદ્ધા તરીકે નહીં પણ એક સારથિ તરીકે રહ્યા. વગર વાંકે ગાંધારિનો કોપ સહ્યો. યુદ્ધ, વગેરે પતાવીને દ્વારિકા આવ્યા અને પરિવાર સાથે પ્રભાસ ક્ષેત્ર ગયા. ત્યાં બધા સ્વજનો દારૂ પીને છાકટા થયા ને ઝઘડ્યા, જેમાં પુત્રો અનિરુદ્ધ, પ્રદ્યુમ્નથી લઈ પૌત્ર સાંબ અને સાત્યકિ જેવા મોટા મોટા સહિત બધા મૃત્યુ પામ્યા. પોતાની નજર સામે જ પોતાના પુત્રો-પૌત્રો એકબીજાના વધ કરી નાખે… આવું આઘાતકારી દશ્ય પણ તેઓને જોવાનું થયું. અંતે પારધીના ઝેરીલા બાણથી અપમૃત્યુ. તેઓની તમામ સંપત્તિ પણ દરિયામાં નાશ પામી ગઈ.

આમ જન્મથી મૃત્યુ સુધીનાં અનેક દુઃખો અને પ્રશ્નો કૃષ્ણ ભગવાને સહન કર્યાં છે છતાં કોઈ ફરિયાદ નહીં. વૃંદાવનનું એ મીઠું હાસ્ય ક્યારેય ઓસર્યું નથી. ગીતામાં તેમના માટે પ્રહસન (હસતા થકા) શબ્દ વપરાયો છે. રથના એક કિનારા પર બેઠેલો હતાશ અર્જુન સમસ્ત માનવજાતિનો પ્રતિનિધિ છે. તેને ફરીથી ઊભો કરીને ભગવાને સિદ્ધ કરી દીધું કે ગમે તેવી હતાશામાંથી બહાર નીકળી શકાય છે. કૃષ્ણ ભગવાને જીવનભર આનંદ અને પ્રેમની મોરલી વગાડીને બીજાને પણ આનંદમાં રાખ્યા છે. અનેક દુઃખો વચ્ચે હસતાં રહેવું એ મહાન પુરુષોની જીવન જીવવાની રીત છે. સમાજ અને રાષ્ટ્રના હિત માટે અનેક દુઃખોના ઝેરી ઘૂંટડા પીને પણ સ્થિતપ્રજ્ઞ રહેલા પ્રમુખસ્વામી મહારાજે પણ એક વાર કહેલું કે ‘અમારે બધા પ્રસંગો આનંદના જ છે. કાયમ આનંદ, આનંદ અને આનંદ છે.’

નિઃસંદેહ, જીવન સુખ-દુ:ખનું ઘર છે, પરંતુ તેમાં પણ હસતું મુખ રાખવાની આ પ્રેરણા જીવનમાં ઉતારીને સુખી રહીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)