નિઃસ્વાર્થભાવે કોઈની તરફ હાથ લંબાવ્યો છે?

બે’એક દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. દુબઈમાં વસતા 66 વર્ષી ભારતીય બિઝનેસમૅન અને દાનવીર ફિરોઝ મર્ચન્ટે દસ લાખ દિરહામ (આશરે સવાબે કરોડ રૂપિયા) રૂપિયા ભરીને ખાડી દેશોની વિવિધ જેલમાં સબડતા 900 જેટલા કેદીઓને છોડાવ્યા.

આ સમાચાર વાંચીને ફર્સ્ટ વર્લ્ડ વૉરનો એક પ્રસંગ સાંભરી આવ્યો. સન 1892ની વાત. આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની સ્થિતિ એવી કે યુનિવર્સિટીની ફી ભરી શકવાના વાંધા હતા. ફીના પૈસા કાઢવા બન્નેએ મળીને અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઈગ્નેસી પૅડરેસ્ટીના એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું. તે સમયે પૅડરેસ્ટી આવા એક લાઈવ કન્સર્ટ માટે 2000 ડૉલર ચાર્જ કરતા. પેલા બન્નેએ વિચાર્યું કે પૅડરેસ્ટીને 2000 ડૉલર આપ્યા પછી પણ ટિકિટમાંથી આપણને કમાણી થવાની જ છે. એમાંથી ફી ભરી શકાશે અને સરળતાથી અભ્યાસ કરી શકાશે, પરંતુ જીવનમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ઘણી વાર આપણે ધારીએ કંઈક અને થાય કંઈક અલગ. આ બંને વિદ્યાર્થીઓ સાથે પણ કંઈ એવું જ બન્યું. આખા ઈવેન્ટના અંતે બંનેને માત્ર ૧૬૦૦ ડૉલર જ મળ્યા. સામે આપવાના હતા ૨૦૦૦ ડૉલર, પિયાનોવાદકની ફી. બંને મૂંઝાતાં મૂંઝાતાં પૅડરેસ્કી પાસે ગયા અને કહ્યું, ‘અમારે તમને 2000 ડૉલર આપવાના હતા, પણ માફ કરજો, અમે આ કન્સર્ટમાંથી માત્ર 1600 ડૉલર જ એકઠા કરી શક્યા છીએ. પણ તમે ચિંતા નહીં કરતા. અમે ભણવાનું છોડી દઈશું, નોકરી કરીશું ને તમારા બાકીના ૪૦૦ ડૉલર આપી દઈશું.’

ઈગ્નેસી પૅડરેસ્કીએ બન્ને જુવાન સ્ટુડન્ટ્સની વાત સાંભળી 1600 ડૉલર પાછા આપતાં કહ્યું, ‘તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી નથી જોઈતી. બન્ને વિદ્યાર્થીઓએ પૅડરેસ્ટ્રીનો ખૂબ આભાર માન્યો.

કાળાંતરે મશહૂર પિયાનોવાદક ઈગ્નસી પૅડરેસ્કી પોલૅન્ડના વડા પ્રધાન બન્યા. ૧૯૧૯માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલૅન્ડની હતી. ત્યાંની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફ્સાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડા પ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી. જો કે તે સમય ખૂબ કપરો હતો. વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. એટલે કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરીકે પૅડરેસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનને મદદ માટે વિનંતી કરી. તે સમયે અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનના વડા તરીકે હર્બટ હુવર ફરજ બજાવતા હતા. હર્બટ હુવરે પોલૅન્ડ અને વડા પ્રધાન ઈગ્નસી પૅડરેસ્કીની કલ્પના બહારની મદદ કરી અને પોલૅન્ડની પ્રજાને ભૂખમરાથી બચાવી લીધી.

પ્રાઈમ મિનિસ્ટર ઈગ્નેસી પૅડરેસ્ટી ખાસ આ દરિયાદિલીનો આભાર માનવા અમેરિકા ગયા ને હર્બટને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટે કહ્યું, ‘મિ.પ્રાઈમ મિનિસ્ટર… આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892માં તમે આર્થિક મુશ્કેલીમાં આવેલા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને એમનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો, તે બે વિદ્યાર્થી પૈકીનો એક હું પોતે જ છું.’

ખરેખર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ફેંકાયેલું બૂમરેંગ જેમ હંમેશાં આપણી તરફ પાછું ફરે છે તેમ નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદ હંમેશાં એક યા બીજા સ્વરૂપે પરત ફરે જ છે. લેવાની તો બધાને મજા આવે, પરંતુ ક્યારેક આપવાનો આનંદ પણ લેવા જેવો છે. સ્વાર્થ માટે તો બધા બધું કરે જ છે, થોડું બીજા માટે પણ કરી લઈએ.

આજે પણ વિશ્વના માંધાતા, ઉમરાવો, મોટા-મોટા ઑફ્સિરોથી લઈને નાના ગામડાનો સામાન્ય માનવી પ્રમુખસ્વામીજીને યાદ કરે છે, કારણ કે આ મહાન સંતે કરેલી મદદ આજે પણ લાખો લોકોનાં હૃદયમાં જાગ્રત છે. આવા પરોપકારી સંતના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આપણી જાતને રોજ એક પ્રશ્ન પૂછવા જેવો છે – શું આજે મેં કોઇને નિઃસ્વાર્થભાવે મદદ કરી?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)