તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણો મોટા ભાગનો સમય શેમાં શેમાં વીતે છે? શું આપણે ખરેખર એ કરીએ છીએ ખરા, જેના માટે આપણો જન્મ થયો છે? આ જુઓઃ એક માણસ ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘે છે. આનો અર્થ એ છે કે, આપણો ત્રીજા ભાગનો સમય ઊંઘવામાં જાય છે. સરેરાશ સિત્તેર વર્ષના માનવઆયુમાં આશરે 23 વર્ષ ઊંઘવામાં ગયાં. આ ઉપરાંત, રોજ સવારે ઊઠીને તમે દોઢેક મિનિટ બ્રશ અને એવી બધી ક્રિયા કરો છો, તો 80-90 દિવસ આવી નાની નાની ક્રિયા પાછળ ગયા…
કહેવાનું તાત્પર્ય એ કે જો તમે એમ માનતા હો કે હું તો હજી ત્રીસનો જ થયો, મારી પાસે તો હજુ ઘણો સમય છે તો તમે ખાંડ ખાવ છો. કાર્યક્ષમતાની અને ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે હંમેશાં એક વાત યાદ રાખવી કે ટાઈમ આપણી પાસે બહુ જ ઓછો છે. ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ ક્યાં વીતી જશે એની ખબર પણ નહીં પડે. ફાસ્ટ સ્પીડે ભાગતા આ કટ્ટર સ્પર્ધાના યુગમાં 70, 80 વર્ષ કંઈ જ નથી.
આપણે આપણા જીવનને જો ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલો ભાગ એટલે આપણી સાંસારિક જવાબદારીઓ. બીજા ભાગમાં આવે છે નિઃસ્વાર્થભાવે કરેલી સેવાપ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં છેઃ ચારિત્ર્યઘડતર…જ્યારે અંતિમ સમય આવે ત્યારે તમને સંતોષ હોવો જોઈએ કે જીવનની આ ત્રણેય ભૂમિકા મેં નિભાવી એટલું જ નહીં, પણ શ્રેષ્ઠ રીતે નિભાવી. જીવનમાં પુરુષાર્થ કરીને હું સફળ વ્યવસાયી બન્યો કે નોકરીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યો, બધી જ સાંસારિક જવાબદારીઓ નિભાવી, પરિવારને સુખી રાખ્યો, જરૂરિયાતમંદોને મારાથી બનતી સહાય કરી, અને જીવન એવું જીવી ગયો કે બીજા માટે પ્રેરણા રૂપ બન્યો.
એક વાત યાદ રાખજો, કઠિન પરિશ્રમથી ક્યારેય ડરવું નહીં. એનો કોઈ વિકલ્પ જ નથી. જીવનમાં ટોચ પર પહોંચવા કોઈ લિફ્ટ નથી. એમાં તમારે દાદરા જ ચડવા પડશે. પુરુષાર્થ કરવો એ આ સૃષ્ટિનો નિયમ છે. પશુપક્ષી પણ પુરુષાર્થ કરે છે.
આપણે મનુષ્યની વાત કરીએ. આપણને ખાવાપીવાની ઝાઝી ચિંતા નથી. એ તો વરસભર મળી રહે છે. આપણી દોડ છે પ્રસિદ્ધિની, પૈસાની, સ્ટેટસની. ગરીબ હો કે તવંગર, એક યા બીજા કારણસર બધાએ દોડવું જ પડે છે. પરિશ્રમ સંસારનો નિયમ છે. યથાર્થ પુરુષાર્થ નહીં કરો તો તમને જીવન જીવ્યાનો સંતોષ નહીં મળે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષની વયે પુરુષાર્થ કરે છે ને? રાજકારણ બાજુએ મૂકીએ તો, એમના પુરુષાર્થ પર કોણ આંગળી ચીંધી શકે? ઈશ્વરે આપણને સૌને ઊર્જા આપી છે. મોદી સાહેબ એ ઊર્જાનો યોગ્ય વપરાશ કરે છે.
તો આપણે ન કરી શકીએ?
અને,કઠિન પરિશ્રમની સાથે જરૂરી છે કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી. સમયનું સુસંચાલન. કેમ કે એફિશિયન્સી વિનાના પરિશ્રમનો કોઈ અર્થ નથી. ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે આ એક સોનેરી નિયમ યાદ રાખજોઃ દરરોજ સવારે ઊઠીને પહેલું કામ, રીપીટ પહેલું કામ, અર્થાત્ મોબાઈલ હાથમાં લો એની પણ પહેલાં, એક કાગળ પર આખા દિવસ દરમિયાન કરવાનાં કામની યાદી બનાવોઃ ગમે તે થાય, આજે મારે આટલાં કામ કરવાં જ છે.
વિશ્વાસ રાખો, લખવાના ફાયદા છે. દેશદુનિયાના મૅનેજમેન્ટ ગુરુઓ કહે છે કે સવારના પહોરમાં આવી ચિઠ્ઠી બનાવવાથી વર્ક એફિશિયન્સી આવે છે. એફિશિયન્સી નહીં હોય તો અલર્ટનેસ નહીં આવે. મનમાં વિચાર્યા કરશો તો પ્રોકાર્સ્ટિનેશનના રવાડે ચઢી જતાં વાર નહીં લાગે. પ્રોકાર્સ્ટિનેશન એટલે કામની ટાળંટાળ.
ટાઈમ મૅનેજમેન્ટની અન્ય એક ગોલ્ડન ફૉર્મ્યુલા છેઃ ‘એઈટ પ્લસ એઈટ પ્લસ એઈટ.’ દિવસના 24 કલાકને આઠ-આઠ-આઠ કલાકમાં વહેંચી નાખો. આઠ કલાક નિષ્ઠાવાન પુરુષાર્થને આપો. તમે જે નોકરી કે વ્યવસાય કરતા હો એ નિષ્ઠાપૂર્વક કરવા. બીજા આઠ કલાક સારી ઊંઘને, આરામ કરવામાં આપો. નેવર એવર કૉમ્પ્રોમાઈઝ ઑન સ્લીપ.
ત્રીજા મહત્વના આઠ કલાક એટલે ત્રણ એફ, ત્રણ એચ અને ત્રણ એસ.
શું છે આ ત્રણ એફ, ત્રણ એચ અને ત્રણ એસ?
ફૅમિલી-ફ્રેન્ડ્સ-ફેઈથ. હેલ્થ-હાઈજિન-હોબી. સૉલ-સર્વિસ-સ્માઈલ. પરિવારને, મિત્રોને પૂરતો સમય તથા ઈશ્વરમાં શ્રદ્ધા. તંદુરસ્તી તથા જે ગમે એ શોખને પોષવા. અને, આત્મસંતોષ માટે કોઈ સેવાકાર્ય કરવાં, સદા મોજમાં રહેવું.
જો તમે આ 8+8+8ની ફૉર્મ્યુલા અપનાવી એનો અર્થ તમે એક વેલ લિવ્ડ લાઈફ, બૅલેન્સ લાઈફ જીવો છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)