લાગણીનું, સંબંધનું મૅનેજમેન્ટ…

ક્ઝિક્યુટિવ લીડરશિપનાં વિશ્વવિખ્યાત કન્સલ્ટન્ટ અને લેખક માર્જન બોલ્મેઈજેર પોતાનાં વક્તવ્યોમાં તથા પુસ્તકોમાં સતત એ હકીકત પર ભાર મૂકતાં હોય છે કે “કંપનીને લગતા નિર્ણય લેવાના હોય ત્યારે અંગત લાગણી, ગમાઅણગમા પર કાબૂ રાખવો. કંપનીના સર્વોચ્ચ સ્થાને બેસતા સીઈઓનું મગજ કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર હોવું જોઈએ, જેથી કર્મચારીઓ પોતાની કામગીરી સુપેરે પાર પાડી શકે.”

આ જ સિદ્ધાંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. આજથી 72 વર્ષ પહેલાં બીએપીએસ સંસ્થાના સ્થાપક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે માત્ર 28 વર્ષના સાધુ નારાયણસ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને તે પછી એ (સાધુ નારાયણસ્વરૂપદાસ) પ્રમુખસ્વામી તરીકે ઓળખાયા એ તિથિ, વિક્રમ સંવત 2006, જેઠ સુદ ચોથ (21 મે, 1950) 3 જૂને દેશ-દુનિયામાં ઊજવાશે.

આપણે સીઈઓના સ્વસ્થ દિમાગની વાત કરતા હતા. 24 સપ્ટેમ્બર, 2002ના રોજ પ્રમુખસ્વામી સારંગપુરમાં એક અગત્યની મિટિંગમાં વ્યસ્ત હતા ત્યારે એમને ગાંધીનગર અક્ષરધામમાં ટેરરિસ્ટ ઍટેકના સમાચાર મળ્યા. આ આઘાતજનક સમાચાર સાંભળતાં સૌની નજર પ્રમુખસ્વામી પર હતીઃ એમના પ્રતિભાવ કેવા હશે? સ્વામીજીએ જરાય અસ્વસ્થ થયા વિના તાત્કાલિક અમુક સંતોને ગાંધીનગર મોકલ્યા, જેથી અક્ષરધામ વિશે, એની ભૂગોળ વિશે પોલીસને, કમાન્ડોને માહિતી મળે. એ પછી એમણે ગુજરાતને, સમગ્ર દેશને શાંતિ જાળવવા અપીલ કરી. પરિસ્થિતિ થાળે પડે એ પહેલાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ઘાયલ કમાન્ડોની ખબર કાઢવા ગયા. ત્યાર બાદ અક્ષરધામમાં જઈને આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. અરે, જે સ્થળે બે ટેરરિસ્ટ હણાયા ત્યાં જઈને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતાં કહ્યું કે, “દુનિયામાં કોઈને આવું ઘાતકી કૃત્ય કરવાનો વિચાર પણ ન આવે.” સ્વામીશ્રીની અનુકંપા ‘અક્ષરધામ રિસ્પૉન્સ’ તરીકે પ્રખ્યાત થઈ.

બોલ્મેજિર ઉમેરે છે કે “સફળ લીડર એ છે, જે બીજાને સાચી દિશા બતાવે, એ દિશામાં જવા પ્રેરણા, પ્રોત્સાહન આપે.’’ 13 ડિસેમ્બર, 2007ના રોજ અમદાવાદમાં બીએપીએસની સ્થાપનાનાં સો વર્ષની ઉજવણીમાં આઈપીએસ ઑફિસર યશવંત જેઠવાએ ત્રણ લાખની મેદની વચ્ચે પોતાનો સ્વાનુભવ વર્ણવતાં કહ્યું કે “મુંબઈમાં અમારો પરિવાર સાંકડી ઓરડીમાં રહેતો. નાની વયે મેં પિતા ગુમાવ્યા. એ પછી પૂજ્ય સ્વામીશ્રીએ ન માત્ર મારા શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો, બલકે, મને ડગલે ને પગલે વધુ ભણવા પ્રોત્સાહિત કરતા રહ્યા, મારામાં સંસ્કારનું સિંચન કરતા રહ્યા. સ્નાતક થયા બાદ મને એક સારી કંપનીમાં સારા પગારની નોકરી મળી. હું સ્વામીશ્રીના આશીર્વાદ લેવા ગયો તો એમણે નોકરી છોડી યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની એક્ઝામ્સ આપવા કહ્યું…”

-અને યશવંતભાઈએ પરીક્ષા પાસ કરી, આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસીસ)માં એમની પસંદગી થઈ. સ્વામીશ્રીના આશીર્વાદથી એ ઈટાલીમાં યોજાયેલી ‘ઈન્ટરનેશનલ પીસકીપિંગ પોલીસ ફૉર્સ સમિટ’માં ટ્રેનિંગ કોર્સમાં સહભાગી થયા અને, દુનિયાના દોઢસો અફ્સરમાં ફર્સ્ટ આવ્યા. નવી દિલ્હીમાં એક મહત્વની કામગીરી બજાવ્યા બાદ હાલ એ એક અતિઉચ્ચ પદ પર બિરાજે છે.

સ્વામીશ્રીના સમાજોપયોગી કાર્યોની તો વાત જ શી કરવી? 1996માં સુરેન્દ્રનગરમાં એમનો 76મો જન્મદિન ઊજવવાનો હતો ત્યારે સૌરાષ્ટ્રભરમાં પાણીની તીવ્ર ખેંચ હતી. સ્વામીજીએ ઉપસ્થિત જનમેદનીને કહ્યું, “તમારે રોજ એક રૂપિયો નર્મદા ડેમ પ્રોજેક્ટ માટે બચાવવાનો, જેથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને પાણીતંગી દૂર થાય.” એ પહેલાં 1989માં ભરૂચમાં એક જંગી સભામાં એમણે યુવાનો પાસે દહેજ ન લેવાની પ્રતિજ્ઞા લેવડાવેલી.

મૅનેજમેન્ટ ગુરુઓ સતત કહેતા રહે છે કે બિઝનેસ-મૅનેજમેન્ટ કરતાંય મહત્વનું છે સંબંધનું મૅનેજમેન્ટ, લાગણીનું મૅનેજમેન્ટ અને વ્યક્તિત્વ ઘડતર. જ્યારે આપણે પ્રમુખસ્વામીના જીવન સાથે આને સરખાવીએ તો ખ્યાલ આવે કે આ બધાંમાં એમણે માતબર કાર્યો કર્યાં છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)