સંતોષી નર-નારી સદા સુખી કેમ?

સાઉથ કોરિયાની વિશ્વવિખ્યાત ઑટો બ્રાન્ડ ‘દેવૂ મોટર્સ’નું વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ છે. આટલી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કાહેર કાઝેમનો ઈન્ટરવ્યૂ હમણાં મારા વાંચવામાં આવ્યો. ઈન્ટરવ્યૂમાં એમને સવાલ થયો કે “તમે દિવસના કેટલા કલાક કામ કરો છો?”

પ્રેસિડેન્ટસાહેબે જવાબ આપ્યો કે, “હું સવારે અગિયારથી બપોરે ત્રણ.”

ઈન્ટરવ્યૂકારને નવાઈ લાગીઃ “પણ તમે ઑફિસમાં વધુ સમય બેસો તો નિર્ણયો ઝડપથી લેવાઈ જાય અને કામ આગળ વધે, બિઝનેસ વધે.”

વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું કે, “વાત સાચી, પણ મિસ્ટર, આ કંપની ચલાવવા સિવાય મને વાંચન, સંગીત, મિત્રોને મળવું જેવા શોખ પણ છે. એ પછી, વાઈસ પ્રેસિડેન્ટ એક બહુ સરસ વાક્ય બોલ્યા, જેનો ગુજરાતી ભાવાર્થ કંઈ આવો થાય. એ કહેઃ “મારે કંઈ સાંજ પડ્યે ડિનરમાં સોનાની કઢી પીવી નથી.”

વાત આ જ છે. અતિધનાઢ્ય હોય કે મધ્યમવર્ગી, દરરોજ સાંજે ખીચડી સાથે કઢી તો દહીં-છાશની જ પીએ છે. માલેતુજારો હોય તેથી શું લિક્વિડ ગોલ્ડની કઢી પીતા હશે? કહેવાનું તાત્પર્ય એ કે પૈસા, સુખ, સંપત્તિ પામવાની આંધળી દોટ જીવનમાંથી સુખ-શાંતિ-સંતોષ બાદબાકી કરી નાખે છે.

ઘણી વાર મને કૉર્પોરેટ સેમિનારમાં વક્તવ્ય આપવા બોલાવવામાં આવે છે ત્યારે પ્રોફેશનલ્સને એક વાત હંમેશાં કહું છું કે, તમે આ જગતમાંથી વિદાય લો ત્યારે તમારા બૅન્કખાતામાં જેટલા વધારાના પૈસા પડ્યા હોય એ માટે તમે જીવનભર ખોટ્ટી, કાળી ગદ્ધામજૂરી કરી, જે તમારે કરવાની જરૂર નહોતી. કેમ કે એ પૈસા તમારી સાથે આવવાના નથી, તમને ખબર પણ નથી એ કેવી રીતે ખર્ચાશે. એના કરતાં જીવતેજીવ તમે એ પૈસા કોઈ સારી પ્રવૃત્તિમાં ખર્ચ્યા હોત તો?

બીજી એક વાતઃ તમે પોતે જાતમહેનતે આ સ્થાને પહોંચ્યા છો તો તમારા પછીની પેઢી પણ સ્વબળે કમાઈ લેશે. એમને માટે તમારે જીવતર ખર્ચી નાખવાની જરૂર ખરી?

અમેરિકામાં ધનાઢ્યોનું એક મંડળ છે. એમાં સભ્યપદ મેળવવાનો પહેલો નિયમ એ છે કે સભ્ય બનવા ઈચ્છુકે પોતાની સંપત્તિમાંથી ઓછામાં ઓછી અડધી સમાજસેવા વાપરીશ એવું લખી આપવાનું. એ પોતાને ગમતી સેવાપ્રવૃત્તિ પસંદ કરી શકેઃ આરોગ્ય, શિક્ષણ, અનાથ બાળકોનો ઉદ્ધાર, વગેરે. મેમ્બરશિપ ફૉર્મ ભરતી વખતે મિલકતના તથા આટલી રકમ હું અમુક-તમુક પ્રવૃત્તિમાં આપીશ એના પુરાવા, દસ્તાવેજ, વગેરે જોડવાના. આ મંડળના પાંચસોથી વધુ મેમ્બર જીવનને સુંદર કેમ બનાવવું એની રીત સમજી ગયા છે.

આજે આ લેખ સાથે તમને એક ટાસ્ક આપું છું. એક કાગળ પર પૈસાથી ખરીદી શકાતી ચીજોનું લિસ્ટ બનાવો અને બીજા કાગળ પર પૈસાથી ખરીદી ન શકાય એવી ચીજોનું… જેમ કે, ગાડી-બંગલો-ફૉરેનટ્રિપ, વગેરે પૈસાથી ખરીદી શકશો, પણ ખરેખર જીવનમાં જેની વધારે જરૂર છે એ ટ્રસ્ટ-ફ્રેન્ડશિપ-ક્રેડિટ-રિલેશનશિપ-લવ-ગુડવિલ, વગેરે પૈસાથી ખરીદી શકશો?

આનો અર્થ એ નહીં કે પૈસા કમાવા ખરાબ છે. પરિવારની સુખાકારી માટે, સંસારચક્ર ચલાવવા માટે નોકરીધંધો કરવાં જ જોઈએ, જીવનમાં આર્થિક સ્થિરતા જરૂરી છે, પણ એક તબક્કે તમારે અંતરદ્રષ્ટી કરવી જોઈએ કે, સ્થિરતા આવી ગઈ છતાં આટલી દોડાદોડી શું કામ કરો છો? એના કરતાં સમાજોપયોગી પ્રવૃત્તિ કરો, પરિવાર-મિત્રો સાથે વધુ સમય ગાળો, આરોગ્ય સાચવો, મનગમતા શોખ પૂરા કરો.

બસ, આ છે રહસ્ય સંતોષી નર-નારી સદા સુખી હોવાનું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)