આ પૃથ્વી પરના દરેક કાળા માથાના માનવીને બહેતર જીવન જીવવાની અભિલાષા હોય છે. ગરીબ માનવી અથાગ મહેનત કરીને પરિવારને શક્ય એટલાં સુખ આપવાનો પ્રયાસ કરે છે, ધનસંપત્તિમાં આળોટતો તવંગર પૈસાથી શક્ય એટલાં સુખ મેળવવાના પ્રયાસ કરે છે, પરંતુ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેનારા બહુ ઓછા હશે.
ઝેમ મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ માણસ પણ એના સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકે.
અરે, મામૂલી ચાની પડીકી પાસેથી પણ પ્રેરણા મેળવી શકાય. પાતળી દોરીથી ગરમ પાણીમાં ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ પહેલી શીખ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી તો ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ માણસને તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કે બે દિવસ પહેલાં મુંબઈમાં આવી પહોંચેલી 60 લાખ રૂપિયાની ટેસ્લા હોય- પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? બ્રાન્ડેડ કંપનીનો નવોનક્કોર સ્માર્ટ ફોન ખિસ્સામાં હોય, પરંતુ તેની બૅટરી ઝીરો ટકા હોય તો? અથવા એમાં સીમકાર્ડ જ ન હોય તો?
યાદ રહે, ફુગ્ગાને આકાશમાં એના લાલ-લીલા, પીળા રંગ નથી ઉડાડતા, પરંતુ તેની અંદર ભરવામાં આવેલા ગૅસ ઉડાડે છે. એવી જ રીતે જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે તે વધારે અગત્યનું છે. જો આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.
ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બૅગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. તેમ કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે. વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલાયે સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂર રેલાવતાં પહેલાં વાંસડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ચમકે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશુ તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપક્વ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષ નામની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.
ટી બૅગ આપણને ત્રીજો સંદેશો એ આપે છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગ છિદ્રોવાળી હોય છે અને તેથી જ એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલા ગરમ પાણીમાં ભળીને ચા બને છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈફ યુ શૅર વન ગુડ થૉટ, યુ વિલ હૅવ ટુ ગુડ થૉટ્સઃ તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે. આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.
અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા ૨૦ કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહે છેઃ ડિફિકલ્ટીઝ આર જેમસ્ટોન, એમ્બ્રેસ ડિફિકલ્ટીઝઃ સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.
જો દરેક ચીજમાંથી સારું જોવાનો પ્રયાસ કરીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે ચિંતન કરવાનો વારો આપણો છે કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ આદિમાંથી આપણને કયો સંદેશો મળી શકે છે?
-સાધુ જ્ઞાનવત્સલ દાસ (બી.એ.પી.એસ.)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
