આજકાલ કોરોના કરતાં પણ એક ખતરનાક મહામારી વાતાવરણમાં જોવા મળે છે. એ છે યુવાવયે હાર્ટ અટૅકથી થતાં મૃત્યુ. કોઈ જિમ્નેશિયમમાં ઢળી પડે છે, તો કોઈ સ્ટેજ પર કાર્યક્રમ આપતા. મુંબઈમાં 33 વર્ષી ઍક્ટર આદિત્યસિંહ રાજપૂત ભોજનના કોળિયા ભરતાં ભરતાં બાથરૂમમાં જાય છે ને ત્યાં જ ફસડાઈ જાય છે. ઘરનોકર એને હૉસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવે છે. મૃત્યુનું કારણ? હાર્ટ અટૅક.
બહારથી સાવ સ્વસ્થ દેખાતી, યુવાન ચુસ્તસ્ફૂર્ત વ્યક્તિ અચાનક હૃદયમાં દુખાવાની ફરિયાદ કરે ને કોઈ કંઈ કશું સમજે તે પહેલાં મૃત્યુ પામે છે. નિષ્ણાતો આ માટેનાં કારણમાં મહત્વનું કારણ આપે છેઃ સ્ટ્રેસ. આજકાલ યુવાનો જાતજાતના સ્ટ્રેસ મગજ પર લઈને ફરે છે. અકળામણ, ક્રોધ, હતાશા, તણાવ, અચિંતા જેવા અનેક માનસિક રોગોને આપણા શરીરમાં પ્રવેશવાનું દ્વાર એટલે સ્ટ્રેસ.
વિશેષજ્ઞો સ્ટ્રેસ આવવાનાં મુખ્ય ૩ કારણો જણાવે છે. 1) જીવનમાંથી કંઈક ગુમાવી દેવાનો ભય, 2) નકારાત્મક વાતાવરણને લીધે બંધાઈ જતી લઘુતાગ્રંથિ, 3) કોઈ કાર્યને સારી રીતે સમયસર પાર પાડવાનું દબાણ.
એક શિક્ષકે ક્લાસમાં એક વિદ્યાર્થીને પાણીથી અડધો ભરેલો ગ્લાસ હાથમાં પકડાવીને ઊભો રાખ્યો. બે મિનિટમાં વિદ્યાર્થી થાકી ગયો અને પ્યાલો મૂકી દીધો. શિક્ષકે તેને પૂછ્યું કે, આ ગ્લાસ આખો દિવસ આમ પકડી રાખવાનો હોય તો?’ વિદ્યાર્થી કહે, ‘તો તો મારો હાથ ખડી જાય.’
જો બસ્સો ગ્રામ જેવી હલકી વસ્તુ પણ લાંબા સમય સુધી ઉપાડવાથી આવી પરિસ્થિતિ સર્જાય તો રોજીંદા જીવનમાં કરવામાં આવતી સર્વ ક્રિયાઓનો ભાર માથે લઈને ફરીએ તો આપણા તન-મનની શું હાલત થાય?
સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે જેથી આ તફાવત સર્જાય છે તે દર્શાવચાં નરસિંહ મહેતા કહે છેઃ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે… અર્થાત્ બળદગાડા નીચે ચાલતો કૂતરો વિચારે છે કે આ ગાડાનો ભાર હું વહન કરું છું. કેવી જ્ઞાન-ગરીબી?
એવી જ રીતે માણસ પણ સર્વ ક્રિયાનો ધણી થઈને ફરે છે માટે સ્ટ્રેસનો શિકાર થઈ જાય છે. આનાથી વિપરીત મહાપુરુષો સર્વ ક્રિયાનો ભાર ભગવાનના શિરે મૂકીને હળવાફૂલ રહે છે. આ જ છે સાચું સ્ટ્રેસ મૅનેજમેન્ટ: ભગવાનના કર્તૃત્વનો સ્વીકાર.
વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ જ્યારે દિલ્હી અક્ષરધામના નિર્માણ વખતે નિરીક્ષણ માટે પધાર્યા ત્યારે આશરે સો એકરની ભૂમિ પર ચોતરફ મોટા મોટા પથ્થર પડેલા. તે દર્શાવતાં બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું કે, ‘આટલું મોટું કાર્ય ઉપાડ્યું છે તો તમને ટેન્શન નથી રહેતું?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં પણ આ જ સમજણ છતી થઈ કે, ‘આટલા બધા પથ્થર પડ્યા છે, પણ છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર નથી કેમ કે બધું ભગવાન ગોઠવે છે.’
અર્થાત્ સામાન્ય માણસો નાનું કામ કરવામાં પણ આરંભથી જ વ્યગ્ર બની જાય છે, જ્યારે મહાન પુરુષો મોટાં કાર્યો કરવા છતાં આકુળ વ્યાકુળ થતા નથી. આપણા અને મહાન પુરુષોના જીવનમાં તફાવત ક્યાં સર્જાય છે? સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે જેથી આ તાવત સર્જાય છે તે દર્શાવતા નરસિંહ મહેતા કહે છે
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્…. અર્થાત્ કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં, કારણ કે ફ્ળ ભગવાનના હાથમાં હોય છે. ફળની ચિંતા કર્યા વિના પોતાની પૂર્ણ શક્તિથી, પ્રમાણિકપણે પુરુષાર્થ કરવો એ જ તણાવમુક્ત જીવનની ચાવી છે.
ચાલો, આપણે પણ ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ એ ન્યાયે મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગે પગલાં માંડીએ અને ભગવાનને આપણી સર્વક્રિયાનો ભાર સોંપી સ્ટ્રેસથી મુક્ત રહીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)