આપણે મોહ પર કાબુ મેળવીએ એટલે આપણી અંદર આપમેળે સહજતા ઉત્પન્ન થાય છે. જે આપણને અમર્યાદિત આનંદ આપે છે. આ સ્થિતિમાં, આપણે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે આપણું મન બંધનોથી મુક્ત છે અને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરે છે. મોહ પર કાબુ મેળવ્યા પછી પણ, જો આપણે આપણી ક્ષમતાઓ અને સફળતાઓમાં ફસાયેલા રહીએ, તો તે વ્યર્થ છે.

ધારો કે, તમે વીણા વગાડવામાં નિપુણ બની ગયા છો. જો તમે આ વિચારને પકડી રાખશો કે તમારા કરતાં કોઈ વધુ સારી રીતે વીણા વગાડી શકે નહીં, તો તે અહંકારને જન્મ આપશે. અને જો તમે કોઈ એવાને મળો જે તમારા કરતાં વધુ કુશળ હોય, તો ઈર્ષ્યાની લાગણી ઉત્પન્ન થશે. આ તમારી શાંતિને ભંગ કરશે અને આનંદને નષ્ટ કરશે.
મોહ ફક્ત વસ્તુઓ અને ક્ષમતાઓ સુધી મર્યાદિત નથી, તે સંબંધોમાં પણ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નજીકના વ્યક્તિને હસતા અને બીજા વ્યક્તિ સાથે વાત કરતા જુએ છે, ત્યારે તેને ઈર્ષ્યા થવા લાગે છે. તે અપેક્ષા રાખવા લાગે છે કે તેનો પ્રિય વ્યક્તિ ફક્ત તેની સાથે જ વાત કરે, અને બીજા કોઈ સાથે નહીં. ધીમે ધીમે આ શંકા અને અસુરક્ષામાં ફેરવાઈ જાય છે. અને લોકો એકબીજાના મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે.

પરંતુ શું આપણે પોતાના મનને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકીએ છીએ? નહિ, જ્યારે આવું શક્ય નથી, તો બીજાના મનને શા માટે બાંધવાનો પ્રયાસ કરીએ છીએ? હકીકતમાં, જ્યારે આપણે મોહથી મુક્ત હોઈએ છીએ ત્યારે જ આપણે સાચું સુખ અને સ્વતંત્રતા અનુભવીએ છીએ. મોહ દ્વારા મળતી તૃપ્તિ ક્ષણિક હોય છે, જ્યારે આપણી ચેતના અને ખુશી વિસ્તૃત છે.
જો આપણે મોહથી ઉપર ન ઉઠી શકીએ, તો આપણું માર્યાદિત મન વિચારતું રહેશે – “મારું શું થશે? મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર!” પરંતુ જેમ તમારા પોતાના બાળકો તમને પ્રિય છે, તેમ જો તમે પાડોશીના બાળકોને તમારા પોતાના ગણવાનું શરૂ કરો છો, તો તમારો દ્રષ્ટિકોણ વ્યાપક બનશે.
જ્યારે તમારી અંદર આ લાગણી ઉદ્ભવે છે કે “આખું વિશ્વ મારું કુટુંબ છે, દરેક વ્યક્તિ મારી પોતાની છે,” ત્યારે જ તમે ખરેખર આસક્તિને દૂર કરી શકો છો અને પરમાનંદનો અનુભવ કરી શકો છો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)


