અંતરતમ સ્વભાવને સન્માનવું

ભારતીય સંસ્કૃતિમાં હંમેશા ગુરુ ઉચ્ચ આદરણીય મનાયા છે. પોતાને ગુરુ હોવા એ માત્ર ગૌરવની વાત નહોતી ગણાતી, પણ ગુરુ હોવા એ આદેશરુપ હતું. ગુરુ ના હોય તો અનાથ કે દરીદ્ર તરીકે નીમ્ન ગણાતું અને દુર્ભાગ્યની નિશાની ગણાતી.

સંસ્કૃતમાં ‘અનાથ’નો અર્થ જેને ગુરુ નથી એવો થાય છે.આચાર્ય ‘શિક્ષા’ એટલે કે જ્ઞાન પ્રદાન કરે છે. જ્યારે ગુરુ ‘દિક્ષા’ એટલે કે ઉચ્ચ સજાગતા, જ્ઞાનીપણું પ્રદાન કરે છે. ગુરુ અગોચરને વધુ વાસ્તવિક તરીકે પ્રસ્તુત કરે છે અને તમે જેને નક્કર માનો છો તે વધુ અવાસ્તવિક જણાય છે. સંવેદનશીલતા તથા સૂક્ષ્મદ્રષ્ટિનો આવિર્ભાવ થાય છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના ફલક તરીકે સ્પષ્ટ થાય છે. નિરાકાર આત્મા સર્જનના પ્રત્યેક સ્વરૂપે વિદ્યમાન થાય છે અને જીવનનું રહસ્ય વધુ ઘેરું બને છે.ત્યાર બાદ ગુરુ સાથે જીવનની ખરી યાત્રાનો પ્રારંભ થાય છે.

આ યાત્રાની ચાર અવસ્થાઓ હોય છે.

પ્રથમ અવસ્થા: સારુપ્ય (આકારમાં નિરાકારને જોવું),એટલે કે દરેક સ્વરૂપમાં ઈશ્વરને જોવા. ઘણી વાર વ્યક્તિને ઈશ્વર કોઈ સ્વરુપ કરતાં નિરાકાર સ્વરૂપે જોવા એ વધારે અનુકૂળ આવે છે કારણ કે તે કોઈ સ્વરુપમાં હોય તો વ્યક્તિને તેમનાથી થોડું અંતર લાગે છે, દ્વૈત જણાય છે,અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ નડે છે. જીવનમાં, ગહેરી નિદ્રા અને સમાધિ સિવાય, આપણા બધા આદાનપ્રદાન કોઈને કોઈ સ્વરુપ સાથે હોય છે. જો આપણે ઈશ્વરને વિવિધ આકારો(સ્વરૂપો)માં જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે. જે લોકો ઈશ્વરને નિરાકાર તરીકે સ્વીકારે છે તેઓ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે અને કદાચ ઈશ્વર કરતાં એ સંજ્ઞાઓને વધારે પ્રેમ કરે છે!

 

બીજી અવસ્થા: સામિપ્ય (નજીકપણું),એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરેલા સ્વરૂપની એકદમ નજીક હોવાનું અનુભવે છે અને અંતે નિરાકાર તરફના પ્રયાણમાં પરિણમે છે. આ અનુભવ સમસ્ત સર્જન સાથે ગાઢ સંબંધ હોવાનો ભાવ આપે છે. આ અવસ્થામાં વ્યક્તિ અસ્વીકારના અને અન્ય ડરથી મુક્ત થાય છે. આ અવસ્થા સમય અને અવકાશના સંદર્ભ સાથે જોડાયેલી હોય છે.

ત્રીજી અવસ્થા: સાનિધ્ય એટલે કે ઈશ્વરની એવી મોજુદગીનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને અવકાશની મર્યાદાઓને પાર કરી જાવ છો. અંતિમ અવસ્થા છે સાયુજ્ય જેમાં વ્યક્તિ ઈશ્વર સાથે અચલપણે સંકળાયેલી હોય છે. એ અવસ્થામાં વ્યક્તિને આપણું ઈશ્વર સાથે એકરૂપ હોવાનું સમજાય છે. એ આ પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ એકાકાર થઈ ગયેલી હોય છે અને તમામ દ્વૈતભાવ અદ્રશ્ય થઈ જાય છે.

ઉપનિષદોમાં સદગુરુના પાંચ લક્ષણો વિષે જણાવ્યું છે. સદગુરુની ઉપસ્થિતિમાં જ્ઞાન પાંગરે છે, દુ:ખ દૂર થાય છે, અકારણ આનંદ પ્રગટે છે, વિપુલતા પ્રગટ થાય છે અને તમામ કુશળતાઓ અભિવ્યક્ત થાય છે.

 

એક ગુરુ શિષ્યને માત્ર જ્ઞાન જ નથી આપતા;તેઓ તેનામાં પ્રાણશક્તિ જગાવે છે. ગુરુની ઉપસ્થિતિમાં વ્યક્તિ વધુ જીવંત બને છે. બુધ્ધિની પરાકાષ્ઠા એટલે સજગ, સતેજ સમજશક્તિ. ગુરુ માત્ર તીવ્ર સમજશક્તિને જ જાગૃત નથી કરતાં પરંતુ વિવેક બુધ્ધિને પણ કરે છે. જ્ઞાન કદાચ તીવ્ર સમજશક્તિ ના જગાવે, પરંતુ તીવ્ર સમજશક્તિ સાથે જ્ઞાનનું હોવું સ્વાભાવિક છે.

દેહધારી ગુરુમાં સંચિત કર્મ રહ્યા નથી હોતા, માટે તેમનામાં ચેતના પ્રકાશમય હોય છે. ગુરુના જે બધા ગુણોનું આપણે ઉચિત મુલ્યાંકન કરીએ છીએ તે બધા આપણી પ્રકૃતિમાં પણ હોય છે જ. ગુરુની સાથે હોવું એ પોતાની ચેતનાની ઉચ્ચ અવસ્થામાં હોવા જેવું છે. ગુરુ, ઈશ્વર અને પોતાની જાત આ ત્રણે સમાનાર્થી છે. ઘણી વાર વ્યક્તિ જ્ઞાનને સમજે છે, પરંતુ તેને એ જ્ઞાનને પોતાની જીંદગીમાં અપનાવવા બાબતે અંતર લાગે છે. શિષ્ય બનવાનો ઉદ્દેશ એ અંતરને પૂરી દેવાનો છે. ગુરુની સાથે હોવું એટલે જીવન અને જ્ઞાન વચ્ચે સ્વયંસ્ફુરિત સંકલન. ગુરુને સન્માન આપવું એટલે આપણા અંતરતમ સ્વભાવને સન્માનવું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)