આપણે સુખદ લાગણીઓને વિસરી જતા હોઈએ છીએ અને દુખદને વળગી રહેતા હોઈએ છીએ. 99% દુનિયા આવું કરે છે. પરંતુ જ્યારે ચેતના ધ્યાનને લીધે મુક્ત થાય છે અને કેળવાય છે ત્યારે આપણી નકારાત્મક લાગણીઓને પકડી રાખવાની વૃત્તિ અદ્રશ્ય જ થઈ જાય છે. આપણે વર્તમાન ક્ષણમાં જીવવા માંડીએ છીએ અને ભૂતકાળને વિસરી શકીએ છીએ. માણસો ગમે તેટલા સારા હોય તો પણ કોઈ પણ સંબંધમાં ગેરસમજ થતી હોય છે.
એક નાની ગેરસમજ પણ આપણી લાગણીઓને વિકૃત કરી શકે છે અને નકારાત્મકતા તરફ દોરી શકે છે. પરંતુ જો આપણે જતું કરી શકીએ અને દરેક ક્ષણમાં આનંદમાં રહેવાની ચેતનાની ક્ષમતા પર ધ્યાન આપીએ તો આપણે એમાંથી બચી શકીએ છીએ. દરેક ક્ષણ આપણા વિકાસમાં સહાયક છે એ સત્ય આપણને સમજાય છે. ચેતનાના ઉચ્ચતર સ્તરોને પામવા કોઈ જટિલ વ્યૂહરચનાની જરૂર નથી. વ્યક્તિએ માત્ર જતું કરવાની કળા શીખવાની જરૂર હોય છે અને તે કળા છે ધ્યાન.
ધ્યાન એટલે ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓને લીધે થતા ગુસ્સાને જતો કરવો અને ભવિષ્ય માટેની તમામ યોજનાઓને જતી કરવી. યોજનાઓ તમને તમારી અંદર ઊંડાણમાં ડૂબકી લગાવતા અટકાવી શકે છે. ધ્યાન એટલે આ ક્ષણનો સ્વીકાર કરવો અને દરેક ક્ષણને સંપૂર્ણપણે ગહેરાઈથી જીવવી. માત્ર આ સમજ અને થોડા દિવસ સતત ધ્યાન કરવાથી તમારા જીવનની ગુણવત્તા બદલાઈ શકે છે.
ધ્યાનથી ખુશી અને સંતોષ પ્રાપ્ત થાય છે તથા આંર્તજ્ઞાનમાં વધારો થાય છે.ધ્યાન આપણને દુનિયા આપણો એક હિસ્સો છે તે સમજવામાં સહાય કરે છે અને આપણી તથા દુનિયાની વચ્ચે પ્રખર પ્રેમ વહે છે. આ પ્રેમ આપણને આપણા જીવનમાં પ્રતિકૂળ પરિબળો તથા વિક્ષેપો ઝીલવા સશકત બનાવે છે. ગુસ્સો અને નિરાશા અલોપ થઈ જાય છે.
જ્ઞાન,સમજણ અને સ્વાધ્યાયનો સંગમ જીવનને સંપૂર્ણ બનાવે છે. જ્યારે તમે ચેતનાની ઉચ્ચતર અવસ્થાઓમાં પહોંચો છો ત્યારે તમે જુઓ છો કે વિવિધ પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓથી હવે ડગમગી જતા નથી. તમે સુંદર અને છતાં મજબૂત બનો છો-એક મૃદુ,કોમળ અને સુંદર ખીલેલી હસ્તી,જે જીવનમાં વિવિધ મુલ્યોનો બિનશરતી સમાવેશ કરે છે.
ધ્યાન એક બીજ જેવું છે. બીજને જેટલું સારી રીતે રોપવામાં આવે, તેટલું તે વધારે વિકસે છે. એ જ રીતે, આપણે જેટલું ધ્યાન વધારે કરીએ તેટલો તે સમગ્ર ચેતાતંત્ર અને શરીરનો વધારે સારો વિકાસ કરે છે. આપણા શરીરના તંત્રમાં પરિવર્તન આવે છે અને શરીરનો દરેક કોશ પ્રાણઊર્જાથી સંતૃપ્ત થાય છે. શરીરમાં પ્રાણ શક્તિ વધતાં આપણા મનની અવસ્થા ખુશ રહે છે.
ધ્યાન કરતી વખતે મનમાં ત્રણ નિયમો યાદ રાખો-હું કંઈ નથી(અકિંચન), મારે કંઈ જોઈતું નથી(અચાહ) અને હું કંઈ કરવાનો નથી(અપ્રયત્ન).જો તમારામાં આ ત્રણ ગુણ હોય તો તમે ધ્યાન કરી શકશો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)