જીવનનાં દરેક પરિમાણનો અનુભવ કરો…

આપણાં શાસ્ત્રો કહે છે કે જીવન રૂપી વિશાળ મહાસાગરમાં આપણું અસ્તિત્વ છીપલાંની જેમ તરે છે. આપણે સહુ એક જ ચેતનાથી બન્યાં છીએ તેમ છતાં કોઈ પણ બે વ્યક્તિનાં જીવન સમાન નથી. આપણાં જીવન એક બીજાથી ભિન્ન છે તેમ છતાં આપણે પરસ્પર અવલંબિત પણ છીએ જ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી કૈંક નવું શીખવા મળે છે. જીવનનાં, આ વિશાળ અસ્તિત્વનાં ભિન્ન ભિન્ન પરિમાણો વિશે કઈ રીતે જાણી શકાય? આ માટે આપણે માત્ર પાંચ જ દિવસની યોજના બનાવવાની છે.

એક દિવસ, સવારથી સાંજ એક ખેડૂત સાથે વિતાવો. વહેલી સવારમાં તેની સાથે ખેતર પર ચાલ્યા જાઓ અને જુઓ કે તે આખો દિવસ શું કરે છે. પર્યાવરણ, અન્ન, ભોજન પ્રત્યેની આપની સંવેદના વધુ તરલ બનશે. ઉત્પન્ન થતાં અન્નનો ત્રીજો ભાગ, વિશ્વ કચરામાં ફેંકી દે છે. એક ખેડૂત સાથે એક દિવસનો સમય વિતાવવાથી સમજાશે કે અન્નનું ઉત્પાદન કરવામાં કેટલી મહેનત પડે છે. એક ખેડૂતની મહેનત નજરે જોયા પછી અન્નનો બગાડ કરતાં પહેલાં આપણે બે વાર વિચારીશું.

એ જ રીતે એક દિવસ જેલમાં વિતાવો- અલબત્ત કોઈ ગુનો કર્યા વગર! આપને સમજાશે કે લોકો જેમને રીઢા ગુનેગાર કહે છે તેઓ સંજોગોનો, અજ્ઞાનતાનો શિકાર બનીને સળિયા પાછળ ધકેલાઇ ગયા છે. આપ કોઈ પણ અપરાધીને પૂછશો કે આ અપરાધ તમે કેમ કર્યો? તો તેઓ કહેશે કે મેં આ અપરાધ કર્યો જ નથી. મને ખબર નથી કે મારા પર શું સવાર થઈ ગયું હતું અને આ અપરાધ થઈ ગયો! આપ જોશો કે પ્રત્યેક અપરાધીની અંદર એક પીડિત છે, જે મદદ માટે રડે છે. આપનાં હ્રદયમાં અપાર કરુણા જાગશે. આપનાં હ્રદયમાં કોઈની પ્રત્યે તીરસ્કાર છે તો એ તીરસ્કાર, ધિક્કારની ભાવના નિર્મૂળ થઈ જશે.

એ દિવસ શાળામાં જઈને શિક્ષક બનો. એક ગુરુનું જીવનમાં શું સ્થાન છે તે આપ જોઈ શકશો. આપ ક્યાંય પણ છો, આપણી આસપાસ એવા ઘણાં લોકો હશે જેમણે આપ મદદ કરી શકશો, જેમનું આપ માર્ગદર્શન કરી શકશો. માત્ર લાંબી જટા અને દાઢી ધારી વ્યક્તિઓ જ ગુરુ બની શકે, એવું નથી. દરેક વ્યક્તિ, ઓછામાં ઓછું, એક વ્યક્તિ માટે ગુરુની ભૂમિકા નિભાવી શકવા સમર્થ હોય છે. ગુરુ બનવા માટે કોઈ વિશેષ કૌશલ્યની જરૂર નથી. હ્રદયમાં માત્ર કરુણા હોવી જોઈએ. એક દિવસ માટે પણ આપ જો શિક્ષકની ભૂમિકા નિભાવશો તો આપણી અંદર એ કરુણા જાગૃત થશે: મને કઈં જ નથી જોઈતું, મારો વિદ્યાર્થી પ્રગતિ કરે એટલે બસ! આવો બિનશરતી પ્રેમ આપણી અંદર ખિલવા માંડે છે.

અન્ય એક દિવસ માનસિક રીતે અસ્થિર રોગીઓ સાથે વિતાવો. માનસિક અસ્થિર રોગીઓ આપને કઈં પણ કહેશે, કોઈ પણ નામથી બોલાવશે આપને ખોટું નહીં લાગે. એક જ દિવસ એવી જગ્યાએ આપ સમય વિતાવશો જ્યાં આપને કોઈ પણ કઈં પણ કહી જાય છે, ત્યાર પછી થી આપ કોઈ પણ આલોચના સહન કરવા સક્ષમ બનશો. એટલું જ નહીં, આપની ખોટી ટીકા કરનાર પ્રત્યે પણ આપ કરૂણા ભાવ રાખી શકશો. સામાન્ય રીતે આપણે નાની નાની ઘટનાઓથી વ્યગ્ર બની જતાં હોઈએ છીએ: સામી વ્યક્તિ મારા વિષે શું ધારશે? આપણે આ વિચારથી હલી જઈએ છીએ, અસંતુલિત, અસહજ બની જતાં હોઈએ છીએ અને પ્રતિક્રિયા આપી દેતાં હોઈએ છીએ. આલોચના અને ટીકાઓનો હિંમત પૂર્વક સામનો કરતાં આપણે શીખવું જોઈએ અને આપણાં સંતાનોને પણ તે શીખવવું જોઈએ. આ શિક્ષણથી તેઓ સ્થિર, સંતુલિત અને જવાબદાર નાગરિકો બની શકશે. એક દિવસ માનસિક દર્દીઓ સાથે સાથે વિતાવો. આપની અંદર આલોચનાઓ નો સ્વીકાર કરવાનું અપ્રતિમ સામર્થ્ય જાગૃત થશે.

અને અંતે, એક દિવસ સ્મશાનગૃહમાં વિતાવો. જીવનનાં અસ્થાયીપણાંનો આપને એક તીવ્ર અનુભવ થશે. જીવનની અનિશ્ચિતતાને આપ અતિ નિકટતાથી જોઈ શકશો. આપની અંદર જે કોઈ ફરિયાદો, જેના પણ પ્રત્યે હશે તે દૂર થઈ જશે. મૃત્યુ કોઈ પણ સમયે આવી શકે છે તે વાસ્તવિકતા આપ સમજી જશો અને આ અનુભૂતિથી આપનો જીવન પ્રત્યેનો અભિગમ વધુ સકારાત્મક બનશે.

માત્ર ઔપચારિક શિક્ષણ પૂરતું નથી. જીવનનાં દરેક પરિમાણનો અનુભવ કરીને તેમાંથી શિક્ષણ લેવાથી, જીવનમાં શિક્ષણ સંપૂર્ણ બને છે. જીવન જ્યારે પોતાનાં અસ્તિત્વનાં વિવિધ રંગ આપણી સમક્ષ ઉજાગર કરે છે, ત્યારે આપણે વધુ સ્થિર, કેન્દ્રિત અને સ્વયં-સ્થિત બનીએ છીએ.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]