જીવનમાં કેટલીક અધૂરપ એવી હોય છે કે…

આલાપ,

જીવન પણ કેવું અજીબ છે, હેં ને? બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા-જીવનમાં જેમ-જેમ અવસ્થા બદલે તેમ-તેમ મોસમનો મિજાજ પણ બદલાતો હોય છે. બાળપણમાં ઉનાળાના ધોમધખતા તાપમાં મિત્રો સાથે કોઈના આંબા પર ચડીને કેરીઓ તોડી હોય એ વખતનો તાપ પણ કેટલો ટાઢો લાગે. ભર જુવાનીમાં મધ્ય રાત્રીએ લપાતા-છુપાતા અગાસી પર જઈને ચાંદાના અજવાળે ખુદનો ચાંદ જોતી વખતે રાત્રી કેટલી જીવંત લાગે છે અને આ વૃદ્ધાવસ્થા… આ પડાવે પહોંચ્યા પછી સમજાય છે કે બાળપણનો તડકો અને જુવાનીની રાત્રી માણી હોય તો જ વૃદ્ધાવસ્થાના એકલવાયાપણાંને બોલકું બનાવી શકાય.

હા, આમતો આ ઉંમરને વૃદ્ધાવસ્થા ન કહેવાય પરંતુ આ પ્રૌઢાવસ્થા એ બાળપણ અને યુવાની બન્નેમાં રહી ગયેલી અધુરપનાં અફસોસને સરભર કરવાની ઉંમર છે અને એટલે જ આજે યુવાનીની અધૂરપના અફસોસનું ખાતું સરભર કરવા તને આ પત્ર લખી રહી છું.
યાદ છે એ ઉઘડતી સવાર? આપણે બન્ને ગામની બહાર આવેલા દરિયાકિનારે ટહેલવા નીકળી પડેલા. ઉછળતા મોજાં અને ઘૂઘવતો દરિયો જાણેકે મારુ હૈયું હતું. મારી સ્થિતિ પણ કંઈક એવી જ હતી. લાગણીના સતત ઉછળતા મોજાં અને કેટલાય અરમાનોનો ઘૂઘવાટ મને બેચેન કરતા હતા. તેં મારા હાવભાવ જોઈને પૂછેલું, “સારું, શું વાત છે? આટલા સુંદર વાતાવરણમાં, આવા આહલાદક સ્થળ પર અને આટલા રોમેન્ટિક સાથીદાર જોડે હોવા છતાં પણ તું આમ ખોવાયેલી ખોવાયેલી કેમ લાગે છે? શું અધૂરપ છે હજી તારા જીવનમાં? મને કહે, હું પુરી કરીશ.” ને મેં તરત જ મૂડ બદલવાનો પ્રયાસ કરતાં કહેલું, “આલાપ, અધૂરપ હવે જીવનમાં શુ હોય? અને આમ જોવા જઈએ તો માણસનું મન ક્યાં ક્યારેય તૃપ્તિ અનુભવે છે? એને બધું જ ઓછું પડે છે, પણ હું ખુશ છું. મને કોઈ અધૂરપ નથી.”

એ સમય ગયો. એ યુવાની પણ ગઈ. યુવાની એ આવેગોની ભરતી છે પણ ભરતી પછીની ઓટ વિશે વિચારવાની ત્યારે તો ક્યાં ફુરસદ જ હોય છે. મારી ભરતીમાં સમય જતાં ઓટ આવી. લાગણીના મોજાં શમી ગયા, અરમાનોનો ઘૂઘવાટ પણ શાંત થઈ ગયો કેમ કે જીવનમાંથી તું ગયો. બસ, એ પછી તો આ દરિયાકિનારાની તદ્દન સામેના ઘરની બાલ્કનીમાં ઉભા રહીને ભરતી-ઓટ અને ઘૂઘવાટ અને ભેંકાર રાત્રીઓની સાક્ષી બનીને જીવાઈ રહ્યું છે. આજે આ અમાસનો અંધકાર અને ભેંકાર રાત્રીનો બિહામણો દરિયો જોઈને વિચાર આવે છે કે ધારોકે આ રાત્રીએ તું અચાનક ક્યાંકથી આવી ચડે તો હું મારા હૈયામાં ભારેલા અગ્નિ માફક ચણ-ચણ બળતો અધુરપનો દેતવા ઠાલવી દઉં તારી સામે. એ દિવસે તો નહીં બોલી શકેલી પણ આજે તું હોત તો ચોક્કસ જણાવત કે એ દિવસે મને જે અધૂરપ જણાઈ રહી હતી એ એક ડર હતો કે દરિયો તો ભરતી અને ઓટનું ચક્ર છે -એ એની નિયતિ છે તો શું આપણાં સંસારસાગરને પણ ભરતી અને ઓટનો સામનો કરવો પડશે?

આજે સમજાય છે કે એ દિવસે નહિ કહી શકાયેલી આ વાત જો ત્યારે કહી શકી હોત તો કદાચ આ અમાસનો દરિયો પણ ભેંકાર અને બિહામણો નહિ પરંતુ નવપરિણિત પ્રેમીયુગલની રતિક્રીડા પછીના બન્નેના ચહેરા પરની શાંતિ જેવો લાગતો હોત.

જીવનમાં કેટલીક અધૂરપ એવી હોય છે કે એ અધૂરપ જ સમગ્ર જીવન હોય છે, એને બાદ કરતાં કશું જ શેષ નથી બચતું. હેં ને?

-સારંગી.
(નીતા સોજીત્રા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]