સપનાંના એ મહેલને હકીકત બનાવી શણગારી શક્યા હોત તો…

આલાપ,

ક્યારેક જિંદગીના રસ્તા કોઈ વળાંક પાસે આવીને એટલા અટપટા થઈ જતા હોય છે કે આપણને આગળની દિશા જ નથી સૂઝતી હોતી. મને ઘણીવાર મારી હસ્તરેખામાં અડધે સુધી આવીને કપાઈ અને પછી ફંટાઈ જતી રેખા જોઈને થતું કે ઈશ્વર હાથમાં આવી ડિઝાઇન કેમ દોરતો હશે? નાનપણમાં હું એવું પણ કહેતી કે, “ભગવાનને પણ સીધી લીટી દોરતા નથી આવડતું જો ને હાથમાં કેવી ત્રાંસી લિટીઓ દોરી છે અને એ પણ ટુકડામાં” ત્યારે ક્યાં ખબર હતી કે એ આપણો સાથ કપાવા અને એ પછી આપણાં માર્ગો ફંટાવાની નિશાની હશે..!!

કેટકેટલા સપનાંઓ જોયેલા આપણે સાથે મળીને. મારો હાથ તારા હાથમાં લઈ તું જ્યારે મને આપણી ભાવિ સૃષ્ટિમાં લઈ જતો ત્યારે ત્યારે હું આપણાં સુખના મહેલનું થોડું થોડું ચણતર કરતી. આપણું સહજીવન, આપણી દુનિયા, આપણું સાથે જીવવાનું ચોમાસું, વસંત અને રંગોત્સવ અને જીવનના દરેક રંગ ચડીને ધીમે ધીમે ઉતરે ને આપણું એકસાથે વૃદ્ધ થવું. સુખના સાતેય સાગર એકસાથે આપણને ભીંજવશે. સહજીવનના સુખની આવી કલ્પનાનો મહેલ લગભગ ચણાઈ ચુક્યો હતો અને મેં તો હોંશભેર એના પર ખુશીઓનું તોરણ પણ બાંધી દીધેલું પણ … બધુજ તસનહસ થઈ ગયું.

સપનાંનો મહેલ ચણતાં ચણતાં આપણે હસ્તરેખાના એ કપાઈ ગયેલા ભાગ પાસે આવી ચૂકેલા અને સાથ છૂટ્યો, મહેલ તૂટ્યો, સપનાં ચૂર ચૂર. આખી દુનિયા જેમની તેમ હતી પણ મને મારી જિંદગીનો નકશો ધૂંધળો પડી ગયેલો લાગતો હતો. હસ્તરેખાની એ ખાંચ પછી આગળનો માર્ગ અંધારો અને અડાબીડ ભાસતો હતો છતાં, આગળ વધ્યે જ છૂટકો હતો પરંતુ ચાલતા ચાલતા હંમેશ એ વિચારતી કે

ધારોકે આપણે સપનાંના એ મહેલને હકીકત બનાવી શણગારી શક્યા હોત તો ??

…તો પેલું ખુશીઓનું તોરણ આજીવન લીલું રહેત. આપણે ઘરના ફળિયામાં હાથ ફેલાવીને દરેક ચોમાસાને આવકારતા હોત. ખીલતા ગુલમ્હોર અને ફાગણિયા કેસુડાની સાખે રંગોત્સવ ઉજવતા હોત અને એમજ ક્યારે હસ્તરેખાનો છેવાડો આવત ને આપણે એકસાથે વૃદ્ધત્વને પામત એનો ખ્યાલ જ ન રહેત.

આલાપ, બધુજ આપણે ધારીએ એવું ક્યાં થતું હોય છે. હવે આજે તો જિંદગીના નકશામાં મારા હૃદય સુધી પહોંચતી કેડીઓમાં બાવળ ફેલાઈ ગયા છે અને છતાં ક્યારેક કોઈ પૂછી બેસે મારુ સરનામું ત્યારે ડૉ. શરદ ઠાકરે ક્યાંક ટાંકેલી બે લાઇન હોઠ પર આવી જાય છે.

શોધી શકશો ઘર તમે મારુ તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.

-સારંગી

(નીતા સોજીત્રા)