ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી-લખનઉ વચ્ચે એક સમજૂતી કરાર (M.O.U) પર હસ્તાક્ષર થયા. આ સમજૂતી કરાર કાયદાના અમલીકરણની પદ્ધતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ કરવાના પરિવર્તનકારી સહયોગની શરૂઆત દર્શાવે છે.
આ કાર્યક્રમમાં બંન્ને સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. IIIT-લખનઉના ડાયરેક્ટર અરુણ મોહન શેરી, સી.ડી.આર. ડૉ. મનોજ ભટ્ટ, નિવૃત્ત મેજર જનરલ દીપક મહેરા (કીર્તિ ચક્રથી સન્માનિત, અતિ વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત, વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત) હાજર રહ્યા હતા. તેમણે આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલે જણાવ્યું, “આ ભાગીદારીથી આંતરિક સુરક્ષા અને પોલીસી મેકિંગમાં આંતરશાખાકીય અભિગમોને પ્રોત્સાહન મળશે. IIIT-લખનઉની એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ પોલીસિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટેક્નોલોજીના ઉપયોગ વગેરે જેવા મહત્ત્વના ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જોડાણનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.”
- સંયુક્ત સંશોધન: બંન્ને સંસ્થાઓ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ પ્રથાઓને સુધારવા માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓની શોધ કરવાના હેતુથી સહયોગી સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાશે.
- ટ્રેનિંગ પ્રોગામમાં વધારો: કાયદાનું અમલીકરણ કરાવવા માટે અધિકારીઓને અનુરૂપ તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં આવશે. અધિકારીઓની કુશળતા અને કાર્યક્ષેત્રમાં અસરકારકતા વધારવા માટે નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે.
- નવી ટેક્નોલોજીવાળા સાધનોનો વિકાસ: જાહેર સલામતી સુધારવા અને પોલીસિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે અદ્યતન ટેક્નોલોજીવાળા સાધનોની શોધ કરવામાં આવશે.
મેજર જનરલ દીપક મહેરાએ કહ્યું, “IIIT લખનઉ સાથેનો આ એમ.ઓ.યુ. એ નવી પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે અમારા સહિયારા લક્ષ્યોને આગળ વધારવા માટે IIIT-લખનઉ સાથે મળીને કામ કરવા આતુર છીએ.”