વિક્રમ સંવત: ૨૦૭૪નું વાર્ષિક રાશિ ભવિષ્ય

મેષ રાશિના જાતકોને વર્ષ દરમ્યાન સુખ અને સંતોષનો અનુભવ થશે, તમે વિતેલા સમયમાં ખુબ મહેનત કરી છે, સફળતા માટે ખુબ જોર લગાવ્યું છે, આ વર્ષ દરમ્યાન તમને ભાગ્યનો સાથ અને જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે. વર્ષ દરમ્યાન તમે પોતાના મહત્વના કાર્ય ક્ષેત્રમાં એકધારી ગતિથી આગળ વધશો. નવા સાહસ માટે વર્ષ દરમ્યાન યોગ બનશે, પરંતુ ભાગીદારી વિષયક કાર્યોમાં ધીરજ રાખવી પડશે. પ્રથમ ભાવે ગુરુની દ્રષ્ટિ સ્વાસ્થ્ય અને ભાગ્ય બંનેમાં વૃદ્ધિ કરે છે.

વર્ષ દરમ્યાન મકાન અને વાહન બદલાઈ શકે, તમે કુટુંબમાં તમારી ધારણા કરતા વહેલા પ્રસંગનું આયોજન કરી શકો. કુટુંબમાં સામાન્ય વિખવાદ રહી શકે, તમારે કુટુંબ પર વિશેષ ધ્યાન આપવું પડશે. કુટુંબ અને ઘરના સભ્યોએ તમને નૈતિક બળ પૂરું પાડે છે. વર્ષની શરૂઆતમાં સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડી શકે, પરંતુ વર્ષના મધ્ય ભાગે સંતાનની પ્રગતિ વિશેષ રહે. ૧૭.૦૧.૨૦૧૮થી ૦૭.૦૩.૨૦૧૮ સુધીનો સમય ખોટા સાહસથી દુર રહેવું અને આર્થિક બાબતોમાં ધીરજ રાખવી, સ્વાસ્થ્ય વિશેષ સંભાળવું. ૧૭.૦૮.૨૦૧૮થી ૧૭.૦૯.૨૦૧૮ સુધીનો સમય વિશેષ પ્રગતિ થશે.

વૃષભ રાશિના જાતકો માટે નવું વર્ષ આર્થિક સમૃદ્ધિનો સંદેશ લાવ્યું છે. આ વર્ષ દરમ્યાન તમે આર્થિક લક્ષ્યાંકોને પાર કરશો. વ્યવસાયમાં આવક વધશે અને નોકરીમાં બદલાવની સ્થિતિ આવી શકે, પરંતુ સરવાળે તમે વધુ સમૃદ્ધ બનો છો. વર્ષ દરમ્યાન ગુરુ છઠા ભાવે છે અને શનિ સપ્તમ અને અષ્ટમ ભાવે રહે છે. વર્ષ દરમ્યાન તમે ભૌતિક સુખ તરફ વધુ ઝુકાવ રાખશો તેવું જણાય છે.

સામાજિક બાબતોમાં તમને કુદરતી સહાય મળશે. નવા પ્રસંગનું આયોજન થઇ શકશે. લગ્નઈચ્છુક જાતકોને વર્ષની શરૂઆતમાં લગ્ન બાબતે શુભ પરિણામ મળી શકે. વર્ષ દરમ્યાન તમારે પોતાના વ્યવહાર અને અન્ય લોકો સાથે સંબંધોમાં વધુ ખુલીને આગળ વધવું પડશે, આર્થાત સંબંધોને તમારે વધુ સાચવવા પડશે. ઘણીવાર તમે સંબંધોમાં નુકસાન પણ અનુભવશો પરંતુ એ લાંબા ગાળાના ફાયદામાં પરિણમશે તે ભૂલતા નહિ. શત્રુ સાથે શક્ય હોય તો મૈત્રી કરી લેવી અને સમજીને આગળ વધવું સલાહભર્યું રહેશે. મકરનો મંગળ વિદેશગમનમાં તકલીફ અને સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવા કહે છે.૧૭.૦૧.૨૦૧૮થી ૧૭.૦૩.૨૦૧૮નો સમય લગ્ન બાબતે શુભ અને વ્યવસાયમાં પ્રગતિ દાયક રહેશે. ૦૨.૦૫.૨૦૧૮થી૦૬.૧૧.૨૦૧૮ સુધીનો સમય માનસિક વ્યથા રહે પરંતુ ઉજ્જવળ તકો પણ મળી શકે.

મિથુન રાશિના જાતકોને વર્ષ દરમ્યાનપ્રગતિ થઇ શકશે, વર્ષ દરમ્યાન તમે પોતાની કારકિર્દી વિષયક બાબતોમાં વધુ ગંભીર બનશો. વર્ષની શરૂઆતમાં વ્યવસાય અને કાર્યક્ષેત્ર મહત્વના બની રહેશે. નોકરીમાં સામાન્યથી વધુ પ્રગતિ થઇ શકે. નોકરીમાં મહત્વની તકો મળી શકે પરંતુ તમારે પોતાને નવા પડકારજનક માહોલને પણ સ્વીકારવો પડી શકે. ઘરથી દુર નોકરીની તકો મળી શકે. ઘર કે કુટુંબ વિષયક બાબતોમાં તમારે પોતાના વિચારોને વ્યક્ત કરતા શીખવું પડશે. વર્ષ દરમ્યાન તમારે વાદ-વિવાદથી બચીને રહેવું હિતાવહ રહેશે. પંચમ ભાવે ગુરુનું ભ્રમણ વર્ષ દરમ્યાન સંતાન વિષયક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે તેનો સંકેત કરે છે.

વર્ષ દરમ્યાન આવકમાં નોધપાત્ર બદલાવ આવી શકે, વ્યવસાયમાં મહત્વના સોદા અણધાર્યા સમયે નક્કી થાય તેવું બને. વિદ્યાર્થી વર્ગને વર્ષ દરમ્યાન અભ્યાસમાં પ્રગતિ થઇ શકે. વર્ષના મધ્યભાગે અભ્યાસમાં રુકાવટનો અનુભવ થઇ શકે. લગ્નવિષયક નિર્ણયો માટેવર્ષ મધ્યમ કહી શકાય, શનિ મહારાજનું સપ્તમ ભાવે ભ્રમણ લગ્નની બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે તેનો સંકેત કરે છે. નવા સંબંધો અને પ્રેમપ્રસંગમાં તમારે વધુ ધ્યાન આપવું પડી શકે. ૧૭.૦૧.૨૦૧૮થી ૦૭.૦૩.૨૦૧૮ સુધીનો સમય નોકરી અને તબિયત વિષયક ચિંતા આપી શકે. ૧૪.૦૪.૨૦૧૮થી ૧૫.૦૫.૨૦૧૮ સુધીનો સમય ખુબ પ્રગતિ દાયક રહે, આર્થિક બાબતોની ચિંતા દુર થશે.

કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ નવા અનુભવોનું વર્ષ બની રહેશે, તમે આ વર્ષ દરમ્યાન ઘણી નવી બાબતોમાંથી પસાર થશો અને તેમાંથી શીખશો. સરવાળે તમે વધુ ઉત્તમ વ્યક્તિ બનો છો. વર્ષ દરમ્યાન તમારે નસીબના આધારે નહિ પરંતુ પોતાના કર્મ અને મહેનતના આધારે આગળ વધવું પડશે. નસીબ તમારા કાર્યમાં ઘણો ઓછો ભાગ ભજવે તેવું જણાય છે, રાહુ પ્રથમ ભાવે અને ગુરુ ચતુર્થ ભાવે મધ્યમ શુભ ફલનું સુચન કરે છે. તમારે વ્યક્તિગત મુલ્યોને વધુ મહત્વ આપવું પડશે, પરંતુ વધુ પડતો આશાવાદ કે ભાવનાશીલ સ્વભાવ તમને નુકસાન આપી શકે છે.

સંતાન બાબતે તમે વધુ સફળ બનશો, વર્ષ દરમ્યાન સારા સમાચાર મળે તેનો ભરપુર યોગ છે. સંતાન પક્ષે તમને વધુ ધ્યાન આપવાથી ધાર્યા કરતા પણ વધુ સારું પરિણામ મળી શકે છે. રાહુ પ્રથમ ભાવે રહેતા તમારે પોતાની શારીરિક ચિંતાઓને સંયમિત કરવી પડશે, અર્થાત પોતાના સ્વાસ્થ્ય બાબતે નાહકની ચિંતા અને વહેમ કરવા નહિ. રોગ હોય તો તેમાં નક્કર સારવાર પર જ આધાર રાખવો. ૧૪.૦૪.૨૦૧૮થી ૧૪.૦૫.૨૦૧૮ સુધીનો સમય તમને આત્મખોજ અને નિર્ણય લેવા માટે વધુ બળ આપે છે. ૧૫.૦૫.૨૦૧૮થી૧૫.૦૬.૨૦૧૮ સુધીમાં અનેક ધાર્યા કામ થઇ શકે, મહત્વના કાર્ય માટે સફળતાનો પાયો નંખાય. વર્ષના મધ્યભાગે વધુ મહેનત કરવી પડી શકે. ૧૬.૧૧.૨૦૧૮થી ૧૬.૧૨.૨૦૧૮માં સારા સમાચાર અને નોકરીમાં બદલાવ સાથે આર્થિક લાભ થઇ શકે.

સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ કારકિર્દીમાં મહત્વનું સાબિત થઇ શકે. વર્ષ દરમ્યાન તમે એક મોટો નિર્ણય લેશો જે તમારા આવનાર ભવિષ્યને મોટા પાયે બદલી શકે, અલબત કારકિર્દી વિષયક નિર્ણય માટે તમે હવે વધુ કટિબદ્ધ પણ હોવ તેવા ગ્રહ યોગો છે.વર્ષ દરમ્યાન નોકરી કે વ્યવસાયમાં બદલાવ  આવે તેની ભરપુર સંભાવનાઓ છે. જ્ઞાન અને આવડત થકી તમે આગળ વધી શકશો, નવો અભ્યાસ કે જ્ઞાનમાં વધારો થાય તેવા સંજોગ થશે. ગુરુ ત્રીજા ભાવે તમને સાહસ કરવાની પ્રેરણા આપે છે. નવા વ્યવસાય કે નોકરીમાં તમે વધુ ઝડપથી આગળ વધો તેવું બને.વર્ષ દરમ્યાન નવયુવાનોને લગ્ન બાબતે નિર્ણય થઇ શકે. ૧૭.૦૧.૨૦૧૮થી ૦૭.૦૩.૨૦૧૮સુધીનો સમય મકાન અને વાહન માટે ખુબ ફળદાયી રહે, ઘરમાં અને કાર્યક્ષેત્રે આનંદમાં વધારો થાય.

વર્ષ દરમ્યાન નસીબના આધારે કરાતા નિર્ણયથી બચવું, પ્રારબ્ધવાદી વલણ છોડીને તમારે પોતાના નિર્ણય અને કર્મશક્તિને કામે લગાડવી પડશે. પાંચમાં ભાવે શનિ વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન વધુ મહેનત કરવા માટે નિર્દેશ કરે છે. વર્ષ દરમ્યાન સંતાન ભાવે શનિ આવતા સંતાનવિષયક બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડી શકે. ૧૪.૦૪.૨૦૧૮થી ૧૫.૦૫.૨૦૧૮ સુધીનો સમય વિદેશગમન, યાત્રા, ઉચ્ચ અભ્યાસ કે ધાર્મિક કાર્ય બાબતે ખુબ શુભ રહે. આ સમય દરમ્યાન ધાર્યા કાર્ય થઇ શકે. ૧૬.૦૭.૨૦૧૮થી ૧૭.૦૮.૨૦૧૮ સુધીનો સમય શારીરિક અમે માનસિક વ્યથા આપી શકે. વર્ષ દરમ્યાન કેતુ છઠા ભાવે રહેતા સ્વાસ્થ્ય બાબતે વધુ જાગૃત રહેવું જોઈએ.

કન્યા રાશિના જાતકોને વર્ષ દરમ્યાન કૌટુંબિક બાબતોમાં સફળતા અને શત્રુ વિજયના યોગ છે. તમે વર્ષ દરમ્યાન હરીફાઈ અને સ્પર્ધાત્મક તબક્કામાંથી પસાર થશો પરંતુ સરવાળે તમે વિજયી બનશો. ઘર કે કુંટુંબ વિષયક બાબતો વર્ષ દરમ્યાન વધુ મહત્વની બની રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. આર્થિક બાબતો માટે વધુ પ્રયત્ન કરવો પડી શકે, વર્ષ દરમ્યાન આર્થિક અભિગમમાં તથા નાણાકીય બચત વગેરે બાબતોમાં તમારો મત બદલાઈ શકે. તમારેઅન્ય લોકોને નકારાત્મક પ્રતિભાવ આપવાનું છોડવું પડશે. તમારા વ્યવહારુ જ્ઞાનને લઈને નોકરીમાં લાભ થઇ શકે. લગ્ન બાબતે જે જાતકો રાહ જોઈ રહ્યા હોય તેઓને વર્ષ દરમ્યાન સફળતા મળી શકે, અનુકુળ ગ્રહોના યોગે નવા સંબંધોમાં વિઘ્ન દુર થાય અને સફળતા મળી શકે.

તમે દરેક કાર્યને ખુબ કાળજીથી કરો છો, વર્ષ દરમ્યાન તમારી આ આવડતને લીધે તમે વધુ ચાહના પામશો. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત પછી સફળતા મળી શકે. વર્ષ દરમ્યાન અભ્યાસમાં તમે વધુ પડકારજનક પરિસ્થિતિ અનુભવો છો. તમારે પોતાના અભ્યાસ બાબતે અનુભવી શિક્ષકની મદદ લેવી જોઈએ. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વર્ષના મધ્ય ભાગે તમે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ અનુભવશો. રોગ હોય તો મક્કમ મનોબળ રાખવું જરૂરી છે, રોગ માટે ચાલતી સારવારને લાંબો સમય આપવો સલાહભર્યું રહેશે, મોટા રોગમાં નિષ્ણાત તબીબની સલાહ ખુબ જ જરૂરી રહેશે. ૦૭.૦૩.૨૦૧૮થી૦૨.૦૫.૨૦૧૮ સુધીનો સમય સ્વાસ્થ્ય અને નોકરીમાં મિશ્ર અનુભવો આપી શકે. ૦૩.૦૫.૨૦૧૮થી ૧૪.૦૫.૨૦૧૮ સુધીનો સમય નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ આપી શકે. ૦૨.૧૧.૨૦૧૮થી ૨૬.૧૧.૨૦૧૮ સુધીનો સમય આર્થિક બાબતો માટે શુભ છે. ઘર અને કુટુંબમાં પ્રસંગ લેવાય, વ્યવસાયમાં પ્રગતિ થાય.

તુલા રાશિના જાતકો વર્ષ દરમ્યાન પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય અને બુદ્ધિમત્તાને જોરે સફળ રહેશે. તમે વર્ષ દરમ્યાન પોતાના અંગત જીવન અને કાર્યક્ષેત્રમાં બદલાવ અનુભવશો, પરંતુ આવનારો બદલાવ બિલકુલ તમારી મરજી મુજબ જ હોય તેવો અનુભવ પણ થશે. વર્ષ દરમ્યાન તમે પોતાની અદભુત નિર્ણય શક્તિને કામે લગાડી શકશો. મિત્રો અને ઘરના સભ્યોને તમે મદદરૂપ થશો જે તમારી ખુશીમાં અનેકગણો વધારો કરશે. વર્ષ દરમ્યાન મકાન અને વાહનનો પ્રશ્ન તમને થોડા સમય માટે મૂંઝવણમાં મૂકી શકે. તમારે મકાન બાબતે સમજી વિચારીને જ નિર્ણય લેવો સલાહભર્યું રહેશે. વાહનમાં ખર્ચ આવી શકે અથવા વાહન બદલવું પડે તેવા સંજોગ થાય.

શનિ ત્રીજા ભાવે શુભ કહી શકાય, અહી શનિ તમને તમારા કાર્યોમાં મક્કમતા અને જરૂરી રક્ષણ પૂરું પાડે છે. તમે અજાણ્યા સાહસથી ડરતા હોવ તેવું બની શકે, પરંતુ આ વર્ષ દરમ્યાન તમે પોતાના સાહસ અને કાયદાકીય કાર્યોમાં સુંદર રીતે મદદ મેળવો છો. સંતાન બાબતે તમે વધુ નસીબદાર બનશો, સંતાન પક્ષે લાભ અને અણધાર્યો શુભ પ્રસંગ આવે તો નવાઈ નહિ કહેવાય.તારીખ ૧૩.૧.૨૦૧૮થી 0૬ .૦૨.૨૦૧૮ સુધીનો સમય ઘરમાં ખર્ચ આવી શકે, ઘરના સભ્યો સાથે મનમેળ વધારવો. ૦૨.૦૩.૨૦૧૮થી૨૫.૦૩.૨૦૧૮ નોકરીમાં લાભ થાય, વિદેશગમન કે બહારગામ જવાનું થાય, વ્યવસાયમાં મહત્વનો સોદો થાય. ૦૧.૦૮.૨૦૧૮થી ૦૧.૯.૨૦૧૮ સુધીનો સમય વધુ ખર્ચ આવી શકે, વ્યવસાય કે કુટુંબમાં અણધાર્યો ખર્ચ આવી શકે, મુસાફરી ટાળવી. ૦૨.૦૯.૨૦૧૮ પછીનો સમય ૧૩.૧૧.૨૦૧૮ સુધી ખુબ ફળશે, અનેક કાર્યો સિદ્ધ થઇ શકે.

વૃશ્ચિક રાશિના જાતકોને શનિ મહારાજ ધન રાશિમાં પ્રવેશતા હવે થોડો રાહતનો સમય છે, મન પરથી ભાર હળવો થશે. તમે વધુ સકારાત્મક અને સંભાવનાઓથી ભરપુર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો. વર્ષ દરમ્યાન તમારે પોતાની આવડત અને ઇચ્છાઓને ખુલીને વ્યક્ત કરવી પડશે, તમે પોતાને એક નિશ્ચિત માહોલમાં બાંધી રાખો તે સલાહભર્યું નથી. ક્યારેક નસીબની આજમાઈશ તો ક્યારેક મિત્રતાનો લાભ પણ લેવાનું ચુકતા નહિ. આ વર્ષ નિશ્ચિત રૂપે તમારા આર્થિક, કૌટુંબિક અનેમદદરૂપ થનારી બધી ચીજોને કે વ્યક્તિઓને અસર કરનાર છે. વર્ષના અંતે તમે વધુ સફળ બનશો, વધુ ઘડાશો.

વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત નબળી કે મધ્યમ રહેશે. સ્ત્રી વર્ગ માટે વર્ષ શુભ ફળદાયી રહેશે. નવા મકાનમાં પ્રસ્થાન થઇ શકે. નવા વાહનમાં નાણા રોકાઈ શકે. અહી મહત્વનું છે કે આર્થિક આવકનો મહત્વનો ભાગ તમારા મોટા ખર્ચ પાછળ રોકાઈ શકે છે, તેથી મોટા નિર્ણયમાં ધ્યાન રાખવું પડશે. શારીરિક સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર ચઢાવ રહેશે. ૧૬.૧૨.૨૦૧૭થી ૧૪.૦૧.૨૦૧૮ નાની મુશ્કેલી કે માનસિક પરેશાનીમાંથી પસાર થવું પડી શકે. ૧૭.૦૧.૨૦૧૮થી ૦૭.૦૩.૨૦૧૮ સુધીનો સમય અદભુત સફળતા અને સંકલ્પસિદ્ધિનો કહી શકાય, હરીફ વર્ગને તમે જવાબ આપી શકો, વ્યવસાયમાં સફળતા. ૦૮.૦૩.૨૦૧૮થી ૦૨.૦૫.૨૦૧૮ સુધીનોસમય આર્થિક બાબતો માટે મહત્વનો બની રહેશે, ખોટા વિવાદથી બચવું. ૧૭.૦૮.૨૦૧૮થી ૧૭.૦૯.૨૦૧૮ નોકરીમાં બદલાવ અને બઢતી થઇ શકે.

ધન રાશિના જાતકો માટે આ વર્ષ અનેક પડકારો અને સંભાવનાઓથી ભરપુર રહેશે. તમે જીવનના નિર્ણાયક તબક્કે હોવ તેવો અનુભવ કરશો. કારકિર્દીમાં નિશ્ચિતરૂપે વળાંક આવી શકે. તમે વર્ષ દરમ્યાન મહેનત અને આવડતના જોરે આગળ વધશો. તમે સતત વ્યસ્તતા અને માનસિક તાણનો પણ અનુભવ કરશો, પરંતુ આ બધું ખરેખર તો કારકિર્દીમાંતમને વધુ આગળ લઇ જશે. વર્ષ દરમ્યાન નોકરી કે વ્યવસાયમાં બદલાવ આવે તો તેને સહર્ષ સ્વીકરી લેવો સલાહભર્યું રહેશે. સાહસે“શ્રી”પ્રતિવસતીએ ન્યાયે તમારે મોટી સિદ્ધિ માટે સાહસ કરવું જ રહ્યું, પરંતુ આ સાહસની પાછળ એક નક્કર યોજના પણ હોવી જરૂરી છે. જ્યાં જરૂરી જણાય તમારે જાણકાર લોકોનો સંપર્ક કરીને કાર્ય આગળ લઇ જવું જોઈએ.

૧૬.૧૨.૨૦૧૭થી ૧૪.૦૧.૨૦૧૮ શારીરિક સ્વાસ્થ્ય નબળું રહે, અન્ય લોકોના લીધે તમે પરેશાની અનુભવો તેવું બને. મન શાંત રાખવું. ૦૫.૦૨.૨૦૧૮થી ૨૨.૦૩.૨૦૧૮ સંતાન બાબતે કાર્યસિદ્ધિ થઇ શકે. નવ પરિણીત યુગલને સારા સમાચાર મળી શકે. અણધાર્યો આર્થિક લાભ થાય. ૧૪.૦૪.૨૦૧૮થી ૧૫.૦૫.૨૦૧૮ લે-વેચમાં લાભ થાય. વિદેશગમન કે યાત્રા દરમ્યાન મોટો લાભ થઇ શકે. વેપારી વર્ગને આવક વધે. ૧૭.૦૮.૨૦૧૮થી ૧૭.૦૯.૨૦૧૮ ધાર્મિકસંકલ્પ સિદ્ધિ થાય. મનોવાંછિત ફળ મળી શકે. કોઈ મોટા કાર્યમાં બાધા ફળે.

મકર રાશિના જાતકો માટે વર્ષ દરમ્યાન અનેક મહત્વના કાર્ય પાર પડશે. કેતુ પ્રથમ ભાવે રહેતા તમે સફળતા માટે ઉતાવળા બનો તેવું બની શકે, પરંતુ તમારે ધીરજ રાખીને આગળ વધવાનું છે. વર્ષ દરમ્યાન તમે સંબંધો થકી સફળતા મેળવો તેવું બની શકે. નોકરીમાં બદલાવ આવેતે માટે યોગ્ય સમયની રાહ જોવી હિતકર રહેશે. વર્ષ દરમ્યાન તમે વ્યવસાયિક સાહસના કાર્યમાં વધુ વ્યસ્ત રહો તેવું બની શકે. કારકિર્દી વિષયક કે આર્થિક બાબતોનામહત્વના કાર્યો થોડો સમય અટવાય ક્યાં તો જલ્દી ફળે નહિ તેવું બની શકે. વર્ષ દરમ્યાન તમારે યોગ્ય સમયે જ મોટા નિર્ણય લેવા તે ધ્યાનમાં રાખવું પડશે. મકાન કે જમીનનોવિવાદ હોય તો તે ઉકેલાઈ શકશે. મકર રાશિના જાતકોને વર્ષ દરમ્યાન પોતાની પાસે ઉપલબ્ધ સ્રોતનો પુરેપુરો ઉપયોગ કરવો પડશે, પછી તેઆર્થિક કે સામાજિક હોઈ શકે. ૦૨.૧૧.૧૭થી ૨૬.૧૧.૨૦૧૭ સુધીનો સમય આર્થિક અને કારકિર્દી વિષયક બાબતો માટે ખુબ શુભ છે, તમારો નિર્ણય તમને અણધારીસફળતા અપાવી શકે. ૧૪.૦૧.૨૦૧૮થી ૧૩.૦૨.૨૦૧૮ શારીરિક વ્યાધિ અને માનસિક વ્યગ્રતા રહે. ૨૦.૦૪.૨૦૧૮થી ૪.૦૫.૨૦૧૮ સુધીનો સમય સંતાન, ભણતર અને આવક વિષયક પ્રશ્ન ઉકેલાય, શુભ સમય. ૧૭.૧૦.૨૦૧૮થી૧૬.૧૧.૨૦૧૮ સુધીનો સમય નોકરી અને વ્યવસાયમાં વધુ ધ્યાન આપવું જરૂરી રહે.

કુંભ રાશિના જાતકોને વર્ષ દરમ્યાન કારકિર્દી અને વ્યવસાયમાં ગત સમયમાં આવેલા વિઘ્નો દુર થશે તેની પ્રબળ સંભાવનાઓ છે. વર્ષ દરમ્યાન તમારે ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ મિત્રો અને સહકર્મીઓ સાથે હળીમળીને ચાલવું પડશે. તમારે ઘરના કાર્યમાં કે પ્રસંગ આયોજનમાં જીવનસાથીની સલાહ વિશેષ ધ્યાનમાં લેવી જોઈએ. વર્ષ દરમ્યાન શનિ લાભ ભાવે આવતા તમે આર્થિક આવક અને સામાજિક બાબતો પર વધુ ઝુકાવ રાખશો. વર્ષ દરમ્યાન રાહુ છઠા ભાવે ખુબ ફળે. હરીફવર્ગને તમે હંફાવી શકો. સ્પર્ધાત્મક કાર્યમાં વિજય મળી શકે. પરંતુ સાથે સાથે વિવાદોથી પણ બચવાનું છે. ઘરમાં જીવનસાથી વિષયક પ્રશ્ન હોય તો તેને પ્રાથમિકતા આપવી પડશે. જે જાતકો લગ્નની રાહ જોઈ રહ્યા છે, તેમણે આ વર્ષે નિર્ણય લેવામાં ત્વરા દાખવવી પડશે. વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થઇ શકે.

૨૦.૦૪.૨૦૧૮થી ૧૪.૦૫.૨૦૧૮ સુધીનો સમય ખુબ શુભ રહે, મકાન, વાહન અને કૌટુંબિક પ્રશ્નો ઉકેલાય. સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નમાં રાહત થાય.૧૪.૦૪.૨૦૧૮થી ૧૪.૦૫.૨૦૧૮ સુધીમાં તમે નવું સાહસ કરવામાં સફળતા મેળવો, ભાઈભાંડું સંબંધે તમને લાભ થઇ શકે, નાણાકીય રોકાણ થાય. ૧૬.૦૭.૨૦૧૮થી ૧૭.૦૮.૨૦૧૮ સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો આવી શકે, માનસિક ઉદ્વેગ અને આર્થિક બાબતોને લઈને તકલીફ આવી શકે, આ સમય દરમ્યાન મોટા ખર્ચથી બચવું. ૦૧.૦૯.૨૦૧૮થી ૨૩.૧૧.૨૦૧૮ સુધીનો સમય ઉત્તમ રહે, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય. ઘરના સભ્યો ખુબ આનંદ અનુભવે.

સંવેદનાથી ભરપુર અને સમય અને સંજોગ અનુસાર ભળી જનાર મીન રાશિના જાતકોને વર્ષ દરમ્યાન વધુ મહેનત કરવી પડી શકે. બદલાતા સંજોગો તમને નવા પડકાર આપી શકે છે જેમાં સફળતાના બીજ પણ છે. તમારેવર્ષ દરમ્યાન એક આર્થિક અને એક સામાજિક લક્ષ્ય નક્કી કરવું પડશે. તમારો અંતરઆત્મા જ તમારો ગુરુ છે તેમ માનીને તમારે આગળ વધવું પડશે. તમે મલ્ટીટાસ્કીંગમાં માનતા હોવ તો તમારે અભિગમ બદલીને એક સમયે એક જ કાર્યનો અભિગમ રાખવો પડશે. વર્ષ દરમ્યાન લાભ ભાવે કેતુ આર્થિક બાબતોના પ્રશ્ન ઉજાગર કરે છે. મિત્રો અને સામાજિક સંપર્કોનો અભાવ સૂચવે છે. તમે ઘણા બધા લોકોને જાણતા હોવ પરંતુ મદદરૂપ થનાર વ્યક્તિ માટે તમારે શોધ કરવી પડી શકે. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

૧૬.૧૨.૨૦૧૭થી ૧૪.૦૧.૨૦૧૮ નોકરીમાં ઉતાર-ચઢાવ રહે, કાર્યસ્થળે મન શાંત રાખી આગળ વધવું. વ્યવસાયમાં મોટું નાણાકીય રોકાણ કે કાર્યપદ્ધતિમાં બદલવા આવી શકે. ૧૭.૦૧.૨૦૧૮થી ૦૭.૦૩.૨૦૧૮ મહેનતનું ફળ મળે,વિદેશ ગમન કે યાત્રા દરમ્યાન લાભ થાય. ૧૪.૦૩.૨૦૧૮થી ૧૪.૦૪.૨૦૧૮ અનેક કાર્યો સિદ્ધ થાય, કૌટુંબિક પ્રશ્નો કે સંતાન વિષયક પ્રશ્નો ઉકેલાઈ શકે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય. ૦૧.૦૮.૨૦૧૮થી ૦૧.૦૯.૨૦૧૮ જીવનસાથી વિષયક બાબતો ઉજાગર થાય, ઘરની બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. ૧૭.૧૦.૨૦૧૮થી ૧૬.૧૧.૨૦૧૮ સુધીમાં સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન હોય તો વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે.

– નીરવ રંજન

Mail Id: neiravranjan@gmail.com