ભારતના મુકુટ સમાન ગણાતું જમ્મુ-કાશ્મીર, આતંકવાદ અને રાજકીય અરાજકતાના કારણે કાયમથી અશાંત રહ્યું છે અને અહીંના લોકો હંમેશા ભયના ઓથાર તળે જીવતા આવ્યા છે.
આવી પરિસ્થિતિમાં એક કશ્મીરી યુવતી કશ્મીરમાં જ ભણે અને અગવડો વચ્ચે રસ્તો કરતી કરતી છેક બ્રિટીશ સરકાર દ્વારા અપાતી શેવનિંગ સ્કોલરશીપ મેળવવા સુધી પહોંચે એ વાત જ કેટલી પ્રેરણાદાયી છે?
આજે દીવાદાંડી વિભાગમાં વાત કરીએ આવી જ એક યુવતી નામે રક્ષંદા રાશિદની. કશ્મીર યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા પછી અનેક માપદંડો પર ખરા ઉતરીને શેવનિંગ સ્કોલરશીપ સુધી પહોંચનાર રક્ષંદા હાલમાં લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.
શેવનિંગ શિષ્યવૃત્તિ બ્રિટિશ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી અત્યંત પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ છે, જેના દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરવામાં આવે છે. 1983થી દર વર્ષે અપાતી આ શિષ્યવૃત્તિ અગાઉ અલ્વારો ઉરીબે (કોલંબિયાના રાષ્ટ્રપતિ), અમિતાભ કાંત (નીતિ આયોગના સી.ઈ.ઓ.), આનંદ રામલોગન (ત્રિનિદાદ અને ટોબૈગોના એટોર્ની જનરલ), એની અનરાઈટ (બુકર પ્રાઈઝ વિજેતા લેખિકા), કાર્લોસ અલ્વારાડો કેસાડા (કોસ્ટા રિકાના રાષ્ટ્રપતિ), ગીગા બોકેરિયા (રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ, જોર્જિયા), પૂજા કપૂર (બુલ્ગેરિયામાં ભારતીય રાજદૂત), રાજેશ તલવાર (ભારતીય લેખક) જેવા લોકોને મળી ચૂકી છે.
રક્ષંદા રાશિદના માતા-પિતા વધારે ભણેલા નથી, પરંતુ તેઓ હંમેશા બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા. માતા દિલશાદ શેખ એક ગૃહિણી છે. પિતા અબ્દુલ રાશિદ શેખ જ્યારે સફરજનની સિઝન હોય ત્યારે ખાનદાની બગીચાઓમાં કામ કરે. એ સિવાયના સમયે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આવેલા ઘર પાસે એક નાની દુકાન ચલાવે છે. મોટી બહેન તૌસીફ રાશિદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)માં સાયકાટ્રિક સોશિયલ વર્કર તરીકે કાર્યરત છે. જ્યારે ભાઈ ઝૈદ-બિન-રાશિદ શ્રીનગરની મેડિકલ કોલેજમાંથી M.B.B.S.ના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરે છે.
એ કહે છે, “ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે છોકરીઓ ઓછી હોય. જમ્મુ-કાશ્મીરમાં તો નહિવત કહી શકાય એટલી છોકરીઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરે છે. અલબત્ત, મારી કોલેજમાં પ્રોફેસર્સ, સાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ હતા. ક્યારેક જેન્ડરને લઈને કોઈ પણ પ્રકારના ભેદભાવનો અનુભવ થયો ન હતો.”
ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખા પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં એ રક્ષંદા કહે છે, “મને નાનપણથી ગણિત વિષયમાં ખૂબ જ રસ હતો. મારા પરિવારમાં કેટલાંક એન્જિનિયર હતા. તેમનું કામ જોઈને મને પણ એન્જિનિયરિંગમાં રસ જાગ્યો. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે ઈલેક્ટ્રિકલ સેક્ટરની જે પરિસ્થિતિ છે અને યોગ્ય મેનેજમેન્ટના અભાવે લોકોએ ખૂબ જ પરેશાન થવું પડે છે તેને જોતાં મને એવું લાગ્યું કે મારે આ જ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરીને પરિસ્થિતિ સુધારવા માટે કંઈક કરવું જોઈએ.”
જમ્મુ-કાશ્મીરના મારિયા નામની એક વિદ્યાર્થિનીને પહેલાં આ સ્કોલરશીપ મળી હતી. તેણે રક્ષંદાને આ સ્કોલરશીપ વિશે જણાવ્યું. પ્રોજેક્ટ એજ્યુએક્સેસ નામની સંસ્થા દ્વારા યોજાએલા એક પ્રોગ્રામમાં રક્ષંદા અગાઉ સ્કોલરશીપ મેળવી ચૂકેલા કેટલાંક વિદ્યાર્થીઓને પણ મળી. શેવનિંગ સ્કોલરશીપ વિશે પણ જાણવા મળ્યું એટલે આ સ્કોલરશીપ વિશે વધુ અભ્યાસ કર્યો અને મેન્ટરશીપ પ્રોગ્રામ માટે એપ્લાય પણ કર્યું. આકરી મહેનતના અંતે તેને આ સ્કોલરશીપ મળી. દેશમાં કુલ છ સ્ટુડન્ટ્સને આ સ્કોલરશીપ મળી છે એમાં રક્ષંદા એક છે. હાલ એ યુકેમાં એનર્જી સિસ્ટમ એન્ડ ડેટા એનાલિસિસ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રક્ષંદાની સ્કોલરશીપ યુકે ગર્વમેન્ટ અને અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા ફંડેડ સ્કોલરશીપ છે. એક ભારતીય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરની યુવતીને વિપરીત સંજોગોમાંથી અહીં સુધી પહોંચવાની તક મળી એ રક્ષંદાની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. શિક્ષણ મેળવ્યા પછી પોતાના પ્રદેશ માટે કાંઇક કરવાની એની ઇચ્છા હકીકતમાં તો એના જેવી અનેક કશ્મીરી યુવતીઓની ઇચ્છા છે. રક્ષંદા એ યુવતીઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)