સાયન્સ સિટીમાં ‘વન વીક વન થીમ’ અભિયાન હેઠળ કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના સહયોગથી ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમ પર 28 સપ્ટેમ્બરે કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસાયણ, લેધર અને પેટ્રોલકેમિકલ્સ ક્ષેત્રોમાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ, નવીન સંશોધનો અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી. ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, CSIR પ્રયોગશાળાના સંચાલકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિત 160થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હૈદરાબાદ સ્થિત CSIR – IICT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી)ના ડાયરેક્ટર ડૉ. શ્રીનિવાસ રેડ્ડીએ સહભાગીઓને આવકાર્યા. તેમણે આ પ્રસંગે જુદી-જુદી CSIR પ્રયોગશાળાઓ અને ગુજરાતના રાસાયણિક ઉદ્યોગો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર આપ્યો. ભારતના રાસાયણિક કેન્દ્ર તરીકે ગુજરાતને મહત્વનું રાજ્ય ગણાવ્યું.CSIR-CLRIના ડાયરેક્ટર અને ‘વન વીક વન થીમ’ અભિયાનના કેમિકલ્સ (લેધર સહિત) અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમના ડાયરેક્ટર ડૉ. કે.જે. શ્રીરામે CLP થીમ અંતર્ગત CSIR પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવેલી મહત્વની પહેલ અંગે વાત કરી.
ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સુબોધ જોશીએ આ પ્રસંગે કહ્યું, ખેડૂતો અને પૃથ્વી બંનેના લાભ માટે વૈજ્ઞાનિક કાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ગુજરાતમાં રાસાયણિક ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને ભારતની અર્થવ્યવસ્થામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે.GHCL ઈન્ડસ્ટ્રીઝ-ગુજરાતના પ્રમુખ પી.એન. રાવ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર તરફ ધ્યાન આપવાની તથા મીઠા અને મીઠાને લગતી ઉપપેદાશો જેવી કે બ્રોમીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સહિતના રાસાયણિક તત્વો, કેમિકલને લગતા સંશોધનો અને ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂર છે. ગ્લાસના ઉત્પાદન, સોડાએશ, કોસ્ટિક સોડા, ક્લોરો-આલ્કલી અને ડિટર્જન્ટ જેવા કેમિકલ ઉદ્યોગોમાં ભારતમાં મીઠાના ઉદ્યોગની ખૂબ જ માંગ છે.વસા ગ્રૂપ ઓફ કંપનીઝના CMD અને ગુજરાત કેમિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. જૈમિન આર. વસા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાસાયણિક ઉદ્યોગની વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને સુનિશ્ચિત કરવા તથા નવીન સંશોધનો અને ટકાઉ પ્રથાઓ માટે આ પ્રકારની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે તેના પર તેમણે ભાર આપ્યો.ગુજરાત સાયન્સ સિટી દ્વારા લોકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.