આપણી આજકાલઃ પીજી-પડોશી ને પરેશાની?!

 

(અહેવાલઃ મહેશ શાહ – અમદાવાદ)

‘પહેલો સગો પડોશી’ આ રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. જો કે ક્યારેક કોઈ પાત્ર, પ્રસંગ કે પરિસ્થિતિના લીધે પડોશી વચ્ચે તકરાર પણ થઈ જાય છે. અમદાવાદની વાત કરીએ તો પાર્કિંગથી અડચણ, કચરો ફેંકવો, કૂતરા પાળવા, મોટા અવાજે રેડિયો-ટીવી વગાડવા વગેેરે બાબતે બે પડોશી વચ્ચે તકરાર થયાના ઘણાં કિસ્સા બન્યા. અમુક વિવાદ સોસાયટીના ઍસોસિયેશન અને ક્યારેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. આ યાદીમાં થોડાં સમયથી નવું પાત્ર ઉમેરાયું છે. એ છે પેઈંગ ગેસ્ટ એટલે કે પી.જી.

કમલ નયન એપાર્ટમેન્ટઃ પી.જી. બંધ કરાવવા રહેવાસીઓ દ્વારા દેખાવો

તાજો કિસ્સો અમદાવાદનો છે. જે ભારે ચકચારી અને વિવાદી બન્યો. એનું સ્થળ સી.જી. રોડ પરના કમલ નયન એપાર્ટમેન્ટમાં ચાલતી સંસ્કાર ગર્લ્સ પી.જી. હૉસ્ટેલ. એના સંચાલક સન્નીસિંઘ સેન પંદરેક વર્ષથી કમલ નયનના ચાર ફ્લૅટમાં ૬૫ જેટલી છોકરીને પેઈંગ ગેસ્ટ (પી.જી.) તરીકે રાખે છે.

અહીં ૧૫ જૂને મધરાત્રે અંદાજે પોણા એક વાગે યલો ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો યુવક પાંચમા માળે પી.જી.વાળા ફ્લૅટમાં ગુપચુપ ઘૂસીને હૉસ્ટેલમાં કચરા-પોતા કરતી ગીતા (નામ બદલ્યું છે)ના પલંગ સુધી પહોંચી ગયો. ત્યાં ગીતાને શારીરિક અડપલાં અને અભદ્ર હરકતો કરી પછી જતો રહ્યો. આ જોઈને ચોંકી ગયેલી ત્રણ પી.જી. ગર્લ્સે ગીતાને ઉઠાડીને પૂછ્યું: ‘એક છોકરો તારી પાસે આવ્યો હતો. એની તને ખબર છે?’ જો કે રાજસ્થાનવાસી ૨૩ વર્ષી ગીતા કહે: ‘હું શરદી-ખાંસીની દવા લઈને સૂતી હતી એટલે મને ખબર નથી.’ પછી ત્રણેય છોકરીએ હૉસ્ટેલના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. એમાં એ યુવક દેખાયો.

પી.જી.વાળા ફ્લૅટમાં ગુપચુપ ઘૂસીને છોકરીને અડપલા કરતા અજાણ્યા શખ્સના વિડિયો ફૂટેજનું દ્રશ્ય

આમ છતાંય હૉસ્ટેલ સંચાલક કે ગીતાએ પોલીસને જાણ ન કરી. જો કે ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા અને પછી ટીવીચૅનલોમાં ચમકયા પછી તો ભારે ચકચાર મચી.

કમલ નયન એપાર્ટમેન્ટમાં ‘સંસ્કાર’ પી.જી.

૧૯ જૂને વાત પોલીસ કમિશનર અને ગુજરાત મહિલા આયોગ સુધી પહોંચી એથી પોલીસે દોડધામ કરી ટૂંકા કલાકોમાં આરોપી ૨૯ વર્ષી ભાવિન શાહને ઝડપી લીધો. ઑનલાઈન ફૂડ ડિલિવરી કંપનીના ડિલિવરી બૉયને રોમિયોગીરી ભારે પડી.

આ ઘટનાએ ગૃહિણીઓ અને ખાસ કરીને એકલી કે પી.જી.માં રહેતી યુવતીની સુરક્ષા અંગે ચિંતા જન્માવી તો બીજી તરફ, પી.જી.ના અમુક પડોશીઓ પણ ચિંતિત છે-મુશ્કેલી અનુભવે છે.

પડોશીઓની પરેશાની પહેલાં જાણીએ પી.જી. કલ્ચરની ગઈ કાલ અને આજ.

અમદાવાદમાં સાયન્સ, કૉમર્સ, આર્ટ્સ, મૅનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ટેક્ધિકલ અને મેડિકલ કૉલેજ, આર્ટ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, વગેરે હોવાથી ગુજરાતનાં ઘણાં ગામ-શહેરો તેમ જ બીજાં રાજ્યોના હજારો સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. ઉપરાંત, મલ્ટિનૅશનલ કંપની, બીપીઓ, વગેરેમાં અનેક યુવક-યુવતી જૉબ કરે છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં બહારગામવાસી એકાદ લાખ છોકરા-છોકરી અભ્યાસ કે નોકરી કરે છે.

વાસ્તવિકતા ગણો તો શહેરમાં નોકરિયાત માટે હૉસ્ટેલ નથી. જૂજ કૉલેજ અને સરકારી હૉસ્ટેલ છે એટલે છોકરા-છોકરી પોતાના જ્ઞાતિ-સમાજની બોર્ડિંગ કે હૉસ્ટેલમાં રહે છે. અહીં પાટીદાર સમાજની સંભવત: સૌથી વધુ દસેક હૉસ્ટેલ છે. અન્ય સમાજની પણ હૉસ્ટેલ છે. પાટડીવાળા પરિવારે સ્થાનકવાસી જૈન સમાજની ૨૪ રૂમ્સની અદ્યતન લેડીઝ હૉસ્ટેલ બનાવી છે.

‘એન્જલ ગર્લ્સ હોસ્ટેલ’ના પ્રવેશદ્વાર ખાતે કેમેરા દ્વારા ચાંપતી નજર અને બાયોમેટ્રિક્સ સિસ્ટમ

થોડાં વર્ષ પહેલાં છોકરા-છોકરી બહારગામ ભણવા કે નોકરી કરવા જાય ત્યારે સગાં કે સ્વજનના ઘેર થોડા મહિના રોકાતા. પછી મકાન ભાડે લઈને રહેતા. એ સિનારિયો હવે બદલાયો છે. આજના યુવાન-તરુણો કોઈને ભારરૂપ બનવાનું ટાળીને સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. છોકરા-છોકરી ભાડાના મકાન-ફ્લૅટમાં એકલા કે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા. કપડાં જાતે ધુવે અથવા ઘરમાલિક, પડોશી કે ધોબી પાસે ધોવડાવે. ઘરમાલિક કે પડોશીને ત્યાં જમે અથવા ટિફિન મંગાવે. અમુક તો માસી તરીકે ઓળખાતી ગૃહિણીના ઘેર બે ટંક જમવા જાય.

‘એન્જલ ગર્લ્સ હોસ્ટેલ’માં પ્રવેશદ્વાર ખાતે બાયોમેટ્રિક્સ સિસ્ટમ

જો કે હવે સ્ટુડન્ટને પી.જી.માં રહેવા ઉપરાંત જમવા, લોન્ડ્રી, વગેરે સુવિધા મળે છે એથી સ્ટુડન્ટનો સમય અને થોડા પૈસા બચે છે. પેઈંગ ગેસ્ટ રાખવાની ઘરગથ્થુ પ્રવૃત્તિ હવે ધીકતો ધંધો બની છે. અમુકમાં પ્રોફેશનલ મૅનેજમેન્ટ શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વલ્લભ વિદ્યાનગર, વગેરે શહેરોમાં અનેક બૉયઝ અને ગર્લ પી.જી. ચલાવે છે.

અમદાવાદમાં અમુક જણ ફ્લૅટ કે બંગલામાં પી.જી. ચલાવી સારું કમાય છે. એમાં રહેવા-જમવા માટે સાતથી દસ-બાર હજાર માસિક ભાડું હોય છે. ઉપરાંત, ૧૫થી વધુ બૉય્ઝ અને લેડીઝ હૉસ્ટેલ પણ છે. એમાં ૧૫ હજાર આસપાસ ભાડું હોય. નિવૃત્ત કલાસવન ઑફિસર ૭૬ વર્ષી દેવયાનીબહેન વ્યાસ અપરિણીત છે. એ ત્રણ બેડરૂમના ફ્લૅટમાં રહે છે. એમાં ચાર યુવકને પી.જી. તરીકે રાખે છે.

‘એન્જલ ગર્લ્સ હોસ્ટેલ’માં વિદ્યાર્થિનીઓ માટે લાઈબ્રેરીની સુવિધા

પી.જી. કમાણીનું સાધન છે. એમાં જવાબદારી સાથે ક્યારેક જોખમ પણ ખરું. ક્યારેક કોઈ છોકરો-છોકરી ગેરકાનૂની પ્રવૃત્તિ કે આપઘાત કરી લે તો પી.જી. સંચાલકે વિના વાંકે મુશ્કેલી ભોગવવી પડે. બદનામી પણ થાય. કમાણીનું કેન્દ્ર ક્યાંક કંકાસનું કેન્દ્ર પણ બન્યું, જેમાં પી.જી. ફ્લૅટના અમુક પડોશી કે અન્ય રહીશો કંઈક આવી ફરિયાદ કરે છે: પી.જી.નાં અમુક છોકરા-છોકરી મોડી રાત સુધી શોરબકોર કરે છે. મોડી રાત સુધી આવ-જા કરે છે. ગમે એ સમયે પાર્સલ-કુરિયરવાળા આવે છે. અમુક છોકરા પડોશી યુવતીઓ સામે જોયા કરે છે. અમુક છોકરી ટૂંકાં વસ્ત્રો (પડોશીના શબ્દોમાં ચડ્ડી!) પહેરીને ફરે છે. સોસાયટી પાસે બૉયફ્રેન્ડ સાથે ઊભી રહે છે. અમુક એરિયામાં છોકરીઓ જાહેરમાં સિગારેટ પીવે છે, વગેરે.

કદાચ આવાં કારણોથી અમુક સોસાયટી-ફ્લૅટ ઍસોસિયેશને પી.જી. બંધ કરાવ્યાં. ક્યાંક વિવાદ ચાલે છે તો કોઈક પી.જી. સંચાલક-ફ્લૅટમાલિક દલીલ કરે છે: ‘મારા ફ્લૅટમાં હું ગમે એ કરુું-કરાવું. મેરી મરજી!’

‘એન્જલ ગર્લ્સ હોસ્ટેલ’માં સ્ટુડન્ટ્સને રહેવા ઉપરાંત જમવાની સુવિધા પણ મળે છે

હવે જાણીએ-સંસ્કાર લેડીઝ હૉસ્ટેલના પડોશી શું કહે છે?

કમલ નયન એપાર્ટમેન્ટના ઍસોસિયેશનના ચૅરમૅન રામકૃષ્ણ બોસમિયાનાં પત્ની પૂનમબહેન કહે છે: ‘ફ્લૅટનો ગેટ રાત્રે ૧૧ વાગે બંધ થયા પછી પણ અમુક છોકરીઓ આવ-જા કરે છે. પાર્સલ, હૉસ્ટેલના ગેટ પર લેવા જવાના બદલે પોતાના ફ્લૅટ સુધી મંગાવે છે. આવાં અનેક કારણથી અમે ત્રાસી ગયાં છીએ એટલે પી.જી. બંધ કરાવવાની લડત આદરી છે.’

રામકૃષ્ણ બોસમિયા કહે છે: ‘પી.જી. સંચાલકે ચાર ફ્લૅટમાં રૂમ-બાથરૂમ, વગેરેનું ગેરકાયદે બાંધકામ કર્યું છે. છોકરીઓની સંખ્યાની સરખામણીમાં અમને ઓછું મેઈન્ટેનન્સ આપે છે. પાણીનો વપરાશ ખૂબ થતો હોવાથી કૉમન ઈલેક્ટ્રિક બિલ મોટું આવે છે. આવી અનેક પરેશાનીના લીધે ગેરકાયદે બાંધકામ તોડવા અને પી.જી. બંધ કરાવવા અમે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે. કોર્ટમાં કેસ ચાલે છે, પરંતુ અમને ન્યાય મળ્યો નથી.’

આક્ષેપોના જવાબમાં ‘સંસ્કાર’ પી.જી. સંચાલક સન્નીસિંઘ સેન કહે છે: ‘બાંધકામ કાયદેસરનું છે. દીકરીઓને કાયદેસર રાખીએ છીએ અને એનું પોલીસ વેરીફિકેશન કરાવ્યું છે. દીકરીઓ કોઈને નડતરરૂપ નથી.’

પડોશીની પરેશાનીની જેમ પી.જી.ની પીડા પર નજર કરીએ. પડોશી કે ફ્લૅટ ઍસોસિયેશનના દબાણના લીધે બે પી.જી. હોમ બદલી ચૂકેલી એક વિદ્યાર્થિની કહે છે: ‘અમને સહાધ્યાયી કે મિત્ર વાહન પર લેવા-મૂકવા આવે, અમે એની સાથે ગેટ બહાર ઊભા રહીને વાતો કરતા હોઈએ ત્યારે અમુક પડોશી ખરાબ નજરે જુવે છે. દરેક છોકરાને બૉયફ્રેન્ડ ગણીને અમારા ચારિત્ર્ય અંગે શંકા કરે છે.’

પી.જી. ગર્લ સોનાલી કહે છે: ‘સ્વતંત્ર અને સમવયસ્કો સાથે રહેતા હોય ત્યારે બોલવા અને કપડાં પહેરવામાં અમુક છૂટછાટ લઈએ એમાં ખોટું શું છે? એનાથી અમે કોઈને નુકસાન તો કરતા નથી.’

પંજાબના ઉચ્ચ શિક્ષિત પરિવારની સાનેકા વાહેલ હૈદરાબાદમાં ગ્રૅજ્યુએશન કરીને હાલ અમદાવાદમાં મિડિયા સ્ટડી કરે છે. પી.જી. તરીકે ફ્લૅટમાં રહે છે. સાનેકા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘ક્યાં-કેવાં વસ્ત્રો પહેરવા એ અમે સારી રીતે જાણીએ છીએ. વસ્ત્રની પસંદગી અમારો અધિકાર છે, પરંતુ પડોશમાં રહેતાં અમુક આન્ટી અમને સલાહ આપે છે: અમારે શું પહેરવું-શું ન પહેરવું. એ કેમ વિચારતા નથી કે અમે કોઈની બહેન-દીકરી છીએ.’

દરેક યુવતી માટે સ્વતંંત્રતા સાથે સુરક્ષાનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. કદાચ એટલે આર્થિક સંપન્ન પરિવાર એમની દીકરીને ઘરઘરાઉ પી.જી.ના બદલે હૉસ્ટેલમાં રાખે છે. સીજી રોડ પરની એન્જલ ગર્લ્સ હૉસ્ટેલ. પાંચ માળ, ૪૦ રૂમની આ હૉસ્ટેલમાં બધી આધુનિક સુવિધા સાથે લેડી કૅરટેકર અને ૨૪ કલાક સિક્યોરિટી ગાર્ડ છે.

‘એન્જલ’ના સંચાલક રાજુભાઈ શાહ ‘ચિત્રલેખા’ને કહે છે: ‘દરેક માતા-પિતા પોતાની દીકરીની સુરક્ષા માટે ખાસ આગ્રહ રાખે છે. પછીના ક્રમે ફૂડ અને ફેસિલિટી ઈચ્છે છે. અમે દરેક દીકરીનું પ્રવેશ ફૉર્મ ભરાવીને પોલીસ વેરીફિકેશન કરાવીએ છીએ. અમારે દરેક દીકરી માટે ઘરના વડીલ જેટલી જવાબદારી અદા કરવાની હોય છે.’

‘એન્જલ’ના રાજુભાઈ શાહ

મૉડર્ન લેડીઝ હૉસ્ટેલ એન્જલ હોમ્સમાં ૭૦ રૂમ્સ છે. એના સંચાલક હરીહરસિંહ ઝાલા કહે છે: ‘હોસ્ટેલ, સર્વિસ ઑરિયેન્ટેડ બિઝનેસ છે. દીકરીઓની માંગણીના આધારે અમે જિમ બનાવીએ છીએ.’

પી.જી. માટે થતા વિવાદનો ઉકેલ શું?

‘એન્જલ હોમ્સ’ના હરિહરસિંહ ઝાલા

એક પોલીસ ઈન્સ્પેક્ટર કહે છે: ‘પી.જી. માટે કોઈ નિયમ નથી એથી પી.જી. સ્ટુડન્ટ, ફ્લૅટમાલિક અને પડોશીએ એકમેકને સમજી અને અનુકૂળ થઈને રહેવું જોઈએ.’

સમાજ વિદ્યા ભવનના પ્રાધ્યાપક અને લેખક ગૌરાંગ જાની કહે છે: ‘આપણી દીકરી ફૅશનેબલ વસ્ત્રો પહેરે કે આઈટેમ સોન્ગ પર ડાન્સ કરે તો આપણે હરખાઈએ છીએ, પરંતુ એજ વયની પી.જી.માં રહેતી છોકરી એવાં વસ્ત્રો પહેરે તો એને કેમ લાંછન ગણીએ છીએ?!

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)