અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત વિદેશમાં બનેલી ફિલ્મો જે અમેરિકા આવે છે તેના પર હવે 100 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણયની અસર ભારત અને ભારતીય ફિલ્મો પર પણ પડશે. હવે બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક શેખર કપૂરે ટ્રમ્પના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શેખર કપૂર કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય તેમના પર વિપરીત અસર કરી શકે છે.
અમેરિકાથી બહાર જઈ શકે છે હોલીવૂડ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા, શેખર કપૂરે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે અને તેને હોલીવુડ માટે જ ખતરો ગણાવ્યો છે. શેખર કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,”હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસનો 75 ટકાથી વધુ હિસ્સો અમેરિકાની બહારથી આવે છે અને તે ફિલ્મોના બજેટનો મોટો ભાગ અમેરિકાની બહાર ખર્ચવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આયાત થતી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાથી હોલીવુડને અમેરિકાની બહાર જવાની ફરજ પડી શકે છે. જે તેમની અપેક્ષાઓ અને ઇરાદાઓથી બિલકુલ વિરુદ્ધ હશે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાત્રે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, “અમેરિકામાં ઉદ્યોગ ઝડપથી મૃત્યુ પામી રહ્યો છે. અન્ય દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર ભગાડવા માટે ઘણા પ્રોત્સાહનો આપી રહ્યા છે. હોલીવુડ અને અમેરિકાના ઘણા અન્ય વિસ્તારોનો નાશ થઈ રહ્યો છે. આ અન્ય દેશો દ્વારા સુનિયોજિત પ્રયાસ છે અને તેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.”
તેમણે ઉમેર્યુ કે એટલા માટે હું વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને નિર્દેશ આપી રહ્યો છું કે તેઓ વિદેશમાં બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરે જે આપણા દેશમાં આવી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી અમેરિકામાં બને.
અમદાવાદ, સ્માર્ટ અને હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર, હવે ‘ભૂવા સિટી’ તરીકે બદનામ થઈ રહ્યું છે. ભર ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં પણ શહેરના રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં મકરબા મેઈન રોડ પર, જે હાલમાં જ સિક્સ-લેન બનાવવામાં આવ્યો છે, એક મોટો ભૂવો પડ્યો, જેમાં રિક્ષા ખાબકતાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
ઘટના મકરબા મેઈન રોડ પર બની, જ્યાં રિક્ષા ચાલક રસ્તા પરથી પસાર થતો હતો. નાનકડા ખાડામાંથી શરૂ થયેલી સમસ્યા રોડ બેસી જતાં ધડાકા સાથે મોટા ભૂવામાં ફેરવાઈ. રિક્ષાનો આગળનો ભાગ આ ભૂવામાં ગરકાવ થયો, જેના કારણે રિક્ષાનો બુકડો ફાટી ગયો અને ચાલકના ચહેરા પર કાચના ટુકડા વાગ્યા. લોહીલુહાણ થયેલા ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાથી આસપાસ ટ્રાફિક જામ થયો, જેને પોલીસે પહોંચીને ક્લિયર કરાવ્યો.
આ ઘટના જ્યાં બની ત્યાં ફ્લાયઓવરનું નિર્માણ ચાલી રહ્યું છે, જે શહેરના ટ્રાફિકને સરળ બનાવવા માટે મહત્ત્વનું છે. જોકે, તાજેતરમાં બનેલા સિક્સ-લેન રોડ પર ભૂવો પડવો શહેરની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર રસ્તાઓની જાળવણીમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે. AMCએ ભૂવાને ભરવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ આવી ઘટનાઓ શહેરની છબીને નુકસાન પહોંચાડી રહી છે.
મોસ્કોઃ આતંકવાદનો ખાતમો કરવા માટે રશિયા સહકાર આપશે, એમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે. તેમણે PM નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે પહલગામના ગુનેગારોને સજા મળવી જોઈએ. તેમણે PM મોદીને ફોન કર્યો હતો અને ભારતના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી.
તેમણે નિર્દોષ લોકોનાં મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી હતી, એમ વિદેશ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી.પુતિને ખાસ કરીને કહ્યું હતું કે આ ઘાતકી હુમલાના દોષિતોને અને તેમના સમર્થકોને ન્યાયના ઘેરામાં લાવવામાં આવવા જોઈએ. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની વિશિષ્ટ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કર્યો હતો. PM મોદીએ વિજય દિવસની 80મી વર્ષગાંઠના અવસર પર રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છાઓ આપી હતી અને વર્ષના અંતે ભારતમાં આયોજિત થનારા વાર્ષિક શિખર સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 27 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, પરંતુ હજી સુધી આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી નથી.
IPL 2025 માં પ્લેઓફ માટેની લડાઈ રસપ્રદ બની ગઈ છે. 54 મેચ રમાઈ છે અને અત્યાર સુધી ફક્ત બે ટીમો – ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ – પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. આઠ ટીમો હજુ પણ છેલ્લા ચારમાં પહોંચવાની રેસમાં છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચવાનો રેકોર્ડ ધરાવે છે પરંતુ આ વર્ષે ટીમ છેલ્લા 10મા સ્થાને છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ બીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજા સ્થાને, સનરાઇઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને અને કોલકાતા નાઈટ રાઇડર્સ પાંચમા સ્થાને છે. જોકે, ટોચના પાંચમાં ફક્ત એક જ RCB છે જેના નામે અનિચ્છનીય રેકોર્ડ છે. ટોચની પાંચ ટીમોમાં RCB એકમાત્ર એવી ટીમ છે જેણે એક પણ વખત IPLનો ખિતાબ જીત્યો નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સ
CSK ટીમ 12 વખત IPL પ્લેઓફમાં પહોંચી છે. આમાંથી ટીમે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ટીમે 2010, 2011, 2018, 2021 અને 2023માં આ ખિતાબ જીત્યો છે. બધા ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટનશીપમાં આવ્યા છે. પ્લેઓફમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ CSK ના નામે છે. તેણે પ્લેઓફમાં 26 મેચ રમી છે અને 17માં જીત મેળવી છે. ટીમ નવ મેચમાં હારી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સ
આ યાદીમાં મુંબઈ બીજા સ્થાને છે. આ ટીમ 10 વખત પ્લેઓફમાં પહોંચી છે અને પાંચ વખત ટાઇટલ જીતી છે. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ખિતાબ જીત્યો હતો અને આ બધા ખિતાબ રોહિત શર્માના કેપ્ટનશીપમાં આવ્યા હતા. જોકે, આ વખતે પણ ટીમ પ્લેઓફમાં પહોંચવાની પ્રબળ શક્યતા છે. ચેન્નાઈ પછી મુંબઈ પ્લેઓફમાં બીજા ક્રમે સૌથી વધુ મેચ રમ્યું છે. આ ટીમે પ્લેઓફમાં 20 મેચ રમી છે અને 13 મેચ જીતી છે. ટીમને સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
RCB સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. આ ટીમ અત્યાર સુધીમાં નવ વખત પ્લેઓફમાં પહોંચી છે, પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આ વખતે પણ ટીમ પ્લેઓફમાં પહોંચવાની પ્રબળ શક્યતા છે. શું આ ટીમ આ વખતે પોતાના વિજયના દુકાળનો અંત લાવી શકશે? સમય જ કહેશે. ગયા સિઝનમાં, આરસીબીનો એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો. પ્લેઓફમાં RCBનો રેકોર્ડ સારો રહ્યો નથી. ટીમે છેલ્લા ચાર મેચોમાં 15 મેચ રમી છે અને તેમાંથી ફક્ત પાંચમાં જ જીત મેળવી છે. RCB ને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
હૈદરાબાદની ટીમ અત્યાર સુધીમાં નવ વખત પ્લેઓફમાં પહોંચી છે અને બે વાર ટાઇટલ જીતી છે. સનરાઇઝર્સ પહેલા, ડેક્કન ચાર્જર્સ ફ્રેન્ચાઇઝીએ 2009 માં એડમ ગિલક્રિસ્ટના કેપ્ટનશીપ હેઠળ ટાઇટલ જીત્યું હતું. સનરાઇઝર્સ ટીમે 2016માં ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ ટાઇટલ જીત્યું હતું. છેલ્લી વખત, ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે તેનો પરાજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં 14 મેચ રમી છે અને છ મેચ જીતી છે. SRH ને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે સનરાઇઝર્સ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતા ઓછી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ
KKR ટીમ આઠ વખત પ્લેઓફમાં પહોંચી છે. આમાંથી, ટીમ 2012, 2014 અને 2024 માં ત્રણ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. KKR એ ગંભીરની કેપ્ટનશીપમાં બે અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં એક ટાઇટલ જીત્યું છે. જોકે, પ્લેઓફમાં KKRનો રેકોર્ડ સારો છે. ટીમે 15 માંથી 10 મેચ જીતી છે. કેકેઆર પાંચમાં હારી ગયું છે. જોકે, આ વખતે ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે.
મુંબઈની અંબોલી પોલીસે સોમવારે અભિનેતા એજાઝ ખાનને તેમના શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ સામગ્રીના સ્ટ્રીમિંગના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. નોટિસમાં એજાઝ અને ઉલ્લુ એપના માલિક બંનેને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને કેસમાં તેમના નિવેદનો રેકોર્ડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પોલીસે કેસ નોંધ્યો
ગત અઠવાડિયે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરની ફરિયાદના આધારે મુંબઈની અંબોલી પોલીસે એજાઝ ખાન,’હાઉસ એરેસ્ટ’ ના નિર્માતા રાજકુમાર પાંડે અને ઉલ્લુ એપના અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. પોલીસે ઉલ્લુ એપ મેનેજરનું નિવેદન નોંધી લીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વેબ શોના એક વીડિયો ક્લિપમાં એજાઝ ખાન મહિલાઓ સહિત અન્ય સ્પર્ધકોને ઘનિષ્ઠ દ્રશ્યો કરવા કહેતો જોવા મળ્યો હતો. સ્પર્ધક અસ્વસ્થ હોવા છતાં તેમને આમ કરવાની ફરજ પાડી હતી.
શો પર પ્રતિબંધ મૂકવાની માંગ
1 મેના રોજ, મહારાષ્ટ્ર ભાજપના એમએલસી ચિત્રા વાઘે ‘હાઉસ એરેસ્ટ’ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી, અને આરોપ લગાવ્યો કે તેની સામગ્રી અશ્લીલ અને સમાજ માટે, ખાસ કરીને બાળકો માટે હાનિકારક છે. તેમણે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને આવી સામગ્રીનો પ્રચાર કરતી મોબાઇલ એપ્લિકેશનો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી પણ કરી.
પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ દિવસે-દિવસે વધી રહ્યો છે. ભારત યુદ્ધની તૈયારીઓ સાથે પાકિસ્તાન પર લગામ કસી રહ્યું છે. અલગ અલગ રીતે પાકિસ્તાનને ફટકો માટે ધૂળ ચટાવા માટે ભારત એક બાદ એક મહત્વના પગલા ભરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોય તું લાગી રહ્યું છે. પાકિસ્તાનને સોમવારે 120 કિલોમીટર રેન્જની ‘ફતેહ’ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, જે ‘એક્સ ઈન્ડસ’ લશ્કરી કવાયતનો ભાગ હતું. આ પહેલાં 3 મે, 2025ના રોજ 450 કિલોમીટર રેન્જની ‘અબ્દાલી’ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સૈન્યની યુદ્ધ તૈયારી અને અદ્યતન નેવિગેશન સિસ્ટમની ચકાસણી હોવાનું પાકિસ્તાની સેનાએ જણાવ્યું. આ પરીક્ષણો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધતા તણાવની પૃષ્ઠભૂમિમાં થયા છે, જેમાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા.
File photo
બીજી તરફ, ભારતીય વાયુસેના એલર્ટ પર છે. રવિવારે એર ચીફ માર્શલ એપી સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમી સરહદ પર રાફેલ સહિતના ફાઈટર જેટ અને સંરક્ષણ નેટવર્કની તૈયારીઓની માહિતી આપી. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પૂંછના મારહોટ ગામમાં આતંકવાદી ઠેકાણું શોધી કાઢ્યું, જ્યાંથી 5 IED, વાયરલેસ સેટ અને કપડાં મળ્યા. આ ઉપરાંત, શ્રીનગર અને જમ્મુની જેલોમાં સુરક્ષા વધારાઈ, કારણ કે ગુપ્તચર માહિતીએ આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે.
પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરી, ચિનાબ નદી પરના બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરી દીધા, જેનાથી પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ઘટ્યો. NIAએ જમ્મુની કોટ બલવાલ જેલમાં લશ્કર-એ-તૈયબાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નિસાર અહેમદ અને મુશ્તાક હુસૈનની પૂછપરછ કરી, જેઓ 2023ના ડાંગરી અને 2025ના પહેલગામ હુમલામાં શંકાસ્પદ છે. પાકિસ્તાનના રશિયા ખાતેના રાજદૂતે પરમાણુ હુમલાની ધમકી આપી, જેનાથી તણાવ વધ્યો છે.
ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરના શંખ દ્વારમાં રવિવારે અચાનક ભીષણ આગ લાગી ગઈ, જેની જ્વાળાઓ અને ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. આગની માહિતી મળતા જ ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, મંદિર સંકુલના કંટ્રોલ રૂમમાં સ્થાપિત બેટરીથી આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#Ujjain ज्योर्तिलिंग श्री महाकालेश्वर मंदिर परिसर में लगी भीषण आग
ઘટના બાદ તરત જ મહાકાલ મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ લાગ્યા બાદ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે મહાકાલ મંદિરમાં જ્યારે આ ઘટના બની ત્યારે મંદિરમાં ભારે ભીડ હતી. સોમવાર હોવાથી મંદિરમાં ભારે ભીડ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર રોશન સિંહ, મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિક, ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આશિષ પાઠક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ટોરન્ટોઃ કેનેડામાં ફરી એક વાર હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં એક હિન્દુવિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડામાં હાલમાં જ ચૂંટણી થઈ હતી અને માર્ક કાનીની જીત સાથે ફરીથી PMપદ સંભાળ્યું હતું.
કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓ વિરોધી પ્રવૃત્તિઓએ જોર પકડયું છે. અગાઉ કેનડા PM જસ્ટિન ટ્રુડો સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહ્યા ત્યારે હવે માર્ક કાર્નીના શાસનમાં પણ માહોલ બદલ્યો હોય તેમ જણાતું નથી.કેનેડાના ટોરન્ટોમાં ખાલિસ્તાનીઓએ એક આખી પરેડ યોજી અને જાહેરમાં હિન્દુઓને અહીંથી ખદેડી મૂકવાની માગણી કરી હતી. ટોરન્ટોના મલટન ગુરુદ્ધારા બાદ થયેલી આ પરેડનો એક વિડિયો અહીંના પત્રકાર ડેનિયલ બોર્ડમેને શેર કર્યો હતો અને કાર્નીને સવાલ કરતાં લખ્યું હતું કે જેહાદીઓ આપણા રસ્તાઓ પર દહેશત ફેલાવી યહુદીઓને સતાવી રહ્યા છે ત્યારે આપણા સામાજિક સંબંધોને બગાડવામાં ખાલિસ્તાનીઓ પણ પાછળ નથી. ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવી રહ્યા છે. શું માર્ક કાર્નીનું કેનેડા ટ્રુડોના કેનેડાથી અલગ હશે.
તેમની પોસ્ટ પર રિએક્શન આપતાં બિંદા નામના એક યુઝરે દાવો કર્યો કે ખાલિસ્તાનીઓએ આઠ લાખ હિન્દુઓને દેશમાંથી બહાર કાઢવાની માગણી સાથે પરેડ કરી. આ હિન્દુઓ માત્ર ભારતીયો જ નથી, દેશ-વિદેશથી આવ્યા છે. આ સ્પષ્ટ રીતે હિન્દુઓવિરોધી નફરત ફેલાવવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શન કરતા ખાલિસ્તાનીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન જયશંકરના પૂતળા બનાવ્યા હતા અને તેને પાંજરામાં પૂરીને જાહેરમાં રાખ્યા હતા. આ પ્રકારે જાહેરમાં આવાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સરકાર અને સ્થાનિક હિન્દુઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે.
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ વિશે સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ઘણી ચર્ચા થઈ રહી છે. આજે, ફિલ્મની સ્ટારકાસ્ટ તેમજ ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી લેવામાં આવ્યો છે, જેની માહિતી આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
‘સિતારે જમીન પર’નું પહેલું પોસ્ટર
આમિર ખાનના પ્રોડક્શન હાઉસે આજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આમિર ખાનની એક અદ્ભુત તસવીર સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં આમિર હંમેશાની જેમ સફેદ ટી-શર્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. તેના ટી-શર્ટ પર બાસ્કેટબોલ અને હૂપનો ફોટો પણ છે. આ પોસ્ટર પર લખ્યું છે ‘સિતારે જમીન પર… દરેક વ્યક્તિનો પોતાનો સામાન્ય સ્વભાવ હોય છે…’ આ સાથે આમિરનો બીજો એક ફોટો પણ દેખાય છે, જેમાં તે સ્ટૂલ પર બેઠો છે અને તેનો એક હાથ બાસ્કેટબોલની મદદથી તેના માથા પર રાખેલો છે. ઘણા લોકો આમિરની આસપાસ વિજયના ચિહ્નો બનાવતા જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, ‘એક ફિલ્મ જે પ્રેમ, હાસ્ય અને ખુશીની ઉજવણી કરે છે. ફક્ત 20 જૂને સિનેમાઘરોમાં.’
સિતારે જમીન પર 2007ની સુપરહિટ ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે. ‘સિતારે જમીન પર’નું પહેલું પોસ્ટર જોયા પછી ફિલ્મ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. આ ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટરમાં આમિર ખાનની સાથે 10 નવા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા, જે સ્પષ્ટ કરે છે કે ફિલ્મની વાર્તા અને સ્ટારકાસ્ટ પણ અનોખી હશે. આ 10 કલાકારોમાં આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકરનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૭૩થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ‘નાગરિક ઉડ્ડયન’ વિભાગ તરીકે કાર્યરત છે.
આ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર અને આઈ.સી.યુ. સુવિધાઓ સાથે એર-એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી, જેમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાતમાં ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ એરપોર્ટ સેવારત છે. જેમાં
રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ડિસામાં એરફોર્સ સ્ટેશનના રન-વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દેશના મોટાભાગના રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનનું માળખું ખૂબ મજબૂત છે. રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ૦૯ એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના ૦૩, રાજ્ય સરકાર હસ્તક ૦૪ તથા ૦૩ ખાનગી એરપોર્ટ મળી ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ૦૪ એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.
યુવાઓને પાયલોટ બનવા માટે તાલીમ પુરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંશાધન તૈયાર કરવાના હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦થી વધારે યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે, જેમાંથી ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પણ મેળવ્યું છે. આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.
રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૨માં નાગરિક ઉડ્ડયન વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગ દ્વારા ઉડ્ડયન પાર્ક, નવી હવાઈ પટ્ટીઓનો વિકાસ, પ્રાદેશિક એરલાઇન, એરબોર્ન કાયદા અમલીકરણ કાર્યક્રમ, એર એમ્બ્યુલન્સ સેવા તથા નવા જેટ વિમાનની ખરીદી જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL
નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવી સુવિધાઓ અને સેવાઓમાં રોકાણને સરળ બનાવવા માટે વર્ષ ૨૦૧૦માં ‘ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL ની રચના કરવામાં આવી હતી. જે ગુજરાતમાં ઉડ્ડયન અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. ગુજસેઇલ ગુજરાતમાં ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે.
કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘નેશનલ સિવિલ એવિએશન પોલિસી-૨૦૧૬’ અંતર્ગત ‘ઉડાન યોજના’-‘ઉડે દેશ કા આમ નાગરિક’ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતભરમાં ‘ઉડાન યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન ૩ લાખ જેટલી ઉડાન ફ્લાઈટથી અંદાજે ૧.૪૯ કરોડ મુસાફરોએ સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરી કરી હતી. ગુજરાતમાં ‘ઉડાન’ યોજના હેઠળ ભાવનગર-પુણે-ભાવનગર, અમદાવાદ-મુંદ્રા-અમદાવાદ, અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત, અમદાવાદ-નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-અમદાવાદ અને અમદાવાદ-જલગાંવ-અમદાવાદ એમ ૦૭ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના-વી.જી.એફ હેઠળ રાજ્યમાં સુરત-અમદાવાદ-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-ભાવનગર-સુરત તેમજ અમદાવાદ-ભુજ-અમદાવાદ ખાતે આંતરિક હવાઈ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેનો બહોળો લાભ રાજ્યના નાગરિકો લઈ રહ્યા છે.