Home Blog Page 947

માર્ગ અકસ્માતના પીડિતોને તાત્કાલિક મફત સારવાર મળશે

કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરતું જાહેરનામું બહાર પાડ્યું. માર્ગ પરિવહન મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના હેઠળ, પીડિત અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. આ યોજના ૫ મે ૨૦૨૫ થી અમલમાં આવી છે.

કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ જે કોઈપણ રસ્તા પર મોટર વાહનને કારણે થયેલા માર્ગ અકસ્માતનો ભોગ બને છે તે આ યોજનાની જોગવાઈઓ હેઠળ કેશલેસ સારવાર માટે હકદાર રહેશે.” તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં વધતા માર્ગ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે આવી યોજના લાવવાનું વિચારી રહી છે.

અહેવાલ મુજબ, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) આ યોજનાને અમલમાં મૂકવા માટે રાજ્ય પોલીસ, હોસ્પિટલો અને રાજ્ય આરોગ્ય એજન્સી સાથે મળીને કામ કરશે. તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જ્યારે લગભગ 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. એક અહેવાલ મુજબ, સૌથી વધુ અસર ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ પર પડે છે.

વડોદરામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો, 200 વૃક્ષ ધરાશાયી

ગઈકાલે સાંજે વડોદરા શહેરમાં ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાએ વ્યાપક વિનાશ સર્જ્યો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ડઝનબંધ ટીમો ગઈકાલે સાંજથી અવિરત કામગીરી કરી રહી છે, અને હજુ પણ તેમને ઘટનાસ્થળેથી કોલ્સ મળી રહ્યા છે. વાવાઝોડાની તીવ્રતાને કારણે શહેરમાં અનેક સ્થળોએ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે, જેમાં માનવ જીવનની હાનિ ઉપરાંત સંપત્તિનું પણ ભારે નુકસાન થયું.

વાવાઝોડા દરમિયાન ઇલોરા પાર્ક વિસ્તારમાં વીજળીનો તાર તૂટી પડવાથી એક યુવકનું મોત થયું, જ્યારે માંજલપુરમાં હોર્ડિંગ ધરાશાયી થઈને રિક્ષા પર પડતાં એક યુવકે જીવ ગુમાવ્યો. આ ઉપરાંત, કીર્તિ સ્તંભ નજીક બસના કંડક્ટરને વીજ કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું. આ ઘટનાઓએ શહેરમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. વાવાઝોડાને કારણે શહેરમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, જેના પરિણામે ડઝનબંધ વાહનોને નુકસાન થયું. ફાયર બ્રિગેડની ટીમો ઝાડ અને કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલી છે. આ સાથે, શહેરના ત્રણ સ્થળોએ વીજ થાંભલાઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ, જેનાથી વીજ પુરવઠો ખોરવાયો.

વાવાઝોડા બાદ અમદાવાદી પોળ નજીક રંગરેજની દુકાનમાં આગ લાગી, જ્યારે રાત્રે વાઘોડિયા રોડ પર પુનમ કોમ્પ્લેક્સ ખાતે આઈસ્ક્રીમ બનાવતી નાની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી. આ બંને ઘટનાઓમાં નોંધપાત્ર નુકસાન થયું, અને ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો.

આવતીકાલે 244 નહીં, 295 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવતીકાલે, બુધવારે દેશના ઘણા શહેરોમાં મોક ડ્રીલ કરી રહ્યું છે. પહેલા આ સંખ્યા 244 હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે 295 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે.

દેશભરમાં યોજાઈ રહેલી મોક ડ્રીલ દ્વારા, લોકોને નાગરિક સંરક્ષણ માટે તૈયાર રહેવાની રીતો શીખવવામાં આવશે. હવે દેશના 295 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે. વર્ષ 2010 સુધી, નાગરિક સંરક્ષણ માટે તૈયાર જિલ્લાઓની સંખ્યા 244 હતી, પરંતુ હવે તેમાં વધારો થયો છે અને તેમાં 51 વધુ જિલ્લાઓ ઉમેરવામાં આવ્યા છે.

જિલ્લાઓની સંખ્યા કેમ વધી?

આ સંખ્યામાં પણ વધારો થયો કારણ કે ઘણા જિલ્લાઓનું વિભાજન થયું હતું અને તેમની સંખ્યા 2 કે તેથી વધુ કરવામાં આવી હતી, જેના કારણે હવે તેમની સંખ્યા વધી ગઈ છે. નાગરિક સંરક્ષણ માટે જવાબદાર સંસ્થાઓ દ્વારા સમયાંતરે આવી મોક ડ્રીલ યોજવામાં આવે છે.

પરંતુ 5 દાયકાથી વધુ સમય પછી, આ પહેલી વાર છે જ્યારે દેશમાં નાગરિક સંરક્ષણ કર્મચારીઓ દ્વારા આટલા મોટા પાયે મોક ડ્રીલ યોજાઈ રહી છે. આ પહેલા ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન જ આટલા મોટા પાયે મોકડ્રીલ યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે યોજાનારી મોકડ્રીલ યુદ્ધ પહેલાની અત્યાર સુધીની સૌથી મોટી મોકડ્રીલ હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 295 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે તે ઉપરાંત, ઘણી સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથો પણ આવતીકાલે, બુધવારે પોતાના સ્તરે મોક ડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે, જેના માટે તેમણે સ્થાનિક અને રાજ્ય સ્તરે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે.

દિલ્હીમાં મોક ડ્રીલની તૈયારીઓ શરૂ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મોકડ્રીલ યોજવા માટેની સૂચના બાદ, દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ તેમના સ્થાને તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે તમામ ડીસીપીને તૈયારીઓ માટે વિગતવાર યોજના તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

સૂત્રો કહે છે કે દિલ્હીમાં પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવવા માટે ડેપ્યુટી પોલીસ કમિશનરોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે. આ મોક ડ્રીલની તૈયારીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પણ શરૂ થઈ ગઈ છે.

નહેર વિવાદ પર હરિયાણા-પંજાબને કેન્દ્ર સહયોગ આપવા ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ અને હરિયાણા સરકારોને સુનાવણી દરમિયાન આદેશ આપ્યો કે તેઓ સતલજ-યમુના લિંક (એસવાયએલ) નહેર વિવાદના ઉકેલ માટે કેન્દ્ર સરકારને સહકાર આપે. ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તે પહેલાથી જ આ મુદ્દાને ઉકેલવા માટે અસરકારક પગલાં લઈ ચૂકી છે. તે પછી કોર્ટે કહ્યું હતું કે અમે બંને રાજ્યોને આદેશ આપીએ છીએ કે તેઓ ભારત સરકાર સાથે મળીને સહમતીથી ઉકેલ લાવવા માટે સહકાર આપે.

કેદ્ર સરકાર તરફથી એએસજી ઐશ્વર્ય ભાટીએ સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે અમે મધ્યસ્થતાના પ્રયત્નો કર્યા છે, પરંતુ રાજ્યોએ પોતાની વાત પર અમલ કરવો પડશે. બીજી તરફ હરિયાણા સરકારના વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે વાતચીતથી કોઈ ઉકેલ ન નીકળી રહ્યો છએ. જ્યાં સુધી નહેરના નિર્માણની વાત છે, હરિયાણાએ પોતાના વિસ્તારમાં આખું કામ પૂરું કરી લીધું છે અને પાણી ન છોડવામાં આવવું એ વિશેષ મુદ્દો છે.

શું છે આખો વિવાદ?
હવે આખા વિવાદની વાત કરીએ તો એસવાયએલ નહેરની કલ્પના રાવી અને બિયાસ નદીઓમાંથી પાણીના અસરકારક વહેંચાણ માટે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 214 કિમી લંબાઈની નહેર બનાવવાની યોજના હતી, જેમાંથી 122 કિમી પંજાબમાં અને 92 કિમી હરિયાણામાં બનવાની હતી. હરિયાણાએ પોતાના વિસ્તારમાંનું કામ પૂરું કરી લીધું છે, પરંતુ પંજાબે 1982માં કામ શરૂ કર્યા બાદ તેને અટકાવી દીધું હતું. આ વિવાદ દાયકા જૂનો છે.

સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ
સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરી 2002એ હરિયાણાએ 1996માં દાખલ કરેલા કેસમાં તેનો પક્ષ લીધો હતો અને પંજાબ સરકારને તેના હિસ્સાનું એસવાયએલ નહેરનું કામ પૂરું કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 2023માં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત આ મામલામાં આકરું વલણ દાખવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે અમને કડક આદેશ આપવા મજબૂર ન કરો. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે અમે ખૂબ જ ચિંતિત છીએ કે બે દાયકાથી નહેરનું નિર્માણ ચાલુ ન થઈ શક્યું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે અમને આ વાતની જાણ કરો કે અત્યાર સુધી કેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. કેન્દ્ર સરકાર બંને રાજ્યો સાથે વાતચીત ચાલુ રાખે, એમ કોર્ટે કહ્યું હતું.

સુરતની ભાવિકા ખત્રી બની મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સ

મૂળ રાજસ્થાનના બ્રહ્મક્ષત્રિય સમાજની અને સુરતની રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રીએ ગત તારીખ 30 એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સમાં વિજેતાનો તાજ પ્રાપ્ત કર્યો છે. ભારતના વિવિધ શહેરોમાંથી 50 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 12 યુવતીઓ ફાઈનલ સુધી પહોંચી હતી. નેશનલ લેવલ પર આ એવોર્ડ થી સન્માનિત થયા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં પેરિસ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ લેવલ પર દેશની પ્રતિનિધિત્વ કરશે.

મેડિકલ સ્ટુડન્ટ ભાવિકા 21 વર્ષની ઉંમરથી ફિલ્મ જગતમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. ચાર વર્ષમાં એણે 12 ગુજરાતી ફિલ્મો કરી છે. હાલમાં રજૂ થયેલી છૂટાછેડા ગુજરાતી મુવીમાં જોવા મળી હતી. ભાવિકા ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત થનાર કાકભૂષુંડીરામાયણમાં પણ દેખાશે. આ સિવાય આલ્બમ અને ક્રાઈમ એપિસોડમાં દેખાશે.

બ્રહ્મ ક્ષત્રિય સમાજથી એમના પરિવારમાં માત્ર એક જ દિકરી જ્યારે આ ક્ષેત્રમાં આવે ત્યારે ઘણી અડચણ આવે પરંતુ ભાવિકા કહે છે, મારા પપ્પા – મમ્મી અને ભાઈના સપોર્ટથી હું આ સ્થાને પહોંચી છું અને ગર્વ અનુભવું છું.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

દેશના 244 જિલ્લાઓમાં આવતી કાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ થશે

નવી દિલ્હીઃ દેશના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ માટે દિલ્હીમાં હાઇ લેવલ બેઠક મળી છે. ગૃહ મંત્રાલયમાં થયેલી બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવો, સિવિલ ડિફેન્સ ચીફ તેમ જ અનેક ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ મોક ડ્રિલ આવતી કાલે એટલે કે સાત મેથી શરૂ થવાની છે, પરંતુ લખનૌ, શ્રીનગર અને મુંબઈમાં આજથી જ પોલીસ, SDRF સહિતની બચાવ ટીમોને યુદ્ધ દરમિયાન બચાવ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોક ડ્રિલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઇરન વગાડવામાં આવશે.

પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતાઓ વચ્ચે આ મહિનાના અંતે ભારતને રશિયાથી એક યુદ્ધ જહાજ મળી જશે. રશિયા 28 મેએ આ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપશે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હશે, જે રડારની પકડથી દૂર રહેશે. અહીં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત કોઈ પણ સમયે LOC (લાઇન ઓફ કંટ્રોલ) પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય લાભ માટે પ્રદેશને ન્યુક્લિયર યુદ્ધની ધાર પર લાવી દીધો છે.

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલામાં આતંકવાદી ફાયરિંગને કારણે 27 પર્યટકોનાં મોત થયાં હતાં. આ પહેલાં દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રિલ 1971માં કરવામાં આવી હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે યુદ્ધ દરમિયાન આ ડ્રિલ યોજવામાં આવી હતી. હાલમાં રવિવાર-સોમવારની રાતે પંજાબના ફિરોઝપુર છાવણી વિસ્તારમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવામાં આવી. આ દરમિયાન ગામો અને મહોલ્લાઓમાં રાત્રે નવ વાગ્યાથી 9:30 સુધી વીજળી બંધ રાખવામાં આવી હતી.

શાહરુખની કિંગ સ્ટાઈલમાં એન્ટ્રી તો દિલજીતનો શાહી ઠાઠ, જુઓ Met Galaની તસવીરો

ફેશનનો ઓસ્કાર કહેવાતો મેટ ગાલા શરૂ થઈ ગયો છે. દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં સૌથી મોટા ફેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભારત અને વિશ્વભરના ઘણા મોટા સેલિબ્રિટીઓ આવે છે અને તેમના સ્ટાઇલિશ લુકનો આનંદ માણે છે. આ વર્ષના મેટ ગાલા પર ખાસ કરીને ભારતીયોની નજર હતી, જેનું સૌથી મોટું કારણ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન હતા.

કિંગ ખાન સિવાય પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી અને ઈશા અંબાણી સહિતની સુંદરીઓનો પણ ગ્લેમર અંદાજ જોવા મળ્યો હતો.

ભારતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ, ગુજરાતના આ જિલ્લાઓ સામેલ

ગાંધીનગર અને દિલ્હીમાં ગૃહ મંત્રાલય હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ રહી છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવો, નાગરિક સંરક્ષણ વડાઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી. કેન્દ્ર સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓ પણ સામેલ છે. આ મોકડ્રિલમાં નાગરિકોને હુમલાની સ્થિતિમાં સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવશે, જેમાં હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરનનો ઉપયોગ થશે.

ભૌગોલિક તણાવ અને નૌકાદળની તૈયારી

પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ભારત આ મહિને રશિયા પાસેથી અદ્યતન યુદ્ધ જહાજ ‘તમલ’ પ્રાપ્ત કરશે, જે 28 મેના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, આ જહાજ જૂનમાં નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થશે. બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ આ જહાજ રડારની પહોંચથી બચી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ઘટનાક્રમ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન બાદ નોંધપાત્ર બન્યો છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારત નિયંત્રણ રેખા (LoC) પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે, જેનાથી પ્રદેશ પરમાણુ યુદ્ધની ધાર પર પહોંચી શકે છે.

ઐતિહાસિક મોકડ્રિલ અને તાજેતરની ઘટનાઓ

દેશમાં આવી સિવિલ ડિફેન્સ મોકડ્રિલ 54 વર્ષ પછી યોજાઈ રહી છે, જે છેલ્લે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી. તાજેતરમાં 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ ઉપરાંત, પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં રવિવાર-સોમવારની રાત્રે બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવામાં આવી, જે દરમિયાન રાત્રે 9થી 9:30 સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો.

ગુજરાત વક્ફ બોર્ડ સહિત અમદાવાદમાં 10 સ્થાનો પર EDના દરોડા

અમદાવાદઃ ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હતી. જોકે આ જમીન પર છેલ્લા કેટલાક સમયથી જુમ્માખાન પઠાણે તેને ગેરકાયદે પચાવી પાડી તેના પર દબાણ કર્યું હતું. જોકે  હવે આરોપી જુમ્માખાન ED (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ)ની રડાર પર આવ્યો છે. EDએ હાલ આ મામલે આરોપી પઠાણના ઘરે દરોડા પાડી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સોદાગર બિલ્ડર્સના નામે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરનારા આરોપી સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં જમાલપુર કાચની મસ્જિદ, સના સાત બિલ્ડિંગ, ખેડાનું ફાર્મહાઉસ સહિતનો સમાવેશ થાય છે.

સલીમ ખાન સહિત પાંચ લોકોએ જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં ગેરકાયદે દુકાનો અને મકાનો બનાવી લાખો રૂપિયા પડાવ્યા હતા, એમ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.  સલીમ અને તેના સાથીઓ આ દુકાનનું લાખો રૂપિયા ભાડું વસૂલતા હતા. આ લોકો ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી મિલકતમાં રહેતા હતા. આ આરોપીઓએ આશરે 100 જેટલાં ઘર અને દુકાન આ રીતે ગેરકાયદે લઈને દરેક દુકાન અને ઘરદીઠ 7-8000 રૂપિયા ભાડું વસૂલતા હતા.

ગુજરાતમાં કમોસમી વરસાદનો કાળો કહેર, 14 લોકોના મોત, ખેડૂતોને ભારે નુકસનની ભીતિ

ગુજરાતના અનેક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે, જે બીજા દિવસે પણ યથાવત રહ્યું. સોમવારે રાજ્યના 104 તાલુકાઓમાં માવઠું નોંધાયું, જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ 1.5 ઈંચ અને ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો. વાવાઝોડા અને તોફાની પવનના કારણે રાજ્યમાં અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને વીજળીના તાર તૂટી પડ્યા.

કમોસમી વરસાદનો કહેર 

વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી અને કાટમાળ પડતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડવાથી રિક્ષા ચાલકનું જ્યારે અન્ય એક વ્યક્તિએ પણ તારાજીમાં જીવ ગુમાવ્યો છે. આણંદમાં દિવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું. જ્યારે ખેડામાં હોલ્ડિંગ પડતા 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો બીજી બાજું અરવલ્લી અને દાહોદમાં 2-2 વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે.

વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા

ભાવનગરના સિહોરમાં માત્ર એક કલાકમાં 1.5 ઈંચ, ભાવનગર શહેરમાં બે કલાકમાં 1 ઈંચ અને ગાંધીનગરના માણસામાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત, ખેડાના નડિયાદ, કપડવંજ, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, બોટાદના બરવાળા, અરવલ્લીના બાયડ અને સુરેન્દ્રનગરના ચોટિલામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા, જ્યારે વડોદરામાં 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

ખેતી અને મકાનોને નુકસાન

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વીજળી પડવાથી એક મકાનની દિવાલનો ભાગ તૂટી ગયો. ખેડા જિલ્લામાં તીવ્ર પવનથી વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા. આંબાના ઝાડ પરથી કેરીઓ ખરી પડી, જ્યારે મગ, ચોળી, બાજરો, ઘાસચારો અને બાગાયતી પાક જેવા કે પપૈયાને નુકસાન થયું.

આગામી દિવસોની હવામાન આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટની વિગતો

  • 6 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
  • 7 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
  • 8 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ

સૌથી વધુ વરસાદવાળા તાલુકાઓ

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોર ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80