Home Blog Page 946

ધોરણ 12 પરિણામ 2025: કલોલની પ્રાચી શાહે 99.99 પર્સન્ટાઈલ સાથે ડંકો વગાડ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 5 મે, 2025ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ પરિણામોમાં કલોલના રહેવાસી અમિતભાઈ શાહની દીકરી પ્રાચી શાહે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 પર્સન્ટાઈલ અને 97% મેળવીને પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિથી પરિવારમાં ઉત્સવનો માહોલ છે, અને કલોલમાં પ્રાચીની આ ઉપલબ્ધિની ચર્ચા ચારેકોર થઈ રહી છે.

ધોરણ 10માં પણ ઝળકેલી પ્રાચી

પ્રાચી શાહ શૈક્ષણિક કાર્કિદીમાં પહેલાથી જ શ્રેષ્ઠતા દર્શાવી હતી. ધોરણ 10માં પણ તેમણે પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું હતું. તેમણે ધોરણ 10માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. પોતાનું સપનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું હોવાથી, તેણે વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પસંદ કર્યું. પરિવારે તેના આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પ્રાચીએ પરિવારના વિશ્વાસ પર ખરું ઉતરીને ધોરણ 12માં આ અસાધારણ પરિણામ હાંસલ કર્યું છે.

સફળતાનું રહસ્ય: મહેનત અને શિસ્ત

આ અસાધારણ સફળતાનું રહસ્ય જણાવતા પ્રાચી શાહે ચિત્રલેખા.કોમને જણાવ્યું કે “તે સ્કૂલ અને ટ્યૂશન ઉપરાંત રોજ 6 કલાક અભ્યાસ કરતી હતી. તેણે મોબાઈલ ફોનનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો હતો અને એકપણ ટીવી સિરિયલ જોવાનું ટાળ્યું હતું. પ્રાચીએ ખાસ કરીને તેના માતા-પિતા અને પરિવારના સહકારને તેની સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું. તેની આ શિસ્ત અને સમર્પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.”પ્રાચી શાહની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર કલોલ અને ગુજરાત માટે ગર્વની વાત છે. તેનું CA બનવાનું સપનું અને તેને પૂર્ણ કરવા માટેની મહેનત અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. પ્રાચીની આ સફળતા દર્શાવે છે કે શિસ્ત, પરિશ્રમ અને પરિવારના સમર્થનથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

ગુજરાત બોર્ડનું એકંદર પરિણામ

ગુજરાત બોર્ડના આ વર્ષના પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% અને વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. ગુજકેટનું પરિણામ 94.04% રહ્યું છે. આ પરિણામો ઓનલાઈન gseb.org પર ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબરનો ઉપયોગ કરીને પરિણામ ચકાસી શકે છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે 14નાં મોતઃ રેડ એલર્ટની જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થયાં છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાત મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અને પવન સાથે ઝાપટાં યથાવત રહેશે.  હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આગામી કેટલાય દિવસો સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાશે અને વરસાદ પડે એવી શક્યતા છે.

રાજ્ય ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર રાજ્યના કુલ 253 તાલુકામાંથી 168 તાલુકામાં સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ખેડા, ગાંધીનગર, મહેસાણા અને વડોદરા જિલ્લામાં 25થી મિમી વરસાદ થયો હતો.

SEOCના જણાવ્યાનુસાર અમદાવાદ, આનંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને વડોદરામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 13 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે રવિવારે અમદાવાદના વિરમગામ વિસ્તારમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. તીવ્ર પવનને કારણે ઘણા જિલ્લાઓમાં વૃક્ષો, હોર્ડિંગ્સ અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા તો કેટલાંક મકાનો પણ ધરાશાયી થયાં હતા. આ ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં તીવ્ર પવનને કારણે લાગેલી આગને કારણે અનેક ઝૂંપડપટ્ટી ખાખ થઈ ગઈ હતી. IMD દ્વારા આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી તથા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસોમાં બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને આનંદ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.

મેટ ગાલા 2025માં કમલા હેરિસ પણ ચમક્યા, જુઓ સુંદર લુક

દુનિયાનો સૌથી મોટી ફેશન ઇવેન્ટ ગઈકાલે 4 મેના રોજ શરૂ થયો હતો અને આજે પણ ઘણા સેલેબ્સે તેમની હાજરીથી તેના ગ્લેમરમાં વધારો કર્યો છે. બોલિવૂડ, હોલીવુડ અને ઘણા વૈશ્વિક સ્ટાર્સ ઉપરાંત, ભૂતપૂર્વ યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ મેટ ગાલા 2025 કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાના અદભુત દેખાવથી બધાનું દિલ જીતી લીધું હતું.

કમલા હેરિસનો લુક
આ વર્ષે અન્ય સેલિબ્રિટીઓની જેમ કમલા હેરિસે પણ મેટ ગાલા 2025માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. કમલા હેરિસે ઓફ-વ્હાઇટ ડિઝાઇનર IB કામારા દ્વારા બનાવેલ બ્લેક અને સફેદ ગાઉન પહેર્યો હતો, જે ઇવેન્ટની થીમ ‘સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ’ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

Photo: Instagram

કમલા હેરિસના લુકની ખાસ વાત
ફેશન ડિઝાઇનર કામારા જેનું પૂરું નામ આઈબી કામારા છે, તે સ્ટાઈલિસ્ટ, પત્રકાર, સંગીતકાર, મોડેલ અને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કરે છે. ANI ના એક અહેવાલ મુજબ, કામારાએ હોલીવુડ રિપોર્ટર સાથે વાત કરતા કહ્યું, “આ ગાઉન હેરિસની શક્તિ અને આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જે ફેશનના મૂળમાં છે.”

2025ના મેટ ગાલામાં કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટનું પ્રદર્શન ‘સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ’ રજૂ કરવામાં આવ્યું હતું, જેની સહ-અધ્યક્ષતા કોલમેન ડોમિંગો, લુઇસ હેમિલ્ટન, એ$એપી રોકી, ફેરેલ વિલિયમ્સ અને અન્ના વિન્ટૂર દ્વારા કરવામાં આવી હતી.

છૂટાછેડા માટે ફક્ત મહિલા જ દોષી કેમ?

– પણ પપ્પા એમાં મારો શું વાંક? મેં સાગર સાથે પ્રેમ કર્યો, એની સાથે લગ્ન કર્યા, એના બાળકની માતા બની, પણ હવે એ મારી સાથે જ રહેવા નથી માંગતો તો હું શું કરું? અરવિંદભાઈના ગુસ્સા સામે લાચાર બનેલી દીકરી બંસરીએ રડમસ અવાજે કહ્યું.

હું જાણતો જ હતો કે એ તારા માટે યોગ્ય નથી એટલા માટે જ મેં એની સાથે લગ્ન કરવાની ના કહી હતી તને.

પણ પપ્પા…

– ચૂપ થા! મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એ તો સાગર આપણી જ્ઞાતિનો હતો એટલે મેં તને ઘરે પરત આવવાની છૂટ પણ આપી. તારા દીકરાને ઉછેરવામાં મદદ પણ કરી, પરંતુ હવે બસ. આમ છૂટાછેડા લઈને તું મારા ઘરે નહીં રહી શકે.

અરવિંદભાઇનો જવાબ સાંભળીને દીકરી બંસરીએ દયામણી આંખે માતા કવિતાબહેન સામે જોયું, પણ એ પતિને સાથ આપતા બોલ્યા કે, દીકરી, તારી લાગણી થાય એ વાત જુદી છે, પણ આમ તુ ઘર ભાંગીને આવે એ ખોટું. સહન તો સ્ત્રીએ જ કરવાનું હોય. ઘર સાચવવા બધું જ જતું કરવું પડે, સમજી? અને તું અહીં આવીને રહીશ તો મહેકનું શું થશે? એના સંસારમાં પણ આગ લાગશે. એને પણ મ્હેણાં સાંભળવા પડશે કે તારી બહેનના છૂટાછેડા થઈ ગયા છે. સમાજમાં અમારી પણ આબરૂ જશે….

બંસરી સાંભળી રહી. હાથમાં ત્રણ મહિનાનો દીકરો. સાગરે તો ડિવોર્સના પેપર એના મોં પર મારીને જાકારો આપ્યો હતો. હવે એ ક્યાં જાય? શું કરે?

માત્ર બંસરી જ જાણતી હતી કે ઘર સાચવવા તેણે કેટલા પ્રયાસ કર્યા હતા. સાગર ગમે ત્યારે હાથ ઉપાડતો, વ્યસન કરતો, ઘર ચલાવવા પૈસા પણ ન આપે. સાસુ, સસરા પણ એને હેરાન કરવામાં કઈ કચાશ ન રાખતા. છતાં, બંસરી એમ જ માનતી કે મેં સાગરને પ્રેમ કર્યો છે. એનાથી વળી છુટા પડવાનો વિચાર જ કેવી રીતે કરાય? પણ હવે સાગર જ એની સાથે રહેવા નહોતો ઇચ્છતો, તો પછી એ પોતાનું ઘર બચાવે કેવી રીતે?

છેવટે ઘણું સમજાવ્યા પછી પિતાએ અમુક શરતો પર બંસરીને પોતાના ઘરમાં રહેવાની છૂટ આપી. આ વાતને ઘણો સમય થઇ ગયો હોવા છતાં આજે પણ બંસરીને બધાના મ્હેણાં-ટોણાં સાંભળવા પડે છે. ઘરનું કામ કરે, સાથે નોકરી પણ કરે તોય પોતાના જ ઘરમાં બિચારી થઇને રહેવાનો સમય આવ્યો. કોઈ સમજવા તૈયાર જ નથી કે છૂટાછેડા થયા એમાં બંસરીનો કોઈ વાંક નથી.

સવાલ એ છે કે, સંબંધ સાચવવાના દરેક પ્રયાસ પછી પણ જયારે મહિલા છેલ્લે છૂટાછેડાનો નિર્ણય લે છે ત્યારે ફક્ત સ્ત્રીને જ કેમ દોષિત મનાય છે? સમાજમાં આજેય એ માન્યતા છે કે લગ્ન તૂટે તો એના માટે જવાબદાર સ્ત્રી જ હોય છે.

કેટલું યોગ્ય છે આ?

મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સંબંધને પૂર્ણ કરવો એ વધુ યોગ્ય

છૂટાછેડાની વાત આવે ત્યારે આજેય સ્ત્રી પર સમાજનું દોષારોપણ વધુ હોય છે, પરંતુ સંબંધો જાળવવામાં ‘કોમ્પ્રોમાઈઝ’ની પણ એક મર્યાદા હોવી જોઈએ. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના ડો. કૃપા વૈદ્ય કહે છે કે, “પરિવાર ટકાવી રાખવો એ પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ જ્યાં રોજના ઝઘડા, તણાવ અને અપમાનએ દૈનિક ચક્ર બની જાય, ત્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સંબંધને પૂર્ણ કરવો એ વધુ યોગ્ય હોય છે. સ્ત્રી જ્યારે છૂટા પડવાનો નિર્ણય લે છે ત્યારે એનો મતલબ એ નથી કે એ સંબંધથી ભાગી રહી છે, પરંતુ એ પોતાને અને ક્યારેક પોતાના બાળકોને વધુ સારું જીવન આપવા માટે આ પગલું ભરે છે. બાળક માટે માતા અને પિતા બંને મહત્વપૂર્ણ છે. માટે સ્ત્રીએ ઘણીવાર અંતિમ સુધી કોશિશ કરે છે. પરંતુ જ્યારે પતિ તરફથી સપોર્ટ ન મળે, પોતાનું અસ્તિત્વ અને આત્મસન્માન ખોવાઈ જાય, ત્યારે છૂટાછેડા એ છેલ્લો વિકલ્પ બની શકે છે.”

લગ્ન બચાવવા જેટલા પ્રયાસ સ્ત્રી કરે છે એટલા પુરુષ નથી કરતો

કોઈપણ લગ્ન તૂટે એ માટે માત્ર સ્ત્રીને જ જવાબદાર માનવું યોગ્ય નથી. અનેક વખત એવું જોવા મળે છે કે લગ્ન બચાવવા જેટલો પ્રયાસ સ્ત્રી કરે છે, એટલો પુરુષ નથી કરતો. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અંકલેશ્વરના મહિલા ઉદ્યોગ સાહસિક  દિપ્તી જોશી કહે છે કે, “આજે પણ અનેક સ્ત્રીઓ તૂટેલા કે તણાવભર્યા લગ્નમાં જીવી રહી છે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે, માતા-પિતાની ઇજ્જત માટે અને જો સંતાન હોય તો એમના ભવિષ્યના ભયના લીધે. પરિણામે એ મેન્ટલી તૂટી જાય છે. જ્યારે સંબંધ સાચવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે એ તણાવથી મુક્ત થવા અને પોતાની જાત સાથે પ્રામાણિક રહેવા માટે છૂટાછેડો જેવા કઠિન નિર્ણય તરફ આગળ વધે છે. એટલે સમાજે દરેક છૂટાછેડાની જવાબદારી સ્ત્રી પર જ નાખવી જોઈએ નહીં. જેમ લગ્ન માટે બંને જવાબદાર હોય છે એમ છૂટાછેડા માટે પણ બંનેની સમાન જવાબદારી ગણવી જોઈએ.”

તૂટેલો સંબંધ બંનેની ભૂલોનું પરિણામ હોય છે

લગ્ન એ એક એવો બંધ છે, જ્યાં બે વ્યક્તિઓ માત્ર સામાજિક બંધનમાં નહીં, પરંતુ લાગણીઓ, જવાબદારીઓ અને પરસ્પર સમજદારીના ધોરણે જોડાય છે. માટે જ્યારે આવું કોઈ બંધન તૂટે છે, ત્યારે એના માટે માત્ર એક પક્ષને દોષી ઠેરવવો એ સંબંધના મૂળ અર્થને અવગણવા સમાન છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા તિક્ષીતા પટેલ કહે છે કે, “છૂટાછેડા એ એક અંતિમ નિર્ણય હોય છે, જે ઘણીવાર લાંબા સમયથી ચાલતી આંતરિક તકલીફો, નિષ્ફળ સંવાદ, સંવેદનશૂન્ય વર્તન અને બંને પક્ષોની ભૂલોથી ઊભો થાય છે. ઘણીવાર પતિ અને પત્ની બંને પોતાની રીતે સાચવવાનો પ્રયાસ કરે છે. તો ક્યારેક કોઈ એક પક્ષમાં એવી ઉણપ રહે છે, જે સંબંધને ધીમે ધીમે તોડે છે. પણ સમાજ માત્ર સ્ત્રીને જ દોષી ઠેરવે છે. હકીકતમાં, જો લગ્ન બંનેની સમજદારીથી બને છે, તો એના તૂટવા પાછળની જવાબદારી પણ બંનેએ સહભાગી રીતે વહેંચવી જોઈએ.”

હેતલ રાવ

RCBની કેપ્ટનશીપને લઈ વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) શાનદાર ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલની ટોચ પર સ્થાન ધરાવે છે. ભલે RCBએ અત્યાર સુધી ટ્રોફી જીતી નથી, પરંતુ ચાહકોમાં તેની લોકપ્રિયતા અને ચર્ચા હંમેશા ટોચ પર રહે છે. આનું મુખ્ય કારણ છે વિરાટ કોહલી, જે 2008થી RCB સાથે જોડાયેલો છે અને આજે પણ ટીમનો સૌથી મોટો ચહેરો અને ઓળખ છે.

વિરાટ કોહલીએ 2013માં ડેનિયલ વિટોરી પાસેથી RCBની કેપ્ટનશીપ સંભાળી અને 2021 સુધી ટીમનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન RCB ચાર વખત પ્લેઓફમાં પહોંચી અને 2016માં ફાઈનલમાં પણ રમી, જોકે ટ્રોફી જીતવામાં સફળ રહી નહીં. 2021માં કોહલીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લઈને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે આ નિર્ણયનું કારણ સ્પષ્ટ કર્યું: “હું તે સમયે ભારતીય ટીમની પણ કેપ્ટનશિપ કરતો હતો, જેના કારણે મારા માટે બંને જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ બની ગઈ હતી. આની અસર મારી બેટિંગ પર પડવા લાગી હતી. હું હંમેશા ટીમના પ્રદર્શન અને અપેક્ષાઓ વિશે વિચારતો રહેતો હતો. મેં સમજ્યું કે સારું પ્રદર્શન કરવા માટે મારે તણાવમુક્ત અને ખુશ રહેવું જરૂરી છે.”

કોહલીએ 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું, જેમાં 68 જીત સાથે 47.55%નો વિજય દર નોંધાયો. તેના નેતૃત્વમાં ટીમે ચાર વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું અને 2016માં ફાઈનલમાં પહોંચી. કેપ્ટનશિપ છોડવાનો તેનો નિર્ણય ટીમના હિતને પ્રાથમિકતા આપવાનું પ્રતિબિંબ પાડે છે. આ નિર્ણયની ચાહકો અને નિષ્ણાતો દ્વારા વ્યાપક પ્રશંસા થઈ છે, જે દર્શાવે છે કે કોહલી માટે ટીમની સફળતા હંમેશા પ્રથમ સ્થાને રહી છે. IPL 2025માં RCBનું વર્તમાન પ્રદર્શન અને કોહલીની બેટિંગ આ ટીમની ટ્રોફી જીતવાની આશાઓને વધુ મજબૂત કરી રહ્યા છે.

મોક ડ્રીલ: ફટાફટ Android અને iOS પર ઇમરજન્સી એલર્ટ ચાલું કરી દો

ભારત સરકારે 7 મે 2025 ના રોજ દેશવ્યાપી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલની જાહેરાત કરી છે. વાસ્તવમાં, પહેલગામ આતંકવાદી હુમલા પછી દેશની સ્વ-રક્ષણ અને સુરક્ષા તૈયારીઓને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયતોમાં બ્લેકઆઉટ સિમ્યુલેશન, હવાઈ હુમલાના સાયરન, સ્થળાંતર કવાયત અને જાહેર સલામતી સત્રોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, તમારા ઉપકરણ પર પણ કટોકટી ચેતવણીઓ સક્રિય કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલા આપણે સમજીએ કે ઇમરજન્સી એલર્ટ ચાલુ કરવું તમારા માટે કેમ ફાયદાકારક હોઈ શકે છે.

ઈમરજન્સી એલર્ટ ચાલુ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?

આ કટોકટી ચેતવણીઓ સરકાર દ્વારા ભૂકંપ, પૂર, આતંકવાદી હુમલો અથવા ગુમ થયેલ વ્યક્તિ જેવા મોટા જોખમો વિશે લોકોને ચેતવણી આપવા માટે મોકલવામાં આવે છે. આ એલર્ટ એક ખાસ નેટવર્કનો ઉપયોગ કરે છે, જેથી મોબાઇલ નેટવર્ક પર ભારે ટ્રાફિક હોય તો પણ તમને તાત્કાલિક એલર્ટ મળે. હવે ચાલો જાણીએ કે ફોન પર ઇમરજન્સી એલર્ટ કેવી રીતે ચાલુ કરવું…

એન્ડ્રોઇડ પર ઇમરજન્સી એલર્ટ કેવી રીતે ચાલુ કરવું?

એન્ડ્રોઇડ પર ઇમરજન્સી એલર્ટ ચાલુ કરવા માટે પહેલા ફોનના સેટિંગ્સમાં જાઓ.
ત્યારબાદ Safety and Emergency Option વિકલ્પ પર ક્લિક કરો.
હવે Wireless emergency એલર્ટ્સ પર ક્લિક કરો.
હવે સ્ક્રીન પર દેખાતા વિકલ્પો ચાલુ કરો.

  • એક્સટ્રીમ વેધર વોર્નિંગ્સ
  • ઈમીનેન્ટ થ્રેડ એલર્ટ્સ
  • પબ્લિક સેફ્ટી એલર્ટ્સ

જો તમને તમારા ડિવાઇસમાં આ વિકલ્પ દેખાતો નથી, તો સેટિંગ્સમાં ‘વાયરલેસ ઇમરજન્સી એલર્ટ્સ’ સર્ચ કરો.

આઇફોન પર ઇમરજન્સી એલર્ટ કેવી રીતે ચાલુ કરવું?

તમને જણાવી દઈએ કે આવા એલર્ટ સામાન્ય રીતે iPhone પર પહેલાથી જ ચાલુ હોય છે. પરંતુ તમે હજુ પણ સેટિંગ્સમાં જઈને તેને ચકાસી શકો છો…
સૌ પ્રથમ iPhone સેટિંગ્સ ખોલો અને નોટિફિકેશન પર જાઓ.
આ પછી નીચે સ્ક્રોલ કરો અને Government Alerts સેક્શન પર ક્લિક કરો.
અહીંથી તમે તેને સરળતાથી ચાલુ કરી શકો છો.

‘પહલગામ હુમલાના 3 દિવસ પહેલા PM મોદીને ગુપ્તચર રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો’, ખડગેનો દાવો

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ એક ઈન્ટેલિજન્સ નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

આતંકવાદ વિરુદ્ધ લડતમાં અમેરિકાનું ભારતને ખુલ્લું સમર્થન, ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. આ હુમલાને પગલે ભારતને વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે લડવા માટે વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અમેરિકન સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર માઇક જોહ્ન્સને સ્પષ્ટપણે જણાવ્યું કે, “અમેરિકા ભારત સાથે ઊભું છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક શક્ય પગલું લેશે.” તેમણે ઉમેર્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર આતંકવાદના ખતરાને સમજે છે અને ભારતને સંસાધનો સહિત તમામ શક્ય મદદ પૂરી પાડશે. જોહ્ન્સને કહ્યું, “અમારી સહાનુભૂતિ ભારતના લોકો સાથે છે, અને અમે અમારા સાથી દેશ સાથે મજબૂત રીતે ઊભા રહીશું.” આ નિવેદનને ભારત માટે એક મજબૂત સમર્થન તરીકે જોવામાં આવે છે, જેનાથી પાકિસ્તાનની ચિંતાઓ વધી છે.

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ સમિતિ ઓન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં 1960ની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો. આ એક ઐતિહાસિક પગલું છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધો થયા હોવા છતાં આ સંધિ અગાઉ ક્યારેય સ્થગિત થઈ ન હતી. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, આ સ્થગિતિ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે.

આ ઉપરાંત, ભારતે પાકિસ્તાન સંબંધિત 16 યુટ્યુબ ચેનલો, જેમાં Dawn, Geo TV, ARY News, Samaa TV, અને Bol Newsનો સમાવેશ થાય છે, તેના પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને ખોટી માહિતી ફેલાવતી હતી. વધુમાં, ભારતે પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રને 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી બંધ કરી દીધું છે, જે પાકિસ્તાનના વિમાનો માટે લાંબા માર્ગો અને ઊંચા ખર્ચનું કારણ બનશે.

પાકિસ્તાને ભારતના આ પગલાંને “યુદ્ધનું કૃત્ય” ગણાવ્યું છે અને જણાવ્યું છે કે સિંધુ જળ સંધિને એકતરફી રીતે સ્થગિત કરવી ગેરકાયદેસર છે. પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ કર્યું છે અને બંને દેશો વચ્ચેના વેપારને પણ સ્થગિત કર્યો છે. આ ઘટનાક્રમથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને કૂટનીતિ દ્વારા મુદ્દાને ઉકેલવા હાકલ કરી છે.

અમેરિકાના સમર્થનથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્થિતિ મજબૂત થઈ છે. યુએસ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ટુલસી ગેબાર્ડ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ પહલગામ હુમલાની નિંદા કરી અને હુમલાખોરોને ન્યાયના કટઘરે લાવવા ભારતને સમર્થન આપ્યું. વધુમાં, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને સુરક્ષા સંબંધી વાટાઘાટો આગળ વધે તેવી અપેક્ષા છે, જે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરશે.

વેપાર પ્રતિબંધ લાગ્યા પછી પાકિસ્તાન, ભારત પર કેટલી અસર પડશે?

નવી દિલ્હીઃ આતંકવાદી હુમલા પછી ભારત સરકારએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો છે. ભારતે બંને દેશો વચ્ચેના મર્યાદિત વેપાર સહિત તમામ આર્થિક સંબંધો ખતમ કરી દીધા છે.

વેપાર બંધ થવાથી પાકિસ્તાન અને ભારત પર કેટલો અસર પડશે?

પાકિસ્તાનથી ભારતની આયાતી ચીજવસ્તુઓ

તરબૂચ, સિમેન્ટ, સેંધા મીઠું, સૂકા મેવા, પથ્થર, ચૂનો, કપાસ, સ્ટીલ, ચશ્માં માટે ઓપ્ટિકલ વસ્તુઓ, કાર્બનિક રસાયણો, ધાતુ સંયોજનો, ચામડાના માલસામાન, તાબું, સલ્ફર, કપડાં, ચપ્પલ, મુલતાની માટી.

પાકિસ્તાનને નિકાસ થતી ચીજવસ્તુઓ

નાળિયેર, ફળો, શાકભાજી, ચા, મસાલા, ખાંડ, તેલબિયાં, પશુ ચારો, ડેરી ઉત્પાદનો, પ્લાસ્ટિક ઉત્પાદનો, ઔષધો, મીઠું, મોટર પાર્ટ્સ, રંગો, કોફી.

પાકિસ્તાન પર અસર
ભારત સાથેના વેપારના સંબંધો તૂટવાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ભારે દબાણ આવશે. પાકિસ્તાનને ભારતમાંથી સસ્તી અને આવશ્યક ચીજવસ્તુઓ મળતી હતી, જેમ કે દવાઓ, કાચો માલ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ. હવે આ ચીજવસ્તુઓ પાકિસ્તાનને અન્ય દેશોથી ઊંચા ભાવમાં આયાત કરવી પડશે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે ભારત સાથેનો વેપાર બંધ થવાથી આ સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

ભારત પર અસર
ભારત માટે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો તોડી નાખવાથી કોઈ વિશેષ આર્થિક અસર નહીં પડે, કારણ કે બંને દેશો વચ્ચેનો વેપાર ઘણો ઓછો હતો અને ભારત પાકિસ્તાનથી આયાત પર બહુ વધુ નિર્ભર નથી. જ્યારે પાકિસ્તાન ભારતથી આયાત પર વધુ નિર્ભર છે. 2024-25 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ વેપાર 500 મિલિયન ડોલરથી પણ ઓછો હતો, જે ભારતીય અર્થતંત્ર માટે નગણ્ય ગણાય છે. જોકે કેટલીક વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે, જેમ કે સિંધવ મીઠું, સૂકા મેવા અને ઓપ્ટિકલ લેન્સ, પણ ભારતમાં આ વસ્તુઓના વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ છે.

શાહરુખે મેટ ગાલામાં ડેબ્યૂ કરવાનું કારણ જણાવ્યું

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનું મેટ ગાલા 2025માં ડેબ્યૂ શાનદાર હતું અને તે હજુ પણ સમાચારમાં છે. દરેક વ્યક્તિ શાહરુખના લુક અને તેની સ્ટાઇલની ચર્ચા કરી રહી છે. શાહરૂખ પણ પોતાના ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો. જોકે, શાહરૂખ ખાને પહેલીવાર મેટ ગાલા કાર્પેટ પર ચાલવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે આ અંગે ખૂબ જ નર્વસ હતો. પોતાને શરમાળ વ્યક્તિ ગણાવતા, શાહરુખે એ પણ ખુલાસો કર્યો કે તે કોની ખુશી માટે મેટ ગાલામાં હાજરી આપી. તેમણે પોતાના ડિઝાઇનર સબ્યસાચીની પણ દિલથી પ્રશંસા કરી.

મેટ ગાલામાં શાહરુખ નર્વસ થઈ ગયો

મેટ ગાલા દરમિયાન વાત કરતા શાહરૂખ ખાને કહ્યું કે તે ખૂબ જ નર્વસ હતો. જ્યારે શાહરૂખને મેટ ગાલામાં હાજરી આપીને ઇતિહાસ રચવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, “મને ઇતિહાસ વિશે ખબર નથી પણ હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત છું.” મેટ ગાલામાં પોતાના દેખાવ માટે પોતાના ડિઝાઇનર સબ્યસાચીને શ્રેય આપતા, અભિનેતાએ કહ્યું, “સબ્યસાચીએ મને અહીં આવવા માટે મનાવ્યો. મેં ઘણી કાર્પેટ પર હાજરી આપી નથી, હું થોડો શરમાળ છું, પરંતુ અહીં આવવું ખૂબ જ અદ્ભુત છે.” પછી એન્કરે પૂછ્યું કે કાર્પેટ બ્લુ હતું, આના પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ કહ્યું, ‘ઓહ! હવે હું બિલકુલ ઠીક છું. હવે બધું બરાબર છે.’

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

શાહરૂખ ખાને આગળ જણાવ્યું કે તે કોની ખુશી માટે મેટ ગાલા પહોંચ્યો અને કોણ તેને ત્યાં જોઈને સૌથી વધુ ગર્વ અનુભવી રહ્યું છે. અભિનેતાએ કહ્યું, ‘મારા માટે સૌથી રોમાંચક બાબત મારા બાળકો છે, જેઓ મેટ ગાલા માટે ખુશ અને ગર્વ અનુભવી રહ્યા છે.’ પોતાના આઉટફિટ વિશે શાહરુખે કહ્યું,’મેં હમણાં જ સબ્યસાચીને કહ્યું હતું કે હું ફક્ત બ્લેક અને સફેદ કપડાં પહેરું છું, પરંતુ તેણે મારા માટે જે ડિઝાઇન કર્યું છે તેમાં હું ખૂબ જ આરામદાયક અનુભવી રહ્યો છું. મને લાગે છે કે આવું જ હોવું જોઈએ.’