Home Blog Page 931

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યુ હતું. ત્યારે બાદ ભારતે પણ યુદ્ધ વિરામની પુષ્ટી કરી છે. આજે સાંજે 5 વાગ્યાથી કોઈ પણ પ્રકારનું ફાયરિંગ અને લશ્કરી કાર્યવાહીને રોકવાની સમજૂતી થઈ છે.

આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પે ટ્વિટ કર્યું

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે લાંબી ચર્ચા બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એમ પણ કહ્યું કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે અને યુદ્ધવિરામ પર સંમતિ સાધી છે.

ભારત, પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમતઃ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ થયું છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો આકાશ, જળ અને જમીન પર તાત્કાલિક હુમલાઓ બંધ કરવામાં આવશે. એ સાથે જ બંને દેશો વચ્ચે સીઝફાયર થઈ ગયું છે. મિસ્રીએ જણાવ્યું હતું કે 12 મેએ બંને દેશોના અધિકારીઓ આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન અતિશય વધી ગયું હતું. વિદેશ સચિવ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હચો કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ દાવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેઓ પોતે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. બંનેએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વાતચીત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ થયેલી લાંબી રાત્રિના સંવાદ બાદ મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે. બંને દેશોએ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કર્યો તે બદલ અભિનંદન. આ મામલે ધ્યાન આપવાને બદલ આભાર.

અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન:
વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ X પર લખ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, પાક સેનાના પ્રમુખ અસીમ મુનિર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિક સહિતના વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાન અધિકારીઓ સાથે વાતચીત કરી છે. મને આ વાતની જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ અને વ્યાપક મુદ્દાઓ પર સંવાદ શરૂ કરવા માટે સંમત થઈ ગઈ છે. શાંતિનો માર્ગ પસંદ કરવા માટે વડા પ્રધાન મોદી અને શરીફના વિવેક અને દ્રઢ નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે બપોરે લગભગ 3:14 વાગ્યે, કિશ્તવાડની ધરતી ધ્રુજતી જોવા મળી. જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શનિવારે સવારે 3.14 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. NCS એ X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ભૂકંપની તીવ્રતા 2.7 હતી. ભૂકંપનું કેન્દ્ર કિશ્તવાડમાં 5 કિલોમીટર અંદર હતું.

એ નોંધનીય છે કે છીછરા ધરતીકંપો ઊંડા ધરતીકંપો કરતાં વધુ ખતરનાક હોય છે કારણ કે તે પૃથ્વીની સપાટીની નજીક વધુ ઊર્જા છોડે છે, જેના કારણે જમીન પર વધુ કંપન થાય છે અને માળખાઓને વધુ નુકસાન થાય છે અને વધુ જાનહાનિ થાય છે, જ્યારે ઊંડા ધરતીકંપો સપાટી પર પહોંચતા ઊર્જા ગુમાવે છે. જોકે, કિશ્તવાડમાં આવેલા ભૂકંપના આંચકા ઓછી તીવ્રતાના હતા.

IPL ફરી ક્યારે થશે શરૂ?

પહેલગામ આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને કારણે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 9 મે, 2025ના રોજ જાહેર કરાયેલા નિવેદનમાં BCCIએ જણાવ્યું, “આ નિર્ણાયક તબક્કે BCCI રાષ્ટ્રની સાથે મજબૂત રીતે ઉભું છે. અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો, અને દેશના લોકો સાથે એકતા વ્યક્ત કરીએ છીએ.” બોર્ડે સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત, અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરી, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. IPLના બાકી મેચો અંગેનો નિર્ણય સમીક્ષા બેઠક બાદ લેવાશે.

આ નિર્ણયને ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે સમર્થન આપ્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, “અમને અમારી સેના પર ખૂબ ગર્વ છે. તમારા કારણે જ અમે અમારા ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છીએ. સરહદો પર આપણું રક્ષણ કરવામાં તમારી શક્તિ અને દૃઢ નિશ્ચયને સલામ. અમે તમારો આભાર માનીએ છીએ. જય હિન્દ!” આ પહેલાં વિરાટ કોહલી, રોહિત શર્મા, અને જસપ્રીત બુમરાહે પણ સેનાને સમર્થન આપ્યું હતું.

આ નિર્ણયથી દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેને લોકો અને ખેલાડીઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે. X પરની પોસ્ટ્સમાં લોકો દેશની એકતા અને સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે, જોકે આ માહિતીની સત્તાધિકૃતતા ચકાસવી જરૂરી છે.

આ આપણી લડાઈ છે, અમે મજબૂતીથી સાથે ઊભા છીએ: સંજય દત્ત

સજય દત્તે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં તે ભારતીય સેનાને સલામ કરી રહ્યા છે અને તેમની સાથે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે. સંજય દત્તે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું છે તે જાણીએ.

આતંકવાદ સામે યુદ્ધ

સંજય દત્તે શનિવારે બપોરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી. આમાં તેઓ લખે છે કે, “આપણા લોકો પર વારંવાર થતા આતંકવાદી હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. અમે આનો જવાબ આપીશું. દુનિયાએ જાણવું જોઈએ કે આ લડાઈ કોઈ દેશ કે લોકો સામે નથી પણ આતંકવાદ સામેની લડાઈ છે. આ વખતે આપણે આતંકવાદીઓએ ફેલાવેલા ભય અને વિનાશ માટે તેમને બક્ષીશું નહીં.”

સંજયે કહ્યું કે તેમને ભારતીય સેના પર ગર્વ છે

સંજય દત્ત આગળ લખે છે, ‘મને મારી ભારતીય સેના પર ગર્વ છે. તે સરહદ પર હિંમતભેર ઉભી છે. સેના આતંકવાદનો યોગ્ય જવાબ આપી રહી છે. સેના ફક્ત આપણી સરહદોને સુરક્ષિત જ નથી રાખી રહી, પરંતુ દરેક બાળકના સપના, દરેક પરિવારની શાંતિ અને રાષ્ટ્રની આત્માને પણ બચાવી રહી છે. તેઓ ખરેખર ખરા હીરો છે, હું દરેક સૈનિકને સલામ કરું છું.’

સંજય દત્ત એમ પણ લખે છે કે, ‘આ ફક્ત સેનાની લડાઈ નથી, આપણી પણ લડાઈ છે. નાગરિકો તરીકે, આપણે એકતામાં સાથે ઉભા છીએ. યુદ્ધ આજે સમાપ્ત થશે નહીં પણ આપણી એકતા કાયમ રહેશે.’

અદાણી જૂથે હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ ટ્રક લોન્ચ કરી

રાયપુરઃ અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી ટ્રકને આજે કાર્યાન્વિત કરી હતી. હાઇડ્રોજન સંચાલિત આ ટ્રકો ધીમે-ધીમે કંપનીની માલ પરિવહન કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં ડીઝલ વાહનોનું સ્થાન લેશે.

ભારતીય અને આંતરરાષ્ટ્રીય એનર્જી ટેકનોલોજી ફર્મ અને મોટા વાહન ઉત્પાદકના સહયોગમાં અદાણી માલ પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બેટરીથી ચાલતી ટ્રક્સ વિકસાવી રહી છે. ચપળ ટેકનોલોજી અને ત્રણ હાઇડ્રોજન ટાંકીથી સજ્જ પ્રત્યેક ટ્રક બસો કિલોમીટરની રેન્જમાં 40 ટન કાર્ગો વહન કરી શકે છે.

છત્તીસગઢના CM વિષ્ણુ દેઓ સાંઇએ 10 મેએ રાયપુરમાં પ્રથમ ટ્રકને લીલી ઝંડી આપી હતી. આ ટ્રકનો ઉપયોગ ગેરે પેલ્મા III બ્લોકથી રાજ્યના વીજ પ્લાન્ટમાં કોલસાનું પરિવહન કરવા માટે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રકનું આ લોકાર્પણ રાજ્યની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારની પહેલ આપણા વાતાવરણમાં કાર્બનના પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડશે અને ઉદ્યોગ માટે એક નવું ધોરણ નક્કી કરશે. છત્તીસગઢ દેશની વીજમાગને પહોંચી વળવા માટે ફક્ત મોખરે જ નહી, પરંતુ ટકાઉ આયામોને અપનાવવાની દ્રષ્ટાંતરૂપ આગેવાની પણ કરે છે.

રાજ્યની માલિકીની છત્તીસગઢ રાજ્ય પાવર જનરેશન કંપની લિમિટેડે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ગેરે પેલ્મા III બ્લોક માટે ખાણ વિકાસકાર અને ઓપરેટર તરીકે અદાણી એન્ટરપ્રાઇઝની નિમણૂક કરી છે.

અદાણી નેચરલ રિસોર્સિસના CEO અને અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર ડો. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે  હાઇડ્રોજન સંચાલિત ટ્રક્સની પહેલ એ અદાણી સમૂહની ડિકાર્બોનાઇઝેશન અને જવાબદાર ખનન કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફનું એક નોંધપાત્ર કદમ છે. અમે વૃક્ષોને સ્થાનાંતરિત કરવા માટે સ્વાયત્ત ડોઝર પુશ ટેક્નોલોજીઓ, સૌર ઊર્જા, ડિજિટલ પહેલો અને વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટર્સનો સમાવેશ કરીને પર્યાવરણની વિપરીત અસરોને ન્યૂનતમ રાખવા માટે મોડેલ માઇન્સ બનાવી રહ્યાં છીએ. ટકાઉ ખાણકામ પ્રથાઓમાં નવાં ધોરણોની પહેલ કરતી વેળા અમે બધા માટે સસ્તી અને વિશ્વસનીય વીજળી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પ્રકલ્પ અદાણી નેચરલ રિસોર્સિસ (ANR) અને અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL) વચ્ચેનો સંયુક્ત પ્રયાસ છે, બંને અદાણી એન્ટરપ્રાઇઝીસના અંગ છે. અદાણી નેચરલ રિસોર્સિસ અનિલ પાસેથી હાઇડ્રોજન કોષો મેળવશે, જે હરિત હાઇડ્રોજન, વિન્ડ ટર્બાઇન, સોલર મોડ્યુલો અને બેટરી મેન્યુફેક્ચરિંગમાં પણ સંકળાયેલા છે. સૌથી પુષ્કળ પ્રમાણનું તત્ત્વ હાઇડ્રોજન કોઈ હાનિકારક ઉત્સર્જન પેદા કરતું નથી. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત વાહનો ડીઝલ ટ્રકની શ્રેણી અને લોડ ક્ષમતા સાથે બંધ બેસે છે અને ઓછામાં ઓછો ઘોંઘાટ સાથે તે માત્ર પાણીની વરાળ અને ગરમ હવા ફેંકે છે.

​ખાણ ખનીજની કામગીરીમાં મુખ્યત્વે ડીઝલ સંચાલિત મશીનરીનો ઉપયોગ થાય છે, તેથી સ્વચ્છ ઇંધણ સ્વીકારવાથી ઉત્સર્જન અને અવાજનું પ્રદૂષણ ઘટશે તે સાથે ભારતની ક્રૂડ તેલની આયાત અને કાર્બનનો પ્રભાવ ઘટાડવામાં પણ મદદ કરશે. એશિયાભરમાં અદાણી નેચરલ રિસોર્સિસ ડોઝરને સલામતી અને ટકાઉપણું બંનેને વેગ આપનાર પ્રથમ છે.

BIG BREAKING : ‘ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા’

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે.

યુએસ પક્ષે તેને બંને દેશોની “સામાન્ય સમજ અને મહાન શાણપણ”નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા છે કે સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.

ગુજરાતમાં માવઠાનો કહેર યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં 10 મે, 2025થી 13 મે, 2025 સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે, 10 મેના રોજ, રાજ્યના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન, છૂટાછવાયા વિસ્તારોમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સ્થિતિ ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે.

11 મેના રોજ પણ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દિવસે 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને મધ્યમ ગર્જના સાથે વરસાદની શક્યતા છે. 12 મેના રોજ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેની સાથે 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

13 મેના રોજ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં પણ ગાજવીજની સંભાવના છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન, ખેડૂતોએ ખેતરની સુરક્ષા અને નાગરિકોએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે.

આતંકવાદી ઘટના એક્ટ ઓફ વોર ગણાશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારએ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં દેશમાં જો કોઈ આતંકવાદી ઘટના બનશે છે તો તેને યુદ્ધનો ભાગ એટલે કે “એક્ટ ઓફ વોર” ગણવામાં આવશે. આવી સ્થિતિમાં હવે ભારત પાકિસ્તાન તરફથી પ્રાયોજિત આતંકવાદ સામે વધુ કડક હાથે પગલાં ભરશે.

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં તેની જમીન પર જો કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો તેને ભારત વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે અને તેનો જવાબ પણ યુદ્ધ જેવી રીતે જ આપવામાં આવશે. જો પાકિસ્તાનમાં ઊભા થયેલા અથવા ત્યાંથી રહેલા આતંકવાદીઓ તરફથી કોઈ આવી હરકત થશે  તો ભારત તેને પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના તરફથી ભારત સામે જાહેર યુદ્ધ તરીકે માનશે

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 27 હિન્દુઓના હત્યા કાંડ બાદ ભારત સરકારની નીતિમાં આ મોટો બદલાવ આવ્યો છે. આ ઘટનાના જવાબમાં ભારતીય સેના એ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનાં નવ ઠેકાણાંઓ પર બોમ્બવર્ષા કરી છે. જેમાં અનેક આતંકવાદી માર્યા ગયા છે.

ભારતની આ કાર્યવાહીને કારણે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તે વારંવાર ભારતીય સૈન્ય ઠેકાણાંઓ અને અન્ય સ્થળોએ મિસાઇલ હુમલાની કોશિશ કરી રહ્યો છે. પણ ભારતની મજબૂત ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે. પાકિસ્તાન LOC પર પણ ભારે ગોળીબાર કરી રહ્યું છે. જોકે ભારત પણ પાકિસ્તાનના દરેક હુમલાનો મજબૂત જવાબ આપી રહ્યું છે.

બ્રહ્માકુમારી મહાદેવનગરની અનોખી પહલ

અમદાવાદ: કિશોર વયના બાળકોમાં સમાજ પ્રત્યેનું કર્તવ્ય અને જવાબદારીને સમજાવવા માટે બ્રહ્મકુમારી મહાદેવનગરે અનોખી પહેલ કરી છે. તેમણે સમર કેમ્પમાં નશામુક્ત ભારત રેલીનું આયોજન કર્યું હતું. સાથે જ રેડ ક્રોસ સોસાયટીની મુલાકાત લીધી હતી.બ્રહ્માકુમારીઝ, મહાદેવનગર દ્વારા દર વર્ષે 9 થી 15 વર્ષના બાળકો માટે વિના મુલ્યે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પ દરમ્યાન વિભિન્ન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં સમાજ પ્રત્યેનું કર્તવ્ય તેમજ જવાબદારી મહસુસ થાય તે માટે વૃદ્ધાશ્રમ, સામાજિક સંસ્થાઓની મુલાકાત, સ્વચ્છતા અભિયાન, જાગૃતિ રેલી વગેરેનું આયોજન પણ કરવામાં આવે છે.આ વર્ષે પણ બાળકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી નશામુક્ત ભારત જાગૃતિ રેલી તેમજ રેડ ક્રોસ સોસાયટીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટીમાં પહોંચી બાળકોને રેડક્રોસ સોસાયટીની પ્રવૃતિઓ વિષે પણ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી. કે. મનિષા બેને કર્યું હતું.