મુંબઈઃ ભારત જ્યારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે, ત્યારે BCCIમાં એક મોટો ફેરફાર જોવા મળશે. વાસ્તવમાં, BCCI અધ્યક્ષપદની જવાબદારી હવે રોજર બિન્નીની જગ્યાએ રાજીવ શુક્લા સંભાળશે. સૂત્રોના કહેવા અનુસાર બિન્નીના નિવૃત્તિને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
BCCIનાં સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે અનુભવી ક્રિકેટ પ્રશાસક રાજીવ શુક્લા આગામી મહિને રોજર બિન્ની 70 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વચગાળાના અધ્યક્ષ તરીકે BCCIનું નેતૃત્વ સંભાળશે.
બિન્નીએ 2022માં બોર્ડ અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યાએ પદ સંભાળ્યું હતું, 19 જુલાઈએ 70 વર્ષના થશે, જે બોર્ડના પદાધિકારીઓ માટે નક્કી કરાયેલી વયમર્યાદા કરતાં વધુ છે.
65 વર્ષીય શુક્લા હાલમાં BCCIના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. સપ્ટેમ્બરમાં બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ BCCIના કાર્યકારી અધ્યક્ષ રહેશે. શુક્લાને ખેલાડીઓની નજીકની વ્યક્તિ પણ માનવામાં આવે છે અને બોર્ડમાં તેમને લાંબો અનુભવ પણ છે.
રાજીવ શુક્લા 2020 થી BCCIના ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તે અગાઉ તેઓ 2017 સુધી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (UPCA) માટે સચિવ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. શુક્લા 2018 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. હવે તેઓ BCCIના અધ્યક્ષ તરીકેની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ સુગુમરનનું 47 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર તેમના નજીકના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. તેમના નિધનથી ઉદ્યોગમાં દરેક વ્યક્તિ ખૂબ જ શોકમાં છે અને ઘણા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દિગ્દર્શકને બસમાં મુસાફરી કરતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓ એક નિર્માતાને નવી સ્ક્રિપ્ટ સંભળાવીને મદુરાઈથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
વિક્રમ સુગુમરન ખાસ કરીને તેમની ફિલ્મ ‘માધા યાનાઈ કૂટમ’ માટે જાણીતા હતા. આ ફિલ્મ માત્ર દર્શકોમાં લોકપ્રિય બની ન હતી પરંતુ વિવેચકો તરફથી પણ ઘણી પ્રશંસા મળી હતી. તેમની ફિલ્મોમાં એક અલગ ઓળખ અને ઊંડાણ હતું, જેના કારણે તેઓ દક્ષિણ ભારતીય સિનેમાના મહત્વપૂર્ણ દિગ્દર્શકોમાંના એક બન્યા.
મિત્રો અને ચાહકોએ શોક વ્યક્ત કર્યો
તેમના અચાનક અવસાનના સમાચાર મળ્યા પછી સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો અને તેમના મિત્રોએ પોસ્ટ દ્વારા શોક વ્યક્ત કર્યો અને વિક્રમની પ્રતિભા અને તેમની યાદોને તાજા કરી. ફિલ્મ ઉદ્યોગના લોકો તેમને એક સમર્પિત, મહેનતુ અને સાચા કલાકાર તરીકે યાદ કરી રહ્યા છે.
વિક્રમની ફિલ્મ કારકિર્દી
વિક્રમ સુગુમરન તમિલ સિનેમા જગતમાં એક પ્રતિષ્ઠિત નામ હતું. તેમનો જન્મ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પરમાકુડીમાં થયો હતો. તેમણે પ્રખ્યાત દિગ્દર્શક બાલુ મહેન્દ્ર પાસેથી ફિલ્મ નિર્માણની ઝીણવટ શીખી હતી. તેમણે અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ‘પોલ્લાધવન’ અને ‘કોડીવીરન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી, તેમણે 2013 માં દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો અને ‘માધા યાનાઈ કૂટમ’ દ્વારા ગ્રામીણ જીવનને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કર્યું, જેને દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા મળી. 2023 માં તેઓ ફિલ્મ ‘રાવણ કોટ્ટમ’ દ્વારા દિગ્દર્શનમાં પાછા ફર્યા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી. તેમની છેલ્લી દિગ્દર્શક ફિલ્મ ‘તીરમ બોરમ’ હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોવિડ19ના સક્રિય કેસ વધી 3961 સુધી પહોંચી ગયા છે, જેમાં સૌથી વધુ 1435 કેસ કેરળમાં નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 506 કેસ છે. પહેલી જૂને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 360 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે બે લોકોનાં મોત પણ થયાં છે. કેરળ અને કર્ણાટકમાં એક-એક સંક્રમિતનું મોત થયું છે.
મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કેરળમાં Covid-19ના 35 નવા કેસ, મહારાષ્ટ્રમાં 21 અને દિલ્હીમાં 47 નવા કેસ નોંધાયા છે.
રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણ વધ્યું
રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 17 કેસ રાજધાની જયપુરમાં અને ઉદયપુર, બિકાનેર અને ડુંગરપુરમાં દરેકમાંથી એક-એક કેસ નોંધાયો છે. નવા સંક્રમિતોમાં 74 અને 82 વર્ષના બે વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 19થી 30 વર્ષના સાત યુવાનો પણ સંક્રમિત થયા છે. કુલ 20 નવા કેસો સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98 લોકો કોરોના પોઝિટિવ થયા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને 15 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિલ્હી, UP અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનું સંકટ
દિલ્હીમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 436 છે. અહીં કોરોનાને કારણે 3 લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં સક્રિય કેસ 320 છે અને અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હરિયાણામાં 30, ઉત્તર પ્રદેશમાં 149 અને પશ્ચિમ બંગાળમાં 287 સક્રિય કેસ છે. UPમાં કોરોનાને કારણે 2 લોકોનાં મોત થયાં છે. તામિલનાડુમાં 199 સક્રિય કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 28 લોકોનાં મોત નોંધાયાં છે.
સિક્કિમ: ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. સિક્કિમમાં સતત મુશળધાર વરસાદના કારણે સામાન્ય જીવન પણ અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. એજન્સીના જણાવ્યા મુજબ રાજ્યના ઉત્તરીય વિસ્તારમાં મંગન જિલ્લાના લાચેન અને લાચુંગના વિસ્તારોમાં હજારો ઘરેલૂ પર્યટકો અને બે વિદેશી નાગરિક ફસાયા છે. સતત વરસતા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે.
હવામાનમાં આવેલા અચાનક બદલાવથી તીસ્તા નદીમાં ભયાનક પૂર આવ્યું છે, જેના કારણે બચાવ અને રેસ્ક્યુ કાર્ય ખૂબ જ પ્રભાવિત થયું છે. નદીના વધેલા સ્તર અને ગતિશીલ વહેણના કારણે અનેક રસ્તાઓ પણ વહી ગયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે ત્રીજા દિવસે પણ મંગન જિલ્લામાં ભારે વરસાદ પડ્યો અને અંદાજે 1,500 જેટલા પર્યટકો ઉત્તર સિક્કિમમાં ફસાયેલા છે. બે પુલોને પણ આંશિક રીતે નુકસાન પહોંચ્યું છે.
પૂર્વ સિક્કિમમાં નીમચે–પ્રેમલખા વિસ્તારમાં ભૂસ્ખલન નોંધાયો છે. અધિકારીઓએ મુસાફરોને સાવચેત રહેવાની અને સુરક્ષિત પ્રવાસની સલાહ આપી છે. લાચેનમાં અંદાજે 112 અને લાચુંગમાં 1,350 જેટલા પર્યટકો ફસાયેલા છે. લાચુંગથી ચૂંગથાંગ અને ચૂંગથાંગથી થેંગ સુરંગ સુધીની સડક સાફ કરવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ કરી રાહત કાર્ય માટે અપીલ
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, “અસમ, અરુણાચલ સહિત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલ જાનહાનિના સમાચાર અત્યંત દુખદ છે. લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ઈશ્વર બધાની રક્ષા કરે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ છે કે રાહત અને બચાવ કાર્યમાં તેજી લાવવામાં આવે જેથી લોકોની મુશ્કેલીઓ ઓછી થાય. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હું અપીલ કરું છું કે તેઓ શક્ય તેટલી સહાય પૂરી પાડે.”
ત્રિપુરામાં ભારે વરસાદથી બૂમરાહ અવસ્થાઓ
ત્રિપુરામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે જળભરાવ જોવા મળ્યો. એક વ્યક્તિનું મેઇનહોલમાં પડી જવાથી મોત નીપજ્યું. માત્ર ત્રણ કલાકમાં જ 200 mm જેટલો વરસાદ થયો. ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો મુખ્યમંત્રી માણિક સાહાના નિવાસ નજીક ઘૂંટણસમા પાણીમાં જતા જોવા મળ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે 2,800 જેટલા પરિવારોના 10,600 સભ્યોને બહાર કાઢી રાજ્યભરમાં 60 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કાર્યમાં 14 ટીમો તૈનાત છે. રવિવારે મુખ્યમંત્રીએ પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં કેટલીક રાહત શિબિરોની મુલાકાત લીધી.
મણિપુરમાં વરસાદ પછી ભૂસ્ખલન અને પૂર
મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનના કારણે 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે. ઈમ્ફાલ શહેર અને ઈમ્ફલ પૂર્વ જિલ્લામાં અનેક વિસ્તારોમાં નદીઓની ભીંત તૂટી જવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.
નાગાલેન્ડમાં રસ્તો ધસ્યો
નાગાલેન્ડના ફેસામા નજીક કોહીમા-માઓ હાઈવે (NH-2) પર રસ્તો લગભગ ચાર ફૂટ સુધી ધસી જતાં ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. સતત વરસાદના કારણે આ ઘટના બની છે. નાગા હેરિટેજ વિલેજ કિસામા નજીક બનેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, કોહીમાના ડેપ્યુટી કમિશ્નરએ ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવાની સૂચના આપી છે.
અસમમાં ભૂસ્ખલનથી મોતના બનાવો
અસમના ગુવાહાટીના ચાપાઈડાંગ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનમાં ત્રણ પરિવારોના સભ્યોના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે શોકસંતપ્ત પરિવારોને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત, જાહેર સલામતી માટે યાત્રા સલાહ પણ જાહેર કરવામાં આવી છે.
બાંગ્લાદેશ: સેન્ટ્રલ બેન્કે પહેલી જૂનના રોજ નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટો જાહેર કરી છે. આ નવી ચલણી નોટોમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝીબુર રહેમાનની તસવીર હટાવી દીધી છે. નવી નોટોમાં શેખ મુઝીબુર રહેમાનના ફોટાની જગ્યાએ બાંગ્લાદેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ દોરવામાં આવ્યા છે. અત્યાર સુધી બાંગ્લાદેશની તમામ બેન્ક નોટ પર શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જેમણે 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી હતી.
મુઝીબુર રહેમાનના ફોટા વિનાની નોટ બહાર પાડી
બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે, નવી બેન્ક નોટોની સાથે-સાથે મુઝીબુર રહેમાનના ચિત્રવાળી નોટ અને સિક્કા પણ ચલણમાં રહેશે. બાંગ્લાદેશ સેન્ટ્રલ બેન્કના પ્રવક્તા આરિફ હુસૈન ખાને જણાવ્યું કે, ‘નવી સીરિઝ અને ડિઝાઇન હેઠળ, નોટો પર કોઈ માનવ ચિત્ર નહીં હોય પરંતુ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ પ્રદર્શિત કરવામાં આવશે.
હિન્દુ અને બૌદ્ધ મંદિરોની તસવીર પણ હશે
બાંગ્લાદેશ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નોટ પર હિન્દુ અને બૌદ્ધ મંદિરો, ઐતિહાસિક મહેલોની તસવીર પણ જોવા મળશે. જેમાં દિગ્ગજ ચિત્રકાર જૈનુલ આબેદીનની કલાકૃતિનો પણ સમાવેશ થશે. આ ચિત્રોમાં બ્રિટિશ સાશન સમયના બંગાળના દુષ્કાળને દર્શાવવામાં આવ્યું છે.
નવી નોટ પર શેખ મુઝીબની જગ્યાએ હશે આ તસવીર
એક અન્ય બેન્ક નોટ પર પાકિસ્તાનની સામે સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોની યાદમાં બનેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકને દર્શાવવામાં આવશે. નવ અલગ-અલગ મૂલ્યની ત્રણ નોટ રવિવારે જાહેર કરવામાં આવી હતી. બાકીની નોટ તબક્કાવાર ચલણમાં લાવવામાં આવશે. આરિફ હુસૈન ખાને કહ્યું કે, ‘નવી નોટ કેન્દ્રીય બેન્કના મુખ્યાલય દ્વારા જાહેર કરવામાં આવશે અને બાદમાં દેશભરમાં તેના અન્ય કાર્યાલયોથી જાહેર કરવામાં આવશે.’
બાંગ્લાદેશનો ઈતિહાસ
આ પહેલીવાર નથી કે, બાંગ્લાદેશમાં બદલાતા રાજકારણને પ્રતિબિંબિત કરવા માટે બેન્ક નોટોની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય. જ્યારે ખાલિદા જિયાના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી સત્તામાં હતી, તો નોટોમાં ઐતિહાસિક અને પુરાતાત્વિક સ્થળોને દર્શાવામાં આવ્યા હતા.
1972માં, શરૂઆતની બાંગ્લાદેશની ચલણી નોટોમાં સ્વતંત્રતા બાદ પૂર્વ પાકિસ્તાન નામ બદલ્યા પછી શું બન્યું તેનો નકશો દર્શાવ્યો હતો. ત્યારબાદની નોટોમાં શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જે આવામી લીગના નેતા હતા. તેમની દીકરી શેખ હસીનાએ બાદમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું અને સતત 15 વર્ષ સુધી બાંગ્લાદેશના વડાંપ્રધાન રહ્યા. જો કે ગત વર્ષે ઓગસ્ટમાં તેમની સામે વિદ્યાર્થીઓના નેતૃત્વામાં કરવામાં આવેલા વિદ્રોહ બાદ તેમને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. હસીનાને સત્તામાંથી દૂર કર્યા બાદ ભારતમાં શરણ લીધા બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચલાવવામાં આવી રહી છે.
હસીના સામે બાંગ્લાદેશની કોર્ટમાં સુનાવણી
આ પહેલા રવિવારે બાંગ્લાદેશી ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલમાં શેખ હસીના પર 2024ના વિદ્યાર્થી નેતૃત્વવાળા વિદ્રોહ દરમિયાન હિંસક દમનમાં તેમની કથિત ભૂમિકા માટે ગુનાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ 77 વર્ષીય નેતા સામે કેસ દાખલ કરવાની સત્તાવાર શરૂઆત કરી દેવાઈ છે. ગત મહિને હસીના અને અન્ય પાર્ટીના નેતા પર કેસ ચાલે છે ત્યાં સુધી આવામી લીગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. બાંગ્લાદેશમાં ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના હસીના સરકાર દ્વારા 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાવી સૈનિકોના કટ્ટર સહયોગી પર કેસ દાખલ કરવા માટે કરવામાં આવી હતી. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના સામે લગાવવામાં આવેલા આરોપો માટે મૃત્યુદંડ સુધીનો સામનો કરવો પડી શકે છે.
ગાંધીનગર: કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે.પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે કડીથી રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા અને વિસાવદરથી કિરીટ બાલુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. આ પહેલાં કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને આપ પણ ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે.
કોણ છે રાજેન્દ્ર ચાવડા?
રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણાના વતની છે અને બી.એ. સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે. તેઓ 1972માં જનસંઘમાં જોડાયા હતા અને 6 ડિસેમ્બર 1980થી ભાજપના સભ્ય છે. તેઓ મહેસાણામાંથી 1981 થી 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતી સભ્ય રહી ચૂક્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર કોણ છે?
કડી વિધાનસભા બેઠક માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) દ્વારા 1 જૂનના રોજ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા.
આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર કોણ છે?
આમ આદમી પાર્ટી (આપ)એ પણ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ‘કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે.
રવિવાર, 1 જૂનની રાત્રે અમદાવાદમાં શરૂ થયેલી આ મેચ બીજા દિવસે એટલે કે સોમવાર, 2 જૂનની વહેલી સવારે સમાપ્ત થઈ શકી. વરસાદને કારણે બરાબર અઢી કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં પહેલા બોલથી છેલ્લા બોલ સુધી રોમાંચ ચાલુ રહ્યો. ટોસ હાર્યા બાદ મુંબઈએ પહેલા બેટિંગ કરવી પડી હતી અને આ વખતે તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે રોહિત શર્મા ત્રીજા ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ ઝડપી ઇનિંગ્સ રમવાનું ચાલુ રાખ્યું અને 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો.
A 1⃣1⃣ year wait ends… 🥹#PBKS are in the #TATAIPL 2025 Final and who better than Captain Shreyas Iyer to take them through ❤
મુંબઈનો પહેલો લક્ષ્ય 200 રન સુધી પહોંચવાનો હતો, જેમાં સૂર્યકુમાર યાદવ (44), તિલક વર્મા (44), નમન ધીર (37) અને જોની બેરસ્ટો (38) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈનો આ સ્કોર એટલા માટે પણ મહત્વપૂર્ણ હતો કારણ કે IPLના 18 વર્ષના ઇતિહાસમાં આ મેચ પહેલા આ ટીમ 200 રનના આંકડાને સ્પર્શ્યા પછી ક્યારેય હાર્યું ન હતું. દર વખતે આ ટીમે 200 કે તેથી વધુ રન બનાવ્યા પછી સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. પરંતુ આ વખતે એવું થઈ શક્યું નહીં અને પહેલીવાર તેને હારનો સામનો કરવો પડ્યો.
ઐયરની કેપ્ટનશીપ ઈનિંગ, નમન પણ તાકાત બતાવી
જોકે, તે પહેલાં પંજાબે 72 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જોશ ઈંગ્લીસ (38)નું પેવેલિયનમાં પાછા ફરવું એ એક મોટો આઘાત હતો કારણ કે તે તોફાની ઈનિંગ રમી રહ્યો હતો. પરંતુ પંજાબના કેપ્ટન ઐયર આ વખતે ઇતિહાસ બદલવા માટે કટિબદ્ધ હતા અને આમાં તેમને યુવા પંજાબી બેટ્સમેન નેહલ વાઢેરાનો શ્રેષ્ઠ સહયોગ મળ્યો, જે ગયા સીઝન સુધી મુંબઈનો ભાગ હતા. બંનેએ મળીને 84 રનની ઝડપી ભાગીદારી કરી, જેનાથી ટીમ જીતની સ્થિતિમાં પહોંચી ગઈ.
ત્યારબાદ નેહલ (48) અને શશાંક સિંહ થોડા રનમાં આઉટ થઈ ગયા અને મુંબઈ પાસે પાછા આવવાની તક હતી. પરંતુ આ વખતે જસપ્રીત બુમરાહ પણ પંજાબને રોકવામાં નિષ્ફળ ગયો અને 4 ઓવરમાં 40 રન આપી દીધા, જ્યારે કોઈ વિકેટ લઈ શક્યો નહીં. પંજાબને આ સાવધ આક્રમકતાનો બદલો મળ્યો અને કેપ્ટન ઐયરે 19મી ઓવરમાં 4 છગ્ગા ફટકારીને મેચનો અંત કર્યો અને ટીમને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડી. ઐય્યર માત્ર ૪૧ બોલમાં ૮૭ રન બનાવીને અણનમ પાછો ફર્યો, જેમાં ૮ છગ્ગા અને ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
પૂર્વોત્તર ભારત ફરી એકવાર કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદને કારણે મણિપુર અને સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલન થયું છે. સતત ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તે જ સમયે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. IMD એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. જેના કારણે પૂર્વોત્તરમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જો કે, સરકાર અને વહીવટીતંત્ર લોકોને શક્ય તેટલી બધી મદદની જાહેરાત કરી રહ્યું છે. તે જ સમયે, સેના અને આસામ રાઇફલ્સની ટીમો સતત લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં રોકાયેલી છે.
મણિપુરમાં છેલ્લા 48 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે, નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં રાજ્યના 3800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજધાની ઇમ્ફાલ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સૌથી વધુ વિનાશ થયો છે, જ્યાં બંધ તૂટવાથી રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 883 ઘરોને નુકસાન થયું છે. સેના અને આસામ રાઇફલ્સની ટીમો રાહત કામગીરીમાં રોકાયેલી છે. લગભગ 8000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ પોતે ઇમ્ફાલના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને વર્તમાન પરિસ્થિતિ અંગે વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 3275 ગામો પૂરથી પ્રભાવિત થયા છે, 12 સ્થળોએ ભૂસ્ખલન થયું છે અને 64 પશુઓના મોત થયા છે. ચેકોન વિસ્તારમાં ઇમ્ફાલ નદીનું પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે, જેના કારણે ઓલ ઇન્ડિયા રેડિયો કેમ્પસ અને જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી મોટી સરકારી સંસ્થાઓ પણ પાણી ભરાઈ ગઈ છે.
કર્ણાટકમાં પણ વરસાદને કારણે ભારે વિનાશ
કર્ણાટકમાં એપ્રિલથી મે મહિના દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે અત્યાર સુધીમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. મે મહિનામાં 125 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૨૫ વર્ષમાં સૌથી વધુ ચોમાસા પહેલાનો વરસાદ મે મહિનામાં નોંધાયો હતો. એપ્રિલ-મે દરમિયાન જ વીજળી પડવાથી ૪૮ લોકોના મોત થયા હતા. જ્યારે વૃક્ષો પડવાથી, દિવાલ પડવાથી, ડૂબવાથી અને વીજળીના આંચકાથી પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૯ મેથી ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૧ લોકોના મોત થયા છે. ૩૧ મેના રોજ જ ૨૨ લોકોના મોત થયા હતા. તે જ સમયે, કેરળ અને તમિલનાડુમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડ્યો
ત્રિપુરામાં સતત ભારે વરસાદને કારણે, પાણી ભરાઈ જવાથી ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યની રાજધાની અગરતલામાં માત્ર ત્રણ કલાકમાં રેકોર્ડ ૨૦૦ મીમી વરસાદ પડ્યો છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ૭ લોકોના મોત થયા છે. તે જ સમયે, ઝીરો-કમાલે રોડ પર ભૂસ્ખલનમાં ૨ મજૂરોના મોત થયા છે.
આસામના 11 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
આસામના 11 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ જિલ્લાઓમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ૨૬,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગોલાઘાટ જિલ્લામાં એક બાળક સહિત ૩ લોકોના મોત થયા છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં બીજા દિવસે પણ પૂરનો કહેર જોવા મળ્યો હતો. મુશળધાર વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે અને ઘણી જગ્યાએ પાળા તૂટી ગયા છે. પાળા તૂટવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ છે.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાત કરીને આસામની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આસામમાં પૂર અને ભૂસ્ખલનને કારણે આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલા મને ફોન કરીને આસામમાં આવેલા પૂર વિશે માહિતી મેળવી હતી અને વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે તેમને રાજ્ય સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. ચિંતા વ્યક્ત કરવા અને શક્ય તમામ સહાય આપવા બદલ અમે તેમના આભારી છીએ. અધિકારીઓએ કહ્યું છે કે પૂરને કારણે 15 થી વધુ જિલ્લાઓમાં 78,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે.