બેંગલુરુઃ મણિરત્નમ દ્વારા નિર્દેશિત કમલ હાસનની નવી ફિલ્મ ‘ઠગ લાઈફ’ને કર્ણાટકમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસને ચેન્નઈમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કન્નડ ભાષા તમિળમાંથી નીકળી છે. આ નિવેદન બાદ કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સ (KFCC)એ તેમને 30 મે સુધીમાં માફી માગવાની માગ કરી હતી, પરંતુ કમલ હાસને માફી ન માગતા કર્ણાટકમાં તેમની ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કમલ હાસન દ્વારા હાઈકોર્ટમાં અપીલ
આ ફિલ્મ પર પ્રતિબંધ બાદ કમલ હાસને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે પોતાની કંપની રાજકમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલના CEO મારફતે અરજી દાખલ કરી છે, તેમાં તેમણે સરકાર, પોલીસ વિભાગ અને ફિલ્મ ચેમ્બરને ફિલ્મની સ્ક્રીનિંગ અટકાવવાનો ના કહેવાનો આદેશ આપવાની અપીલ કરી છે. એ સાથે જ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.
વિવાદ શા પરથી થયો?
પાછલા મહિને ફિલ્મના પ્રમોશન ઇવેન્ટમાં કમલ હાસને આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું હતું. તેમના નિવેદન સામે કર્ણાટકમાં રાજકીય પક્ષો અને ફિલ્મ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટક ભાજપપ્રમુખ બીવાય વિજયેન્દ્રે પણ કમલ હાસનથી માફી માગવાની માગ કરી હતી. તેમણે X (પૂર્વેના ટ્વિટર) પર લખ્યું હતું કે માતૃભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, પણ તેના નામે અહંકાર બતાવવો – તે સંસ્કૃતિક દેવાળિયાપનની નિશાની છે. ખાસ કરીને કલાકારોએ દરેક ભાષાનું માન રાખવું જોઈએ.
કમલ હાસનની સ્પષ્ટતા
આ વિવાદ બાદ કમલ હાસને જણાવ્યું હતું કે રાજકારણીઓ ભાષા વિષે વાત કરવા લાયક નથી. મેં જે કહ્યું તે પ્રેમથી કહ્યું હતું અને તે ભાષાની અને ઇતિહાસની સમજ ધરાવનારા ઐતિહાસિકોને સમજાયું છે. રાજકારણીઓ પાસે એટલી શિક્ષા નથી કે તેઓ ભાષા વિષે ચર્ચા કરે.



સ્વર્ગસ્થ રાજેશભાઈ વૈષ્ણવ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ‘સૂરીલી સાંજ’ કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની એક ઓળખ બની ગઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરના સહયોગથી યોજાતો આ કાર્યક્રમે કોરોના કાળ દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો અને પોતાનું સાતત્ય જાળવી રાખ્યું હતું.
કોરોનાના સમય દરમિયાન રાજેશભાઈ વૈષ્ણવ અને માધુરીબેન વૈષ્ણવે વિદાય લીધી તે પછી પણ તેમના પુત્ર હિરેન વૈષ્ણવે આ સાંજનો સૂર તૂટવા દીધો નથી. એક જૂનને રવિવારે 325મા કાર્યક્રમ સાથે ભાવનગરના આ અનોખા ઉપક્રમનો 28મા વર્ષમાં પ્રવેશ થયો. આ પ્રસંગે શહેરના ઉદ્યોગપતિ કલા પ્રોત્સાહક નિશીથભાઈ મહેતા, મનુભાઈ દીક્ષિત ધીરેનભાઈ વૈષ્ણવ જયેશભાઈ દવે સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બાહ્ય દેખીતી શક્તિને પ્રગટ કરવાને બદલે અંતરની શક્તિ દ્વારા લક્ષ્ય સુધી પહોંચવા આહ્વાન કરી, 1 જૂન 2025ના રોજ દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી અંધ અભ્યુદય મંડળનાં ૬૫ માં વાર્ષિક અધિવેશનનો ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલે આરંભ કરાવ્યો હતો.
તેમના ઉદબોધનમાં તેમણે પોતાની આપવીતી જણાવી બાહ્ય શક્તિને બદલે અંતર શક્તિને પામી આંખે પટ્ટી બાંધી તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓની પીડા પામવા પ્રયાસ કરી આમ સમાજ માટે એક પ્રેરક દાખલો બેસાડ્યો હતો.


વર્ષાબહેન આલોક પહેલા બેન્કિંગ વ્યવસાયમાં હતા. અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે. વર્ષાબહેન ‘કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ’માં પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવે છે. તેમણે આઈ.આઈ.એમ., અમદાવાદમાંથી ‘ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ’નો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાખંડના વતની વર્ષાબહેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રુચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો.
વર્ષાબહેને જણાવ્યું કે, ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ’ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે. કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે.
અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાય છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મીનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે.
વર્ષાબહેન કહે છે, મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા જેવું છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે. મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે. મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે.
મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વિગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે જેને પરિણામે ૨૫થી ૩૦ દિવસમાં ફૂગ ઊગી નીકળે છે.
ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે. વર્ષાબહેન કહે છે કે, આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું પોટેન્શિયલ રહેલું, જેને અનલીશ કરવું જોઈએ છે. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ સમયની માગ છે.
વર્ષાબહેનને આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી લાલજી ચૌધરી જણાવે છે કે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કર્યું છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક – વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે.




