Home Blog Page 837

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અસીમ મુનીરના લંચની શશિ થરૂરે ઉડાવી મજાક

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ગુરુવારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ પર કટાક્ષ કર્યો. થરૂરે આશા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પ સાથે જમતી વખતે મુનીરને “ફૂડ ફોર થોટ (વિચારવાનો ખોરાક)” મળશે. શશી થરૂરે કહ્યું કે વ્હાઇટ હાઉસના મતે અસીમ મુનીરે એક વખત કહ્યું હતું કે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ. થરૂરે કટાક્ષ કર્યો કે તે પછી તરત જ તેમને વ્હાઇટ હાઉસમાં લંચ આપવામાં આવ્યું.

ટ્રમ્પ-મુનીર મુલાકાત પર થરૂરની ટીકા

ટ્રમ્પ-મુનીર મુલાકાત પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવતા શશી થરૂરે કહ્યું, “મેં બેઠકનું પરિણામ જોયું નથી. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, આ જનરલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ, અને પછી તેમને બપોરનું ભોજન આપવામાં આવ્યું. મને આશા છે કે ભોજન સારું હશે અને આ પ્રક્રિયામાં તેમને ‘ફૂડ ફોર થોટ’ મળ્યો હશે.

થરૂર એવી પણ આશા રાખે છે કે અમેરિકા પાકિસ્તાનને તેની ધરતી પર આતંકવાદને ખીલતો અટકાવવાનું મહત્વ યાદ કરાવશે અને અમેરિકાએ 11 સપ્ટેમ્બર, 2001 ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલાને ભૂલવો ન જોઈએ. થરૂરે કહ્યું, “મને આશા છે કે અમેરિકનો પાકિસ્તાનને આતંકવાદને ટેકો ન આપવા, આતંકવાદીઓને સક્ષમ ન કરવા, સજ્જ ન કરવા, ભંડોળ પૂરું પાડવા અને આપણા દેશમાં મોકલવાના મહત્વની યાદ અપાવશે.” તેમણે વધુમાં ઉમેર્યું,”આપણા આશા રાખીએ કે અમેરિકન સરકારમાં કોઈ પણ ઓસામા બિન લાદેન પ્રકરણને ભૂલ્યુ નહીં હોય.”

અસીમ મુનીર પર થરૂરનો કટાક્ષ

થરૂરે કહ્યું, “મને આશા છે કે જ્યારે જનરલ (અસીમ મુનીર) ને પીણાં અથવા લંચ પીરસવામાં આવ્યા હશે, ત્યારે તેમને કેટલાક સંદેશા પણ મળ્યા હશે જે અમેરિકાના હિતમાં હશે.”

ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને મુનીરનું સ્વાગત

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસીય લશ્કરી સંઘર્ષના અઠવાડિયા પછી ટ્રમ્પે બુધવારે મુનીરને વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું. વ્હાઇટ હાઉસના સત્તાવાર પ્રકાશન અનુસાર, ટ્રમ્પે મુનીરને વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં આમંત્રણ આપ્યું હતું.

અમેરિકન રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની 35 મિનિટની ટેલિફોનિક વાતચીત અને બાદમાંના યુદ્ધવિરામ સંદેશ પર ટિપ્પણી કરતા, શશિ થરૂરે કહ્યું, “જો ટ્રમ્પ તરફથી કોઈ દબાણ હોત, તો તે ફક્ત પાકિસ્તાન પર હોત.” થરૂરે ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદીના સંદેશને પુનરાવર્તિત કરતા કહ્યું, “અમે પાકિસ્તાન પર અમેરિકા દ્વારા કોઈપણ દબાણનું સ્વાગત કરીએ છીએ, પરંતુ અમે તે માટે કહ્યું નથી. અમે કોઈની મધ્યસ્થીની વિનંતી કરી નથી.”

રાજ્યમાં 25 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

અમદાવાદઃ રાજ્યનાં અનેક ભાગોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર નવસારી, ડાંગ અને વલસાડમાં અત્યંત ભારે જ્યારે મહીસાગર, દાહોદ અને સુરતમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતા છે.

આ સાથે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

ઈરાન પર હુમલાની સંપૂર્ણ તૈયારી, યુએસ ફાઇટર પ્લેન રવાના

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે આ યુદ્ધમાં ઈરાનને મોટું નુકસાન થયું છે. અમેરિકા ઈરાનને ચેતવણી પણ આપી રહ્યું છે અને ઈરાનના સર્વોચ્ચ નેતાને શરણાગતિ સ્વીકારવા માટે કહી રહ્યું છે પરંતુ ઈરાને અમેરિકાને દખલ ન કરવાની સલાહ આપી છે.

બિન-આવશ્યક રાજદ્વારીઓને બહાર કાઢવાનું શરૂ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલમાં યુએસ દૂતાવાસમાંથી બિન-આવશ્યક રાજદ્વારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાન પર હુમલો કરવાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, યુએસ દ્વારા મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં ફાઇટર પ્લેન અને કાર્ગો પ્લેન મોકલવામાં આવ્યા છે.

સેન્ટ્રલ કમાન્ડના ઓપરેશનલ ક્ષેત્રમાં સુરક્ષા કર્મચારીઓમાં વધારો

તમને જણાવી દઈએ કે યુએસએ સેન્ટ્રલ કમાન્ડના ઓપરેશનલ ક્ષેત્રમાં વધુ સુરક્ષા દળો તૈનાત કર્યા છે. દરમિયાન, સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલમાં યુએસ દૂતાવાસમાંથી બિન-આવશ્યક રાજદ્વારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે.

સુપ્રીમ કોર્ટે કમલ હાસનને મોટી રાહત આપી

કર્ણાટકમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસનની નવી ફિલ્મ ‘ઠગ લાઈફ’ના પ્રદર્શનમાં અવરોધો ઉભા કરનારાઓને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને કહ્યું કે આવી ધમકીઓ આપનારાઓ સામે કાર્યવાહી કરવી એ તમારી ફરજ છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી અવરોધો ઉભા કરનારાઓ સામે કાર્યવાહીની યોજના પણ માંગી. કર્ણાટક સરકારે કોર્ટને કાર્યવાહીની ખાતરી આપી અને કહ્યું કે જો ફિલ્મ હવે રિલીઝ થશે તો તમામ સિનેમાઘરોમાં સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

આ દરમિયાન, પોલીસે કન્નડ ભાષા વિશે અભિનેતાની ટિપ્પણી પર ફિલ્મ બંધ કરવાની ધમકી આપનારા કન્નડ સમર્થક જૂથોને નોટિસ ફટકારી છે. આ સાથે, કોર્ટે કમલ હાસનને તેમની ટિપ્પણી માટે માફી ન માંગવા પણ કહ્યું છે. રોધીઓએ અભિનેતા પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. આ અંગે કોર્ટે આવા વલણ પર દુઃખ વ્યક્ત કર્યું. કોર્ટે કહ્યું કે શું કોઈ ફિલ્મ કે સ્ટેન્ડ-અપ કોમેડી શો ફક્ત એક અભિપ્રાયના કારણે બંધ કરી દેવો જોઈએ?

દરમિયાન, કમલ હાસને કહ્યું કે તેઓ રાજ્યના પ્રતિભાવથી સંતુષ્ટ છે અને કેસ બંધ કરવા માંગે છે. જોકે, મૂળ અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ એ. વેલને કેસ બંધ કરવાની વિનંતી કરી અને તેમને ધમકી આપનારાઓ સામે માર્ગદર્શિકા અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી.

ભાજપથી નિકટતાની અટકળો વચ્ચે થરૂરે કહ્યું, પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ

નવી દિલ્હીઃ કેરળના તિરુવનંતપુરમ લોકસભા ક્ષેત્રના સાંસદ શશિ થરુરે પાર્ટી સાથે મતભેદ હોવાની વાત કબૂલ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં શશિ થરૂરે જણાવ્યું હતું  કે હું છેલ્લાં 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ છે અને આ મુદ્દે હું પાર્ટીની અંદર ચર્ચા કરીશ. આજે હું આ મુદ્દે વધારે કંઈ બોલવા માગતો નથી. મારે મળીને વાત કરવાની છે, સમય આવે પછી હું વાત કરીશ.

વડા પ્રધાન સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન સાથેની ચર્ચા માત્ર સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત મુદ્દાઓ પર જ થઈ હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઊભો થાય છે, ત્યારે દેશની સાથે ઊભા રહેવું આપણી જવાબદારી બને છે. જ્યારે દેશને મારી સેવા જોઈએ ત્યારે હું હંમેશાં તૈયાર છું.

ભારત સરકારે ‘ઓપરેશન સિંદૂર’ અંગે માહિતી વિશ્વભરના દેશોને આપવા માટે સાત સર્વપક્ષી પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કર્યું હતું. થરૂરે અમેરિકાથી લઈને કોલમ્બિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોના કારણે કોલમ્બિયાએ પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન પાછું ખેંચી લીધું હતું, જેને થરૂરની એક કૂટીનીતિની જીત તરીકે રજૂ કરવામાં આવી હતી.

શશિ થરૂર સહિત તમામ પ્રતિનિધિમંડળના નેતાઓ જ્યારે વિદેશ પ્રવાસથી પરત આવ્યા હતા, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમના અનુભવ જાણવા માટે તેમની મુલાકાત લીધી હતી. થરૂરને લઈને રાજકારણ પણ એટલા માટે ગરમાયું છે કે કોંગ્રેસે જે નેતાઓના નામ પ્રતિનિધિમંડળ માટે મોકલ્યા હતા, તેમાં થરૂરનો સમાવેશ નહોતો. છતાં પણ ભારત સરકારે તેમને પ્રતિનિધિમંડળમાં માત્ર સામેલ જ નહીં કર્યા, પણ એક સંપૂર્ણ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ તેમને સોંપ્યું હતું.

બેંગ્લોર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, તપાસ કરી તો સામે આવ્યું કે…

બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો. એક અઠવાડિયામાં આ બીજી ધમકી છે. બંને વખત આ ધમકી ખોટી સાબિત થઈ હતી. એક અઠવાડિયામાં બીજી વખત, એરપોર્ટ પર નકલી બોમ્બની ધમકીનો મેઇલ મોકલવામાં આવ્યો છે. એરપોર્ટ સુરક્ષા દળને બોમ્બની ધમકીનો મેઇલ મળ્યો હતો. આ ધમકીભર્યા મેઇલમાં એક આતંકવાદીએ દાવો કર્યો હતો કે “આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવી ખોટી હતી.” અને આનો બદલો લેવામાં આવશે.

આ મહિનાની 13 અને 16 તારીખે બોમ્બ ધમકીના બે ઈમેલ મોકલવામાં આવ્યા હતા. બંને ઈમેલમાં બે બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો પ્લાન A નિષ્ફળ જશે, તો પ્લાન B સક્રિય કરવામાં આવશે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટ ટોયલેટ પ્લમ્બિંગની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે.

ધમકી મળ્યા બાદ સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અધિકારીઓએ તેને અફવા જાહેર કરી હતી. જે ​​ઈમેલ આઈડી પરથી બોમ્બ ધમકી આપવામાં આવી હતી તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. કેમ્પેગૌડા એરપોર્ટ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

વિમાનમાં બોમ્બ હોવાની માહિતી પર કયા પગલાં લેવામાં આવે છે?

જ્યારે વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળે છે, ત્યારે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલ હેઠળ અનેક પગલાં લેવામાં આવે છે. આ એક જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.

ધમકી મળ્યા પછી તરત જ, દરેક એરપોર્ટ પર ‘બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી’ (BTAC) ની રચના કરવામાં આવે છે. તેમાં એરપોર્ટ ઓપરેટર, CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ), BCAS (બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી) અને અન્ય સંબંધિત એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જો કોઈ ચોક્કસ વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળે છે, તો તેની પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવામાં આવે છે. જો વિમાન હવામાં હોય, તો તેને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવે છે અથવા જો તે ઉડાન ભરવાનું હોય, તો તેને રોકીને તપાસવામાં આવે છે.

વિમાનને તાત્કાલિક એરપોર્ટના એક અલગ વિસ્તારમાં લઈ જવામાં આવે છે. આ વિસ્તાર એરપોર્ટના મુખ્ય ટર્મિનલ અને અન્ય વિમાનોથી દૂર છે જેથી સંભવિત ખતરાને નિયંત્રિત કરી શકાય.

બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવે છે. આ દરમિયાન

મુસાફરોને ઘણીવાર પરિસ્થિતિની ગંભીરતા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી જેથી ગભરાટ ન ફેલાય. તેમને ફક્ત ‘ટેકનિકલ સમસ્યા’ અથવા ‘સુરક્ષા તપાસ’નું કારણ કહેવામાં આવે છે.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ્સ અને અદ્યતન સાધનો (જેમ કે એક્સ-રે મશીન) ની મદદથી વિમાનની વિગતવાર તપાસ કરવામાં આવે છે. આમાં, સામાન, કાર્ગો અને વિમાનના દરેક ખૂણાની તપાસ કરવામાં આવે છે.

મુસાફરોના હેન્ડ લગેજ અને ચેક-ઇન સામાનની પણ અલગથી તપાસ કરવામાં આવે છે. સંપૂર્ણ તપાસ પછી, વિમાનને સંપૂર્ણપણે સલામત જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

લીડરશિપ એટલે શું?

ગયા અઠવાડિયે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171  દુર્ઘટનાગ્રસ્ત થઈ. કાળજું કંપાવનારી આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો. દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવકામગીરી શરૂ થઈ ગઈ. વિવિધ સરકારી એજન્સીઓ ઉપરાંત અમુક સેવાભાવી સંસ્થા, આસપાસના રહેવાસીઓ પણ રાહતકાર્યમાં જોડાયા.

જો કે અહીં વાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કે સેવાકાર્યોની નહીં પણ લીડરશિપ ક્વૉલિટીની કરવી છે. મારી વાત એક ઉદાહરણ સાથે સમજાવું. થોડાં વર્ષ પહેલાં કર્ણાટક રાજ્યના કોપાલ જિલ્લામાં રહેતો એક યુવાન રસ્તા પર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટવેગે આવી રહેલા વાહને એને અડફેટમાં લીધો. યુવાનને ગંભીર ઈજા થઈ. અકસ્માત જોઈને તરત આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા. સૌને ખ્યાલ આવી ગયો કે યુવાનને તાત્કાલિક સારવારની જરૂર છે. આમ છતાં યુવાનને હૉસ્પિટલ પહોંચાડવાને બદલે લોકો પોતપોતાનાં ખિસ્સાંમાંથી ફોન કાઢીને એના ફોટા-વિડિયો લેવા માંડ્યા. કોઈને મદદ કરવાનું સૂઝ્યું જ નહીં… સમયસર સારવાર ન મળતાં થોડી વારમાં એ યુવાનનું મૃત્યુ થયું.

અકાળે બુઝાઈ ગયેલા જીવનદીપ વિશે વાંચીને આપણને જરૂર આશ્ચર્ય થાય. સાથે અસંવેદનશીલ માનસ ઉપર દયા, ગુસ્સો પણ આવતાં હશે, પરંતુ ધારો કે તમે એ ટોળામાં સામેલ હો તો શું તમે આગળ આવીને એ યુવાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હોત? એને પાણી પીવડાવી તમારા વાહનમાં હૉસ્પિટલ લઈ ગયા હોત? ચાલો, હૉસ્પિટલ જવાનું બાજુએ, એની પ્રાથમિક સારવારની તજવીજ કરી હોત? તમારો થોડો સમય જતો કરી એને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ સુધી પહોંચાડ્યો હોત? જો તમારું મન મક્કમતાથી ‘હા’ પાડતું હોય તો સમજવું કે તમારામાં માણસાઈ, શિષ્ટાચાર, સંવેદનશીલતા જેવાં લક્ષણની સાથે સુષુપ્ત રીતે પડેલું એક વિશિષ્ટ સુલક્ષણ પણ હોવું જોઈએ, જેને તમે વિકસાવી પણ શકો.. એ છે નેતૃત્વશક્તિ. લીડરશિપ.

 

સારી-નરસી પરિસ્થિતિમાં તત્કાળ નિર્ણય લઈ નેતૃત્વ કરવાની શક્તિ નાના-મોટા તમામમાં ભગવાને મૂકેલી હોય છે, બસ, એ સમયસર પ્રગટવી જોઈએ. સુપ્રસિદ્ધ લેખક એન્ડર્સન કહે છેઃ ‘પરિસ્થિતિ પારખીને જરૂરિયાતમંદની વહારે દોડી જવું, એ નેતૃત્વનો સૌથી મહત્ત્વનો ગુણ છે.’

એક વાર એક મજૂર પોતાની હાથલારીને ખેંચીને ટેકરો ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ચઢાણ કપરું હોવાથી ઘણી વાર લારી પણ ટેકરાની અણીએ પહોંચતાં પહોંચતાં નીચે સરકી પડતી. મજૂરને પણ ખૂબ શ્રમ પડતો હતો. આસપાસ અવરજવર કરનાર લોકો આ દેશ્ય જોઈને આગળ પસાર થઈ જતા, પણ કોઈ તેની મદદે ન આવતું. એક વાર તો તેની ગાડી ગબડવાની અણી પર હતી, પણ એ જ વખતે અનાયાસે એક વ્યક્તિનો ટેકો સાંપડ્યો અને લારી ટેકરો ચડી ગઈ. મજૂરે તે સજ્જનનો આભાર માન્યો અને તે સજ્જને ત્યાંથી વિદાય લીધી. થોડા દિવસ પછી એ જ સજ્જન દેશના વડાપ્રધાન બન્યા.

આ વાતની જાણ જ્યારે તે મજૂરને થઈ ત્યારે તે ખૂબ જ આનંદ પામતાં બોલી ઊઠ્યો, ‘મારું અહોભાગ્ય! મારું જ નહીં, પણ મારા દેશનું અહોભાગ્ય કે આવા મહાન સેવાભાવી વડા પ્રધાન મળ્યા.” એ વડા પ્રધાન એટલે બ્રિટનના પ્રખર રાજકારણી અને યુનાઈટેડ કિંગડમના ચાર વાર પ્રાઈમ મિનિસ્ટર રહી ચૂકેલા વિલિયમ ગ્લેડસ્ટોન.

એક પ્રસિદ્ધ લેખકે એટલે જ કહ્યું છે કે, નેતૃત્વ એને જ ફળે, જે સામે ચાલીને સેવાની તક ઝડપી લે. પછી ભલેને કદાચ, જાજરું સાફ કરવા જેવી ક્રિયા કરવાની થાય તો પણ… સાચા નેતા ક્યારેય ક્ષોભ પામતા નથી. એ તો પોતાનાં માન-મોભો-મરતબો મૂકીને સાહજિક એમાં જોડાઈ જાય છે.

અમદાવાદમાં આયોજિત મહોત્સવ દરમિયાન એક યુવકને એઠાં પતરાળાં કચરાપેટી સુધી પહોંચાડવાની સેવા સોંપવામાં આવેલી. એક મોડી રાતે રોજની જેમ એ યુવક લારી લઈ કચરાપેટી તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં અવરોધરૂપ ઢાળ યુવકના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યો હતો. વળી, આ સમયે તેની મદદમાં પણ કોણ આવે? પણ આશ્ચર્ય! બરાબર એ જ વખતે મહોત્સવના સૂત્રધાર પ્રમુખસ્વામી મહારાજ અગત્યની મીટિંગ પૂર્ણ કરીને કક્ષમાંથી બહાર પધાર્યા. તેમણે પેલા યુવકને એકલા હાથે લારી ખેંચવાનો સંઘર્ષ કરતો જોયો. તેઓ સીધા જ તેની પાસે દોડી ગયા. સ્વામીશ્રીને જોતાં જ તે યુવક વિસ્મય પામ્યો, પણ આખરે એને કો’કની તો જરૂર હતી જ. સ્વામીશ્રીએ લારીને ઢાળ પર ચડાવવામાં, કચરાપેટી સુધી પહોંચાડવામાં, ખાલી કરાવવામાં અને ખાલી લારીને મૂળ સ્થાને પાછી લાવવા સુધીની મદદ કરી. એ યુવક રાજી થઈ ગયો. સંસ્થાના પ્રમુખ હોવાના નાતે સ્વામીજી ધારત તો કોઈને મદદ કરવાનો આદેશ આપી શક્યા હોત, પરંતુ તેઓ સ્વયંસેવક બન્યા.

સામાન્ય માનસિકતા એવી હોય છે કે નેતાએ તો કેવળ ઓર્ડર જ કરવાનો હોય, કામ કરનાર તો બીજા હોય, પરંતુ અહીં એક વાત આપણને સ્પષ્ટ દેખાય છે કે લીડરશિપ ઈઝ એન એક્શન, નોટ પોઝિશન… જે સેવક બને એ જ નાયકને લાયક બને. એને જ કહેવાય લીડરશિપ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ઇરાનમાં ટીવી પ્રસારણ હેક કરીને અશાંતિ અને હિંસા ભડકાવવાનું કાવતરું

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સીધો સંઘર્ષ શરૂ થયાને એક અઠવાડિયા થઈ ગયો છે. બંને દેશો સતત સાતમા દિવસે એકબીજા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. ગુરુવારે સવારે ઇઝરાયલે ઇરાનના અરાક પરમાણુ સુવિધાને નિશાન બનાવવાની વાત કરી હતી, ત્યારે ઇરાને ઇઝરાયલના મુખ્ય શહેરોને સીધા નિશાન બનાવ્યા અને તેના સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગને નુકસાન પહોંચાડ્યું. આ ઉપરાંત, બેરશેબામાં એક હોસ્પિટલનો નાશ થયાના અહેવાલો છે. આ સંઘર્ષને રોકવા માટે બંને પક્ષો તરફથી કોઈ પ્રયાસો થઈ રહ્યા નથી, તેનાથી વિપરીત, યુદ્ધના મેદાનથી દૂર બંને પક્ષો વચ્ચે એક નવું યુદ્ધ ઉભરી આવ્યું છે. આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે, જેનો ઉપયોગ બંને દેશો એકબીજા સામે કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે ઇઝરાયલ અને ઇરાન જમીન પર એકબીજા પર સીધા હુમલો કરવા ઉપરાંત અન્ય રીતે એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કેવી રીતે કરી રહ્યા છે? બંને દેશો તેમના મનો-ઓપ્સ એટલે કે મનોવૈજ્ઞાનિક યુદ્ધ કેવી રીતે ચલાવી રહ્યા છે? આમાં કોણ આગળ છે અને શું પ્રાપ્ત કરી શકાય છે?

ઇઝરાયલ ઇરાનમાં માહિતી યુદ્ધ કેવી રીતે લડી રહ્યું છે?

બુધવારે, ઈરાનમાં ટેલિવિઝન પર ચેનલોના પ્રસારણ દરમિયાન, પ્રસારણ સાથે અચાનક છેડછાડ કરવામાં આવી. આ પછી, લોકોએ ટીવી પર એવી સામગ્રી જોવાનું શરૂ કર્યું, જેના દ્વારા લોકોને સુપ્રીમ લીડરના શાસન સામે વિરોધ કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અહેવાલો અનુસાર, ઈરાની ચેનલો પર 2022 ના મહિલા આંદોલનો સાથે સંબંધિત કેટલાક જૂના વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં લોકો ઈરાની શાસનના કડક નિયમો સામે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરતા જોઈ શકાય છે. આ વિરોધ મ્હાસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયો હતો, જે ઈરાનમાં ‘નૈતિકતા પોલીસ’ દ્વારા માથું ન ઢાંકવા બદલ હિંસાનો ભોગ બની હતી.

ઈરાનના હમશહરી અખબારે પણ તેની ટેલિગ્રામ ચેનલ પર ટીવી પ્રસારણ દરમિયાન હેકિંગ દ્વારા આંદોલનના વીડિયો બતાવવાની ઘટના સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે હેકર્સે ઈરાનના રાજ્ય ટીવી અને ટેલિકોમ્યુનિકેશનને હેક કર્યા હતા અને લોકોને વિરોધ માટે રસ્તાઓ પર આવવા કહ્યું હતું. આ હેકિંગ પછી, જ્યારે ઈરાની ટેલિવિઝન ચેનલોનું નિયંત્રણ પાછું મેળવ્યું, ત્યારે દર્શકોને એક સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો – યહૂદી દુશ્મનો (ઇઝરાયલ) દ્વારા સાયબર હુમલાઓને કારણે સેટેલાઇટ ટ્રાન્સમિશન ખોરવાઈ ગયું હતું.

માનવ દાણચોરી: નોકરીને બહાને હજારોથી વધુ આદિવાસી બાળકોનો શિકાર?

રાંચી: ઝારખંડ ભારતમાં માનવ દાણચોરીનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં દર વર્ષે હજારોથી વધુ આદિવાસી છોકરાઓ અને છોકરીઓ, ખાસ કરીને સગીર છોકરીઓની દાણચોરી દિલ્હી અને અન્ય રાજ્યોમાં કરવામાં આવે છે. સ્થિતિ એવી છે કે આદિવાસી બહુલ ઝારખંડ છેલ્લા કેટલાક દાયકાઓમાં બાળકોની દાણચોરીનો મુખ્ય સ્રોત બની ગયું છે. નિર્દોષ ગ્રામીણોને નોકરી આપવાની લાલચ આપીને દાણચોરો તેમને મોટાં શહેરોમાં વેચી દે છે.

ઝારખંડના માનવ દાણચોરીથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગુમલા, ગઢવા, સાહિબગંજ, દુમકા, પાકુડ, પશ્ચિમ સિન્હભૂમ (ચાઈબાસા), રાંચી, પાલામુ, હઝારીબાગ, ધનબાદ, બોકારો, ગિરિડીહ, કોડરમા અને લોહરદગ્ગાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

આ દાણચોરીનો શિકાર બનેલી બહુમતી મહિલાઓ ઉરાંવ, મુંડા, સંથાલ, દુર્લભ પહાડિયા અને ગોંડ જનજાતિઓમાંથી આવે છે, જેમાં મોટા ભાગે ઉરાંવ અને મુંડા સમુદાયની હોય છે. આ એજન્સીઓ આદિવાસી બાળકોને દિલ્હી, ફરિદાબાદ, ગુડગાંવ અને નોઇડા જેવા વિસ્તારોમાં ઘરેલુ કામ માટે “સપ્લાય” કરે છે. આ એજન્સીઓ મુખ્યત્વે 11 થી 16 વર્ષની ઉંમરનાં બાળકોને નિશાન બનાવે છે, જે શોષણ છતાં પણ ગભરાટને કારણે કંઇ બોલતા નથી.

હાલમાં રાજ્યમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) બનાવાયું છે તેમ જ 300 પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે. તેમ છતાં છેલ્લા આઠ વર્ષોમાં ઝારખંડમાંથી 4765 સગીરો ગુમ થયાનું નોંધાયું છે.

પોલીસને ફરિયાદ મળ્યા પછી પણ માત્ર 3997 સગીરો જ મળી શક્યા હતા. હજારો બાળકો હજુ પણ ગુમ છે. આ સમસ્યા ખાસ કરીને ગ્રામીણ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગંભીર છે, જ્યાં ગરીબી, અશિક્ષણ અને બેરોજગારીને કારણે બાળકો દાણચોરીના ટાર્ગેટ બને છે.

યુવકો અને છોકરીઓને નોકરીનાં ખોટાં વચનો આપી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુજરાત અને પંજાબ જેવાં શહેરોમાં લઇ જવાય છે, જ્યાં તેમનું શારીરિક, માનસિક અને યૌન શોષણ થાય છે. દાણચોરીના શિકાર બાળકોમાંથી 62 ટકા છોકરીઓ અને 38 ટકા છોકરાઓ છે.

કરીના કપૂરથી લઈને સારા સુધી, આ અભિનેત્રીઓ આ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે

કરીના કપૂર ઘણી વાર તેના PCOS વિશે વાત કરી ચૂકી છે. આ રોગને નિયંત્રિત કરવા માટે, અભિનેત્રી સ્વસ્થ ખોરાક ખાવા, સારી ઊંઘ લેવા, દરરોજ કસરત કરવા અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરે છે. પગમાં ખેંચાણ ટાળવા માટે તે કેલ્શિયમ અને વિટામિન B12 લે છે.

સારા અલી ખાને કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પોતાની PCOS સફર વિશે વાત કરી. તેને મેનેજ કરવા માટે, સારા ખૂબ કસરત કરે છે અને સ્વસ્થ આહારની મદદ લે છે જેથી તે પોતાને ફિટ રાખી શકે.

સોનમ કપૂરને કિશોરાવસ્થામાં PCOS હતું, જેના કારણે તેણે થોડા મહિનામાં જ 35 કિલો વજન વધાર્યું. એટલું જ નહીં, ચહેરાના વાળ અને ખીલની સમસ્યા પણ વધી ગઈ. પરંતુ હવે સોનમ કપૂર સ્વસ્થ જીવનશૈલીથી તેને નિયંત્રિત કરે છે.

શ્રુતિ હસન પણ PCOS થી પીડાય છે. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેનું વજન કેવી રીતે વધ્યું. આ રોગને કારણે તેના વાળ ખરવા લાગ્યા અને તે મૂડ સ્વિંગથી પરેશાન હતી. પરંતુ શ્રુતિ હવે PCOSની સારવાર સ્વસ્થ જીવનશૈલીથી કરી રહી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી મસાબા ગુપ્તા પણ PCOS ની દર્દી છે. આ રોગને નિયંત્રિત કરવા માટે, અભિનેત્રી સવારે યોગ અને કસરત કરે છે. મસાબા ફક્ત ઘરે બનાવેલો સ્વસ્થ ખોરાક જ ખાય છે. આનાથી તેનું વજન નિયંત્રણમાં રહે છે.