Home Blog Page 810

EDના દંડની વિરુદ્ધ લલિત મોદીને ‘સુપ્રીમ’ આંચકો

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લલિત મોદીની અરજીને નામંજૂર કરી હતી, જેમાં તેમણે ફેમાના ઉલ્લંઘન બદલ EDએ તેમના પર લાદેલો 10.65 કરોડ રૂપિયાના દંડ BCCI દ્વારા ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી. જોકે ન્યાયમૂર્તિ પી. એસ. નરસિંહા અને આર. મહાદેવનની ખંડપીઠે કહ્યું હતું કે લલિત મોદી કાયદા મુજબ ઉપલબ્ધ દીવાની સુવિધાનો લાભ લેવા હકદાર છે.

બોમ્બે હાઇકોર્ટે ગયા વર્ષની 19 ડિસેમ્બરે લલિત મોદીની અરજીને નામંજૂર કરતાં તેમના પર  એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમણે તેમની અરજીમાં ED દ્વારા ફેમાના ઉલ્લંઘન બદલ લાદવામાં આવેલ 10.65 કરોડ રૂપિયાનો દંડ BCCIએ ચૂકવવો જોઈએ તેવી માગ કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ અરજી તુચ્છ અને સંપૂર્ણ રીતે ખોટી છે, કારણ કે ફેમા કાયદા હેઠળ EDએ દંડ લાદ્યો છે.

લલિત મોદીએ તેમની અરજીમાં દલીલ આપી હતી કે તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા અને આ દરમ્યાન તેઓ BCCIની એક ઉપસમિતિ – ઇન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ પણ હતા. E અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ પોતાના ઉપનિયમો અનુસાર તેમને વળતર આપવું જોઈએ. જોકે હાઇકોર્ટની ખંડપીઠે 2005ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો, જેમાં કહ્યું છે કે BCCI બંધારણના અનુચ્છેદ 12 હેઠળ ‘રાજ્ય’ તરીકે વ્યાખ્યાયિત થતું નથી.

હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં લલિત મોદીએ 2018માં આ અરજી દાખલ કરી હતી. અદાલતે કહ્યું હતું કે  EDએ જે દંડ લાદ્યો છે તે સંદર્ભે લલિત મોદીની ક્ષતિપૂર્તિ અંગે કોઈ જાહેર કાર્યની જવાબદારી ઊભી થતી નથી અને આ હેતુ માટે BCCIને કોઈ રિટ જારી શકાય તેમ નથી. કોઈ પણ સ્થિતિમાં તેમની માગ સંપૂર્ણ રીતે ખોટી છે. આ અરજી તુચ્છ છે અને તે મુજબ અમારે આ અરજી નામંજૂર કરવી પડે છે. વધારામાં કોર્ટે લલિત મોદીને ચાર સપ્તાહની અંદર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં 1 લાખ રૂપિયાનું દાન કરવા આદેશ આપ્યો હતો.

શેફાલી જરીવાલાના નિધન પર પ્રિયંકા ચોપરાએ શૉક વ્યક્ત કર્યો

શેફાલી જરીવાલાના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રીનું શુક્રવારે રાત્રે 42 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. 28 જૂન, શનિવારે મુંબઈમાં અભિનેત્રીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી. જેમાં મીકા સિંહ, સુનિધિ ચૌહાણ અને અન્ય સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

શેફાલી જરીવાલાના પરિવારના ફોટા અને વીડિયો જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ રહ્યા છે. હવે, પ્રિયંકા ચોપરાએ પણ શેફાલીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શેફાલીના મૃત્યુ પછી પરાગ ત્યાગીની હાલત જોઈને પ્રિયંકાએ દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેફાલીનો ફોટો શેર કર્યો અને તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, ‘ખૂબ જ દુઃખદ. તે ખૂબ નાની હતી. પરાગ અને પરિવાર પ્રત્યે મારી સંવેદના.’ શેફાલીએ પ્રિયંકા, સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં કામ કર્યું હતું. શેફાલીના મૃત્યુ પછી ઓશિવારા સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કારના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા છે. જે જોઈને કોઈનું પણ હ્રદય કંપી ઉઠે. તાજેતરમાં, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પરાગ તેની પત્ની શેફાલી જરીવાલાના અસ્થિઓને વિસર્જન માટે દરિયામાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતાં.

27 જૂનની રાત્રે, શેફાલીને હૃદયરોગનો હુમલો આવતાં તેના પતિ પરાગ ત્યાગી તેને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મુંબઈ પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શબપરીક્ષણ પછી પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે મૃત્યુનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે. ઉપરાંત, અંબોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શેફાલી જરીવાલા છેલ્લા 8 વર્ષથી એન્ટીએજિંગ દવાઓ અને ઇન્જેક્શન લઈ રહી હતી. મીકા સિંહ, સુનિધિ ચૌહાણથી લઈને તેના બિગ બોસ 13 ના સહ-સ્પર્ધકો શહેનાઝ ગિલ, માહિરા શર્મા, પારસ છાબરા, હિન્દુસ્તાની ભાઉ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ સુધી ઘણા સેલેબ્સે શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કારમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉત્તરાખંડ,હિમાચલમાં ભારે વરસાદથી વિનાશઃ 20નાં મોત

નવી દિલ્હીઃ ચોમાસાએ દેશઆખામાં દસ્તક દીધી છે. ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. પહાડી, દરિયાકાંઠા અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાવ અને પૂર જેવી પરિસ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે આજે ચાર જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધી 20 લોકોનાં મોત થયા છે. મંડી જિલ્લામાં જૂની અને વ્યાસ નદીઓમાં જળ સ્તર ઉપર ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાંશી જિલ્લામાં મેઘવિસ્ફોટ (ક્લાઉડબર્સ્ટ)ની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોના મોત થયા છે. લોકોને સુરક્ષિત રાખવા માટે ચાર ધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બદરીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે.

ઓડિશામાં બુધબલંગા, સુવર્ણરેખા, જલાકા અને સોનો જેવી નદીઓ જોખમના નિશાનને પાર કરતાં ઉપર વહી રહી છે. આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ બની  છે.

હવામાન વિભાગે 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની ચેતવણી આપી છે. IMDએ આજે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, મુંબઈ, નાસિક, નંદુરબાર, નાંદેડ, બીડ, જાલના, ધૂળિયા, પરભણી, હિંગોળી, ધારાશિવ અને પુણે જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 30 જૂને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે.

‘હેરા ફેરી 3’માં બાબુ રાવની વાપસી, પરેશ રાવલે અફવાઓ પર મૌન તોડ્યું

‘હેરા ફેરી 3’ માં પરેશ રાવલના કાસ્ટિંગ અંગે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે આ પીઢ અભિનેતાએ પુષ્ટિ કરી છે કે તે આ કલ્ટ ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગમાં જોવા મળશે. અગાઉ, પરેશ રાવલે પોતે ફિલ્મમાંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. હવે તેણે ચાહકોને ખુશખબર આપી અને એમ પણ કહ્યું કે હવે તેની અને અક્ષય કુમાર વચ્ચે બધું બરાબર છે. અભિનેતા કહે છે કે ‘હેરા ફેરી 3’ પહેલા જેટલી જ મજેદાર બનવાની છે.

‘હેરા ફેરી 3’ માં પરેશ રાવલ પાછા ફર્યા

બોલીવુડ હંગામા સાથેની વાતચીત દરમિયાન પરેશ રાવલે હેરા ફેરી 3ની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ પર ખુલીને વાત કરી અને કહ્યું, “ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે, ત્યારે તમારે તે ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. જનતાએ અમને ઘણો પ્રેમ આપ્યો છે અને તેની સાથે ઘણી જવાબદારી પણ આવે છે. આપણે તેને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. અમે તેમના માટે અમારું શ્રેષ્ઠ કામ કરવા માટે ઋણી છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું, “મને લાગ્યું કે બધાએ સાથે આવવું જોઈએ અને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. તે એકમાત્ર ચિંતા હતી. પરંતુ, હવે બધું બરાબર છે.”

અક્ષય કુમાર સાથેના અણબનાવ પર પરેશ રાવલે મૌન તોડ્યું

જ્યારે પૂછવામાં આવ્યું કે શું બધા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, ત્યારે અભિનેતા પરેશ રાવલે ખુશીથી કહ્યું, “હા, અમારે ફક્ત કંઈક સુધારવાની જરૂર હતી! છેવટે, તેમાં સામેલ દરેક વ્યક્તિ, પ્રિયદર્શન,અક્ષય, સુનીલ અતિ સર્જનાત્મક છે અને લાંબા સમયથી મારા મિત્રો છે.” જોકે, નિર્માતાઓએ તાજેતરના વિકાસ પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

હેરા ફેરી 3 વિવાદ શું હતો?

મે મહિનામાં પરેશ રાવલે જાહેરમાં કહ્યું હતું કે તેમણે ‘હેરા ફેરી 3’ છોડી દીધી છે. જોકે, તેમણે ક્યારેય પોતાના નિર્ણય પાછળનું કારણ જાહેર કર્યું નહીં. અભિનેતાના ચાહકો અને ખાસ કરીને ફિલ્મમાં બાબુ રાવની ભૂમિકાને પસંદ કરનારાઓનું દિલ તૂટી ગયું અને તેમણે તેમને ફ્રેન્ચાઇઝીમાં પાછા ફરવા વિનંતી કરી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે અક્ષય કુમાર, જે ‘હેરા ફેરી 3’ના સહ-નિર્માતા પણ છે, તેમણે ફિલ્મ અધવચ્ચે છોડી દેવા બદલ રાવલ પર 25 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો. બાદમાં, એક ફોલો-અપ રિપોર્ટમાં જણાવાયું હતું કે પરેશે ફિલ્મ છોડવા બદલ 11 લાખ રૂપિયાની સાઇનિંગ રકમ પરત કરી દીધી છે અને 15 ટકા વધારાના વ્યાજ સાથે.

રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની 80 ટકા સુધીની રકમ કરી માફ

 અમદાવાદઃ રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને- લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓને કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર  આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે ઘટશે. આ સંદર્ભમાં તેમણે  કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.

આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.

આ  નિર્ણય બાદ તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ પડશે.

 

સુવિચાર – ૩૦ જૂન ૨૦૨૫

૩૦ જૂન ૨૦૨૫

પંચાંગ 30/06/2025

હવે કોઈ વિરોધ નહીં થાય, વિજય માર્ચ કાઢવામાં આવશે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર સરકારે ધોરણ 1 થી હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને રદ કર્યા પછી, રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. એક તરફ સરકારે વિરોધના દબાણ હેઠળ પીછેહઠ કરી છે અને બંને સરકારી નિર્ણયો (GR) રદ કર્યા છે, તો બીજી તરફ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ હવે ૫ જુલાઈના રોજ યોજાનારી વિરોધ માર્ચને વિજય માર્ચમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. તેમણે તેને બળજબરી સામે લોકોની જીત ગણાવી છે.

રાજ્ય સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરીને ધોરણ ૧ થી હિન્દી ભાષાને ફરજિયાત વિષય બનાવવાની જાહેરાત કરી હતી. શિવસેના (ઠાકરે જૂથ), મનસે, કોંગ્રેસ અને ઘણા સામાજિક સંગઠનોએ આનો સખત વિરોધ કર્યો હતો. આ અંતર્ગત, ૫ જુલાઈએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના નેતૃત્વમાં સંયુક્ત માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેનો સરકાર પર પ્રહાર

ઉદ્ધવ ઠાકરેએ સરકારના નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, ભાજપનો વાસ્તવિક એજન્ડા મરાઠી સમાજને મરાઠી અને અમરઠીમાં વિભાજીત કરીને અમરઠી મતો આકર્ષવાનો હતો, પરંતુ મરાઠી લોકોએ શાણપણ બતાવ્યું અને આ મજબૂરીનો વિરોધ કર્યો. આ આંદોલન ભાષા વિરુદ્ધ નહીં, પરંતુ લાદવાની વિરુદ્ધ હતું. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે વિચાર્યું કે ભાષાના નામે મરાઠી સમાજને વિભાજીત કરવું શક્ય બનશે, પરંતુ આ રણનીતિ નિષ્ફળ ગઈ.

હવે કોઈ વિરોધ થશે નહીં, વિજય માર્ચ કાઢવામાં આવશે

ફડણવીસ સરકારે બંને GR રદ કર્યા પછી, 5 જુલાઈના રોજ પ્રસ્તાવિત વિરોધ માર્ચ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આના પર ઠાકરેએ સ્પષ્ટતા કરી કે કૂચ થશે, પરંતુ તે હવે વિરોધ રહેશે નહીં, તે વિજય માર્ચ અને જાહેર સભાનું સ્વરૂપ લેશે. તેમણે કહ્યું કે, અમે 5 જુલાઈએ ભેગા થઈશું, પરંતુ હવે અમે વિજયની ઉજવણી કરીશું. આ કૂચ મજબૂરી વિરુદ્ધ હતી અને અમે તે મજબૂરીને સમાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. હવે અમે નક્કી કરીશું કે કાર્યક્રમ ક્યાં યોજવો. તમામ સંગઠનો અને નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષા નીતિનો આદેશ પાછો ખેંચ્યો

મહારાષ્ટ્ર સરકારે રવિવારે ત્રણ ભાષા નીતિ સંબંધિત પોતાનો સુધારેલો સરકારી આદેશ (GR) પાછો ખેંચી લીધો. હિન્દીને ત્રીજી ભાષા તરીકે ‘લાદવાના’ આરોપો વચ્ચે વધતા વિરોધને કારણે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે, સરકારે આ નીતિની સમીક્ષા અને અમલ કરવા માટે એક નવી સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ત્રણ ભાષા નીતિ અને તેના અમલીકરણ પદ્ધતિ અંગે ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિનો અહેવાલ આવ્યા પછી જ નીતિનો અમલ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ફડણવીસે એ પણ સ્પષ્ટતા કરી કે સમિતિની ભલામણો આવે ત્યાં સુધી, ત્રણ ભાષા નીતિ સંબંધિત બંને GR રદ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મરાઠી ભાષા અમારા માટે કેન્દ્રબિંદુ છે.