Home Blog Page 745

વાહ ભાઈ વાહ! – ૨૩ જુલાઈ ૨૦૨૫

મસાલેદાર ઢગલી

ખમણ, ખાંડવી કે મુઠીયા નથી! પણ, આ મસાલેદાર વાનગી છે, ઢગલી! જે પૌષ્ટિક પણ છે!

સામગ્રીઃ

  • ચણાની દાળ 1 કપ
  • મગની દાળ ½ કપ
  • દહીં ½ કપ
  • કોથમીર ભભરાવવા માટે

મસાલોઃ

  • કાળા મરીના દાણા 10-15
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • આખા લાલ મરચાં 6-7
  • લસણની કળી 10-15
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કાંદા 2
  • સિમલા મરચું 1
  • લીલા મરચાં 3
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ઈનો પાઉડર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • સમારેલી કોથમીર 1 કપ
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • તેલ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • 1 જીરૂ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટી.સ્પૂન

રીતઃ ચણાની દાળ તેમજ મગની દાળને ભેગી કરીને ધોઈને 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને થોડી અધકચરી પીસીને તેમાંથી 2 ચમચી જેટલું મિશ્રણ એક વાટકીમાં કાઢી લો. ત્યારબાદ આ મિશ્રણમાં અડધો કપ દહીં મેળવીને ફરીથી સહેજ વધુ કરકરી પીસી લો. આ મિશ્રણ થોડું ઘટ્ટ જ રહેવું જોઈએ. દાળનું વાટકીમાં કાઢી રાખેલું અધકચરું વાટેલું મિશ્રણ ફરીથી કરકરા વાટેલા મિશ્રણમાં મેળવી લો.

એક નાની તપેલીમાં 1 વાટકી જેટલું પાણી લઈ તેમાં કાળા મરી, વરિયાળી, આખા ધાણા તેમજ લાલ મરચાંના ટુકડા કરીને ઉમેરી દો. આ પલાળેલાં મસાલાવાળી તપેલીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. પાંચેક મિનિટ બાદ ગેસ બંધ કરીને મસાલા ઠંડા થાય એટલે મિક્સીમાં આદુના ટુકડા કરીને તેમજ લસણની કળી છોલીને ઉમેરીને તેને કરકરું વાટી લો. આ મસાલામાંથી 2 ચમચી મિશ્રણ એક વાટકીમાં અલગ કાઢી લો. બાકીનું મિશ્રણ દાળના મિશ્રણમાં મેળવી લો.

કાંદા તેમજ સિમલા મરચાંને બારીક ચોરસ ટુકડામાં કટ કરીને દાળના મિશ્રણમાં મેળવો. તેમાં લીલા મરચાં સમારીને ઉમેરો, તેમજ સફેદ તલ સાથે એક ચમચી તેલ મેળવી દો. સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લો. છેલ્લે ઈનો પાઉડર મિશ્રણમાં નાખી, તેની ઉપર 1 ચમચી પાણી ઉમેરીને ચમચા વડે મિશ્રણ મિક્સ કરી લો.

મુઠીયા બાફવાના વાસણ અથવા કોઈ એક કઢાઈમાં સ્ટીલનો કાંઠલો મૂકીને પાણી ઉકળવા માટે મૂકો. એક સ્ટીલની જાળીને તેલવાળી કરી લો. હવે દાળના મિશ્રણમાંથી હાથેથી થોડું થોડું મિશ્રણ લઈને તેલવાળી જાળી ઉપર આવે તેટલી છૂટી છૂટી ઢગલી મૂકતાં જાવ. આ જાળીને કાંઠા ઉપર ગોઠવીને વાસણ ઢાંકીને 10 મિનિટ માટે ઢગલી બફાવા દો.

એકાદ ઢગલી ચપ્પૂ વડે ચેક કરી લો. જો ચપ્પૂ ચોખ્ખું બહાર આવે તો ઢગલી સરખી બફાઈ ગઈ છે.

આ જ રીતે બાકીના મિશ્રણમાંથી ઢગલીઓ તૈયાર થાય એટલે તેનો વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરી સફેદ તલ અને હીંગ ઉમેરી દો. તેમાં લસણ, આદુ તેમજ સૂકા મસાલાવાળો અધકચરો મસાલો બાજુ પર રાખ્યો હતો. તે મેળવી દો અને બધી ઢગલીઓ તેમાં મેળવી દો. થોડી વાર ગરમ કર્યા બાદ ગેસ બંધ કરીને આ ગરમાગરમ ઢગલી ખાવાના ઉપયોગમાં લો.

ઢગલીનો વઘાર ના કરવો હોય તો એક વાટકી તેલમાં વાટેલો સૂકો મસાલો રાખ્યો હતો તે મેળવીને ગરમા ગરમ ઢગલી તેની સાથે ખાઈ શકાય છે.

૨૩ જુલાઈ ૨૦૨૫

“મૌન: જીવનનું ગહન જ્ઞાન”

સંસ્કૃતમાં એક પ્રાચીન કહેવત છે: “ભાષાના મૂળમાં વિકૃતિ છે.” શબ્દોનો ઉદ્દેશ્ય મૌનનું સર્જન કરવું છે. જો શબ્દો વધુ શોર કરે છે, તો તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચ્યા નથી. મૌન એ જીવનનું સ્ત્રોત છે.

તમે જોયું હશે કે જ્યારે લોકો ગુસ્સે થાય છે, ત્યારે તેઓ મૌન થઈ જાય છે. તેઓ કાં તો મૌન રહે છે અથવા ખૂબ બૂમો પાડે છે અને પછી (બૂમો પાડ્યા પછી) તેઓ મૌન થઈ જાય છે. ઉપરાંત, જ્યારે લોકો ઉદાસ હોય છે, ત્યારે તેઓ કહે છે, “મને એકલો છોડી દો!” તેઓ ઉદાસ ચહેરો બનાવે છે અને મૌન રહે છે. તમે સરળતાથી શોધી શકો છો કે કોઈ વ્યક્તિ સાચા મૌનમાં છે કે નહીં. જો તેઓ એકદમ મૌન હોય, તો તમે જાણો છો કે કંઈક ખોટું છે.

જો તમે ઉદાસ હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.
જો તમે ગુસ્સે હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.
જો તમે શરમ અનુભવો છો, તો તમે મૌન થઈ જાઓ છો.
અને નિશ્ચિત પણે જો તમે જ્ઞાની હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.

છતાં, જ્યારે તમને અજ્ઞાન અથવા નકામા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, ત્યારે પણ તમે મૌન રહો છો! તમે બીજું શું કરી શકો છો!

જ્યારે ઈસુને પૂછવામાં આવ્યું, “શું તમે ભગવાનના પુત્ર છો? તો આવો! અમને તે સાબિત કરી બતાવો!” – તે મૌન રહ્યા. તે સૌથી બુદ્ધિશાળી કાર્ય હતું. જ્યારે તમને કોઈ એવી વસ્તુનો પુરાવો પૂછવામાં આવે છે જે સાબિતીની બહાર છે – ત્યારે ઉપાય મૌન છે.

તમે કોઈને કહો છો કે તમારા પગમાં દુખાવો છે, અને સામે વાળી વ્યક્તિ કહે કે, ” તો સાબિત કરીને બતાડો! હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું?” હવે, તમે તમારા દુખાવાને કેવી રીતે સાબિત કરી શકો છો? જ્યારે તમે પીડા જેવી સ્થૂળ સંવેદનાને સાબિત કરી શકતા નથી, ત્યારે તમે જ્ઞાન અને દિવ્યતા જેવી ઘનિષ્ઠ વસ્તુને કેવી રીતે સાબિત કરી શકો? તો, પછી જ્ઞાની લોકો મૌન થઈ જાય છે. શબ્દો જીવન પર કબજો કરી શકતા નથી – પરંતુ મૌન કરી શકે છે. આકાશ અને મૌન પર્યાયવાચી છે.

તેથી, જ્યારે શબ્દોનો કોઈ પ્રભાવ બંધ થઈ જાય છે, ત્યારે મૌન ગહન સમજણ વ્યક્ત કરે છે. અને જીવનને વાસ્તવિકતા તરફ દોરી જાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

બિહારમાં મતદાર યાદીમાંથી 52 લાખ મતદારોના નામ રદ્દ થશે : ચૂંટણી પંચ

બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) હેઠળ, ૫૨ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પંચે SIR ના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. પંચે 52.30 લાખ મતદારોની યાદી શેર કરી છે, જેઓ મૃત્યુ પામ્યા છે અથવા કાયમી રીતે સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અનેક સ્થળોએ નોંધાયેલા છે. જેમાં 18 લાખ 66 હજાર 869 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.

26 લાખ 1031 આવા મતદારો છે જેઓ બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા છે. 7 લાખ 50 હજાર 742 આવા મતદારો છે જે એક કરતાં વધુ સ્થળોએ નોંધાયેલા છે. 11 હજાર 484 આવા મતદારો છે. જેમનું કોઈ સરનામું નથી. આવા મતદારોની કુલ સંખ્યા 6.62 ટકા છે જે તેમના સરનામા પર મળ્યા નથી.

24 જૂન, 2025 સુધીમાં, કુલ મતદારો 7,89,69,844 માંથી 90 ટકાથી વધુ મતગણતરી પત્રો પ્રાપ્ત થયા છે. જેમની સંખ્યા 7,16,04102 છે, જ્યારે 90.37 ટકા એટલે કે 7,13,65,460 સુધારણા ફોર્મ ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યા છે. ફક્ત 2.70 ટકા લોકોના ફોર્મ સબમિટ કરવામાં આવ્યા નથી. કુલ 97.30 ટકા મતદારોને SIR માં આવરી લેવામાં આવ્યા છે.

બિહારમાં ચાલી રહેલા SIR માં 1 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રકાશિત થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં બધા લાયક મતદારોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. બિહારના તમામ ૧૨ મુખ્ય રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો દ્વારા નિયુક્ત કરાયેલા લગભગ 1 લાખ BLO, 4 લાખ સ્વયંસેવકો અને 1.5 લાખ BLA સહિત સમગ્ર ચૂંટણી તંત્ર તે મતદારોને શોધવા માટે સાથે મળીને કામ કરી રહ્યું છે. જેમણે હજુ સુધી તેમના ગણતરી ફોર્મ (EF) સબમિટ કર્યા નથી અથવા તેમના સરનામાં પર મળ્યા નથી.

પચાંગ 23/07/2025

રાજીનામા પહેલા જગદીપ ધનખડને AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં તેમણે તેમના ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિના આ રાજીનામાથી રાજકીય હલચલ વધુ તીવ્ર બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિએ સ્વાસ્થ્યને કારણે નહીં, પરંતુ કોઈ અન્ય કારણોસર રાજીનામું આપ્યું છે. તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું કહેવાય છે. આ દરમિયાન, જગદીપ ધનખડના સ્વાસ્થ્ય અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે.

જગદીપ ધનખડ સતત કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. 21 જુલાઈએ પણ તેઓ રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી હતી. જોકે, તેમના ખરાબ સ્વાસ્થ્ય અંગે ઘણી વખત ચર્ચાઓ થઈ હતી. PTIના અહેવાલ મુજબ, આ વર્ષે માર્ચમાં તેમને બેચેની અને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમને દિલ્હીના AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે, તેમને ઓછી મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી હતી.

જ્યારે ધનખડ બેહોશ થઈ ગયા

જૂનમાં, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉત્તરાખંડના નૈનિતાલ ગયા હતા. અહીં તેમણે કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પણ તેમની તબિયત લથડી અને તેઓ બેહોશ થઈ ગયા. એવું કહેવામાં આવ્યું કે તેમને સ્થળ પર ગૂંગળામણની સમસ્યા હતી, જેના પછી તેઓ બેહોશ થઈ ગયા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ સૌપ્રથમ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો રેલી સ્વરૂપે મહાગુજરાત આંદોલનના પ્રણેતાશ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર કરીને ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરિણામોની જવાબદારી માત્ર પ્રમુખોની નથી હોતી. એ કાર્યકર, પ્રભારી અને હોદ્દેદારો તમામની જવાબદારી હોય છે. પ્રદેશ અધ્યક્ષનો તાજ હીરા મોતી વાળો નહીં પરંતુ જવાબદારીઓથી ભરેલો હોય છે કાર્યકરોનો વિશ્વાસ અને અનેક પડકારોનો સામનો પ્રદેશ પ્રમુખે કરવાનો હોય છે. ત્યારે આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી તમામે રાખવાની છે. ધારાસભા કે લોકસભા લડેલા હોય અને અન્ય કોઈ મજબૂત ના હોય તો એ ઉમેદવારે પણ લડવા તૈયારી દર્શાવવી પડશે. કોંગ્રેસ પક્ષ પૂરા જોશ જુસ્સા સાથે આગામી ચૂંટણી લડવામાં આવશે.

ડેંગ્યુ બાદ કેવી છે વિજય દેવરકોન્ડાની તબિયત?

અભિનેતા વિજય દેવરકોંડા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘સામ્રાજ્ય’ માટે સમાચારમાં છે. જોકે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા કે વિજયને ડેન્ગ્યુ છે અને તે બીમાર છે, ત્યારે તેમના ચાહકો ચિંતિત થઈ ગયા. આ પછી તેમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હવે વિજયના સ્વાસ્થ્ય વિશે નવી માહિતી સામે આવી છે.

વિજયના નજીકના લોકોના જણાવ્યા મુજબ અભિનેતા હવે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિજય ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. મળતી માહિતી મુજબ,ડૉક્ટરોએ વિજયને આરામ કરવાની સલાહ આપી છે,પરંતુ અભિનેતા શક્ય તેટલું પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા આતુર છે. મળતી માહિતી મુજબ તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘સામ્રાજ્ય’નું પ્રમોશન પણ શરૂ કરશે. તબિયત સારી ન હોવા છતાં વિજય આગામી દિવસોમાં ‘સામ્રાજ્ય’ના ટ્રેલર લોન્ચ અને પ્રી-રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપી શકે છે.

વિજય દેવેરાકોંડાની ‘સામ્રાજ્ય’ એક જાસૂસી-થ્રિલર એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ‘જર્સી’ જેવી હિટ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં વિજય ગુસ્સે અને હિંસક પાત્રમાં જોવા મળશે. તેની પહેલી ઝલક સાથે ‘સામ્રાજ્ય’ સતત ચર્ચામાં છે. ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. એવા પણ અહેવાલો છે કે નિર્માતાઓ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટનું મોટા પાયે આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. ‘સામ્રાજ્ય’ 31 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ઇશા શાહના કાવ્યસંગ્રહ “અંતરના આંગણેથી”નું વિમોચન

અમદાવાદ: કર્ણાવતી ક્લબ ખાતે પ્રકાશન કંપની ટીબુક્સ વેન્ચર્સ એલ.એલ.પી. દ્વારા યુવા કવયિત્રી ઇશા શાહના કાવ્યસંગ્રહ “અંતરના આંગણેથી”નું વિમોચન કરવામાં આવ્યું.આ પ્રસંગે ઇશાબેનના શિક્ષકગણ – ભારતીબેન, વશરામભાઈ અને પ્રફુલભાઇ – વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેઓએ ઇશાબેનની સર્જનાત્મક યાત્રાના આરંભથી જ તેમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે. અનેક મહેમાનો, સાહિત્યપ્રેમીઓ અને ઈશાબેનના સાથીઓએ આ વિમોચન સમારંભમાં હાજરી આપી.“અંતરના આંગણેથી” એ હૃદયસ્પર્શી અને આત્મમંથનથી પિગળેલા વિચારોનું કાવ્યરૂપ છે. ઈશાબેનની કાવ્યયાત્રાની પ્રેરણા તેમના પિતા બન્યા – જેઓ તાત્કાલિક છંદ રચવામાં પારંગત હતા અને શબ્દો પ્રત્યે ખાસ પ્રેમ ધરાવતા. એક પેન્સિલ અને એક વિચારમાંથી શરૂ થયેલું લખાણ હવે ઇશાબેન માટે જીવનસાથી બની ચૂક્યું છે. આ પુસ્તકની કવિતાઓમાં વ્યક્તિગત વૃદ્ધિ, ભાવનાત્મક પરિપક્વતા અને આત્મઅભિવ્યક્તિ દ્વારા આનંદ શોધવાનો સંદેશ છે. આ કાવ્યસંગ્રહ સરળ ભાષામાં લખાયો છે, પરંતુ તેનું ઊંડાણ વાંચકના હૃદયને સ્પર્શે છે.