Home Blog Page 658

ગુલકંદ – ૨૩ ઓગસ્ટ ૨૦૨૫

પાપડી ગાંઠિયાનું શાક

રોજ રોજ શાક શું બનાવવું એવી કળાકૂટ તો હોય જ અને વરસાદી ઋતુમાં કંટાળો પણ આવતો હોય છે! તો પાપડી ગાંઠિયાનું શાક ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે!

સામગ્રીઃ

  • પાપડી ગાંઠિયા 100 ગ્રામ
  • મોટાં કાંદા 2
  • મોટાં ટામેટાં 2
  • તેલ 2 ટે.સ્પૂન
  • 2 ચપટી હીંગ
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • માખણ 1 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • દહીં 3 ટે.સ્પૂન
  • ખાંડ 2-3 ચપટી
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદા તેમજ ટામેટાંને ચોપરમાં અલગ અલગ રાખી બારીક કરો અથવા ઝીણાં સમારી લો.

કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરી જીરૂ તતડાવીને હીંગનો વઘાર કરી સમારેલાં કાંદા ઉમેરો. એકાદ મિનિટ બાદ આદુ લસણની પેસ્ટ મેળવી દો. બે મિનિટ સાંતળી લીધા બાદ બારીક સમારેલાં ટામેટાં મેળવી દો. થોડી સમારેલી કોથમીર પણ મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની આંચ ધીમી કરીને કાંદા-ટામેટાં ચઢવા દો.

એક વાટકીમાં દહીં લઈ તેમાં ધાણાજીરૂ, હળદર, મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી મેળવી દો.

કાંદા થોડા ચઢી જાય એટલે તેમાં મસાલાવાળું દહીં મેળવીને ગેસની ધીમી આંચે થોડીવાર થવા દો. તેમાંનું તેલ છૂટું પડે તે સમયે એક વાટકી પાણી મેળવીને એક ઉકાળો આવે એટલે તેમાં પાપડી ગાંઠીયાને તોડીને તેના બારીક ટુકડા કરીને શાકની ગ્રેવીમાં મેળવી દો. ગેસની ધીમી આંચે શાક થવા દો. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલો મિક્સ કરી, સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

આ ગરમાગરમ શાક ફુલકા રોટલી કે પરોઠા સાથે સારૂં લાગશે.

૨૩ ઓગસ્ટ ૨૦૨૫

પંચાંગ 23/08/2025

રાજ્યમાં  પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. મોન્સુન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સમય દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર,પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે માછીમારોને 24 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 21  ઓગસ્ટ, 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99  ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81  ટકા, સૌરાષ્ટ્રમાં 76.36  ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67  ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97  ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

બિહાર SIRમાં આધાર કાર્ડ સહિત 11 દસ્તાવેજ માન્યઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદી રિવિઝન SIRને મામલે સુનાવણી કરી હતી. કોર્ટે રાજકીય પક્ષોને કહ્યું હતું કે તેઓ SIR દરમિયાન મતદાર યાદીની ડ્રાફ્ટમાંથી બહાર રહી ગયેલા લોકોને મદદ કરે. બિહારમાં SIRને લઈને ઘણો હોબાળો મચી ચૂક્યો છે. વિરોધ પક્ષ સતત આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના ઘણા વિરોધ પક્ષના નેતાઓ SIRના વિરોધમાં યાત્રા કાઢી રહ્યા છે. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠએ આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બિહારમાં રાજકીય પક્ષોના 1.60 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ (BLA) છે, પરંતુ ચૂંટણી પંચના કહેવા મુજબ ફક્ત બે જ આક્ષેપો નોંધાયા છે.

બિહારના 65 લાખ મતદારોનું શું થશે?

કોર્ટે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા આ તર્ક પર પણ ધ્યાન આપ્યું હતું કે BLAને પોતાના વાંધાઓ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. કોર્ટે તમામ 12 રાજકીય પક્ષોને આદેશ આપ્યો કે તેઓ પોતાના BLAને સૂચના આપે કે તેઓ મતદારોને જરૂરી દસ્તાવેજો ચૂંટણી પંચ પાસે જમા કરવામાં મદદ કરે, જેથી તેઓ મતદાર યાદીમાં સામેલ થઈ શકે. અદાલતએ BLAને કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદીમાં સામેલ ન થયેલા 65 લાખ લોકોને પોતાના વાંધાવિરોધ નોંધવામાં સહાય કરે.

આધાર અથવા 11 દસ્તાવેજો સાથે દાવો નોંધવાની મંજૂરી

કોર્ટે SIR દરમિયાન બહાર થયેલા લોકોને પોતાના દાવા નોંધવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ નંબર અથવા SIRમાં સ્વીકાર્ય 11 દસ્તાવેજોમાંથી કોઈ એકસાથે દાવો રજૂ કરી શકાય. 65 લાખ લોકો મતદાર યાદીમાંથી બહાર થઈ ગયા હોવાના મામલે રાજકીય પક્ષો આગળ આવીને કોઈ આક્ષેપો નથી કરી રહ્યા એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘેની ધરપકડ

નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. શ્રીલંકાના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ તેમને સરકારી નાણાંના ચાંઉ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. વિક્રમસિંઘે પર આરોપ છે કે તેમણે ખાનગી વિદેશ પ્રવાસમાં સરકારના પૈસા ખર્ચ્યા હતા.

વિક્રમસિંઘની શા માટે ધરપકડ?

વિક્રમસિંઘે પર આરોપ છે કે સપ્ટેમ્બર, 2023માં તેઓ જ્યારે લંડન પ્રવાસે ગયા હતા, ત્યારે તેમણે ત્યાં સરકારી ફંડનો ઉપયોગ કર્યો હતો। હકીકતમાં, તેઓ લંડન પ્રવાસે પોતાની પત્નીને બ્રિટિશ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા સન્માન કાર્યક્રમમાં જોડાવા ગયા હતા, પરંતુ હવે એ જ પ્રવાસને લઈને તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

પોલીસે વિક્રમસિંઘે પર કયા આરોપ મૂક્યા?

પોલીસનો આક્ષેપ છે કે રાનીલ વિક્રમસિંઘે માત્ર પોતાના ખાનગી પ્રવાસ માટે જ નહીં, પરંતુ પોતાના બોડીગાર્ડનો ખર્ચ પણ સરકારના ખજાનામાંથી કર્યો હતો. આ જ મામલામાં શુક્રવારે તેઓ CIDના કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું હતું, પરંતુ પોલીસ તેમના જવાબથી સંતોષ ના થયો, જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

વિક્રમસિંઘે ક્યારે બન્યા હતા શ્રીલંકાના રાષ્ટ્રપતિ?

વિક્રમસિંઘે 2022માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2024 સુધી તે પદ પર રહ્યા હતા. ગયા વર્ષે તેમણે ફરી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે વિક્રમસિંઘેએ અભૂતપૂર્વ આર્થિક સંકટ દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આર્થિક સુધારાઓ લાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માંથી રાહત પેકેજ મેળવ્યું હતું.

કોણ છે ટ્રમ્પના ખાસ અને લેખક પીટર નાવારો? જે ભારત વિરુદ્ધ ઓકે છે ઝેર

પીટર નાવારો એક વિવાદાસ્પદ અમેરિકન અર્થશાસ્ત્રી અને લેખક છે. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા વહીવટમાં વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે. તેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વેપાર અને ઉત્પાદન માટેના વરિષ્ઠ સલાહકાર પણ છે. નાવારોને ટ્રમ્પની ટેરિફ નીતિઓના માસ્ટરમાઇન્ડ પણ કહેવામાં આવે છે. ચીનની આર્થિક નીતિઓ પર લખાયેલું તેમનું પુસ્તક “ડેથ બાય ચાઇના” ખૂબ જ લોકપ્રિય છે.

પીટર નાવારોને ટ્રમ્પના નજીકના સાથી તેમજ ચીન વિરોધી નીતિઓના મુખ્ય પ્રમોટર માનવામાં આવે છે. તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવા અને તેમના તીક્ષ્ણ નિવેદનો માટે પણ સમાચારમાં છે. અમેરિકા સાથેના ટેરિફ યુદ્ધ દરમિયાન તાજેતરમાં તેમણે ભારત વિરુદ્ધ જે પ્રકારના વાહિયાત નિવેદનો આપ્યા છે તેનાથી ભારતીય સમુદાય અને નિષ્ણાતોમાં તેમના વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે.

પીટર નાવારો કોણ છે?

પીટર નાવારો એક અમેરિકન શિક્ષણવિદ અને લેખક છે. તેમની પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી છે. તેમણે ઘણા દાયકાઓ સુધી અર્થશાસ્ત્ર ભણાવ્યું અને બાદમાં વેપાર, વૈશ્વિકરણ અને ચીનની નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા પુસ્તકો લખ્યા. તેમનું સૌથી પ્રખ્યાત પુસ્તક “ડેથ બાય ચાઇના” છે, જે યુએસ વેપાર ખાધ અને ચીનના આર્થિક વલણ પર હુમલો કરે છે. 2016 માં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી પીટરને વ્હાઇટ હાઉસમાં વેપાર અને ઉત્પાદન નીતિના કાર્યાલયના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. આ પછી, તેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વેપાર અને ઉત્પાદન માટે વરિષ્ઠ સલાહકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

વૈશ્વિક વેપાર કરારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

ભારત અને ચીન વિરુદ્ધ ઝેર ઓકવાને કારણે, પીટર નવારોને ટ્રમ્પ દ્વારા મેક અમેરિકા ગ્રેટ અગેન નીતિને આગળ ધપાવવા માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનવામાં આવ્યા હતા અને બીજા કાર્યકાળમાં તેમને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી હતી. હવે તેઓ ટ્રમ્પના સૌથી વિશ્વસનીય આર્થિક સલાહકારોમાંના એક છે. ખાસ કરીને ચીન અને વૈશ્વિક વેપાર કરારોના મામલામાં, તેમની સલાહ વ્હાઇટ હાઉસ માટે સૌથી મહત્વપૂર્ણ છે.

ભારત વિરુદ્ધ તાજેતરનું નિવેદન

તાજેતરમાં પીટર નવારોએ ભારત વિરુદ્ધ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારત અમેરિકન નોકરીઓ પર કબજો કરી રહ્યું છે અને ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત “ચુપચાપ ચીન જેવું વર્તન કરી રહ્યું છે”, જે અમેરિકા માટે ખતરો છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેરિફ યુદ્ધને કારણે ભારત-અમેરિકા સંબંધો તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયા છે.

ટ્રમ્પ માટે તેઓ ખાસ કેવી રીતે બન્યા?

પીટર નાવારો ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિના પ્રબળ સમર્થક હતા. તેમણે ટ્રમ્પને ચીન અને અન્ય દેશો સાથેના વેપાર ખાધ અંગે આક્રમક નીતિ અપનાવવા પ્રેરણા આપી. તેમની નીતિઓને કારણે, અમેરિકાએ ઘણા વેપાર કરારોની સમીક્ષા કરી અને ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા. ટ્રમ્પને નાવારોની સ્પષ્ટવક્તા, કઠોર ભાષા અને “સોદો કરવાની” વ્યૂહરચના ગમતી હતી, જેના કારણે તેઓ તેમની નજીક આવ્યા. પીટર નાવારોની રાજકીય કારકિર્દી ટ્રમ્પની છત્રછાયા હેઠળ ઉભરી આવી. હવે તેમના ભારત વિરોધી નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે અમેરિકાને એશિયામાં એક મજબૂત ભાગીદારની જરૂર હોય છે. ભારત સરકારે હજુ સુધી આ નિવેદનો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રાજદ્વારી વર્તુળોમાં ચોક્કસપણે તેના વિશે ચિંતા છે.

ભારતીય સમુદાયમાં ગુસ્સો

નાવારોના તાજેતરના નિવેદનોથી અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયમાં પણ ગુસ્સો આવ્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકો ટેકનિકલ ક્ષેત્ર, દવા અને વ્યવસાયમાં મોટી સંખ્યામાં યોગદાન આપી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે નાવારોનો અભિગમ માત્ર ભ્રામક નથી પણ યુએસ-ભારત સંબંધોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

અમે ગાઝાને સંપૂર્ણપણે બરબાદ કરીશું: ઇઝરાયલની ધમકી

નવી દિલ્હીઃ ઇઝરાયલના સંરક્ષણપ્રધાને હમાસને મોટી ચેતવણી આપતાં સ્પષ્ટ કહ્યું છે કે ગાઝા શહેરને સંપૂર્ણપણે તબાહ કરી નાખવામાં આવશે. જો હમાસે ઇઝરાયલની શરતોને સ્વીકારી નહીં તો ગાઝાને તેની કિંમત ચૂકવવી પડશે.આ પહેલાં વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સૈનિક શક્તિની મદદથી ગાઝા પર કબજો કરાશે. ઇઝરાયલ પહેલેથી જ કહી ચૂક્યું છે કે યુદ્ધવિરામ (Ceasefire) ત્યારે જ થશે જ્યારે તેના બધા બંધકોને હમાસ મુક્ત કરશે.

બીજી તરફ હમાસ પણ વારંવાર કહી રહ્યું છે કે યુદ્ધ ત્યારે જ ખતમ થશે જ્યારે ઇઝરાયલ યુદ્ધવિરામ માટે તૈયાર થશે. હમાસનું કહેવું છે કે ઇઝરાયલના બધા કેદીઓને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે સીઝફાયર લાગુ થશે. એક તરફ હમાસે પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે તો બીજી તરફ ગાઝાને લઈને ઇઝરાયલની વ્યૂહરચના પણ તૈયાર છે.

ઇઝરાયલની જાહેરાત શું છે?

ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે તેઓ ગાઝા સિટી પર કબજો કરશે. આ એ જ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઇન લોકો રહે છે. વડા પ્રધાન નેતાન્યાહુએ કહ્યું હતું કે તેઓ ગાઝા સિટી પર કબજો કરવા પર વિચાર કરી રહ્યા છે, જેથી સુરક્ષા મજબૂત થઈ શકે અને હમાસના આતંકનો અંત લાવી શકાય. નેતાન્યાહુએ એ પણ જણાવ્યું હતું કે તેઓ એક સ્વતંત્ર સરકારને જવાબદારી સોંપશે.

ફક્ત ગાઝા સિટી પર જ કેમ કબજો?

વડા પ્રધાન નેતાન્યાહુ પહેલાં કહેતા હતા કે સમગ્ર ગાઝા પર ઇઝરાયલનો કબજો થશે. પરંતુ હવે જે નવી યોજના સામે આવી છે, તેના મુજબ પ્રથમ પ્રાથમિકતા ફક્ત ગાઝા સિટીને આપવામાં આવી રહી છે. ઇઝરાયલનું કહેવું છે કે હાલમાં તેની પાસે ગાઝાના 75 ટકા ભાગ પર કબજો છે.

દિગ્ગજ અભિનેતા અને પ્રખ્યાત કૉમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન

પંજાબી ફિલ્મ ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પંજાબી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે તેમનું મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અવસાન થયું.

 

દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ 65 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી પંજાબી ફિલ્મ ઉદ્યોગ અને તેમના લાખો ચાહકો શોકમાં છે. તેમના લાંબા કરિયરમાં અભિનેતાએ લોકોનું ખૂબ મનોરંજન કર્યું અને તેમના અદ્ભુત કોમિક ટાઇમિંગે લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું.

જસવિંદર ભલ્લા માત્ર એક અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું નામ હતું જેણે પંજાબી સિનેમામાં કોમેડીને એક નવી ઓળખ આપી હતી. તેમની અજોડ કોમિક શૈલી, રમુજી સંવાદો અને કટાક્ષ શૈલીએ તેમને દરેક પેઢીના દર્શકોના પ્રિય બનાવ્યા. તેમની માત્ર હાજરી સિનેમા હોલમાં હાસ્યની લહેર ફેલાવી દેતી. તેમણે ‘ગડ્ડી ચલતી હૈ છલાંગ માર કે’, ‘કેરી ઓન જટ્ટા’, ‘જિંદ જાન’, ‘બેન્ડ બાજે’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં પોતાના રમૂજ અને અભિનયથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું. તેમનો કોમિક ટાઇમિંગ એટલો સ્વાભાવિક હતો કે તેમના સંવાદો લાંબા સમય સુધી લોકોની જીભ પર રહ્યા. તેમના પાત્રોએ લોકોને માત્ર હસાવ્યા જ નહીં, પરંતુ હળવાશથી સમાજ પર પણ વ્યંગ કર્યો.

ભલ્લાની ખાસ વાત એ હતી કે તેમણે હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલી કોમેડીની શૈલી જાળવી રાખી હતી. પોતાની સાદગી, સહજતા અને રમૂજથી તેમણે સાબિત કર્યું કે કોમેડીની વાસ્તવિક રુચિ અશ્લીલ સંવાદોમાં નથી, પરંતુ શબ્દોના યોગ્ય ઉપયોગ અને સમયમાં છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પંજાબી મનોરંજન જગતમાં શોકમાં છે. કલાકારોથી લઈને સામાન્ય પ્રેક્ષકો સુધી, દરેક વ્યક્તિ તેમની ગેરહાજરી અનુભવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે મોહાલીના બલાંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

જસવિંદર ભલ્લા કોમેડી શો ‘છનકટા’ માં ચાચા ચતુર સિંહ અને ભાણા જેવા પ્રખ્યાત પાત્રો ભજવવા માટે પ્રખ્યાત હતા. વાસ્તવિક જીવનમાં, તેઓ ખૂબ જ શિક્ષિત વ્યક્તિ હતા. તેઓ લુધિયાણામાં પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) માં પ્રોફેસર પણ હતા. હાસ્ય કલાકાર હોવા ઉપરાંત, તેમણે અભ્યાસમાં પણ મોટી સફળતા મેળવી. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી મેળવી.