Home Blog Page 659

દિગ્ગજ અભિનેતા અને પ્રખ્યાત કૉમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન

પંજાબી ફિલ્મ ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પંજાબી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે તેમનું મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અવસાન થયું.

 

દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ 65 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી પંજાબી ફિલ્મ ઉદ્યોગ અને તેમના લાખો ચાહકો શોકમાં છે. તેમના લાંબા કરિયરમાં અભિનેતાએ લોકોનું ખૂબ મનોરંજન કર્યું અને તેમના અદ્ભુત કોમિક ટાઇમિંગે લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું.

જસવિંદર ભલ્લા માત્ર એક અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું નામ હતું જેણે પંજાબી સિનેમામાં કોમેડીને એક નવી ઓળખ આપી હતી. તેમની અજોડ કોમિક શૈલી, રમુજી સંવાદો અને કટાક્ષ શૈલીએ તેમને દરેક પેઢીના દર્શકોના પ્રિય બનાવ્યા. તેમની માત્ર હાજરી સિનેમા હોલમાં હાસ્યની લહેર ફેલાવી દેતી. તેમણે ‘ગડ્ડી ચલતી હૈ છલાંગ માર કે’, ‘કેરી ઓન જટ્ટા’, ‘જિંદ જાન’, ‘બેન્ડ બાજે’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં પોતાના રમૂજ અને અભિનયથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું. તેમનો કોમિક ટાઇમિંગ એટલો સ્વાભાવિક હતો કે તેમના સંવાદો લાંબા સમય સુધી લોકોની જીભ પર રહ્યા. તેમના પાત્રોએ લોકોને માત્ર હસાવ્યા જ નહીં, પરંતુ હળવાશથી સમાજ પર પણ વ્યંગ કર્યો.

ભલ્લાની ખાસ વાત એ હતી કે તેમણે હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલી કોમેડીની શૈલી જાળવી રાખી હતી. પોતાની સાદગી, સહજતા અને રમૂજથી તેમણે સાબિત કર્યું કે કોમેડીની વાસ્તવિક રુચિ અશ્લીલ સંવાદોમાં નથી, પરંતુ શબ્દોના યોગ્ય ઉપયોગ અને સમયમાં છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પંજાબી મનોરંજન જગતમાં શોકમાં છે. કલાકારોથી લઈને સામાન્ય પ્રેક્ષકો સુધી, દરેક વ્યક્તિ તેમની ગેરહાજરી અનુભવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે મોહાલીના બલાંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

જસવિંદર ભલ્લા કોમેડી શો ‘છનકટા’ માં ચાચા ચતુર સિંહ અને ભાણા જેવા પ્રખ્યાત પાત્રો ભજવવા માટે પ્રખ્યાત હતા. વાસ્તવિક જીવનમાં, તેઓ ખૂબ જ શિક્ષિત વ્યક્તિ હતા. તેઓ લુધિયાણામાં પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) માં પ્રોફેસર પણ હતા. હાસ્ય કલાકાર હોવા ઉપરાંત, તેમણે અભ્યાસમાં પણ મોટી સફળતા મેળવી. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી મેળવી.

PM મોદીએ બિહારને 13,000 કરોડની વિકાસ યોજનાઓની આપી ભેટ

ગયાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે છે. ગયામાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન તેમણે રાજ્યને 12,992 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ આપી. બિહારના ચૂંટણી વર્ષમાં આ તેમનો ચોથો પ્રવાસ છે.

ગયામાં યોજાયેલી જનસભામાં લાખોની સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. અહીં તેમણે અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં મૂળભૂત માળખાં, શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સાથે સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે. ગયાથી જ તેમણે ઔંટા-સિમરિયા પૂલનું ઉદઘાટન કર્યું. આ પૂલ પ્રાદેશિક સંપર્કને વધુ સારો બનાવશે અને સ્થાનિક વેપારને નવી ગતિ આપશે. સાથે જ તેમણેએ ગયાથી નવી દિલ્હીની વચ્ચે દોડનારી અમૃત ભારત એક્સપ્રેસ અને બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ બતાવી હતી..

ચૂંટણી પહેલાં વિકાસની ભેટ

વડા પ્રધાને આ પ્રવાસ માત્ર વિકાસ યોજનાઓની જાહેરાત માટે જ નહીં પરંતુ આવનારી ચૂંટણીને લઈને રાજકીય સંકેતો આપવા માટે પણ મહત્વનો છે. આ  13,000 કરોડ રૂપિયાની યોજનાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોજગાર, આધારભૂત માળખાં અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાને ગયામાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગયાની રેલીમાં વડા પ્રધાને કહ્યું હતું કે  જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદને પાકું ઘર નથી મળી જતું ત્યાં સુધી મોદી ચેનથી નહીં બેસે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે ગયામાં પણ બે લાખથી વધારે પરિવારોને પાકું ઘર આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે RJDના શાસનમાં ગયા અંધકારમાં ગરકાવ જતું રહ્યું હતું. બિહારના લોકોને RJDએ સ્થળાંતર કરવા માટે મજબૂર કર્યા હતા. ગરીબોના સુખ-દુઃખથી RJDને કોઈ લેવાદેવા નથી.

બિહારની ધરતી પર લીધેલો સંકલ્પ પૂરો

તેમણે કહ્યું હતું  કે બિહાર ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની ધરતી છે. આ ધરતી પર લીધેલો દરેક સંકલ્પ ક્યારેય વ્યર્થ ગયો નથી. જ્યારે કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો, અમારા નિર્દોષ નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા, ત્યારે મેં બિહારની આ ધરતી પરથી આતંકીઓને માટીમાં મિલાવવાનો સંકલ્પ લીધો હતો. આજે વિશ્વ જોઈ રહી છે કે બિહારની ધરતી પર લીધેલો સંકલ્પ પૂરું થયો છે.

નવરાત્રી: આધ્યાત્મિક ઊર્જા અને સંસ્કૃતિનો ઉત્સવ

કોઈ સચોટ રીતે કહી શકશે કે કલિયુગ શરુ થયાને એટલા વરસ થયા? આપને ત્યાં યુગની સમજણ આપવામાં આવી છે. નાસાએ જયારે રામસેતુની ઉમર દર્શાવી ત્યારે તે રામના સમયની સાથે મળતી હતી અને ભારતે દાવો પણ કર્યો હતો. પણ પછી એ વાત પાછી ખેંચી લેવાઈ હતી. લાખો વરસના યુગને હજારો વરસમાં ખપાવી દેવાની વૃત્તિ જેની પણ હોય. પણ આપણે આપણી સંસ્કૃતિને બચાવવા શું કર્યું? મેકોલેએ ભારતીય શિક્ષણ પદ્તિ બદલી અને અંગ્રેજી શિક્ષણનો પ્રચાર કર્યો. માની લીધું કે એ એની કુટનીતિ હતી. પણ ભારતને આઝાદ થયાને 78 વરસ થઇ ગયા. આપણે જાતે કરીને એ નીતિનો શિકાર બની રહ્યા છીએ. માત્ર અન્યને દોષ દેવાના બદલે પોતાને સમજવાની જરૂર છે. 78 વરસ પછી આપણે સાચા અર્થમાં ભારતીય રહ્યા છીએ ખરા? માતૃભાષાની અવગણના, વિદેશી પોષાક, વિદેશી લઢણ, અને વિદેશી વિચારોથી ઘેરાયેલા આપણે સંસ્કૃતિ બચાવવાની વાતો પણ ખુલીને કરી શકતા નથી. વ્યક્તિ જે ભાષામાં અભ્યાસ કરે છે એ ભાષાનું સાહિત્ય એ વાંચે છે. અને એ સાહિત્ય જે તે ભાષા સાથે જોડાયેલી સંકૃતિનું પ્રતિક છે. જે ભાષાના શબ્દો એના ઉચ્ચારોથી અલગ છે એ ભાષાનો ભરોસો કેવી રીતે કરાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીના બગીચામાં ગરબા થવાના છે. એ ગરબામાં જે લોકો ફરજીયાત નિયત કરેલી રકમ આપશે એને જ જવા મળશે. વળી પ્રસાદ પણ ખરીદીને લેવાનો છે. સોસાયટી કમિટીએ ધમકી આપી છે કે એ સમયે જે સભ્યો એ પૈસા નહિ આપ્યા હોય અને બગીચાનો વપરાશ કરતા પકડાશે તો એની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. વળી સોસાયટીની બરાબર વચ્ચે કાન ફાટી જાય એવા અવાજો સાથે આખી રાત ગરબા થાય અને લોકોની ઊંઘ બગડે એ કેટલું વ્યાજબી છે. જુમ્બા સ્ટાઈલ ગરબાના ક્લાસ અમારે ત્યાં ચાલુ છે. નવરાત્રી એ આધ્યાત્મનો તહેવાર છે. એમાંથી કમાણી કરવાની, ફરજીયાત ખંડણી માંગવાની અને ધમકીઓ આપવાની આમાં ક્યાં આધ્યાત્મ છે? જો કોઈ ફરિયાદ કરવા જાય છે તો એની સામે લુક્ખાગીરી કરવામાં આવે છે. મેં આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે. એ સમયે પણ સંસ્કૃતિનું આવું પતન તો નથી જોયું. ક્યારેક વિચાર આવે છે કે આના કરતા ગોરાઓનું રાજ સારું હતું. લોકો મર્યાદામાં તો રહેતા હતા. કશું કહીએ તો લોકો કહે છે કે કળીયુગમાં તો આવું જ થાય. શું રાતોરાત કલિયુગ આવી ગયો છે? કે પછી લોકોની લાલસા અચાનક વધી ગઈ છે. અને સંસ્કૃતિના નામે ધંધો કરી લેવો છે? જો વડીલોની ઊંઘનો વિચાર ન આવે તો એ પેઢી ભારતીય તો ન જ હોઈ શકે. વર્ણશંકર વિચારો જ આવું કરાવી શકે.

શેરી ગરબા અને માતાજીની આરાધના માંથી નફટ થઇ અને એક બીજાને અડીને નાચવાના ગરબા સુધીનું પતન જોવા માટે અંગ્રેજો સામે લડ્યા? આવા વિચાર અમને બધાને આવે છે. આવું થવાનું કારણ શું?

જવાબ: અંગ્રજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા. આપણા લોકોએ એમને એક બીજાને રંજાડવા સલાહકાર બનાવ્યા. અને એ આપણા રાજવી બની ગયા. દોઢસો વરસના કાળમાં માત્ર 10,000 અંગ્રજો આપણા જ સૈનિકોની મદદથી આપણી ઉપર રાજ કરી ગયા. એનું મુખ્ય કારણ આપણા લોકોની એક બીજાને હેરાન કરવાની, બદલો લેવાની તીવ્ર વૃત્તિ, પૈસા અને સન્માનની લાલસા, જાતિવાદ જેવી અનેક બાબતો ગણી શકાય. ધંધાના પણ નિયમો હોય છે. પણ એ નિયમો સાથે કોણ જીવે છે? ગુજરાતી માધ્યમની નિશાળો બંધ થઇ રહી છે. અને ઘણા લોકોને તો ગુજરાતી કહેવરાવવામાં સંકોચ થાય છે. ભારતમાંથી જે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે એમાં મહદ્ અંશે ગુજરાતીઓ હોય છે. આપણે આપણા દેશને પ્રેમ નથી કરતા. જ્યાં ત્યાં કચરો નાખવો, નિયમો તોડવા, બીજા ખરાબ છે એટલે અમે ખરાબ છીએના બહાના કાઢવા, સંસ્કૃતિને વગોવામાં આનંદ લેવો, પ્રસિદ્ધ થવા કોઈ પણ ફાલતું વાતને સાચી દર્શાવતી રીલ્સ બનાવવી અને એને સમજ્યા વિના ફોરવર્ડ કરવી, પંચાત કરવી વિગેરે આપણા સમાજની ઓળખ છે.

તમારે ત્યાં એક સભ્યનું અપમાન થાય તો અન્ય એનો આનંદ લે છે. તો આવું દરેકની સાથે વારાફરતી થવાનું જ છે. સોસાયટીની કોમન જગ્યાના તમે ખરીદી સમયે સુપર બિલ્ટઅપ તરીકે પૈસા આપ્યા છે. તમને એ વાપરતા કોઈ કાયદો અટકાવી ન શકે. બીજું કે જયારે ફરજીયાત પૈસા લઈને ગરબા થાય તો એને ધંધો કહેવાય. શું એ લોકો બગીચાને વાપરવાનું ભાડું સોસાયટીને આપવાના છે? જે ફરજીયાત ફંડ ભેગું થાય છે એ સોસાયટીના વિકાસમાં વપરાશે કે ખાનગી વપરાશમાં? કોઈ પણ વ્યક્તિ સોસાયટીની પ્રોપર્ટી પોતાના ધંધાકીય વપરાશ માટે મફતમાં વાપરે એ વ્યાજબી ન કહેવાય. વળી કાયદાકીય ડર ગુનેહગારને દેખાડવાનો હોય. પોતાની સોસાયટીમાં ફરવા માટે ધમકીઓ મળતી હોય એ સાચે જ નિમ્ન કક્ષાની હરકત ગણાય. જો કે આવું ઘણી જગ્યાએ થઇ રહ્યું છે. તમે સવાલ પૂછીને સમાજને અરીસો બતાવો છે. તમારી વાત સાચી છે. નવરાત્રીમાં જે માતાજીની આરાધના કરવાની હોય છે એનો ફોટો ક્યાંક ખૂણામાં હોય છે. અને ગરબાના નામે કશુક નવું જ ચાલતું હોય છે. કદાચ એટલે જ આવી પ્રવૃતિથી ફોટોગ્રાફને દુર રાખતા હોય એવું બને. સરકાર શેરી ગરબાને પ્રોત્સાહન આપે છે. પણ એની સાથે કડક રીતે માત્ર શેરી ગરબા યોગ્ય નિયમો સાથે જ થાય એવો નિયમ બનાવે તો ઘણા દુષણો દુર થઇ શકે. વરસો પહેલા અમુક લોકો રસ્તા ઉપર રીસીપ્ટ બુક લઈને ભગવાનના નામે ફરજીયાત ફાળો ઉઘરાવીને પછી એમાંથી દારૂ પિતા એવું મેં સાંભળ્યું છે. હવે આ બધું ઓફિસમાં બેસીને ઓફિશિયલી થવા લાગ્યું હોય એવું બની શકે.

માત્ર નાની વાતમાં બાળકો ખૂન કરતા થઇ ગયા હોય એ સમાજમાં માત્ર સરકાર દ્વારા લેવાતા કડક પગલા જ હવે કારગત નીવડી શકે. તમારી વાત સાચી છે નવરાત્રી એ માતાજીના અનુષ્ઠાન માટેનો સમય છે. જે સમગ્ર વરસ માટેની ઉર્જા આપી શકે છે. પણ એની સામે યુવાધન ઉર્જાનો વ્યય કરે તે યોગ્ય નથી. સંસ્કૃતિની સાચી સમજણ જેની પાસે છે એમાંથી કેટલા લોકો નિર્ણય લે છે એ વિચારવાનો વિષય છે. અન્ય એક જગ્યાએ શિક્ષકે સજા કરતા વિદ્યાર્થીએ ગોળી મારી. આ આપણી નવી પેઢી છે. જેનામાં ભગતસિંહ થવાની શક્તિ તો છે પણ સાચી દિશા નથી. જો એ કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું શરું કરે તો દેશનું શું થશે એ વિચારવા જેવી બાબત છે. પણ ગુગલ, એ આઈ જેવી ટેકનોલોજીએ આપણને વૈચારિક રીતે પાંગળા બનાવી દીધા છે. એ હકીકત છે.

સુચન: સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગંદકી હોય ત્યાં બરકત આવતી નથી.

( આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

 

રિલીઝનાં બે અઠવાડિયાં પછી ફિલ્મ પર પ્રતિબંધ…

આજકાલ બોલિવૂડમાં ફિલ્મ ઓછી વિવાદ વધારે ચાલે છે. ખાસ કરીને સેન્સરનો વિવાદ મુંબઈના વરસાદની જેમ મુશળધાર ચાલી રહ્યો છે. જેમ કે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ‘અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી’ ફિલ્મ પાસ થતી નથી. સેન્સરને અનેક દશ્યો સામે વાંધાવચકા છે. ઉપરાંત એમને યોગી આદિત્યનાથનું નો ઓબ્જેક્શન સર્ટિફકેટ પણ જોઈએ છે. મામલો હાલ કોર્ટમાં છે. આ સિવાય ‘ઉદયપુર ફાઈલ્સ’, ‘બેંગાલ ફાઈલ્સ’, ‘ફુલે’, વગેરેમાં પણ વાંધા પડ્યા. જુલાઈમાં રિલીઝ થયેલી ‘સુપરમેન’ ફિલ્મના બે કિસિંગ સીન કાપી નાખવાથી વિવાદ ઊભો થયો. હોલિવૂડથી આવેલી આ ફિલ્મમાં સુપરમેન એની પ્રેમિકાને 33 સેકન્ડનું દીર્ઘ ચુંબન કરે છે. સેન્સર બોર્ડને લાગ્યું કે ભારતીય ઓડિયન્સ માટે આટલું લાંબું ચુંબન દ્રશ્ય જરા વધારે પડતું ગણાય. આ પહેલાં ‘ઈમરજન્સી’ ફિલ્મ માટે કોંગ્રેસીઓએ વાંધો ઉઠાવતાં સેન્સરે એમાં ઘણી કાપકૂપનો આદેશ દીધેલો.

-પણ, 1980ના દાયકામાં સેન્સર સર્ટિફિકેટ મેળવીને રિલીઝ કરવામાં આવેલી એક ફિલ્મ પર વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારે અચાનક જ પ્રતિબંધ મૂકી દીધેલો એ તો ખબર છેને? ફિલ્મનું નામઃ ‘મેરી આવાઝ સુનો’.

1981ના ડિસેમ્બરમાં એસ. વી. રાજેન્દ્ર સિંહ બાબુ દિગ્દર્શિત અને મદ્રાસી ‘પદ્માલય સ્ટુડિયોઝ’ના જી. હનુમન્ત રાવ નિર્મિત ‘મેરી આવાઝ સુનો’ રિલીઝ થઈ. કન્નડ ફિલ્મ ‘અંત’ (1981)ની રિમેકથી જમ્પિંગ જેક જિતેન્દ્ર માટે એક્શન ફિલ્મનું સ્ટેજ ગોઠવાયું. ફિલ્મમાં એ સિનિયર ઈન્સ્પેક્ટર સુશીલ કુમાર છે. રૂપેરી પરદા પર  જોયેલો એ કદાચ પહેલો ને છેલ્લો ઈન્સ્પેક્ટર હશે જે ખાખી ગણવેશની સાથે ટાઈ પહેરે છે. ખેર. સુશીલ કુમાર કાળકોટડીમાં કેદ કન્વરલાલ નામનો કેદી બનીને વિલન-ટોળી (કાદર ખાન, રણજિત, શક્તિ કપૂર) સાથે ભળી જાય છે, જેથી બધાને સબૂત સાથે પકડી શકાય. હેમામાલિની તેની પત્નીની ભૂમિકામાં હતાં, જ્યારે પરવીન બાબી ગેંગસ્ટર કન્વરલાલની પ્રેમિકા બનેલી, જેને જિતેન્દ્ર જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં મોહિત કરે છે.

ફિલ્મના મોટા ભાગના સીન ફુવડ હતા. એમાંયે ક્લાઈમેક્સ તો ભયંકર હતી. ખલનાયકો ગર્ભવતી હેમામાલિનીના પેટ પર મુક્કા મારી એને અને એના ન જન્મેલા બાળકની હત્યા કરે છે. જિતેન્દ્રના ટોર્ચરનાં દ્રશ્યો પણ ક્રૂડ હતાં.

ફિલ્મની રિલીઝ બાદ દેશભરમાં એવી હવા ફેલાઈ કે એની પર ગમે ત્યારે પ્રતિબંધ આવી શકે છે. આના લીધે લોકોમાં ઉત્કંઠા વધી. પ્રેક્ષકો ખાસ એ જાણવા થિએટરોમાં ઊમટી પડ્યા કે ઈન્દિરા ગાંધીની સરકારને આમાં પ્રોબ્લેમ શું છે? પછી તો ‘મેરી આવાઝ સુનો’એ બે અઠવાડિયાંમાં બોક્સ ઓફિસ પર ધબડાટી બોલાવી દીધેલી. અમુક શહેરોમાં તો એણે ‘શોલે’ના રેકોર્ડ તોડી નાખેલા.

તે પછી આવ્યો અણધાર્યો વળાંક. રિલીઝનાં બે અઠવાડિયા બાદ કેન્દ્ર સરકારે ફિલ્મને બેન કરી દીધી. કારણ આપવાં આવ્યું- વધુ પડતું વાયોલન્સ, ક્રુઅલ્ટી, સેક્સ. નવાઈની વાત એ કે સરકાર દ્વારા સ્થાપિત ‘સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને’ રિલીઝની મંજૂરી આપી હોવા છતાં સરકારે એની પર પ્રતિબંધ મૂકી દીધો.

હકીકતમાં વિવાદનાં મૂળિયાં રાજકારણમાં હતાં. ત્યારના યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલામ નબી આઝાદે જોરશોરથી આ ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ કરેલી. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં કેન્દ્રીય ગૃહપ્રધાન, ગૃહ સચિવ અને પોલીસ મહાનિરીક્ષકને મવાલી-ગુંડા તથા સમાજવિરોધી ટોળીના વડા ચીતરવામાં આવ્યા છે. આ સદંતર બકવાસ અને અપમાનજનક છે. આઝાદે ફિલ્મ પર તાત્કાલિક બંધ મૂકવાની તથા નિર્માતાઓ સામે પગલાં લેવાની માંગ કરી. સરકાર એમના દબાણમાં આવી ને ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો.

સરકારના પગલા સામે પ્રોડ્યુસરો અને ડિસ્ટ્રિબ્યુટરો કોર્ટમાં ગયા. એમણે સોલી સોરાબજી અને સિદ્ધાર્થ શંકર રે જેવા દિગ્ગજ કાયદાનિષ્ણાતોને કેસ લડવા રોક્યા.

એ દિવસોમાં દરરોજ છાપાંમાં ‘મેરી આવાઝ સુનો’ વિશેના સમાચાર આવતા, તંત્રીઓ અગ્રલેખ લખતાઃ સરકાર પોતે પોતાના જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નિર્ણયને અમુક પોલિટિશિયનની માગના લીધે ખોટો કેવી રીતે ઠેરવી શકે? શું નિર્માતાની આવાઝ સુનવામાં આવશે?

થોડાં અઠવાડિયાંની ખેંચતાણ બાદ સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો. ‘મેરી આવાઝ સુનો’ કોઈ પણ જાતની કાપકૂપ વિના ફરી રિલીઝ થઈ. ખાલી શરૂઆતમાં એક સૂચના મૂકવામાં આવીઃ

“આ વાર્તા મુંડુસ્તાન નામના એક કાલ્પનિક પ્રદેશમાં આકાર લે છે!”

-અને ફિલ્મ સુપરડુપર હિટ થઈ, મુંબઈ સહિત સમગ્ર ભારતમાં સિલ્વર જયુબિલી ઊજવી. ‘મેરી આવાઝ સુનો’ને જિતેન્દ્રની કારકિર્દીની સૌથી મોટી હિટ્સમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ સાથે એનો સાઉથ ઈન્ડિયા સિનેમાપ્રવાસ શરૂ થયો. ‘હિમ્મતવાલા’થી લઈને ‘મવાલી’, ‘તોહફા’, ‘મક્સદ’, ‘પાતાલ ભૈરવી’, ‘સંજોગ’, ‘ઔલાદ’, ‘મજાલ’, ‘સરફરોશ’, ‘મજબૂર’, જેવી 75 જેટલી દક્ષિણ ભારતમાં બનેલી ફિલ્મોમાં (હિંદી રિમેકમાં) કામ કર્યું.

તે સમયે ‘મેરી આવાઝ સુનો’ માત્ર ફિલ્મ ન રહેતાં સર્જનાત્મક સ્વતંત્રતા, રાજકારણીઓની પેરલલ સેન્સર બોર્ડની રાજનીતિ અને જનતાની માગણીની અજોડ શક્તિનું પ્રતીક બની ગયેલી.

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને આપી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શેલ્ટર હોમમાં મોકલાયેલા કૂતરાઓને છોડવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. નસબંધી પછી કૂતરાઓને મુક્ત કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી-NCR સહિત આ નિર્ણય દેશમાં લાગુ પડશે. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાનીમાં ત્રણ જજોની ખંડપીઠે આ નિર્ણય આપ્યો. એ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ જાહેર કરી છે.

કોર્ટે કહ્યું છે કે દરેક મ્યુનિસિપલ બ્લોકમાં આવારા કૂતરાઓને ખવડાવવા માટે અલગ જગ્યા બનાવવામાં આવશે. માત્ર નક્કી કરેલી જગ્યાએ જ કૂતરાઓને ખાવાનું આપવામાં આવશે. જાહેર સ્થળોએ આવારા કૂતરાઓને ખવડાવવામાં નહીં આવે. આવું ન કરવાથી કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લાં કેટલાંક સપ્તાહોથી રાજધાનીમાં આવારા કૂતરાઓ સંબંધી મુદ્દો ચર્ચામાં રહ્યો છે, કારણ કે 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ તમામ વિસ્તારોમાંથી આવારા કૂતરાઓ એકત્ર કરવા શરૂ કરે, સંવેદનશીલ વિસ્તારોને પ્રાથમિકતા આપે તેમ જ આઠ અઠવાડિયામાં ઓછામાં ઓછા 5000 કૂતરાઓની પ્રારંભિક ક્ષમતા ધરાવતાં આશ્રયસ્થળો ઊભાં કરે. આ આદેશમાં કૂતરાઓને ફરી રસ્તાઓ પર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ જ નસબંધી, રસીકરણ અને કૃમિનાશક સારવાર ફરજિયાત કરી તેમ જ આશ્રયસ્થળોમાં CCTV, પૂરતો સ્ટાફ, ભોજન અને તબીબી સારવારની વ્યવસ્થા રાખવાની જરૂરિયાત જણાવી હતી.

કોર્ટે એ પણ જણાવ્યું હતું કે 2024માં દિલ્હીમાં આવા 25,000થી વધુ કેસ નોંધાયા અને માત્ર જાન્યુઆરી 2025માં જ 3000થી વધુ કેસ નોંધાયા હતા. કોર્ટે આદેશમાં પશુ કાર્યકરોની પણ ટીકા કરી અને પશુપ્રેમીઓ દ્વારા મૂળ સમસ્યાને અવગણવા અંગે ચેતવણી આપી હતી. આ આદેશને કારણે પશુ અધિકાર કાર્યકરો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્થૂળતાથી બચવાનું આપણા જ હાથમાં છે…

થોડાં સપ્તાહ પહેલાં આરોગ્ય મંત્રાલયે વધુપડતા કૅલરીયુક્ત તથા ચરબીયુક્ત આહારને હેલ્થ માટે ખતરો ઉત્પ્ન્ન કરનારા ખાદ્ય પદાર્થ જાહેર કર્યા. સમોસાં, જલેબી, વડાપાંઉ, ભજિયાં, વગેરેનો સમાવેશ અનહેલ્ધી ફૂડ તરીકે કરવામાં આવ્યો, જેના પગલે આરોગ્ય મંત્રાલય દ્વારા દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યો કે બજારમાં ઉપલબ્ધ નાસ્તા અને  નમકીનમાં તેલ કે સુગરનું પ્રમાણ કેટલું છે એ વિશે જાહેર સૂચના લગાડવામાં આવે. એ દ્વારા ગ્રાહકોને એનાં સંભવિત નુકસાન અંગે માહિતગાર કરી શકાય.

અલબત્ત, પાછળથી આરોગ્ય મંત્રાલયે આ નિવેદન રદ કર્યું. એનો અર્થ એ નથી કે આ સમસ્યાનો રાતોરાત ઉકેલ આવી ગયો. સમસ્યા એ છે કે દેશમાં સ્થૂળ લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. અત્યારની સ્થિતિ જોઈએ તો દેશમાં સરેરાશ દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ ઓવરવેઈટનો શિકાર છે. અગર આ પ્રશ્ર્નનો આપણે ગંભીરતાથી વિચાર કરીને એ સામે કોઈ પગલાં નહીં લઈએ તો આ આંકડો વધતાં વાર નહીં લાગે અને ટકાવારીની દૃષ્ટિએ પણ સૌથી વધુ સ્થૂળ વ્યક્તિ ધરાવતા દેશોમાં ભારત ટોચ પર હશે.

– તો શું આ એ સમય નથી જ્યારે આપણે સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની જરૂર સમજીએ? કારણ કે સ્થૂળતાની અસર માણસના દેખાવમાં સારું ન લાગવા પૂરતી સીમિત નથી, ઓવરવેઈટ શરીર એ વજન વધારે હોવાની સાથે સાથે હાર્ટ અટેક, ડાયાબિટીસ, લીવર ડિસીઝ જેવા રોગોને નિમંત્રે છે.

વધુપડતા ચરબીયુક્ત ખાદ્યોની અગર વાત કરીએ તો સમોસાં, ભજિયાં, વડાપાંઉ, જલેબી, લાડુ, ગુલાબજાંબુ, વગેરે આહાર જ ફક્ત નુકસાન કરે છે? આમ તો આપણે તથા આપણા વડીલો વર્ષોથી આ બધું ખાતાં આવ્યાં છીએ. આવી પારંપરિક વાનગીઓ અચાનક હેલ્થ માટે ખતરનાક થઈ ગઈ?

કાર્ડિયોલૉજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાની નાગપુર શાખાના વડા ડૉ. અમર આમલે તો કહે છે કે હજી તો આ શરૂઆત છે, આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગારેટના પૅકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે. બહારના તળેલા ખાદ્ય પદાર્થનો સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે એ બનાવવા (તળવા) એકનું એક તેલ અનેક વાર વાપરવામાં આવે છે. આ રિયુઝને કારણે એવા તેલમાં પોષણકીય ક્ષમતા રહેતી નથી. આ ઉપરાંત, વારંવાર તળાવાને કારણે આવા ખાદ્યોમાં ટ્રાન્સ ફૅટ્સ, એલડીએલ કૉલેસ્ટરોલ એટલે કે ખરાબ પ્રકારનું કૉલેસ્ટરોલ અને અન્ય નુકસાનકારક તત્ત્વો વધે છે. જો આ તળેલા ખાદ્યોનો તેલને રિયુઝ કર્યા વગર ઉપયોગ કરવામાં આવે તો આ વાનગી એટલી બધી નુકસાનકર્તા બનશે નહીં. અલબત્ત, એમાં કૅલરી તેમ જ ફૅટનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ પ્રસંગોપાત આપણે આવી પારંપરિક વાનગી ખાઈ શકીએ.

આવું જ મીઠાઈ કે વધુ ખાંડ ધરાવતી વાનગીઓનું પણ છે. મીઠાઈમાં સાકરનું પ્રમાણ તો વધુ રહેવાનું જ, સાથે સાથે એમાં ઘીનો પણ ઉપયોગ સારાએવા પ્રમાણમાં થાય છે. ખાંડનો વધારે ઉપયોગ ઘણા પ્રકારના રોગોને આવકારે છે, જેમાં વજન વધવું તો સામાન્ય છે જ, સાથે સાથે ટાઈપ-ટુ ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ તેમ જ લીવરને લગતા રોગોની પણ શક્યતા રહે છે. વધુ સુગર ધરાવતો ખોરાક ખાધા પછી દાંત બરાબર સાફ ન થાય તો એમાં બૅક્ટેરિયા ઉત્પ્ન્ન થાય છે, જે દાંતમાં સડો લાવે છે. આમ ક્યારેક મીઠાઈ ખાવી એ ચોક્કસપણે નુકસાનકારક નથી (અગર તમે ડાયાબિટિક નથી તો), પરંતુ વધુ માત્રામાં રિફાઈન્ડ સુગરનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

એ વાત ચોક્કસ છે કે જો તમે હાઈ કૅલરી તેમ જ હાઈ ફૅટ આહાર લઈ રહ્યા છો (ભલે એ કોઈ કોઈ વાર જ હોય) અને સાથે બેઠાડુ જીવન જીવી રહ્યા છો તો તમારું વજન વધી જતાં વાર નહીં લાગે. હેલ્થ પ્રત્યે જાગ્રત રહેવું એટલે ફક્ત અમુક પ્રકારના આહારનો ત્યાગ કરવો એવું નથી, પરંતુ આહારની સાથે સાથે એ લીધેલી કૅલરી બાળીને એનો શક્તિમાં ઉપયોગ કરવો એ છે, જે નિયમિત રીતે કસરત, યોગ, પ્રાણાયામ, સાઈકલિંગ, વૉકિંગ, વગેરે દ્વારા થઈ શકે.

ખરેખર તો તૈયાર મળતાં પ્રિઝર્વ્ડ ફૂડ્સ, ફ્રોઝન ફૂડ્સ, કૅન્ડ ફૂડ્સ, પૅકેટ ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સ એ સમોસાં-જલેબી કરતાં વધુ નુકસાનકારક નથી? ઘી અને તેલની સરખામણીમાં અત્યારે બટર તથા ચીઝનો ઉપયોગ વધી રહ્યો છે, જે એક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ જ છે. એનો અતિરેક તમને સ્થૂળતા અપાવશે. આથી જ આવા પ્રકારનાં ફૂડને નિયંત્રિત માત્રામાં લેવાં જરૂરી છે. તાજા મળતા આહારનો ઉપયોગ થાય એ વાજબી છે. બજારમાં મળતી પ્રોડક્ટ્સમાં કયાં કયાં તત્ત્વો ઉમેરેલાં છે કે આપણા શરીરમાં એની અસર કઈ રીતે થઈ શકે એ અંગેની જાગૃતિ આપણે પોતે જ કેળવવી જરૂરી છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આપણા સ્વાસ્થ્યને સુધારવા માટેની જ આ પહેલ હતી, જેથી લોકોમાં હેલ્થ અંગે જાગૃતિ આવે. આ માટે દુકાનની બહાર બૅનર કે બોર્ડ લગાડવાની જરૂર છે કે નહીં એ આપણે જ નક્કી કરવાનું છે, કારણ કે જ્યાં આપણી પારંપરિક વાનગીઓની વાત છે ત્યાં એમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એની જાણ તો આપણને છે જ. બસ, એનો વપરાશ સ્વાસ્થ્યની જાળવણી સાથે કઈ રીતે કરવો એ જ નક્કી કરવાનું છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી છે. શુક્રવારે વહેલી સવારે તેમને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એનએલ રિલાયન્સ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

91 વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યાં ડોકટરોની આખી ટીમ તેમની સારવારમાં રોકાયેલી છે. હાલમાં, પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આખો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે. મુકેશ અંબાણી સવારે કાલિની એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનિલ અંબાણીને તેમની પત્ની ટીના અંબાણી સાથે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.

કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર હોસ્પિટલ પહોંચી રહ્યો છે. હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે. તમને જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણી ધીરુભાઈ અંબાણીના પત્ની છે. તેમણે 1955માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર તેમના ચાર બાળકો છે. કોકિલાબેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.

હાલમાં, કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 0.24 ટકા શેર છે, જે લગભગ 1,57,41,322 શેર છે. જો આપણે શેરના વર્તમાન મૂલ્યને ધ્યાનમાં લઈએ, તો તેમની સંપત્તિ 18,000 કરોડ રૂપિયાથી વધુ છે.

ગિફ્ટ સિટી IFSCમાં ફંડ કમિટમેન્ટ્સ 100 અબજ $ વટાવશેઃPMS બાઝારે

ગાંધીનગરઃ  ગિફ્ટ સિટી IFSCમાં ફંડ્સ કમિટમેન્ટ્સ વર્ષ 2030 સુધીમાં 100 અબજ US ડોલરને પાર કરી જશે તેવી સંભાવના છે, એમ અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લેટફોર્મ PMS બાઝારે અંદાજ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે કલ્પના કરાયેલી ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઊભરી આવેલી ભારતની મહત્વાકાંક્ષાનું પ્રતીક બની ગઈ છે.

30 જૂન, 2025 સુધીમાં 177 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ અને કેટેગરી 1, 2, 3 AIF અને વેન્ચર કેપિટલ સ્કીમ્સ સહિત 270થી વધુ ફંડ્સ/સ્કીમ્સ IFSCમાં નોંધાઈ ચૂકી છે. એક વર્ષમાં લગભગ ત્રણ ગણા કમિટમેન્ટ્સ મેળવનાર કેટેગરી 3 AIF જૂન, 2025 સુધીમાં 10.15 અબજ US ડોલરે પહોંચ્યા છે. આ આંકડા સતત વધતા મૂડીરોકાણની સાથે ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે સારી સંભાવનાઓ ગિફ્ટ સિટીને ભારતની ક્રોસ-બોર્ડર વેલ્થ સ્ટ્રેટેજીના કેન્દ્રમાં મૂકી રહી છે.ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSC)ના ડેટા મુજબ જૂન, 2025 સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને AUM 23.5 અબજ US ડોલરે રહી હતી. 35 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે તે 2030 સુધીમાં 100 અબજ US ડોલરનો આંક વટાવે તેવી સંભાવના છે.આ અંદાજો ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ રજૂ કરાયેલા સક્ષમ સુધારાઓ પર આધારિત છે, જેનાથી ભારત અને ગિફ્ટ IFSCની ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ તરીકેની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO, IAS  સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ભારતની વૈશ્વિક નાણાકીય સફરની મોખરે છે. મજબૂત નિયમનકારી માળખું, કરવેરા-સક્ષમ માળખા અને વધતી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સહભાગિતા સાથે અમે ન કેવળ ફંડ મેનેજમેન્ટ માટેની એક ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ, પરંતુ ગ્લોબલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચરમાં ભારતની સ્થિતિને આકાર આપી રહ્યા છીએ. ફંડ અંગેના કમિટમેન્ટ્સ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.

ગિફ્ટ સિટી એ માત્ર કોન્સેપ્ટ જ નહીં, પરંતુ કેટલિસ્ટ છે. નીતિઓ અંગેની સ્પષ્ટતા તથા NRI અને વૈશ્વિક રોકાણકારોની રુચિ સાથે ભારત અહીં ઘરઆંગણે જ 100 અબજ US ડોલરનું ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ ઊભું કરવાની તક ધરાવે છે, એમ PMS બાઝારના સ્થાપક આર.પલ્લવરાજને જણાવ્યું હતું.

ગિફ્ટ સિટી સાથેના સહયોગમાં PMS બાઝાર 22મી ઓગસ્ટે ગાંધીનગરમાં રેડિસનમાં ગિફ્ટ સિટી ક્લબમાં ખાતે ગિફ્ટ સિટી ફંડ્સ કોન્ક્લેવ 2025નું આયોજન કરી રહી છે. આ કોન્ક્લેવમાં ભારતની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે નીતિ ઘડનારાઓ, ફંડ મેનેજર્સ અને NRI તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એકત્રિત થશે.

ઈન્સ્પાયરિંગ ગર્લ્સ…

આ વર્ષે અમે ઈન્દોર ગયાં હતાં, ફેમિલી હોલીડે. અમારા ઘરમાં અમારી પૌત્રી “રાયાનું એડિશન થવાથી અમારા પર્યટનમાં વળાંક આવ્યો છે. `દેખો અપના દેશ’, `વસુધૈવ કુટુંબકમ’ અને `ચલો બેગ ભરો નીકલ પડો’ આ ત્રણ વાત કદાચ તે પેટમાં હતી ત્યારે સાંભળતી હશે. જન્મથી જ તે બહુ ટુર્સ કરી રહી છે, જન્મજાત જિપ્સી. આથી તેની સાથે એક ભારતમાં અને એક ભારતની બહાર એમ બે નાની ફેમિલી હોલીડેઝ દર વર્ષના કેલેન્ડરમાં એડ થતી દેખાય છે. તેમાંથી જ આ ઈન્દોરની હોલીડે હતી. આ ચાર દિવસ અમે તેને અહિલ્યાબાઈ હોળકરની વાત સંભળાવતાં હતાં. `ગરીબ બિચારાં છોકરા અને તેના અતિજ્ઞાન ગ્રહણ કરેલા સંબંધી’ એવી સ્થિતિ હતી, બટ શી વિલ સેલ થ્રુ.

જતી વખતેના વિમાન પ્રવાસમાં મારી અને સુધીર સાથે સુનિલાની માતા હતી, જેને અમે પણ મમ્મી કહીએ છીએ. સુનિલા, નીલ, હેતા, રાયા બીજી ફ્લાઈટથી આવતાં હતાં, જ્યારે સારા ત્રીજી ફ્લાઈટથી. અમારો ગમે તેટલો નાનો-મોટો બિઝનેસ હોય, બધાએ એક જ વિમાનથી ટ્રેનથી કે બસથી જવાનું નહીં એવો આ નિયમ. પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર. સવારના છની ફ્લાઈટ હતી, મમ્મીને કહ્યું, `તમે એરપોર્ટ પર સમય પૂર્વે પહોંચશો એવી ખાતરી છે. અમે કદાચ લેટ પહોંચીશું. ફાવે તો તમે ચેક-ઈન કરો અને બોર્ડિંગ ગેટ પર આપણે મળીશું. નહિતર અમે તમને એર ઈન્ડિયાના કાઉન્ટર પર મળીશું.’ આગલી રાત્રે ઘરે આવવામાં બાર વાગવાથી અમને થોડું લેટ જ થયું એરપોર્ટ પર પહોંચવામાં. મમ્મી `સુષ્મા શિર્કે’, ઉંમર સિત્યોત્તર વર્ષ, કાઉન્ટર નજીક નહોતી. એટલે હવે બોર્ડિંગ ગેટ પર મળીશું એમ ધારીને અમે બધા એરપોર્ટ ફોર્માલિટીઝ કરીને બોર્ડિંગ ગેટ પર મળ્યાં. `કોઈ તકલીફ તો નહીં થઈને મમ્મી.’ તેણે કહ્યું, `નહીં, પહેલી વાર ડિજીયાત્રા એપ ડાઉનલોડ કર્યું હતું, શું કરવાનું તેની ચોક્કસ ખબર નહોતી, પણ તે છોકરીને પૂછ્યું, કેટલું આસાન થઈ ગયું છે બધું.

‘એકંદરે મમ્મી કમ્ફર્ટેબલી અને કોન્ફિડેન્ટ્લી એકલી પ્રવાસ કરતી હતી. વિમાનમાં બેઠાં પછી મમ્મીએ પર્સ ખોલીને તેમાંથી એક નાની ટ્રાન્સપરન્ટ ડબ્બી કાઢી અને તેમાંથી લવિંગ મોઢામાં નાખી. અમને પણ ઓફર કરી. `વિમાનમાં હવે એક કલાક બેસવાનું છે, મોઢું સુકાય છે અને મોઢામાંથી વાસ પણ આવી શકે છે. આથી લવિંગ ઉપયોગી બને છે.’ હું મમ્મીને ઓબ્ઝર્વ કરતી હતી. થોડીવાર પછી તેણે એર ઈન્ડિયાની ફ્લાઈટ મેગેઝિન અથથી ઈતિ સુધી વાંચી કાઢી. આ પછી તેણે મસ્ત પોટલીમાંથી એક પુસ્તક બહાર કાઢ્યું. સુજોકુનું. વિમાન લેટ થયું તો અથવા વિમાન પ્રવાસમાં ક્યાંય કંટાળો નહીં આવે તેનું મમ્મીએ પ્રી-પ્લાનિંગ કર્યું હતું. તેને ફોટોગ્રાફીનો શોખ. અગાઉ પ્રવાસમાં તેના ગળામાં એસ.એલ.આર. કેમેરા લટકાવેલો રહેતો હતો. હવે તેની જગ્યા આઈફોને લીધી છે. `શોટ ઓન આઈફોને’ તેનો કબજો કર્યો હતો. મમ્મી ટેક ઓફફ અને લેન્ડિંગના ફોટો કાઢતી હતી.

આ પછી તેણે મને તેનું નવું ક્રાફ્ટ બતાવ્યું, એટલે કે, ફોટો. બે બાટલીઓને તેણે એકદમ મસ્ત કલાત્મકરૂપ આપ્યું હતું અને આ બધું `કચરામાંથી ઉપયોગી વસ્તુ’ એ પદ્ધતિથી કર્યું હતું. મેં તેમને પૂછ્યું કે તમને આ આઈડિયાઝ ક્યાંથી સૂઝે છે. તેમણે કહ્યું, `યુટ્યુબ, પિન્ટ્રેસ્ટ, શું મસ્ત દુનિયા છે હમણાંની, તેનો હિસ્સો હું બની શકી તે માટે કૃતજ્ઞ છું. હવે હું બધું જ શીખી રહું છું. અરે, અમારે ત્યાં પૂજા અને પલક, ઘરમાંથી કોઈ પણ કચરો ફેંકવા પૂર્વે મારી પાસે આવીને પૂછે છે, `મમ્મી, તમને આ જોઈએ કે?’ મારા ડેસ્કની નીચે એક મોટું બોક્સ છે, જેમાં કચરામાં કાઢેલી વસ્તુઓ રાખી છે. ક્યારેક આ રીતે તેનો ઉપયોગ થાય છે.’ મમ્મીની વધુ એક ખાસિયત એ કે`વેરી ક્રિયેટિવ ઈનોવેટિવ બર્થડે કાર્ડસ. ‘દરેકના બર્થડે પર મમ્મી પોતે તૈયાર કરેલું કાર્ડ અચૂક મોકલે છે. રાયાનો જન્મ થયો ત્યારે તેણે આપેલું `નેવર એન્ડિંગ કાર્ડ’ તો `ટોક ઓફ ધ ફેમિલી’ બની ગયું હતું. સતત કાર્ય મગ્ન રહેવું, મનગમતી બાબતો માટે સમય આપીને આનંદિત રહેવું, ઓછું પણ સમયસર ખાઈને તબિયત સારી રાખવી આ બાબતો મમ્મીએ આત્મસાત કરી છે અને જીવનનો ગોલ્ડન પિરિયડ તે સુનિલા અને સારા સાથે સારી રીતે વિતાવી રહી છે.

મારી સાસુ `ઈન્દુ પાટીલ’ને હું માતાજી કહું છું. તેમની ઉંમર અઠ્યાશી વર્ષની છે. સ્વાભિમાની અને કડક સાસુ તરીકે પ્રસિદ્ધ. હજુ પણ તેટલી જ કડક અને ટટ્ટાર. આઠેક વર્ષ પૂર્વે કમર થોડી વાંકી થઈ ગઈ છે, પરંતુ વોકરની મદદથી બધું જ સહજ રીતે ચાલી રહ્યું છે. તેઓ વોકર વિના ચાલવાની પ્રેક્ટિસ કરવા માગે છે, કારણ કે રામજન્મભૂમિ પોતાના પગ પર જોવાની તેમની ઈચ્છા છે. આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. અને તેમના પ્રયાસ જોતાં તેઓ તે અચિવ કરશે એવી ખાતરી છે. સવારે ચાર પૂર્વે ઊઠી જવાનું, તૈયારી કરીને એક કલાક મનઃપૂર્વક ભગવાનની પૂજા કરવી, તે પછી પઠન, વાચન, અખબાર, સમાચાર, મરાઠી એફ.એમ, યુટ્યુબ પર ચર્ચા-સંવાદ, વાદ-વિવાદ, ફોન દ્વારા તેમના મૂળ ગામ વસઈ વિરારની રજેરજ માહિતી મેળવવી, આ બધું પદ્ધતિસર ચાલી રહ્યું છે. હું ઊઠવા માટે ઘડિયાળનું એલાર્મ લગાવતી નથી. નેચરલી જાગી જવું જોઈએ એવો મારો મત છે. જો કે ક્યારેક જાતે ઊઠવાની ખાતરી નહીં હોય ત્યારે તેમને વિનંતી કરું છું, `પાંચ વાગ્યે જો હું ઊઠી નહીં હોઉં તો મને જગાડો.’ માતાજી એટલે મારું હ્યુમન એલાર્મ. સુધીરના પિતા અનંત પાટીલ, પપ્પાએ અનેક શાળાઓમાં, એટલે કે, આર એમ ભટ,ગોખલે હાઈ સ્કૂલ બોરીવલી, જવ્હાર, કોસબાડ, નાશિક એમ અનેક શાળાઓમાં પ્રિન્સિપાલ પદ શોભાવ્યું છે. તેમની સાથે આ સંપૂર્ણ પરિવારની બદલી. જવ્હારનું ઘર એટલે ભગ્નાવસ્થાના રજવાડામાં ઘરમાં સાપ પણ ઘૂસી જતા. આવી પણ પરિસ્થિતિ અનુભવી ચૂકેલાં માતાજી ઘરમાં યોગદાન તરીકે સીવણકામ કરતાં. ટૂંકમાં કહીએ તો, બદલીઓ તેઓ સ્વીકારતાં હતાં. ખેડાપાડામાં તેમનો સંસાર ફરી ફરી નવેસરથી વસાવતાં હતાં. ત્રણ બાળકોના શિક્ષણ માટે ખટપટ કરતાં અને સ્વકમાણી પણ કરતાં હતાં. પ્રચંડ મહેનતું માતા-પત્નીનું જીવન તેઓ જીવ્યાં અને તેથી જ ઉંમરનાં અઠ્યાશી વર્ષે પણ તેમની બુદ્ધિ યથાવત છે. તેઓ સ્વયંપૂર્ણ છે, આત્મનિર્ભર છે તેનો અમને પણ આનંદ છે.

વીણા વર્લ્ડનાં પાંચમા ડાયરેક્ટર અભિજિત ગોરેની માતા `સરોજતાઈ’ હવે નેઉં વર્ષની ઉંમરે પહોંચી છે. પણ તેમને હું જ્યારે પણ મળું છું ત્યારે અત્યંત ટોપટીપ સ્વરૂપમાં જોયાં છે. અત્યંત સુંદર સોબર સાડી, તેની પર શોભતી જ્વેલરી, ચહેરો પ્રસન્ન. પોતાને આ રીતે રાખવાનો તેમનો આગ્રહ રહેતો. એટલે કે, હું છેલ્લાં ચાળીસ વર્ષથી તેમને જોઈ રહી છું અને તેમનું તે સ્માર્ટનેસ મને કાયમ આકર્ષક મહેસૂસ થયું છે. ઉંમર પ્રમાણે માણસમાં શિથિલતા આવે છે. `ચલતા હૈ’ એટિટ્યુડ જોર પકડવા લાગે છે, `આ ઉંમરે હવે શા માટે?’ એવું પોતાને પણ લાગવા માંડે છે અને આજુબાજુના આપણે બધા જ તેમને તે જ રીતે જોઈએ છીએ. સરોજતાઈ જો કે બતાવી આપે છે કે `આઈ લવ માયસેલ્ફ એન્ડ યુ ટૂ લવ યોરસેલ્ફ.’ આપણી આસપાસમાં નજર ફેરવીએ તો પણ અલગ-અલગ ઈન્સ્પિરેશન્સ મળે છે તે આ રીતે.

બધાની જીજી એટલે મારી માતા. ઉંમર એંશી વર્ષ. એટલે કે, તેના પાસપોર્ટ પરની બર્થડેટ પ્રમાણે એંશી પણ તેનું કહેવું છે, `ગામમાં મારી બર્થડેટ ખોટી લખાઈ હતી, એક વર્ષ આગળ કરી દીધું. હું એંશીની નથી, મારી ઉંમર ઓગણ્યાએંશી છે.’ તેના દરેક જન્મદિવસે અમે તેને ખીજવીએ છીએ, `મા, તું સાઈઠની કે ઓગણસાઈઠની? સિત્તેર કે ઓગણોસિત્તેર? અને દર વર્ષે તે તેટલા જ ઉત્સાહથી આ વાત અમને મનાવવાનો પ્રયાસ કરે છે. `અરે મા છોડી દે ને’, પણ કોઈ પણ વાત છોડી નહીં દેવી તે તેનો સ્થાયી ભાવ. `ડિટરમિનેશન’ એ વાત તેની પાસેથી જ આવી હોવી જોઈએ. મને આજે પણ તે દિવસ યાદ આવે છે, પાંચમીમાં હતી, ગામની હાઈસ્કૂલમાં પ્રથમ જ એન્ટ્રી થઈ હતી. અમારા સરે પહેલી ટેસ્ટના પેપર્સ અને માર્કસ ઘરે બતાવીને માતા અને પિતાની સહી લાવવા કહ્યું હતું. માતાને મેં પેપર બતાવ્યું. તેણે સહી કરતી વખતે પીઠમાં જોરથી થપાટ મારી અને કહ્યું, `તારા અક્ષર આટલા ખરાબ છે, ચાલ, મારી સામે બેસ, આજની રાતમાં તારા અક્ષર સારા થઈ જવા જોઈએ.’ હું રડતી-રડતી અક્ષર સારા કાઢવાના પ્રયાસ કરતી હતી. જરા પણ આમ-તેમ થાય તો તેની થપાટ મારી પીઠમાં પડતી. વચ્ચે જ કાન પણ આમળતી હતી. આટલા થર્ડ ડિગ્રી ટોર્ચર પછી મારી વિસાત જ નહોતી કે અક્ષર ખરાબ કાઢું. તે એકદમ વ્યવસ્થિત થઈ ગયું. મારા અક્ષર સારા છે એવું કોઈ પણ કહે ત્યારે તે રાત અને માતાનું જમગ્નિ રૂપ યાદ આવે છે. અક્ષર સારા થવાનું શ્રેય તેનું છે. પ્રયાસથી કશું પણ શક્ય બની શકે… આ ઉક્તિ તેની સાથે સુમેળ સાધે છે. અગાઉ માતા-પિતા શિક્ષક પીઠમાં થપાટ અથવા સોટીનો ઉપયોગ કરતાં, તેનો ઉપયોગ આજે પણ થવો જોઈએ એવું ક્યારેક-ક્યારેક લાગે છે. આજે પણ તેની અંદર તે જ ત્રીસીનો ઉત્સાહ છે. તે જ મહેનત કરવાની તાકાત છે. હાથમાં લીધેલું કામ પૂરું કરીને રહે છે. નવા-નવા પ્રયોગ કરવાની તેની તૈયારી હોય છે. આમ તો તે વ્હોટ્સએપ યુનિવર્સિટીની મેમ્બર પણ છે. ક્યારેક-ક્યારેક `પ્રપોગેંડા’ની શિકાર પણ થાય છે. બાળકો પૌત્રોની કાળજી રાખવામાં પણ તે ખાસ્સો સમય આપે છે. કહેવું પડે છે,`અરે, આટલો વિચાર નહીં કર, તારો પાર્ટ તેં વ્યવસ્થિત પાર પાડ્યો છે, હવે અમે અમારું જોઈ લઈશું.’ પણ છેલ્લે માતા છે ને, આદતથી મજબૂર.

મમ્મી, માતાજી, મોટી બહેન કે મા, ચારેયને કોઈ મોટી બીમારી નથી કે દવાની પણ જરૂર નથી. ભગવાનનો આભાર. સતત કાર્યમગ્ન રહીને, જીવનના પડકારો સ્વીકારીને, તેની પર માત આપીને તેમણે ઉંમરના સિત્યોત્તેર, સત્યાશી, નેઉ કે એંશીમાં પોતાના મનને યુવાન રાખ્યું છે અને શરીરથી તંદુરસ્ત. આજે આ ચારેય આજુબાજુમાં દેખાય ત્યારે મને મારી સાઈઠ વર્ષની ઉંમરે પણ ઉંમર ઓછી હોય તેમ લાગે છે. મારી અંદર ત્રીસીનો ઉત્સાહ સંચાર થાય છે. મારી અંદરની કાર્યમગ્નતા વધે છે. ઘરમાં મોટા માણસો હોવાનો આ જ ફાયદો હોય છે.

જાપાનીઝ ફિલોસોફી, ઈકિગાઈ, ઓકિનાવા વે, હારા હાચિ બૂ, દુનિયાના બ્લુ ઝોન્સ…એ જ કહે છે. તેનું સાક્ષાત્કાર ખરેખર તો આપણને આપણા ઘરમાં જોવા મળે છે. તો ચાલો, પોત-પોતાના ઘરની ઈન્સ્પાયરિંગ ગર્લ્સને નમસ્કાર કરીને તેમના આશીર્વાદ લઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

અમેરિકામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે ડ્રેક પૈસેજ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકાઓ પછી સુનામીના ખતરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ આ ભૂકંપ ભારતીય સમય પ્રમાણે સવારે 07. 46 વાગ્યાએ આવ્યો હતો. તેનું કેન્દ્ર અક્ષાંશ: 60.26 દક્ષિણ, દેશાંશ: 61.85 પશ્ચિમ પર રહ્યું હતું. આ ભૂકંપની ઊંડાઈએ જમીનની નીચે 36 કિમી નોંધાઈ હતી. તેનો સ્થાન ડ્રેક પાસેજમાં આવેલો છે.

ડ્રેક પેસેજ, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે આવેલો છે. પ્રારંભિક અહેવાલોમાં યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની તીવ્રતા 8.0 જણાવી હતી, પરંતુ બાદમાં તેને સુધારીને 7.4 કરવામાં આવી હતી. આ વિસ્તાર ભૂકંપની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે તે દક્ષિણ અમેરિકન અને એન્ટાર્કટિક ટેક્ટોનિક પ્લેટ્સના સંધિબિંદુએ આવેલો છે.

સુનામી સાથે આફ્ટરશોક્સની પણ આશંકા

આ ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે  હજી સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આફ્ટરશોક્સની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. ડ્રેક પેસેજ, જે તેના જોખમી સમુદ્રી માર્ગ અને જોરદાર પવનો માટે જાણીતું છે. આ વિસ્તારમાં ભૂકંપની પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય બની રહી છે.