બેઈજિંગ: અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે ચીનને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ચીનમાં ગ્રાહક માંગ ઘટી ગઈ, જેને પગલે 2019માં જીડીપીની રફતાર છેલ્લા ત્રણ દાયકાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. 30 વર્ષમાં પ્રથમ વખત ચીનનો જીડીપી માત્ર 6.1 ટકાની ગતિએ આગળ વધ્યો છે.
શુક્રવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, વર્ષ 2019માં જીડીપીનો દર 2018ના 6.6 ટકાથી પણ નીચે આવી ગયો, જે 1990 પછીનો સૌથી ન્યૂનતમ સ્તર છે. ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે ગ્રોથની રફતાર 6 ટકા પર રહી છે.
ચીનના ટ્રેડ સરપ્લસ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા હિતોને લઈને ચીન અને અમેરિકા વચ્ચે લડાઈમાં અમેરિકાએ ટેરિફ વધારી દીધું હતું, જેના કારણે ચીની નિકાસકારો પર અસર પડી છે. જોકે, સમગ્ર ચીની ઈકોનોમી પર અનુમાન કરતા ઓછી અસર પડી છે.
આ સપ્તાહે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર પર વિરામ લે તેવા સંકેતો મળી રહ્યા છે અને બંને દેશોએ પહેલા ફેઝની ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ અમેરિકા દ્વારા વધારાની ટેરિફ વૃદ્ધિને કેન્સલ કરવા અને ચીન દ્વારા અમેરિકન ફાર્મ એક્સપોર્ટની ખરીદારી પર સહમતિ બની છે. બંને તરફથી પહેલાથી લાગુ ટેરિફ વૃદ્ધિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
2019 માટે વિકાસ દર ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીક ટાર્ગેટ રેન્જમાં તો છે, પણ નીચેની તરફ. ટાર્ગેટ 6-6.5 ટકા રાખવામાં આવ્યો હતો, જે ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં 6 ટકા નોંધાઈ છે. વર્ષ 2019માં ગ્રાહક ખર્ચ, રોકાણ અને ફેક્ટ્રી આઉટપુટ, તમામ નબળા પડયા છે.
અમદાવાદઃ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2020-21નું રૂ. 8500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. 2020ના અંતમાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે જેની અસર બજેટમાં જોવા મળી છે. અમદાવાદ મ્યુનિ. કમિશનરે ગત વર્ષ 2019-20માં રૂ.7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. આ વખતે બજેટમાં રૂ.1000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગ માટે રૂ. 500થી રૂ.700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂ.300નો વેરા વધારો, ફ્લેટ, રો- હાઉસ કે ટેનામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂ. 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂ.3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે ‘આ બજેટ વડાપ્રધાનની ન્યૂ ઇન્ડિયાની થીમ તૈયાર કરવામાં આવ્યું છે. ‘ન્યૂ અમદાવાદ ફોર ન્યૂઝ ઇન્ડિયા’ની થીમ પર આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વિજય નહેરાએ ઉમેર્યુ કે 15 ઑગસ્ટ 20222 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી બે નાણાકિય વર્ષમાં ક્યાં પ્રકારની યોજના આપણે લાવીએ ત્યારે 15 ઑગસ્ટ 2022 સુધીમાં નવું અમદાવાદ આકાર લે તેવો પ્રયાસ છે.
ન્યૂ અમદાવાદની પરિકલ્પના વિશે નહેરાએ જણાવ્યું કે, ‘ન્યૂ અમદાવાદ ઝૂપડપટ્ટી મુક્ત, ગંદકી મુક્ત, પ્રદૂષણ મુક્ત હોય, પિરાણાના કચરાના ઢગલામાંથી મુક્તિ મળે. પ્લાસ્ટિકની સમસ્યા, રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળે. સામાન્ય વર્ગને પણ પાયાની જરૂરિયાતો મળી શકે.
બજેટના મુખ્ય મુદ્દા
શહેરમાં 968 કરોડના ખર્ચે 20 નવા ફ્લાય ઓવર બાંધવાનું આયોજન
700 કરોડના ખર્ચે અમદાવાદના માર્ગોનું આધુનિકીકરણ
500 કરોડના ખર્ચે પાંચ નવા મલ્ટિલેવલ પાર્કિગની સુવિધા
200 કરોડના ખર્ચે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ તૈયાર કરવાનું આયોજન
405 કરોડના ખર્ચે શા.ચી.લા હૉસ્પિટલ અને એલ.જી.હૉસ્પિટલનું નવિનીકરણ
ગાંધીનગરઃ સરકારે 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના નિયમોમાં થોડા સમય માટે રાહત આપી છે કેમ કે, અત્યારે ત્યાં હજુ પણ લોકો ટોલ ટેક્સની ચૂકવણી રોકડમાં કરે છે. આ 65 ટોલ પ્લાઝા પર 25 ટકા રસ્તાઓને 30 દિવસ માટે રોકડ ચૂકવણી અને ફાસ્ટેગ લેન બંને લાઈનમાં છૂટ આપવામાં આવી છે. હાઈબ્રિડ અથવા ફાસ્ટેગથી ચૂકવણી અને રોકડ ચૂકવણી કરનારા બંને પ્રકારના વાહનો જઈ શકે છે. બંને વ્યવસ્થામાં બંને પ્રકારના વાહનો જઈ શકે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના આપવામાં આવી છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ અસ્થાયી વ્યવસ્થા 30 દિવસની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને નાગરિકોને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
સરકારે 15 ડિસેમ્બરથી NHAIના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી દીધી છે. તેના અંતર્ગત ટોલ પ્લાઝાની ઓછામાં ઓછી 75 ટકા લેન પર રોકડ ચુકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટોલ પ્લાઝા પર વધુમાં વધુ 25 ટકા લેન પર રોકડ ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ 65 ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 65 ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સ્થિતિ અનુસાર 25 ટકા સુધી ‘ફાસ્ટેગ લેન ઓફ ફી પ્લાઝા’ને અસ્થાયી રીતે હાઈબ્રિડ લેનમાં ફેરવી શકાય છે. મંત્રાલય દ્વારા નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યા પ્રમાણે, આ એક અસ્થાયી વ્યવસ્થા છે જે 30 દિવસની છે. તેની પાછળનો હેતુ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો છે જેના કારણે કોઈને અસુવિધા ન થાય.
આજે, 17 જાન્યુઆરીથી રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘કેમ છો?’ના અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા તથા નિર્માતા શૈલેષ ધામેલિયા હાલમાં જ ‘ચિત્રલેખા’ના મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી.
અમદાવાદ – ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની કમર્શિયલ સેવા જોકે 19 જાન્યુઆરીથી શરૂ થશે.
તેજસ એક્સપ્રેસ શ્રેણીની આ બીજી ટ્રેન છે. પહેલી ટ્રેન લખનઉ-નવી દિલ્હી વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ગુરુવારનો દિવસ ટ્રેનનું જાળવણી કાર્ય હાથ ધરવા માટે ફાળવવામાં આવ્યો છે. આ ટ્રેનનો નંબર છે – 82902/82901. સંપૂર્ણ એરકન્ડિશન્ડ એવી આ ટ્રેન આજે માત્ર ઉદઘાટન સફરમાં અમદાવાદથી આજે સવારે 9.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ સાંજે 4.30 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સાંજે 5.15 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 11.30 વાગ્યે પહોંચશે.
19 જાન્યુઆરીથી આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ ખાતે બપોરે 1.10 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 9.55 વાગ્યે પહોંચશે. ટ્રેન 533 કિ.મી.નું અંતર 6 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.
અમદાવાદથી ઉપડ્યા બાદ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી ઉભી રહેશે. મુંબઈથી ઉપડીને ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ ખાતે ઊભી રહેશે.
ટ્રેનમાં બે એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કાર છે. દરેક ડબ્બામાં 56 સીટ છે. તે ઉપરાંત આઠ ચેર કાર બોગી છે, જે દરેકમાં 78 સીટની વ્યવસ્થા છે. ટ્રેનની કુલ ક્ષમતા 736 પેસેન્જરો માટેની છે.
ટ્રેનમાં અનેક આધુનિક સુવિધાઓ છે, જેમ કે સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન માટેની લાઈટ, મોબાઈલ ફોન ચાર્જિંગ પોઈન્ટ્સ, અટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઈલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા, સીસીટીવી કેમેરા, આરામદાયક સીટ.
અમદાવાદ-મુંબઈ તેજસને કારણે બીજી 33 ટ્રેનોનો સમય બદલાયો
તેજસ એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડી શકે એ માટે આશરે 33 જેટલી ટ્રેનોના સમયમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો માટે જુદા જુદા સ્ટેશનો ખાતેના સમયને એડજસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે. અન્ય 16 મેલ/એક્સપ્રેસ ટ્રેનો તથા ચાર મેમૂ ટ્રેનો પણ અમદાવાદ સ્ટેશનેથી પાંચથી લઈને 10 મિનિટ મોડી રવાના થશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ક્વોટા કે પ્રીમિયમ તત્કાલ ક્વોટાની ટિકિટો રાખવામાં આવી નથી. આમાં માત્ર જનરલ અને ફોરેન ટુરિસ્ટ ક્વોટા જ છે. ફોરેન ટુરિસ્ટ ક્વોટામાં એક્ઝિક્યૂટિવ ચેર કારમાં 6 સીટ રાખવામાં આવી છે જ્યારે ચેર કાર બોગીઓમાં 12 સીટ વિદેશી પર્યટકોને ફાળવવામાં આવી છે.
આ ટ્રેનમાં પ્રવાસીઓને ટ્રાવેલ વીમાનું કવચ આપવા ઉપરાંત IRCTC કંપની જો ટ્રેન એક કલાકથી વધુ સમય મોડી પડશે તો દરેક પ્રવાસીને રૂ. 100નું વળતર આપશે અને બે કલાકથી વધુ સમય મોડી પડશે તો અઢીસો રૂપિયાનું વળતર આપશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ માત્ર IRCTCની વેબસાઈટ પરથી અથવા Paytm, Ixigo, PhonePe, Make My Trip, Google, Ibibo, Railyatri જેવા તેના ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પાર્ટનર્સ મારફત કરી શકાશે. રેલવે રિઝર્વેશન કાઉન્ટરો પરથી આની ટિકિટ નહીં મળે.
મુંબઈ – હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન, ટાટા સ્ટીલ, રિલાન્યસ જિયો ઈન્ફોકોમ, બીએએસએફ ઈન્ડિયા અને આઈઆઈએફએલ વેલ્થ ફાઈનાન્સે તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.3,650 કરોડ, રૂ.2,500 કરોડ, રૂ.1000 કરોડ, રૂ.300 કરોડ અને રૂ.200 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 17 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 84 ઈશ્યુઅરોના રૂ.2,05,532 કરોડના કમર્શિયલ પેપર્સના 685 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 148 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.52 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (16 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,56,194 કરોડ (78.62 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,36,894 કરોડનું ભંડોળ (33.42 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (16 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,43,376 કરોડ (133.09 અબજ ડોલર) એકત્ર કર્યા છે.
નવી દિલ્હી: જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો આ તસવીરો ચોક્કસ તમારા મગજમાં સ્ટોર થઈ ગઈ હશે. ઈન્સ્ટાગ્રામના ફેવરીટ કપલ કહેવાતા રશિયન ફોટોગ્રાફર મુરાદ ઉસ્માન અને તેમની ગર્લફ્રેન્ડ નતાલિયા જખરોવા થોડા વર્ષો પહેલા ઈન્સ્ટાગ્રામ પર ‘ફોલો મી ટૂ’ નામની એક ફોટો સીરીઝ મારફતે રાતો રાત આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયા હતા. આ બંનેએ જૂદા જૂદા દેશોમાં આ પ્રકારની તસવીરો પાડીને ખૂબ લોકપ્રિયતા મેળવી. સાધારણ લાગતી આ તસવીરો ખૂબસૂરતીની સાથે અલગ રીતે આ કપલની કહાની રજૂ કરતી હતી. આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફી અને ‘ટ્રાવેલ એન્ડ રિલેશનશિપ ગોલ’ના કોન્સેપ્ટને એકદમ નવી દીશા આપી અને લાખો લોકોને ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
આંકડાઓ અનુસાર વિશ્વભરમાં લગભગ 1 અરબ લોકો ઈન્સ્ટાગ્રામનો વપરાશ કરે છે. આ હિસાબથી ઈન્સ્ટાગ્રામ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. સ્વભાવિક છે કે, દરેક એ યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ પર છે તે ઈન્ટ્રાગ્રામ ઈન્ફલુએન્સર છે. પણ એવું તે શું અલગ કરે છે ઈન્સ્ટા એન્ફ્લુએન્સર, જે તેમને લાખો લોકોના ચહિતા બનાવી દે છે? આવો જાણીએ ઈન્સ્ટાગ્રામ એન્ફ્લુએન્સર્સની કેટલીક એવી વાતો, જે બનાવે છે તેમની તસવીરો અને ટ્રાવેલિંગની કહાનીને એટલી ખાસ કે, તે રાતો રાત લોકપ્રિય બની જાય છે.
ટ્રાવેલ પ્લાનિંગ
સોશિયલ મીડિયાના આ જમાનામાં ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સમગ્ર વિશ્વમાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ઈન્સ્ટા ઈન્ફ્લુએન્સર તેના ટ્રાવેલ ડેસ્ટિનેશનની સાથે સાથે નાની વસ્તુઓનું પ્લાનિંગ કરતા હોય છે. પછી તે ડેસ્ટિનેશનની પસંદગી હોય, ટ્રાવેલિંગ મોડ કે પછી સાઈટ વિઝિટ, રેસ્ટોરન્ટ, શોપિંગ. ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર દેશમાં હોય કે વિદેશમાં સતત તેના
ઈન્સ્ટાગ્રામ મુખ્યરીતે એક ફોટો શેરિંગ મીડિયા છે, એટલા માટે સ્વાભાવિક છે કે, અહીં લોકોને આકર્ષિત કરવાની પહેલી શરત એ છે કે, એવી તસવીરો કે જે ખૂબસૂરત હોવાની સાથે બીજા કરતા અલગ પણ હોય. આના માટે તેઓ સારા કેમેરા,ટ્રાઈપોડ, ફોટોગ્રાફરની મદદ લેતા હોય અને સાવધાની પૂર્વક લોકેશનની પસંદગી કરતા હોય છે જેથી અલગ એન્ગલથી સુંદર તસવીરો ખેંચી શકાય. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર્સ અનેક ઓનલાઈન ફોટો એડિટિંગ ટૂલ્સ અને એપ્સની મદદથી તેમની તસવીરોને વધુને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે અને આકર્ષક કેપ્શન સાથે તેમને પોસ્ટ કરે છે.
રુલ ઓફ થર્ડ્સ
ફોટોગ્રાફીમાં કોમ્પોઝિશન ખૂબજ જરૂરી છે. કોમ્પોઝિશન જ નક્કી કરે છે કે, તસવીરમાં કઈ વસ્તુની કેવી વ્યવસ્થા હશે. રુલ ઓફ થર્ડ્સનો નિયમ તમને સુંદર શોટ્સ લેવામાં મદદ કરશે.
રુલ ઓફ થર્ડ હેઠળ ફોટો 9 બરાબર ભાગમાં વિભાજિત થાય છે અને તમારો સબ્જેક્ટ વચ્ચેની બદલે ગ્રિડના સાઈડમાં આવે છે. આના કારણે તમારા ફોટોમાં નાટકિયતા અને રુચી પેદા થાય છે. આ ઉપરાંત, મોટાભાગના સ્માર્ટફોનમા એક ગ્રિડ સેટિંગ આપવામાં આવે છે જેને તમે એક્ટીવ કરી શકો છો. આની મદદથી તમારે તમારી સ્ક્રીન પર લાઈનોનો અંદાજ નહીં લગાવવો પડે.
નેચરલ લાઈટ
નેચરલ લાઈટ તમારા ફોટોને બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. નેચરલ લાઈટ હંમેશા સારા ફોટો લેવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફિલ્ટરનો ઉપયોગ પણ સાવચેતી પૂર્વક કરવો જોઈએ. કારણ કે સ્ટ્રોન્ગ ફિલ્ટર નેચરલ લાઈટને બર્બાદ કરી શકે છે.
દરેક વાતમાં નવો અંદાજ
મોટાભાગના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો કામ કરવાનો અંદાજ સામાન્ય યૂઝર્સ કરતા અલગ હોય છે. તેઓ રજા પર હોય છતાં પણ તેમના ફોલોઅર્સ સાથે સતત કનેક્ટેડ રહે છે અને તેમની તસવીરો સાથે પોતાના અનુભવને તેમના ફોલોઅર્સ સાથે શેર કરે છે.
એટલા માટે અહીં એ ખૂબ જ જરૂરી છે કે, આ અનુભવ એવો હોય કે, અન્ય યૂઝર્સને પ્રોત્સાહિત કરે. તેઓ ગમે તે સ્થળે જાય ત્યાંની દરેક વસ્તુ વિડિયો કે તસવીર સ્વરૂપે રેકોર્ડ કરે છે- પછી ભલે તે કોઈ સ્થળ હોય, ખાવાનું હોય, કે પછી શોપિંગ હોય દરેક વસ્તુને ખૂબ જ સુંદરતાથી લોકોની સામે રજૂ કરે છે. તેમની આ જ વાત અન્ય યૂઝર્સ કરતા અલગ તારવી આપે છે.
સામાન્ય લાગતી વસ્તુને પણ ખાસ અંદાજમાં રજૂ કરવી જ ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર બનવાનો સરળ ફોર્મૂલા છે. તો જો તમે ફરવાના શોખીન હોવ, સારી ફોટોગ્રાફી સાથે ક્રિએટિવ છો અને સ્માર્ટ વર્ક કરવાનું જાણતા હોવ તો, વિશ્વાસ રાખો તમે પણ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર બની શકો છો.
આજના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. એક વ્યક્તિ સરેરાશ એક કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. જો તમે ઈચ્છો તો એક કલાકમાં સોશિયલ મીડિયા પર કમાણી કરી શકો છો. આજકાલ દરેક કંપની તેમની પ્રોડક્ટ્સના પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે કારણ કે, અહીં યુથ સાથે સરળતાથી કનેક્ટેડ થઈ શકાય છે. જેથી કંપનીઓને તેમની પ્રોડક્ટ્સના પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સંપર્ક કરે છે. તો તમે પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનીને લાખો રુપિયા કમાઈ શકો છો.