અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસના કુલ 56 જેટલા પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ પૈકી કુલ 42 કેસો અમદાવાદના છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. શહેર ના જુદા જુદા વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. ચુસ્ત નાકાબંધી વચ્ચે દરિયાપુર, કાળુપુર, દાણીલીમડા, જમાલપુર જેવા કોટની અંદરના વિસ્તારોને પતરાં લગાવી બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કરફ્યુમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી જીવન જરુરી વસ્તુઓ લેવા જવા માટેની છૂટ આપવામાં આવી છે. ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા અમદાવાદ મધ્યમાં મહિલાઓ મોટી સંખ્યામાં માર્ગો પર જોવા મળી હતી.
અમદાવાદઃ હાલ કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ધંધા-રોજગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ છે ત્યારે હેન્ડ સેનિટાઈઝર મહત્ત્વનું અને આવશ્યક પ્રોડક્ટ બની ગયું છે. ગુજરાતની SFP એન્ડ સન્સ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીએ ગુજરાત સરકાર તરફથી ખાસ લાઈસન્સ અને પરવાનગી હાંસલ કર્યા બાદ ભરૂચ જિલ્લાના ગજેરા ગામસ્થિત તેના પ્લાન્ટમાં ‘Jass+ હેન્ડ સેનિટાઈઝર’ બનાવવાનું અને વિતરણ કરવાનું શરૂ કર્યું છે.
1992ની સાલથી પરફ્યૂમ, પર્સનલ હાઈજીન અને હોમ કેર બિઝનેસમાં સક્રિય SFP સન્સ કંપની મર્યાદિત શિફ્ટમાં અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ (ICMR) સંસ્થાએ નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર હેન્ડ સેનિટાઈઝર બનાવે છે. તમામ પ્રોડક્ટ્સને ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી તરફથી કોરોના વાઈરસ રોગચાળા પ્રતિબંધાત્મક નિયમોને આધીન લાઈસન્સ આપવામાં આવ્યું છે. કંપની ચાર પ્રોડક્ટ બનાવે છે – હેન્ડ સેનિટાઈઝર પાઉચ (2ml), સ્ક્વીઝ (5ml), હેન્ડ સેનિટાઈઝર પ્લસ (100ml) અને સેફ્ટી પેક સેનિટાઈઝર (100ml + 135ml). પાઉચ માત્ર એક રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ સંકટ પર બેજવાબદાર રીતે કામ કરવાના આરોપ લગાવતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં આવતી આર્થિક સહાયતા પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી કોરોનાને ફેલાતો રોકવા માટે થઈને ડબલ્યૂએચઓની ભૂમિકાની સમીક્ષા ન થઈ જાય, ત્યાં સુધી આ રોક યથાવત રહેશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ વિશ્વમાં કોરોના સામે યુદ્ધમાં મોટો ઝાટકો લાગ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસને ફેલાતો રોકવા અને આને પહોંચી વળવા માટે મીસમેનેજમેન્ટ અને આને છુપાવવામાં વૈશ્વિક સંસ્થાની ભૂમિકાનું આંકલન કરવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યાં સુધી આજે હું મારા તંત્રને ડબલ્યૂએચઓને આપવામાં આવતા ફંડને રોકવાના નિર્દેશ આપું છું. બધા જાણે છે કે ત્યાં શું થયું છે. ટ્રમ્પ તંત્રએ ડબલ્યૂએચઓ પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થામાં તકલીફો સર્જાઈ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકાના કરદાતા ડબલ્યૂએચઓને વાર્ષિક 40 થી 50 કરોડ ડોલર આપે છે જ્યારે ચીન વાર્ષિક 4 કરોડ ડોલર અથવા તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે કહ્યું કે, કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં ડબલ્યૂએચઓ પૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચીનમાં જ્યારે આ વાયરસ ફેલાયો તો સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે તેને જવાબદાર ગણવું જોઈએ.
નવી દિલ્હી: કોરોનાવાયરસથી બચાવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલું સંશોધન અપનાવવાની અપીલ કરી છે. જેની લોકોમાં ખૂબ અસર જોવા મળી રહી છે. પીએમ મોદીની અપીલનો એક 10 વર્ષના છોકરા પર એવો પ્રભાવ પડ્યો કે તેણે જાતે જ ઘરમાં પોતા માટે માસ્ક બનાવી લીધું. તેમણે સિલાઈ મશીન દ્વારા આ માસ્ક તૈયાર કર્યું છે. આ બાળકના એક ઓળખીતા વ્યક્તિએ એની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પીએમ મોદીએ બાળકના આ પ્રયત્નની વખાણ કરતા કહ્યું કે કોરોનાવાયરસ વિરુદ્ધ આ જંગમાં તમારી ભૂમિકાને હંમેશા માટે યાદ રાખવામાં આવશે.
હકીકતમાં હેમંત ગુપ્તા નામના વ્યક્તિએ ટ્વિટર પર પોતાના ભત્રીજાની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે લખ્યું કે મોદીજીએ ઘરમાં બનાવેલા માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે, મારા દસ વર્ષના ભત્રીજો એનાથી ખૂબ જ પ્રભાવિત થયો અને ઘરે જાતે જ પોતાના માટે માસ્ક બનાવ્યું.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ ગઈકાલે દેશને સંબોધિત કર્યાની થોડી મીનિટમાં તેમના ટ્વિટર પેજ પર પ્રોફાઈલ ફોટ બદલી નાખ્યો હતો. નવી તસ્વીરમાં પીએમ મોદીએ તેમના ચેહરાને એક ગમછા જેવી વસ્તુથી ઢાંક્યો હતો. જેનો ઉદેશ્ય હતો કે, કોરોના સંકટ વચ્ચે સુરક્ષિત રહેવા માટે ચેહરાને કવર કરવા અંગે લોકોને જાગૃત કરવાનો છે.
વોશિગ્ટન: નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપ્રમખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડેનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે જો બીડેન સંકટમોચક બની શકે છે. મહત્વનું છે કે, બીડેન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.
ઓબામાએ કહ્યુ કે, જો બીડેનની પાસે લાંબો સમયનો અનુભવ છે. તેઓ આ મુશ્કેલ સમયમાં આપણુ માર્ગદર્શન કરી શકે છે. તેઓ દેશ માટે સંકટમોચક બની શકે છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે એક રાષ્ટ્રપતિમાં જે ગુણ હોવા જોઇએ એ તમામ ગુણ તેમનામાં છે. ઓબામાએ કહ્યુ કે તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા મારા સારા નિર્ણયોમાંનો એક હતો. તે મારા એક નજીકના મિત્ર બની ગયા છે. મારુ માનવું છે કે તેમનામાં એ તમામ ગુણ છે જે આપણા રાષ્ટ્રપતિ માટે જરૂરી છે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે પરંતુ અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં બર્ની સૅન્ડર્સ રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર તરીકે રેસમાં સામેલ હતા પરંતુ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. એટલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બીડેન અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર થશે.
2000ની સાલમાં આવેલી હિન્દી કોમેડી ફિલ્મ 'હેરાફેરી' બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અભિનીત એ ફિલ્મમાં એક નાનકડી છોકરીએ પણ સરસ એક્ટિંગ કરી હતી. રિંકુ નામના પાત્રની ભજવણી કરી હતી - એની એલેક્સીયા એન્રાએ. એ વખતે તે 10 વર્ષની હતી. આજે એની 30 વર્ષની થઈ ગઈ છે અને પર્યાવરણની નિષ્ણાત બની ગઈ છે.
'હેરાફેરી' ફિલ્મમાં રિંકુ છોકરી દેવીપ્રસાદની પૌત્રી હોય છે અને એનું અપહરણ કરવામાં આવે છે. ફિલ્મના દ્રશ્યો, ડાયલોગ્સ બધું રમૂજી હતું.
એની ફ્રાન્સ ગઈ હતી અને ત્યાં BBA કર્યું હતું. ત્યાંથી એ ભારત પાછી આવી હતી અને બે વર્ષ સુધી એક સોફ્ટવેર કંપનીમાં કામ કર્યું હતું. બાદમાં એણે એ નોકરી છોડી દીધી અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. એણે વેસ્ટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી છે જેનું નામ છે - વેસ્ટેડ સોલ્યૂશન્સ.
એની એન્રાએ કમલ હાસનની 'ચાચી 420'ની તેલુગુ આવૃત્તિ ફિલ્મમાં પણ બાળકલાકાર તરીકે અભિનય કર્યો હતો.
બ્રાઝિલઃ બ્રાઝિલમાં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય વ્યક્તિને કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી સૈન્ય સન્માન સાથે રજા આપવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકામાં બ્રાઝિલીયાઈ તોપખાના ફોજમાં સેવા આપનારા સેકન્ડ લેફ્ટનન્ટ કમાન્ડો પિવેટાને બ્યુંગલ વગાડતા અને તાળીઓના ગડગડાટ વચ્ચે બ્રાઝિલીયામાં આર્મ્ડ ફોર્સીઝ હોસ્પિટલથી બહાર લાવવામાં આવ્યા હતા.
બ્રાઝિલના આ વ્યક્તિ હોસ્પિટલમાં 8 દિવસ સુધી રહ્યા બાદ સેનાની લાલ રંગની ટોપી પહેરીને જ્યારે બહાર નિકળ્યા તો તેમણે હવામાં હાથ ઉઠાવીને અભિવાદન કર્યું. બાદમાં સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, તે એક અન્ય યુદ્ધ જીતી ગયા છે. તેમને હોસ્પિટલમાંથી એ દિવસે રજા આપી દેવામાં આવી કે જ્યારે બ્રાઝીલ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈટલીમાં મોંટીઝની લડાઈના પોતાના સફળ ઝુંબેશની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે.
લેટિન અમેરિકામાં કોરોના વાયરસના સૌથી વધારે પ્રભાવિત દેશ બ્રાઝીલ છે કે જ્યાં અત્યારસુધી આ સંક્રામક રોગથી 1532 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ઘણા સ્પોર્ટ્સ અને મનોરંજન સાથે જોડાયેલી ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ કેન્સલ થઈ ગઈ છે. ફિલ્મ જગતના ઘણા ફેસ્ટીવલ, ઈવેન્ટ રદ્દ થઈ ગઈ છે અને આમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો પણ સમાવેશ થાય છે. ફિલ્મો અને ફિલ્મી હસ્તીઓ મોટા પાયે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાય છે પરંતુ આ ફેસ્ટિવલ હવે જૂન સુધી આયોજિત નહી કરવામાં આવે અને બાદમાં પણ આનું ઓરિજનલ ફોર્મ આયોજિત કરવું મુશ્કેલ છે. હકીકતમાં પહેલા ફિલ્મ ફેસ્ટિવલ 12 મે થી 23 મે વચ્ચે યોજાવાનો હતો, પરંતુ 20 માર્ચના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા જણાવવામાં આવ્યું કે નક્કી સમય પર આનું આયોજન થઈ શકશે નહી. હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ જણાવ્યું કે હવે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન જૂન અથવા તો જૂલાઈના અંત સુધી થઈ શકશે નહી.
જો કે આયોજકો દ્વારા ફેસ્ટિવલને સૌથી સારા ફોર્મમાં કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સમારોહમાં 40,000 લોકો જોડાશે તેવી શક્યતા હતી. પરંતુ હવે આ ફિલ્મ જગતના સૌથી મોટા અને પ્રતિષ્ઠીત ફેસ્ટિવલને અલગ રીતે આયજિત કરવામાં આવી શકે છે. આયોજકો કાન્સ ફિલ્મ મહોત્સવના આયોજનની નવી પદ્ધતિ શોધી રહ્યા છે.
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન સ્થિતિ છે ત્યારે ગઈ કાલે બાન્દ્રા (વેસ્ટ) રેલવે સ્ટેશનની બહાર હજારો સ્થળાંતરિત કામદારો એકત્ર થયા બાદ મુંબઈ પોલીસે જેની ધરપકડ કરી હતી તે બની બેઠેલા કામદાર નેતાને 21 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ માણસનું નામ છે, વિનય દુબે. એ નવી મુંબઈના ઐરોલી ઉપનગરનો રહેવાસી છે.
એણે એવી ધમકી આપી હતી કે સરકાર જો માઈગ્રન્ટ કામદારોને એમના વતન મોકલવાની વ્યવસ્થા નહીં કરે તો 18 એપ્રિલે કુર્લા ઉપનગરમાં મજૂરો વિરોધ-દેખાવો કરશે.
ગઈ કાલે કેન્દ્ર સરકાર ઘોષિત 21-દિવસના લોકડાઉનનો છેલ્લો દિવસ હતો. અન્ય રાજ્યોમાંથી મુંબઈમાં રોજગાર માટે આવેલા સેંકડો કામદારો-મજૂરો એમના વતન શહેરો અને ગામડાઓમાં જવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. દેશવ્યાપી લોકડાઉનને તો 3 મે સુધી લંબાવવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે 10 વાગ્યાના એમના દેશવ્યાપી સંબોધનમાં જ કરી દીધી હતી તે છતાં બપોરે માઈગ્રન્ટ કામદારો બાન્દ્રા સ્ટેશનની બહાર એકત્ર થવા માંડ્યા હતા. આનું કારણ એ હતું કે એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે પરપ્રાંતિય કામદારો-મજૂરો એમના વતન જઈ શકે એટલા માટે રેલવે તંત્ર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું છે. આટલા બધા લોકોને એકત્ર થયેલા જોઈને પહેરો ભરી રહેલા પોલીસો પણ અચંબામાં પડી ગયા હતા.
પોલીસે ઓર્ડર મળતાં જ લાઠીમાર કરીને એકત્ર થયેલા લોકોને ભગાડી દીધા હતા.
ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો અને મુંબઈ પોલીસે વિનય દુબેની નવી મુંબઈમાંથી ધરપકડ કરી હતી. એને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો હતો. એની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમો – 117, 153-એ, 188, 269, 270, 505(2) અને એપીડેમિક ડિસીસીઝ એક્ટની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દુબેએ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર વિડિયો પોસ્ટ કર્યા હતા જેમાં એણે પોતાને મુંબઈમાં કામદાર નેતા તરીકે ઓળખાવ્યો હતો. એણે સરકારને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને માઈગ્રન્ટ કામદારોને ભડકાવ્યા હતા કે, ‘તમે ઘરમાં બેઠા રહેશો નહીં, પણ બાન્દ્રા રેલવે સ્ટેશન ખાતે એકત્ર થજો અને ધરણા કરજો.’
દુબેના ફેસબુક પેજ પર સરકારને ધમકી આપતી અનેક પોસ્ટ મૂકવામાં આવી હતી કે જો ઉત્તર ભારતીયોને એમના વતન મોકલવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.
દુબેનો પરિવાર ઉત્તર પ્રદેશના ભદોઈ ગામનો વતની છે. દુબે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી સાથે સંકળાયેલો છે.
વિનય દુબે
ગઈ કાલે માઈગ્રન્ટ કામદારોના એકત્ર થવાની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મજૂરોને ખાતરી આપી હતી કે આ રાજ્યમાં એમની પૂરતી કાળજી લેવામાં આવશે અને લોકડાઉન દરમિયાન તેઓ જ્યાં છે ત્યાં જ રહે.
ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, ‘દેશના જુદા જુદા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આશરે 5.5થી છ લાખ જેટલા મજૂરો કામ કરવા આવ્યા છે અને એમને સવારનો નાસ્તો અને બે ટાઈમ ભોજન તેમજ તબીબી સહાય પૂરાં પાડવામાં આવે છે. આટલા બધાં પગલાં લેવાયા છે તે છતાં તેઓ થોડાક મુંઝાઈ ગયા છે. મારી એમને અપીલ છે કે અમારા રાજ્યમાં તમે એકદમ સુરક્ષિત છો અને અમે તમારી કાળજી લઈશું. મહેરબાની કરીને ગભરાવ નહીં.’
દેશમાં કોરોનાગ્રસ્તોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે – 2,684. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 178 જણના મરણ થયા છે. એકલા મુંબઈમાં જ 112 જણના મરણ થયા છે.
સુરત: દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે બેંગલુરુનાં દંપતીને ૧૭ દિવસ બાદ તેમના બાળકનો ચહેરો જોવા મળ્યો હતો. આ દંપતી બેંગલુરુમાં હતાં અને સુરતમાં સરોગેટ મધરથી તેમની બાળકીનો જન્મ થયો હતો. જન્મ સમયે લોકડાઉન હોવાથી માતા-પિતા આવી શકતાં ન હતાં. એર એમ્બ્યુલન્સ દ્વારા મંગળવારે બાળકીને બેંગલુરુ પહોંચાડવાની વ્યવસ્થા દંપતીએ જ કરતાં આજે બાળકીને સુરતથી બેંગલુરૂ લઇ જવામાં આવી હતી.
ટવેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો
સુરતના ડૉ. પ્રભાકર અને પૂજા નાડકર્ણીએ કહ્યું હતું કે એક વર્ષ પહેલાં વંધ્યત્વ માટે બેંગલુરુનાં દંપતી અમારી પાસે આવ્યાં હતાં. મહિલાના ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાને કારણે તે ગર્ભધારણ કરી શકતી નહોતી. જેથી ડો. પૂજા નાડકર્ણી-સિંહે સરોગસી સાથે આઇવીએફ માટેની સલાહ આપી હતી. તેના સફળ આઇવીએફ પછી સરોગેટ માતા ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચના અંતિમ સપ્તાહમાં ડિલિવરી થવાની હતી.ત્યાર બાદ અમારી ટવેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો.
બેંગલુરુનાં દંપતીએ ૧૭ દિવસ સુધી બાળકીનો વિડિયો કોલથી જ નિહાળ્યો
માર્ચના મધ્યથી કોરોના વાઇરસ રોગચાળાને પગલે અચાનક થયેલા લોકડાઉનને પગલે તેમનાં તેના માતાપિતાને ખૂબ ચિંતા હતા. સરોગેટ માતાને ૨૯ માર્ચે પ્રસૂતિની પીડા થતાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સરોગેટ મધર અને બાળકી બંનેની તબિયત સારી હતી. માતા-પિતા બન્યા પછી પણ તેઓ તેના સંતાને મળી શકે તેવી સ્થિતિ ન હતી, કારણ કે તેઓ બેંગલુરુમાં લોકડાઉનના કારણે ફસાયાં હતાં. એટલે વિડિયોકોલથી જ તેમણે તેમના સંતાનનો ચહેરો નિહાળ્યો હતો. આ ૧૭ દિવસમા દરરોજ ત્રણ-ચાર વિડિયોકોલ કરીને માતા-પિતા પોતાના બાળકની સાથે ડિજિટલી સંપર્કમાં રહ્યાં હતાં.
છેવટે બાળકીનું તેનાં માતા-પિતા સાથે મિલન થયું
આ ઉપરાંત તેઓ કોઈ પણ પ્રકારે સુરત આવવાના સતત પ્રયત્ન કરતા રહ્યા હતા, પણ કંઈપણ વ્યવસ્થા થઈ શકી નહોતી. છેવટે ઘણા પ્રયત્નો કર્યા પછી માતાપિતા આખરે દિલ્હીથી બાળકી માટે એર એમ્બ્યુલન્સ ગોઠવી શક્યાં હતાં. આ દરમિયાન ૧૭ દિવસ બાળકીને હોસ્પિટલની નર્સની નિગરાનીમાં જ કાળજીપૂર્વક રાખવામાં આવી હતી. તબીબી ટીમ અને સંભાળ રાખતા નર્સ સ્ટાફએ બાળકની સારી સંભાળ લીધી હતી. આજે જ્યારે બાળકીને વિદાઈ આપવાની હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ખૂબ ભાવુક બન્યો હતો અને આંખોમાં આંસુ આવી ગયાં હતાં.