Home Blog Page 440

ISIના ઇશારે કામ કરતી આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હીની ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગને પકડી પાડી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગ પાકિસ્તાનના માધ્યમથી તુર્કી અને ચીનમાં બનેલી હાઇ-એન્ડ પિસ્તોલ ભારતમાં સપ્લાય કરતો હતો. આ હથિયારો વિવિધ જગ્યાએ સપ્લાય થતા અને ગુનાહિત કાર્યોમાં વપરાય તેના પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તસ્કરોને ઝડપી લીધા છે.

તસ્કરો પાસેથી શું-શું મળી આવ્યું?

પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગના ચાર મહત્વપૂર્ણ સભ્યોની ધરપકડ કરી કરી છે. તેમની પાસેથી 10 વિદેશી મોંઘી પિસ્તોલ અને 92 જીવંત કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યાં છે. આ હથિયારો દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં ગુનેગારો અને ગેંગસ્ટરો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં હતાં.

ISIના ઇશારે કેવી રીતે થતી હતી તસ્કરી?

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ આખું નેટવર્ક પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા લોકોના નિયંત્રણ હેઠળ કાર્યરત હતું. પહેલા હથિયારો પાકિસ્તાન પહોંચાડાતાં અને પછી ત્યાંથી ચોરીછૂપીથી ભારતની સરહદની અંદર લાવવામાં આવતાં હતાં.

એજન્સીઓની વધુ ચુસ્ત નજર

દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેખરેખ વધુ કડક કરી છે. દરેક શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે અને આતંકવાદ સાથે જોડાયેલા લોકોને પકડી પાડવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લા વિસ્ફોટની ઘટનામાં 15 લોકોનાં મોત થયાં હતાં અને બે ડઝન કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.

૨૨ નવેમ્બર ૨૦૨૫

ફેક ન્યૂઝ પર સખતાઈ, સરકાર IT નિયમોમાં કરશે ફેરફાર

નવી દિલ્હીઃ સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો 2021માં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેથી ડિજિટલ સામગ્રી પર નવા પ્રતિબંધો મૂકી શકાય. પ્રસ્તાવિત બદલાવ મુજબ એવી કોઈ પણ ડિજિટલ સામગ્રી પ્રસારિત નહીં કરવામાં આવે, જેમાં અશ્લીલ, માનહાનિકારક, જાણીજોઈને ખોટી, સંકેતાત્મક ટિપ્પણીઓ, ઈશારા અથવા અર્ધસત્ય હોય.

નવી જોગવાઈમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટ સારી-સભ્ય રુચિ અથવા શીલ-શોભા સામેનું ન હોવું જોઈએ, કોઈ જાતિ, વર્ણ, ધર્મ, વંશ અથવા રાષ્ટ્રીયતાનું અપમાન ન કરવું જોઈએ. લોકોને અપરાધ માટે ઉશ્કેરે નહીં કે હિંસા વધારતી કે તેની મહિમા કરતી સામગ્રી નહીં હોય. આ ફેરફારો ખાસ કરીને ભાગ-3 હેઠળ લાવવાની વાત ચાલી રહી છે. ભાગ-3 ડિજિટલ વિડિયો ઈન્ટરમિડિયરી (જેવા કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ) અને OTT પ્લેટફોર્મ્સ (જેવાં કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની + હોટસ્ટાર, સોની લાઇવ) પર લાગુ પડે છે તેમ જ સમાચાર ચેનલ અને અખબારોના ડિજિટલ પોર્ટલ્સ પર પ્રકાશિત સામગ્રી પર પણ લાગુ થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ પણ પ્રસ્તાવ કરી શકે છે કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ કોઈ વ્યક્તિ, કોઈ જૂથ અથવા ભારતના સામાજિક, જાહેર કે નૈતિક જીવનના કોઈપણ ભાગની નિંદા કે બદનામી કરતી સામગ્રી હોસ્ટ કે પ્રસારિત ન કરે. આ ફેરફારોનો હેતુ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફેલાતી આપત્તિજનક અને ભડકાઉ સામગ્રીને નિયંત્રિત કરવો છે. હજી આ પ્રસ્તાવિત છે અને તેમને અંતિમ સ્વરૂપ આપવા અને અમલમાં લાવવા સરકાર પ્રક્રિયા નક્કી કરશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) ડિજિટલ કન્ટેન્ટ માટે નવા નિયમો લાવવા તૈયારી કરી રહ્યું છે. આ નિયમો મુજબ કોઈ પણ ઓનલાઇન સામગ્રીમાં કોઈ જાતિ, ભાષા અથવા ક્ષેત્ર સંબંધિત જૂથનો અપમાન કરે એવું અથવા ઘમંડી વલણ દર્શાવતું કન્ટેન્ટ પ્રતિબંધિત થશે.  મંત્રાલયનો પ્રસ્તાવ છે કે આવા નિયમોનું ઉલ્લંઘન કરવા પર હાલ ઓનલાઇન અશ્લીલ સામગ્રી પ્રસારિત પર જે સજા થાય છે, તે જ લાગુ થશે.

પૈસા ખર્ચવા છતાં કાયમી શાંતિ અને આનંદ ન મળે તો એ ખર્ચ શું કામનો?

“ગૌરવ, જ્યારે હું આંખો બંધ કરીને શાંત રહેવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને ઘણા વિચારો આવે છે. મારું મન ચકરાવે ચડી જાય છે,” એક મિત્રના આ શબ્દો છે. મેં એને એક સીધી-સાદી પદ્ધતિથી શ્વસન કરવાનું સૂચવ્યું હતું.

“તારી આ પ્રગતિ સારી કહેવાય,” એવું મેં જ્યારે કહ્યું ત્યારે એ મુંઝાયો. પોતે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘણા બધા વિચારો આવે છે એ વાત સમજાઈ એ જ એની પ્રગતિ હતી, કારણ કે ઘણા લોકોને આ હકીકત સમજવામાં જ ઘણી વાર લાગતી હોય છે.

વાસ્તવમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ મગજને શાંત રાખવાની જહેમત કરતો હોય છે ત્યારે વધારે પડતા વિચારો આવતા જ હોય છે. આ સાવ સામાન્ય બાબત કહેવાય. વિચારોનું આક્રમણ ઓછું થાય અને મગજ શાંત થવા લાગે એ સ્થિતિમાં પહોંચવા માટે ઘણી સાધના કરવી પડતી હોય છે.

જો આપણે બારીક અવલોકન કરીએ તો જાણવા મળે છે કે ભૂતકાળના જ વિચારો મગજને ચકરાવે ચડાવી દેતા હોય છે. આપણે અગાઉ જે અનુભવ કર્યો હોય, જે વાતનું અર્થઘટન કર્યું હોય અને મગજમાં સંગ્રહ કર્યો હોય એ બધી વસ્તુઓ સામે આવ્યા કરે અને આપણને ખલેલ પહોંચાડ્યા કરે. આ બધા વિચારો કોઈ બીજાના નહીં, આપણા જ મગજના હોય છે. ખરું પૂછો તો, આ જ કર્મનો સિદ્ધાંત છે.

આપણે બધા ‘સમુદ્રમંથન’ વિશે જાણીએ છીએ . એ કરતી વખતે પ્રથમ ઝેર (વિષ) બહાર આવ્યું અને પછી અમૃત. એ જ રીતે, જ્યારે આપણે આંખો બંધ રાખીને મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે પહેલાં બધા વિક્ષેપકારક વિચારો આવે છે, જે સમુદ્રમંથનના વિષ સમાન હોય છે. પછીથી શાંતિ પ્રગટ થાય છે, જેની તુલના આપણે અમૃત સાથે કરી શકીએ છીએ.

જેના પર ઘણાં વર્ષોથી ધૂળ જામી હોય એવા એક અરીસાને સાફ કરતી વખતની સ્થિતિની કલ્પના કરી જુઓ. શરૂઆતમાં ઘણી બધી ધૂળ ખરવા લાગશે. પૂરેપૂરી સફાઈ થઈ ગયા પછી રજકણ ગાયબ થઈ જશે. થોડી જ વારમાં અરીસો એકદમ સાફ થઈને આપણું પ્રતિબિંબ ચોખ્ખું દેખાવા લાગશે. સ્વચ્છ અરીસો આપણા સ્વચ્છ અને શુદ્ધ મન સમાન હોય છે.

મન શાંત થવામાં કેટલી વાર લાગશે એ બાબત દરેક વ્યક્તિ પર નિર્ભર હોય છે. કોઈકને એક દિવસ, તો કોઈકને દાયકાઓ લાગી શકે છે. ભૂતકાળના વિચારો જેટલા રૂઢ થઈ ગયા હશે એટલું જ એમાંથી છૂટકારો મેળવવાનું અઘરું પડશે.

અહીં ખાસ જણાવવાનું કે વિચારો ક્યાંય જવાના નથી, એ ફક્ત આપણા મગજને શાંત કરવાની ક્રિયામાં વચ્ચે નહીં આવે. આ વિચારો બાહ્ય દુનિયા સાથેના આપણા અનુભવો હોય છે, જેનું આપણે અર્થઘટન કરીને મગજમાં સંગ્રહ કરી રાખ્યા હોય છે. બહારથી આવતી કોઈપણ વસ્તુ આપણને પરેશાન કરે તેવી શક્યતા હોય છે. શાંતિ અંદરથી પ્રગટ થાય છે; એ આપણને પરેશાન નહીં કરે. આ જ રીતે યોગિક વેલ્થ પણ આંતરિક બાબત છે. એ હંમેશાં શાંતિ આપે છે, ક્યારેય પરેશાન કરતી નથી.

અન્ય સંપત્તિ બહારથી આવે છે. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ અને વાપરીએ છીએ એ બહારથી આવે છે. જે બહાર છે એ જ કામચલાઉ છે અને એ જ આપણને પરેશાન કરે છે દા.ત. “હું ફક્ત આઇફોન વાપરું છું.” આઇફોન બહારથી આવે છે. જો તેની સાથે કોઈ આસક્તિ નહીં હોય, તો એ આપણને ઉપયોગ બાબતે સ્વતંત્રતા આપશે. જો આપણને એ ગમશે તો ફરી વાર ખરીદશું, નહીંતર બીજો કોઈ ફોન ખરીદી કરી લઈશું. “હું ફક્ત આઇફોન વાપરું છું,” એવું કહેનાર વ્યક્તિને એ બ્રાન્ડ પ્રત્યે આસક્તિ હોય છે અને એવી સ્થિતિ તકલીફ સર્જી શકે છે.

આઇફોન ગમતો હોય તો ચોક્કસ ખરીદો. બીજું પણ જે કંઈ ગમતું હોય એ ભલે ખરીદો, પરંતુ જો તમને તેની સાથે આસક્તિ બંધાઈ જશે, તો એ સુખ નહીં આપે અને પરેશાન કરશે. જો કોઈ આસક્તિ નહીં હોય તો એ સ્વતંત્રતા અને આનંદ આપશે.

પૈસા ખર્ચવા છતાં કાયમી શાંતિ અને આનંદ ન મળતાં હોય તો એ ખર્ચ શું કામનો? યોગિક વેલ્થની ખેવના રાખો, કારણ કે એ જ સંપત્તિ આનંદ આપે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોશિંગ્ટને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે એક સંભવિત માર્ગ શોધ્યો છે, પરંતુ પ્રસ્તાવ ત્યારે આગળ વધશે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી તેને મંજૂરી આપશે.

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમને લાગે છે કે અમારી પાસે શાંતિ સ્થાપિત કરવાનો એક રસ્તો છે, તેમને (ઝેલેન્સ્કી) તેને મંજૂર કરવું પડશે. મને લાગે છે કે તેઓ ઘણી નજીક પહોંચી રહ્યા છે, પરંતુ હું કોઈ આગાહી કરવા માગતો નથી. તેમની આ ટિપ્પણી અમેરિકાએ તૈયાર કરેલી નવી શાંતિ યોજનાને લઈને તેજ ચર્ચાઓ વચ્ચે આવી છે, જેના પર કિવ હાલમાં વિચાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ હજી પ્રારંભિક તબક્કામાં છે અને ચર્ચાઓ ચાલુ હોવાથી તેમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે.

આ પહેલાં શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે દેશ પોતાના ઇતિહાસની સૌથી પડકારજનક ક્ષણો પૈકી એકનો સામનો કરી રહ્યો છે, કારણ કે તે અમેરિકન પ્રસ્તાવના પરિણામો પર વિચાર કરી રહ્યો છે.ઝેલેન્સ્કીએ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પુનરાવર્તન કર્યું કે તેઓ ક્યારેય યુક્રેનના લોકોથી દગો નહીં કરે.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ આપણા ઇતિહાસના સૌથી મુશ્કેલ ક્ષણોમાંની એક છે… હવે યુક્રેનને એક અત્યંત કઠિન વિકલ્પનો સામનો કરવો પડી શકે છે  અથવા તો તેની માન-મર્યાદા ગુમાવવી પડશે અથવા તો એક મુખ્ય ભાગીદાર ગુમાવવાનું જોખમ લેવું પડશે.

ટ્રમ્પ પ્રશાસનમાં યુક્રેન શાંતિ પ્રસ્તાવમાં કિવે પૂર્વી ડોનબાસ વિસ્તારમાંથી પોતાના ક્ષેત્રનો ત્યાગ કરવો અને અમેરિકાની સમર્થિત સુરક્ષા ગેરંટીના બદલામાં પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદિત કરવા માટે સહમત થવાનું સામેલ હોઈ શકે છે — આ માહિતી ચર્ચાથી પરિચિત એક પશ્ચિમી અધિકારીએ આપી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પર હજી કામ ચાલી રહ્યું છે અને કોઇ પણ અંતિમ કરાર માટે રશિયા અને યુક્રેન બન્ને તરફથી સમાધાનની જરૂર પડશે.

‘બાજીગર ઓ બાજીગર’ ગીત પહેલાં માત્ર કાજોલનું જ હતું!

ગીતકાર નવાબ આરઝૂએ ફિલ્મ ‘બાજીગર’ (1993) નું ટાઇટલ ગીત ‘બાજીગર ઓ બાજીગર’ લખ્યું ત્યારે એ સલમાનની ફિલ્મ હતી અને માત્ર કાજોલનું સોલો ગીત હતું. બોલિવૂડના આ ગીતની વાત એવી છે કે નવાબ ગીતકાર તરીકે લોકપ્રિય થઈ રહ્યા હતા. નદીમ – શ્રવણ સાથેની ફિલ્મો સાથી, દિલ કા કસૂર વગેરેના ગીતો હિટ થઈ ગયા હતા. ત્યારે અનુ મલિકના સંગીતવાળી જુગલ -ઊર્મિલાની ફિલ્મ ‘આ ગલે લગ જા’ માં આમ તો સાત ગીતો હતા પણ માત્ર ટાઇટલ ગીત નવાબે લખ્યું હતું. એટલે અનુએ ફરી એક ટાઇટલ ગીત માટે નવાબને યાદ કર્યા હતા.

એ સમય પર મોબાઈલ ન હતા અને નવાબના ઘરનો ટેલિફોન ખરાબ હતો. કોઈએ નવાબને સંદેશ આપ્યો કે અનુ મલિક તમને બહુ બેચેનીથી શોધી રહ્યા છે. એમને મળી આવો. નવાબ અનુના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે નજીકમાં સમુદ્ર છે અને ત્યાં એ ટહેલવા ગયા છે. નવાબે અનુને શોધી કાઢ્યા ત્યારે એમણે પૂછ્યું કે એક ફિલ્મનું ટાઇટલ ‘બાજીગર’ છે એ કેવું લાગે છે? નવાબે કહ્યું કે સારું છે. ત્યારે અનુએ એનું પણ માત્ર ટાઇટલ ગીત લખવાનું કહ્યું. સમુદ્ર કિનારે ફરતા ફરતા જ બંનેએ ગીતનું મુખડું ‘મેરા દિલ થા અકેલા’ તૈયાર કરી દીધું અને નક્કી કરીને વાજિંત્રો સાથે સંગીત કંપની ‘વીનસ’ ની ઓફિસ પર પહોંચી ગયા. ત્યાં નિર્દેશક અબ્બાસ-મસ્તાન બેઠા હતા. એમને ‘બાજીગર ઓ બાજીગર’ નું મુખડું સંભળાવ્યું. એમણે પસંદ આવ્યું અને નવાબે ગીતના કેટલાક અંતરા પણ લખી આપ્યા.

નવાબે જ્યારે આ ગીત લખ્યું ત્યારે ફિલ્મ ‘બાજીગર’ નો હીરો સલમાન ખાન નક્કી થયો હતો અને એમાં ટાઇટલ ગીત હીરોઈન કાજોલ એકલી ગાઈ રહી હતી. નવાબનું આખું ગીત તૈયાર થયું અને સંગીત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થઈ ગયું. થોડા દિવસ પછી નવાબને અનુનો ફોન આવ્યો કે અબ્બાસ- મસ્તાન તને શોધી રહ્યા છે. નવાબે એમને ફોન કર્યો ત્યારે માહિતી આપી કે ફિલ્મ ‘બાજીગર’ નો હીરો બદલાઈ ગયો છે અને શાહરૂખ ખાન આવ્યો છે. હવે એવું કંઈક કરો કે ટાઇટલ ગીત યુગલ ગીત થઈ જાય.

નવાબે કહ્યું કે તમે જે વાર્તા સંભળાવી હતી એ મુજબ તો છોકરો બદલો લેવા આવ્યો હોય છે અને એની બહેનને મારી નાખે છે. એ પછી એ શું ગીત ગાશે? નિર્દેશકે કહ્યું કે એ શું ગાશે એ તમારે જોવાનું છે. તમે વિચાર કરીને લખો. નવાબે સમય માંગ્યો અને ગીતના શબ્દોમાં ફેરફાર કરી કાજોલ માટે ‘બાજીગર ઓ બાજીગર’ શબ્દો રહેવા દીધા અને શાહરૂખ માટે ‘બાજીગર મેં બાજીગર, દિલવાલોં કા મેં દિલબર, દિલ લેકે દિલ દિયા હૈ, સૌદા પ્યાર કા કિયા હૈ, દિલ કી બાજી જીતા દિલ હાર કર’ લખી આપ્યું.

ગીતને સપનામાં બતાવી દેવામાં આવ્યું. એ પછી ફિલ્મમાં એવો સંવાદ પણ આપી દીધો કે ‘પ્યાર મેં હારકર જીતનેવાલે કો બાજીગર કહતે હૈ’ જે બહુ લોકપ્રિય થયો હતો. ત્યારે મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાને આ પાત્ર નકારાત્મક હોવાને કારણે, ખાસ કરીને હીરોઇનને ધક્કો મારીને મારી નાખવાના દ્રશ્યને કારણે ફિલ્મ કરવાની ના પાડી હતી. પિતા સલીમ ખાને પણ સલમાનને આ પ્રકારની ભૂમિકા ન કરવા માટે સલાહ આપી હતી.

 

દૂધીના મિની મુઠીયા

આ દૂધીના સ્વાદિષ્ટ મિની મુઠીયા સોફ્ટ બને છે!

સામગ્રીઃ

  • દૂધી 300 ગ્રામ
  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘઉંનો જાડો લોટ ½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • લસણ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન,
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • દહીં ½ કપ
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • ખાંડ ½ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • તેલ 1 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેઃ

  • કળીપત્તાના પાન 7-8
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ દૂધીને ખમણી લો.  એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તેમજ હીંગનો વઘાર કરી લસણ-મરચાંની પેસ્ટ સાંતળીને ખમણેલી દૂધી તેમાં પાણી સૂકાય ત્યાં સુધી સાંતળી લો. ગેસ બંધ કરી દો.

દૂધી ઠંડી થાય એટલે તેને એક બાઉલમાં લઈ તેમાં ઘઉંનો બારીક તથા કરકરો લોટ અને ચણાનો લોટ મેળવો. ત્યારબાદ દહીં, વરિયાળી, તલ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, અજમો, ખાંડ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી હાથેથી મસળીને તેમાં મેળવીને સહેજ ઢીલો લોટ બાંધી લો.

આ લોટમાંથી નાની સાઈઝના લૂવા લઈ તેને લંબગોળ આકાર આપો. બધા લૂવા આ રીતે તૈયાર કરી, તેલ લગાડેલી સ્ટીલની ચાળણીમાં ગોઠવી દો અને સ્ટીલના વાસણમાં પાણી તેમજ કાંઠો મૂકી તેની ઉપર ચાળણી મૂકીને 40 મિનિટ સુધી ગેસની મધ્યમ આંચે બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

મુઠીયા ઠંડા થાય એટલે તેને બહાર કાઢી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે કળી પત્તાના પાન ઉમેરી લીલા મરચાંના ફાડા તેમજ ટુકડા કરી વઘારમાં ઉમેરીને સફેદ તલ મેળવી દો અને અને સમારેલી કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દો. આ વઘારમાં બફાયેલા મુઠીયા મેળવી દો. ગરમાગરમ મુઠીયા ચા અથવા ચટણી સાથે પીરસો.

પંચાંગ 22/11/2025

લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં સામેલ આતંકીઓનું હમાસ કનેક્શન?

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદીઓ, જે પોતાને ડોક્ટર અથવા મેડિકલ સ્ટાફ તરીકે રજૂ કરે છે, હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરોમાં સ્ટાફના લોકરનો ઉપયોગ હથિયાર અને વિસ્ફોટકો રાખવા માટે કરી શકે છે – બરાબર તેમ જ જેમ ગાઝામાં હમાસ કરે છે, એમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નાં સૂત્રોએ માહિતી આપી હતી. સૂત્રોએ કહ્યું હતું કે આની પાછળ કોઈ આતંકી સલાહકાર હોઈ શકે છે.

એન્ટિ-ટેરર એજન્સી 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે, જેમાં 15 લોકોએ જાન ગુમાવ્યા હતા. આ હુમલા સાથે જોડાયેલા ઓછામાં ઓછા ત્રણ સંદિગ્ધ – મોહમદ શાકિલ, આદિલ અહમદ રાઠેર અને શાહીન સઈદ  તેમ જ અમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલથી ભરેલી હ્યુન્ડાઈ i20 કાર ચલાવીને વિસ્ફોટ કરનાર આતંકી ઉમર મોહમ્મદ – બધા પાસે ડોક્ટર તરીકે કવર જોબ હતી.

શાકિલ અને મોહમ્મદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ હોસ્પિટલમાં કાર્યરત હતા, જ્યારે રાઠેર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્થિત શાસકીય મેડિકલ કોલેજમાં કામ કરતો હતો, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે GMC પર દરોડો પાડ્યો ત્યારે રાઠેરના લોકરમાંથી એક અસોલ્ટ રાઈફલ અને ગોલા-બારુદ મળી આવ્ હતા. એ જ રીતે સઈદની એક કારમાંથી પણ રાઈફલ અને ગોલા-બારુદ જપ્ત કરવામાં આવ્યું હતું.

સંદિગ્ધોની પૂછપરછમાંથી મેળવેલી ગુપ્ત માહિતીના આધારે NIA ને અનંતનાગ, બારામુલ્લા અને બડગામ જિલ્લાનાં હોસ્પિટલોમાં હથિયાર ભંડારની આતંકીઓની યોજના વિશે ચેતવણી મળી હતી. આતંકીઓનું માનવું હતું કે મેડિકલ સુવિધાઓ સામાન્ય રીતે આતંકવાદ અથવા આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાતી નથી.

આ આયોજનમાં ગંભીર સંકેત હતા કે કેવી રીતે હથિયારો મોટા ગાઝા હોસ્પિટલોમાં છુપાવવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે, જૂનમાં ઇઝરાયેલી સેનાએ અલ-શફા હોસ્પિટલની નીચે હમાસે બનાવી હતી એવી ટનલ નેટવર્ક મળ્યાનો દાવો કર્યો હતો. તેનું કહેવું હતું કે આ ટનલોમાં હથિયાર છુપાવવામાં આવ્યા હતા અને આ ટનલ્સ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કાર્ય કરતી હતી.NIAનાં સૂત્રોએ કહ્યું હતું કે લાલ કિલ્લા વિસ્ફોટ પાછળનું 10 સભ્યોનું ‘ટેરર ડોક્ટર’ મોડ્યુલ – જેને ખૂફિયા એજન્સીઓએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડ્યું છે, તેમની પાસે પણ આવી જ યોજના હતી.

HDFC MFએ અવેરનેસની પહેલ થકી જાગૃતિ યાત્રા સાથે કરી ભાગીદારી

અમદાવાદ: દેશની ઉદ્યોગ સાહસિકતાની ભાવનાની પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે 18મી જાગૃતિ યાત્રા 21મી નવેમ્બર, 2025એ અમદાવાદ પહોંચી હતી. હાલ ચાલી રહેલી 15 દિવસની, 8000 કિલોમીટર લાંબી રાષ્ટ્રવ્યાપી સફરમાં આ વધુ એક સીમાચિહ્ન છે. આ યાત્રા ભારત અને વિદેશના કાળજીપૂર્વક પસંદ કરેલા 500 યાત્રીઓને એક કરે છે. 68,000થી વધુ અરજીઓમાંથી પસંદ કરવામાં આવેલા આ સહભાગીઓ વ્યવસાયોના નેતૃત્વ હેઠળ વિકાસ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણનું જાગૃતિના મિશન માટે વધી રહેલા સમર્થનને દર્શાવે છે.

આ વર્ષની યાત્રાને HDFC મ્યુચ્યુઅલ ફંડનું સમર્થન મળેલું છે જે વ્યવસાય, શિક્ષણ અને નાણાકીય જાગ્રતતા દ્વારા દેશના યુવાનોને સશક્ત કરવાનું સહિયારું મિશન રજૂ કરે છે.

HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિજાણકાર નાણાકીય પસંદગીઓ પણ કરે. અમારી રોકાણકાર શિક્ષણ પહેલ દ્વારા અમે દેશના ખૂણે-ખૂણે રોકાણના સાધન તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જાગ્રતતાને પ્રોત્સાહન આપીને નાણાકીય જાગૃતિ ફેલાવવાનો અને વ્યક્તિઓ, ખાસ કરીને યુવા ભારતીયોને શિક્ષિત કરવાનો ઉદ્દેશ રાખીએ છીએ. અમદાવાદ પ્રકરણની શરૂઆત ઐતિહાસિક ગાંધી આશ્રમથી થઈ હતી, જ્યાં યાત્રીઓએ ગ્રુપ બનાવીને પરિસરની મુલાકાત લીધી હતી અને સત્ય, સેવા અને સ્વ-શિસ્તના એ મૂલ્યોને આત્મસાત્ કર્યા હતા જેણે ભારતની સ્વતંત્રતા ચળવળને આકાર આપ્યો હતો.

ગાંધી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે યાત્રીઓને સંબોધિત કર્યા હતા અને આધુનિક ભારતમાં નૈતિક નેતૃત્વ અને સમુદાય-સંચાલિત વિકાસના નિર્માણમાં ગાંધીવાદી આદર્શો હંમેશની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો. જાગૃતિ યાત્રાના સ્થાપક અને સાંસદ (દેઓરિયા) શશાંક મણિએ પણ સભાને સંબોધન કરતાં આશ્રમને પરિવર્તનશીલ વિચારોનો સ્ત્રોત ગણાવ્યો હતો અને યાત્રીઓને રચનાત્મક કામગીરીની ભાવનાને આગળ વધારવા વિનંતી કરી હતી. મુલાકાતના સમાપન સમયે આશ્રમમાં એક ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.