Home Blog Page 3991

CAA મામલે રાહુલ, પ્રિયંકા લોકોને રમખાણો કરવા ઉશ્કેરે છેઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર એવો આરોપ મૂક્યો છે કે નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને રમખાણો માટે એમને ભડકાવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનું રણશિંગૂ આજે ફૂંક્યું છે. એમણે આઈજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓની એક સભામાં સંબોધન કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું.

શાહે કહ્યું કે CAA કાયદો 3 પડોશી દેશ – પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો શિકાર બનીને ભારતમાં આવેલા લઘુમતી કોમોનાં લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો છે. આ કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી.

દિલ્હીમાં આગામી બે મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. દરેક પક્ષોએ એ માટે પોતપોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે આજથી ભાજપનું ચૂંટણી બ્યુગલ બજાવી દીધું છે.

શાહે કર્યું કે નાગરિકતા સુધારિત કાયદાનો વિરોધ કરનારાઓ દેશની જનતાને એક વાર ગેરમાર્ગે દોરી શકે છે, વારંવાર નહીં.

શાહે કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. ભાજપ ધરખમ બહુમતીથી જીતશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષ ચાલી, હવે લોકોએ એ પાર્ટીને પૂછવું જોઈએ કે એણે પાંચ વર્ષમાં કયા કયા કામો કર્યા. લોકોએ ‘આપ’ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે હિસાબ માગવો જોઈએ કે એમની સરકારે પાંચ વર્ષમાં શું કામ કર્યું.

મજબૂરીનું નામ નાટક ઉર્ફે પ્રવીણ ઉર્ફે પ્રવીણ સોલંકી

ગુજરાતી નાટય જગતમાં છેલ્લા ચૌદ વર્ષથી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાઓ ખાસ છે. એમ કહો કે, નાટય જગતના સિધ્ધહસ્ત કલાકારોથી માંડીને તખ્તા પર અભિનયની અજમાયશ કરવા માગતા નવોદિત કલાકારો જે ઉત્સવની રાહ જોઇને બેઠા હોય છે એ ઉત્સવના મહિનાઓ એટલે ડીસેમ્બર-જાન્યુઆરી અને એ ઉત્સવ એટલે મુંબઇસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી આયોજિત ‘ચિત્રલેખા નાટયસ્પર્ધા’.  એક અર્થમાં એ સાતત્ય અને સમર્પણનો ઉત્સવ છે, રંગભૂમિ પ્રત્યેના અદ્વિતીય સમર્પણનો.

ગુજરાતી રંગભૂમિનો આ ઉત્સવ હાલ મુંબઇમાં પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે એની સફળતાના પાયાના શિલ્પી અને સિધ્ધહસ્ત નાટ્ય લેખક પ્રવીણ સોલંકીએ આ નાટ્યસ્પર્ધાની રસપ્રદ સફરની વાત અહીં દિલથી આલેખી છે….

————————————————————————–

કેટલીક મજબૂરી ન કરવાનાં કામ કરાવે છે, જ્યારે કેટલીક મજબૂરી કરવા જેવાં કામ કરતાં અટકાવે પણ છે. કેટલીક મજબૂરી એવી પણ હોય છે જે પ્રેમથી નિભાવવી પડે છે અને હસતે મોઢે સહન કરવી પડે છે. ક્યારેક-ક્યારેક ફરજને આપણે મજબૂરીનું લેબલ લગાડી દેતાં હોઈએ છીએ તો ક્યારેક મજબૂરીનો ‘બહાના’ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ એવું આપણે વારંવાર બોલીએ છીએ કે સાંભળીએ છીએ, પણ એનો અર્થ કોઈ ક્યારેય સ્પષ્ટપણે જણાવી શક્યું કે સમજાવી શક્યું નથી.

એક બુઝુર્ગ ગાંધીયને મને એ સમજાવતાં કહ્યું, ‘પ્રવીણભાઈ, મારા ફાધર ગાંધીબાપુના અંતેવાસી હતા. ગાંધી આશ્રમમાં બાપુનો પડ્યો બોલ ઝિલાતો. કોઈ મીનમેખ નહીં. બાપુનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય. બાપુનો આદેશ એટલે અફર અને આખરી. બાપુ જે કહે એ કરવા બધા સદૈવ તત્પર રહેતા. કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. જોકે બાપુ આવું ઇચ્છતા નહીં. તે પોતાનો મત બીજા પર થોપવા ક્યારેય પ્રયત્ન ન કરતા. પણ તેમનો પ્રભાવ, વ્યક્તિત્વ એવાં હતાં કે કોઈ સામે પ્રશ્ન ન કરતું. આવી પરિસ્થિતિ કેટલાકને મજબૂરી લાગતી એટલે કહેવાતું કે ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.’

છેલ્લાં ૧૪ વર્ષથી દર ડિસેમ્બરમાં મારે લગભગ એકાદ મહિનો બધાં જ કામો કોરાણે મૂકી ઘર-કુટુંબના બધા જ સારા-નરસા પ્રસંગોને અવગણી, બધી જ પ્રવૃત્તિઓને અલ્પવિરામ આપી સળંગ એક મહિનો ગુજરાતમાં વીતાવવો પડે છે. સતત ૧૪ વર્ષથી આ ક્રમ ચાલતો આવ્યો છે. એક વર્ષના મારા દીકરાને ‘તાયફોડ’માં મૂકીને જવું પડ્યું તો એક વર્ષ મેં કરાવેલા ઑપરેશન પછી ચોથા દિવસે રવાના થયો. આવા પ્રસંગે મિત્રો, વડીલો બધા મને ટપારે કે એવો તે તારો શું ગરાસ લૂંટાઈ જવાનો છે કે તું જાય છે? હું હસીને વાત ટાળવા કહું, ‘મારી મજબૂરી છે.’

હકીકતમાં એ મારું કર્તવ્ય, ફરજ રહી છે. ૧૪ વર્ષ પહેલાં મેં કરેલો ‘સંકલ્પ’ પાર પાડવાનું કર્તવ્ય. શાળાજીવનથી હું નાટકને જીવતો આવ્યો છું. ૬૦ વર્ષથી નાટક મારી રગેરગમાં ફરતું રહ્યું છે. રંગભૂમિ મારા કર્મ અને ધર્મનું ક્ષેત્ર રહ્યું છે. મારા અધિષ્ઠાતા એટલે રંગદેવતા! આ રંગભૂમિ થકી હું જીવતો રહ્યો છું, ઉન્નત મસ્તકે મને જિવાડ્યો છે. મને નામ આપ્યું, સન્માન આપ્યું, દામ આપ્યા અને સૌથી વિશેષ તો મને જીવવાનું બહાનું આપ્યું.

૧૪ વર્ષ પહેલાં એક શુભ પળે મને વિચાર આવ્યો કે રંગભૂમિએ જો મને આટલું બધું આપ્યું છે તો મેં એના બદલામાં રંગભૂમિને શું-શું આપ્યું? એવું તે હું શું કરું જેનાથી રંગભૂમિના કલાકારો, કસબીઓ, લેખકો, દિગ્દર્શકો અને છેવટે પ્રેક્ષકોનું હું કંઈક આપી શકું? મારી દ્વિધામાં ભવન્સ કલ્ચરલ સેન્ટરના પ્રશાસક લલિત શાહ જોડાયા. ફળશ્રુતિરૂપે ત્રિઅંકી (હવે દ્વિઅંકી) નાટ્યસ્પર્ધાનો જન્મ થયો.

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું સશક્ત સાધન-માધ્યમ ‘નાટક’ છે. ગુજરાતના ખૂણે-ખૂણે, ભારતભરમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં અનેક કલાકારો અને કસબીઓ રંગભૂમિની નાની-મોટી પ્રવૃત્તિઓ કરે છે અને તેમને કંઈક નવું-નોખું કરવાની ધગશ છે, ઉત્સાહ છે; પણ યોગ્ય પ્લૅટફૉર્મ નથી. અનેક અનુભવી કલાકારોને પણ પ્રોયોગિક ધોરણે કશુંક નવું-નોખું કરવાની તમન્ના છે, પણ એ લોકો પાસે પણ સાધન-સગવડ, પ્રેક્ષક-પૈસા નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખી નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે અને અનુભવી કલાકારોને કંઈક નવું નોખું કરવાની તક મળે એવા આશયથી પ્રસ્તુત સ્પર્ધાનો આરંભ થયો.

પહેલે વર્ષે ભારતભરમાંથી ૯ એન્ટ્રીઓ આવેલી. ઉત્તરોઉત્તર એન્ટ્રીઓ વધતી ગઈ. ૨૦૧૬-૧૭માં કુલ્લે ૫૧ એન્ટ્રીઓ આવી હતી. સ્પર્ધાનું પ્રથમ ચરણ ગુજરાતનાં શહેરો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, નવસારી જેવાં શહેરોમાં યોજાય છે. આ વર્ષે કુલ ૪૮ એન્ટ્રીઓ આવી છે, જેમાંથી ૧૯ નાટકો પ્રથમ ચરણ માટે પસંદ થયાં અને એમાંથી ૭ નાટકો ભાવનગર ખાતે અને બાકીનાં ૧૨ નાટકો સુરત ખાતે રજૂ થયાં, જેમાંથી ૧૦ નાટકો ફાઇનલ માટે અંતિમ સ્પર્ધા માટે પસંદ થયાં છે જે તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે રજૂ થશે.

મને સંતોષ થાય છે કે મેં આદરેલા યજ્ઞનું પરિણામ અદ્ભુત આવ્યું છે. આજે મુંબઈમાં ભજવાતાં વ્યાવસાયિક નાટકો માટે ટિકિટબારી ફળતી નથી. એકાદ-બે અપવાદ સિવાય કોઈ નાટકો ટિકિટબારી પર ભાગ્યે જ ચાલે છે. નાટકમાં નાટ્યત્વને બદલે હાસ્યત્વ અનિવાર્ય બન્યું છે ને વાર્તાને બદલે ટેક્નિક-આંજી નાખે એવા ભપકાને પ્રાધાન્ય મળી રહ્યું છે. નાટક ચલાવવા માટે પ્રોડ્યુસરે જાતજાતની તરકીબો અજમાવવી પડે છે ને એમાં કશું ખોટું નથી. જે હોય તે, મુંબઈમાં પ્રેક્ષકો ઓછા થયા છે એ હકીકત છે. નાટક સંસ્થાઓના ખભા પર ચાલે છે એ બીજી વરવી વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં આ સ્પર્ધામાં ગુજરાતનાં નાનાં-નાનાં શહેરોમાં નાટક જોવા માટે અડધો કલાક પહેલાં લાઇન બનાવે, ૮૦૦-૧૦૦૦ સીટનું સભાગૃહ હાઉસફુલ થાય, જગ્યા ન હોય તો લોકો ઊભા રહીને, પગથિયાં પર બેસીને નાટક જુએ, માણે, યોગ્ય સ્થળે દાદ આપે, ન ગમે તો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે સહન કરી લે આ દૃશ્ય મનને ભાવવિભોર કરી નાખે એ સ્વાભાવિક છે.

કોઇને દલીલ કરવાનું મન થાય કે ‘મફત’માં નાટક જોવા મળે તો હાઉસફુલ કેમ ન થાય? આ દલીલમાં કોઈ વજૂદ નથી. લોકોની મનોવૃત્તિનો મને બરાબર અંદાજ છે. મફતમાં મળતી વસ્તુઓમાં ગુણવત્તા નથી હોતી એવો લોકોમાં ભ્રમ હોય છે. જેટલું મોંઘું એટલું વધારે સારું એવી માન્યતા લોકોનાં મનમાં ઘર કરી ગઈ છે. શરૂઆતનાં બે વર્ષ અમને પણ પ્રેક્ષકો મેળવવામાં અગવડ પડેલી. પરંતુ સ્પર્ધાના ધોરણ અને લોકપ્રિયતાને લીધે પ્રેક્ષકો આકર્ષાયા. વિવિધ વિષયો અને અનોખી ભાતનાં નાટકો  પ્રેક્ષકોને સભાગૃહ સુધી લઈ આવવામાં સફળ બન્યાં.

પ્રસ્તુત સ્પર્ધામાં છેલ્લાં ૧૦ વર્ષથી દર વર્ષે લગભગ ૩૦૦થી ૬૦૦ કલાકાર કસબીઓ ભાગ લે છે, ૨૫થી ૩૦ હજાર પ્રેક્ષકો નાટક જુએ છે, દર વર્ષે ચારથી પાંચ નવા કલાકારો મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિને અને ટીવી સિરિયલ્સના પ્રોડ્યુસરને મળે છે. આ સ્પર્ધાને કારણે નવા-નવા લેખકો મળ્યા છે, દિગ્દર્શકો મળ્યા છે. જે અનુભવી કલાકારો પોતાના દાયરામાં કેદ હતા તેમને રંગભૂમિનું વિશાળ ફલક જાણતું થયું છે. દા.ત. વિરલ રાછ જામનગરના મટીને સમસ્ત રંગભૂમિના બની ગયા.

પ્રસ્તુત સ્પર્ધાનો ઇતિહાસ અને સિદ્ધિઓની યાદી લાંબી છે અને આત્મશ્લાઘાના ભયે અટકાવું છું. ફક્ત એટલું જ કહીશ કે અમારો પરસેવો રંગ લાવ્યો છે, મહેનત મહેકી ઊઠી છે, પ્રયત્નોનું ધાર્યું પરિણામ આવ્યું છે. રંગભૂમિનું ઋણ ચૂકવવાના મારા મુઠીભર પ્રયાસનું પરિણામ થાળ ભરીને આવ્યું એનો આનંદ છે. વ્યાવસાયિક નાટકો લખવાં એ મારી જરૂરિયાત છે, જીવનનિર્વાહનું સાધન છે. બાકી રંગદેવતા મારા આરાધ્ય દેવ છે. મેં ઘણી જગ્યાએ કહ્યું છે, લખ્યું છે કે મારે મન નાટક કૃષ્ણ છે, લેખક દેવકી છે જે નાટકને જન્મ આપે છે, દિગ્દર્શક યશોદા છે જે નાટકનું જતન કરે છે, ઉછેરે છે. રંગમંચ ગોકુળ છે, કલાકાર કસબીઓ ગોવાળિયાઓ છે અને પ્રેક્ષકો ગોકુ‍ળવાસી છે.

એક બીજી મહત્વની વાત. એકાંકી નાટ્યસ્પર્ધા મુંબઈ સહિત ભારતભરમાં ઠેર-ઠેર થાય છે. કેટલાંક રાજ્ય સરકારી કે મહાપાલિકા ત્રિઅંકી નાટકો-ફુલ લેન્ગ્થ પ્લેની સ્પર્ધાનું આયોજન કરે છે. સુરતની મહાપાલિકા છેલ્લાં ૪૦થી વધુ વર્ષોથી આ આયોજન કરતી આવી છે, પરંતુ કોઈ જાહેર સંસ્થાએ વ્યાપક ફલક પર ૧૪ વર્ષ સતત આયોજન કર્યું હોય એવો આ પહેલો દાખલો છે. એ રીતે પણ ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા રંગભૂમિના ઇતિહાસનું ઊજ‍ળું પાનું બની રહેશે.

સતત ૧૪ વર્ષથી ચાલતા અમારા આ રંગયજ્ઞની નોંધ બહુ ઓછી લેવાઈ છે એનું અમને દુ:ખ એટલા માટે નથી કે સારા કામની સરાહના ન કરવી એ આપણી રાષ્ટ્રીય આદત અને માનસિક વૃત્તિ છે. આપણે હોળી પ્રગટાવીએ છીએ પણ પ્રહલાદની પૂજા કરતા નથી. રાવણનાં પૂતળાં બાળીએ છીએ, પણ જટાયુની આરતી ઉતારતા નથી. વિચાર કરો, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોય તો કેટલી દોડધામ કરવી પડે છે? તો…

ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં ૨૦-૨૨ નાટકોનું આયોજન કરવું, થિયેટર બુક કરાવવાં, જાહેરાત કરવી, ટિકિટો-આમંત્રણપત્રિકાઓ છાપવી, એનું વિતરણ કરવું, સ્પર્ધકોને તારીખો ફાળવવી, તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે આયોજનની રૂપરેખા ઘડવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું, નાટકોની ભજવણી માટે સેટ, લાઇટ, પ્રૉપર્ટીની યોગ્ય વ્યવસ્થા થઈ છે કે નહીં એનું ધ્યાન રાખવું, આ બધું કેટલું ભગીરથ કામ હશે? કેટલાે સમય માગી લે? જો આ સ્પર્ધા કોઈ પ્રાઇવેટ કંપની કે સરકાર કરતી હોય તો કેટલા માણસો કામે લગાડે?

પ્રિય વાચકો, છેલ્લાં ૧૪ વર્ષથી આ જવાબદારી પાંચ જ વ્યક્તિઓએ નિભાવી છેઃ પ્રવીણ સોલંકી, લલિત શાહ, કમલેશ દરૂ, રમાકાંત ભગત અને જિજ્ઞેશ મકવાણા.

આ શક્ય બન્યું એનું કારણ રંગભૂમિ પ્રેમીજનોનો સહકાર, જે-તે શહેરની સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોનો સથવારો, દાતા વ્યક્તિ અને કંપનીઓની આર્થિક મદદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની ઉદારતા અને પહેલા વર્ષથી જ ચિત્રલેખા સાપ્તાહિકના માલિકો-સંચાલકોનું પડખું અને હૂંફ અમારો આધાર બની રહ્યાં.

અને છેલ્લે…

દર વર્ષે ૨૦-૨૨ દિવસ કામધંધો, ઘરબાર, કુટુંબ છોડીને ઘરથી દૂર રહેવાની મારી ‘મજબૂરી’નું કારણ હવે આપને સમજાઈ ગયું હશે. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી નહીં, પ્રવીણ હતું. હાથે કરીને વહોરી લીધેલી રંગીન પીડા. એક વાર ગોરખનાથ કબીરસાહેબના ઘરે ગયા. ગોરખનાથે કહ્યું, ‘ચાલો, આપણે ગંગાસ્નાન કરવા જઈએ.’ ગંગાતટે પહોંચ્યા પછી બોલ્યા કે પહેલાં હું ગંગામાં કૂદકો મારું છું, થોડી પળ પછી તમે કૂદકો મારી મને શોધી કાઢશો? કબીરજીએ કહ્યું, ‘અવશ્ય.’ ગોરખનાથે કૂદકો માર્યો. થોડીક ક્ષણો બાદ કબીરજીએ કૂદકો માર્યો અને હાથમાં એક દેડકો પકડી બહાર આવી બોલ્યા, ‘ગોરખનાથ, મૂળ સ્વરૂપમાં આવો.’ ગોરખનાથ શરમાયા. હવે કબીરજીએ કહ્યું કે હું ડૂબકી મારું છું, તમે શોધી કાઢો. કબીરજીએ ડૂબકી માર્યા પછી ગોરખનાથે ગંગામાં કબીરને ખૂબ શોધ્યા, ક્યાંય મળ્યા નહીં. નિરાશ થઈ હાથ જોડી તટ પરથી બોલ્યા, ‘કબીર, હું મુંઝાયો છું, તમે બહાર આવો.’ કબીરસાહેબ હસતાં-હસતાં બહાર આવ્યા. ગોરખનાથે પૂછ્યું કે તમે પાણીમાં શું થઈ ગયા હતા? કબીરજીએ કહ્યું કે હું પાણીમાં પાણી થઈને ભળી ગયો હતો.

હું પણ નાટકમાં નાટક થઈને ભ‍ળી ગયો છું.

સમાપન

એક અજીબ સા રિશ્તા હૈ મેરે ઔર ખ્વાહિશ કે બીચ

વો મુઝે જીને નહીં દેતી ઔર મૈં ઉન્હે મરને નહીં દેતા

અરમાનો અને મારા વચ્ચે એક અજબનો સંબંધ છે. એ મને જીવવા નથી દેતાં અને હું એને મરવા નથી દેતો.

(લેખ સૌજન્યઃ મિડ-ડે ગુજરાતી દૈનિક) 

(તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા)

 

 

મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણીઃ NCPના અજીત પવાર નાણાં પ્રધાન, અનિલ દેશમુખ ગૃહ પ્રધાન

મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની 3-પક્ષોના સંગઠન ‘મહાવિકાસ આઘાડી’ની બનાવાયેલી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદીને રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ મંજૂરી આપી દીધી છે.

ઘણા દિવસોના વિલંબ બાદ પ્રધાનોને ખાતાની ફાળવણીનો મામલો હવે સમાપ્ત થયો છે.

કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવ્યું છે એની ઔપચારિક જાહેરાત હજી કરવામાં આવી નથી, પરંતુ યાદી મિડિયા પાસે પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદી ગઈ કાલે રાતે ગવર્નર કોશિયારીને મોકલી હતી. રાજ્યપાલે એની પર પોતાના હસ્તાક્ષર કરી દેતાં એ મંજૂર થઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય પ્રશાસન, ભંડોળ, ન્યાયતંત્ર પોતાની પાસે રાખ્યા છે. એમણે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને પર્યાવરણ અને પર્યટન ખાતું સોંપ્યું છે તથા પોતાના જ પક્ષના એકનાથ શિંદેને નગરવિકાસ અને સાર્વજનિક બાંધકામ ખાતાઓની જવાબદારી આપી છે.

સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મહત્ત્વના પદ આપવામાં આવ્યા છે. અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે અને એમને બે મહત્ત્વના ખાતા આપવામાં આવ્યા છે – નાણાં અને આયોજન.

અગાઉ એવા અહેવાલ હતા કે એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલને નાણાં ખાતું સોંપવામાં આવશે, પરંતુ એમને તે આપવામાં આવ્યું નથી અને અજીત પવાર બન્યા છે નાણાં પ્રધાન. જયંત પાટીલને જળસંસાધન પ્રધાન બનાવવામાં આવ્યા છે.

એનસીપીના અનિલ દેશમુખને રાજ્યના નવા ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતને મહેસૂલ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ બન્યા છે સાર્વજનિક બાંધકામ પ્રધાન.

શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ રાજ્યના નવા ઉદ્યોગ પ્રધાન બન્યા છે.

એનસીપીના છગન ભુજબળને અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન બનાવાયા છે. આ જ પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડને ગૃહનિર્માણ અને ધનંજય મુંડેને સામાજિક ન્યાય ખાતાની જવાબદારી આપવામાં આવી છે. નવાબ મલિકને અલ્પસંખ્યકોને લગતી બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

શિવસેનાના અનિલ પરબને બનાવવામાં આવ્યા છે નવા ટ્રાન્સપોર્ટ પ્રધાન.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પાર્ટીના પ્રધાન અબ્દુલ સત્તાર

બે દિવસ પહેલાં નારાજગી વ્યક્ત કરીને રાજીનામાની ધમકી આપનાર શિવસેનાનાં મુસ્લિમ પ્રધાન અબ્દુલ સત્તારને મહેસુલ અને ગ્રામવિકાસ ખાતાના રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણીઃ અમારી પર હુમલો કર્યો તો ઈરાનના 52 સ્થળો પર હુમલા કરીશું

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકાના સૈનિકો પર કે સંપત્તિ પર હુમલા કરશે તો અમેરિકા ઈરાનમાં 52 સ્થળોને ટાર્ગેટ બનાવીને એની પર હુમલા કરશે અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ખતરનાક ફટકો મારશે.

અમેરિકા, ઈરાન વચ્ચે તંગદિલી વધી; યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, જો અમારી પર હુમલો કર્યો તો અમે 52 સ્થળો પર હુમલા કરીશું.

ગયા શુક્રવારે ઈરાકના પાટનગર બગદાદમાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીનું મોત નિપજાવનાર અમેરિકી દળોના હવાઈ હુમલાનો બચાવ કરતા ટ્રમ્પે ટ્વિટ્સ કર્યા છે અને કહ્યું છે કે 52 આંકડો ઈરાને ઘણા વર્ષો પહેલાં બાનમાં પકડેલા 52 અમેરિકન નાગરિકોના આંકડાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાની શાસકોએ 1979ના નવેંબરમાં પાટનગર તેહરાનમાં યુએસ દૂતાવાસ પર કબજો જમાવ્યા બાદ 52 અમેરિકન નાગરિકોને બાનમાં પકડ્યા હતા. એ અમેરિકનોને ઈરાને 444 દિવસો સુધી બાનમાં પકડ્યા હતા.

ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું છે કે 52માંના અમુક સ્થળો ઈરાનમાં ઘણા જ ઉચ્ચ સ્તરીય અને અને ઈરાની સંસ્કૃતિ માટે મહત્ત્વના છે. અમેરિકા એ લક્ષ્યાંકો પર ખૂબ જ ઝડપથી ત્રાટકશે અને એ ફટકો ખૂબ જ ખતરનાક હશે. અમેરિકા હવે વધારે ધમકીઓ નહીં આપે.

ટ્રમ્પે અમેરિકા ઈરાનમાં કયા સ્થળો પર હુમલા કરશે એ જણાવ્યું નથી.

અમેરિકી દળોએ ગયા શુક્રવારે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન વડે કરેલા હવાઈ હુમલામાં ઈરાકના ઉગ્રવાદીઓને સમર્થન આપતા ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની તથા ઈરાકના ઉગ્રવાદી નેતા અબુ માહદી અલ-મુહાન્ડીસ માર્યા ગયા હતા. એ બંનેનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા હજારો ઈરાકી લોકોએ શનિવારે કૂચ કાઢી હતી.

છેલ્લા અમુક દિવસોની ઘટનાઓ અને ઈરાન પર ત્રાટકવાની ટ્રમ્પની ધમકીને કારણે મધ્યપૂર્વમાં તંગદિલી ખૂબ વધી ગઈ છે.

ઈરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી

દરમિયાન, ઈરાનના કોમ શહેરની મસ્જિદ-એ-જમકરાનની ઉપર લાલ ઝંડો ફરકાવી દેવામાં આવ્યો છે જે યુદ્ધનું પ્રતિક ગણવામાં આવે છે.

ઈરાની લશ્કરના બ્રિગેડિયર જનરલ અબૂલ ફૈઝલ નામના વરિષ્ઠ કમાન્ડરે એલાન કર્યું છે કે જનરલ કાસીમ સુલેમાનીની મોતનો ઈરાન અમેરિકા પર જરૂર બદલો લેશે. અમેરિકા પર બદલો લેવા માટે યોગ્ય સ્થળ અને યોગ્ય સમયની રાહ જોવામાં આવશે.

અબૂલ ફૈઝલે એમ પણ કહ્યું છે કે અમે અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવા માટે શાંતિથી અમારો પ્લાન બનાવીશું અને જોરદાર ફટકો મારીશું.

ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ પણ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર ભારતમાં એન્ટ્રી માટે તૈયાર

મુંબઈ: ચીનની કાર નિર્માતા કંપની ગ્રેટ વૉલ માટર્સ ભારતના માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કંપની ફ્રેબુઆરીમાં યોજાનારા ઓટો એક્સપોમાં કેટલીક એસયુવી અને એક ઈલેક્ટ્રીક કાર પ્રદર્શિત કરશે. આ ઈલેક્ટ્રિક કાર Ora R1 છે જે વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક તરીકે જાણીતી છે.

Ora R1 ઈલેક્ટ્રીક કારની કિંમત 8.6 હજાર ડોલરથી લઈને 11 હજાર ડોલર જેટલી છે. એટલે કે ભારતીય રુપિયામાં આ કારની કિંમત 6.2 લાખથી લઈને 8 લાખ રુપિયા સુધી આંકી શકાય. ગ્રેટ વૉલ મોટરે પોતાના ભારતીય ટ્વિટર પેજ પર આ સસ્તી ઈલેક્ટ્રિકલ કારને ફીચર કરી છે. Ora R1 ઈલેક્ટ્રિક કાર એક વાર ફુલ ચાર્જ થયા બાદ 351 કિમી સુધી ચાલી શકે છે. કારમાં 35KWની ઈલેક્ટ્રિક મોટર અને 33kwhની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ચાર્જરથી આ કારને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 10 કલાકનો સમય લાગશે. ફાસ્ટ ચાર્જરથી કારની બેટરી 40 મિનિટમાં 20 ટકાથી ચાર્જ થઈને 80 ટકા થઈ જશે.

આ સસ્તી ઈલેક્ટ્રિક કારની રેન્જ ભારતીય માર્કેટમાં રહેલી અન્ય ઈલેક્ટ્રિક કારના હિસાબે પ્રતિસ્પર્ધી છે. આ ઈલેક્ટ્રિક કારની સરેરાશ એવરેજ 270 કિમી છે. ફુલ ચાર્જ પર સૌથી વધુ એવરેજ 452 કિમી હ્યુંડાઈની કોના ઈલેક્ટ્રિક આપે છે. પરંતુ તેની એક્સ શો રૂમ કિંમત 23.72 લાખ રુપિયા છે.

જોકે, આ ઈલેક્ટ્રીક કારમાં ટેસ્લા ઓટોપાયલટ કે તેમના જેવા અન્ય ફેન્સી ટેક્નોલોજી ફિચર્સ નથી પણ આ કારનો દેખાવ આકર્ષક છે. કારની સ્ટીલ ફ્રેમ પર શાનદાર કર્વ્સ અને મોટા રાઉન્ડ હેડલેમ્પ કારને રેટ્રો મોર્ડન લુક આપે છે. આ ઈલેક્ટ્રીક કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી Hello Ora બોલતાની સાથે આ કાર ચાલુ થઈ જશે.

ભારતમાં ઈલેક્ટ્રિક કારની સરેરાશ કિંમત 13 લાખ રુપિયાની આસપાસ છે. જે ટ્રેડિશનલ પોપ્યુલર કાર્સ કરતા લગભગ 5 લાખ રુપિયા વધારે છે. જ્યારે ગ્રેટ વૉલ મોટર્સની એન્ટ્રીથી ભારતના ગ્રાહકોને Ora R1ના સ્વરુપે એક સારો વિકલ્પ મળશે. ગ્રેટ વોલ મોટરે ભારતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ટ્વિટર પેજ પર કંપનીએ નમસ્તે ઈન્ડિયા ટાઈટલ સાથે એક ટીઝર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક SUVની આઉટલાઈન પણ જોવા મળે છે.

શિયાળામાં થતી એલર્જીથી કઈ રીતે તમારા શરીરને બચાવશો?

શિયાળો આવે એટલે એક રાહત થાય ગરમીથી છૂટકારો મેળવવાની!  આ ઋતુમાં સવાર સવારમાં ઘરની બહાર જોવા મળતું ધુમ્મસ કોઈ કવિ માટે કવિતાની પ્રેરણા બને! ફિટનેસ જાળવવા રોજ મોર્નિંગ વોક લેનારને વાતાવરણ આહ્લલાદક લાગે! પણ વ્યક્તિ-વ્યક્તિએ પ્રકૃતિ અલગ હોય છે! કમનસીબે, આવી ખુશનૂમા ઠંડકમાં કોઈને એલર્જીનો સામનો પણ કરવો પડતો હોય છે!

જરૂરી નથી કે, આ શિયાળાની ઠંડક દરેકને માફક આવે! કોઈકને  શરદી થાય તો કોઈકને છીંક આવવી શરૂ થઈ જાય. તો ઘણાંને વાયરસના બેક્ટેરીયાને લીધે અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડતો હોય છે. આવી એલર્જીમાં ત્વચા તેમજ શ્વાસોશ્વાસ સંબંધી તકલીફો જોવા મળે છે. એના ખાસ કારણોમાં, આ ઋતુમાં વધ-ઘટ થતું તાપમાન, વાતાવરણમાં સવાર-સાંજ છવાતું ધુમ્મસ, ઓછો સૂર્યપ્રકાશ મળવો. આ બધાં કારણે, જે વ્યક્તિની મેટાબોલિઝમ્ અને ઈમ્યુન સિસ્ટમ એટલે કે, શરીરની ચયાપચયની ક્રિયા તેમજ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને માટે સમસ્યા વધી જાય છે.

શરદીમાં થનાર એલર્જીઃ

  • ગળામાં કફને લીધે કર્કશતા આવવી અથવા ખાંસી આવવી
  • ત્વચામાં ખંજવાળ આવવી તેમજ ત્વચા લાલ થઈ જવી
  • કાનમાં તકલીફ હોય તો ઓછું સંભળાવું
  • ગળામાં સોજો આવે અને ખોરાક ગળવામાં તકલીફ થાય
  • શ્વાસમાર્ગમાં અવરોધ લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય
  • કન્જ્કટિવાઈટીસ (આંખો લાલ થઈ જવી)

શરદીની એલર્જીના લક્ષણોઃ

  • નાક બંધ થવું અથવા સતત ગળતું રહેવું
  • નાકની ત્વચા લાલ થઈ જવી અથવા નાકમાં સોજો આવવો
  • સતત છીંકો આવે કે ઉધરસ આવે અને અસ્થમા એટલે કે, દમનો એટેક આવવો
  • શરીર દુઃખવું તેમજ માથું ભારે થવું, આંખો ભારે લાગવી

 

શરદીમાં એલર્જી થવાના કારણોઃ

ઘણાં લોકોને ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળ, એ લોકોની લાળ તેમજ યૂરીનને કારણે પણ એલર્જી થતી જોવા મળે છે.

આ ઋતુમાં તકલીફો વધી જાય છે. કેમ કે, પ્રાણીઓ પણ આખો દિવસ ઠંડકને કારણે ઘરમાં જ ફરતાં રહેતાં હોય છે. ઉપરાંત, ઘરનાં બારી-બારણાં ઠંડીને કારણે બંધ રાખવામાં આવે છે. જેને લીધે વેન્ટીલેશન ઓછું થાય છે. સાવચેતીરૂપે પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. ડોક્ટર પાસે રેગ્યુલર ચેક-અપ માટે તેમને લઈ જવા.

ઘણીવાર ઉનથી બનેલા સ્વેટર, જર્સી, સ્કાર્ફથી પણ એલર્જી થઈ જાય છે. જો ઉન સારી ક્વોલિટીનું ન હોય તો પણ ત્વચા લાલ થઈ જાય છે. એ માટે સિંથેટીક ઉનના ગરમ કપડાં તેમજ કોટનના કપડાં હિતાવહ છે.

કઈ રીતે કરશો એલર્જીથી બચાવ?

  • જો ધૂળને કારણે એલર્જી થતી હોય તો ઘરમાં ઝાડૂને બદલે વેક્યુમ ક્લીનર વાપરવું
  • તાપમાનમાં આવતાં પરિવર્તનથી સાવચેત રહેવું
  • પડદા, બેડશીટ અઠવાડિયે એક વાર ધોઈ લેવા
  • પડદા, બેડશીટ અને ગાલીચાને સમયાંતરે તડકામાં મૂકવા
  • પાળતુ પ્રાણીઓના વાળને કારણે થતી એલર્જીથી બચવા તેમનાથી દૂર રહેવું, બને ત્યાં સુધી તેમને બેડરૂમની બહાર રાખવા.
  • પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. પ્રાણી સાથે આખો દિવસ રહ્યાં હોવ તો રાત્રે સૂતાં પહેલાં સ્નાન કરી લેવું. કપડાં બદલી લેવાં.

બદલાતી ઋતુ માટે ઘરગથ્થૂ ઉપાયોઃ

શરદી કફ માટે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ ટાળવો. શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરના રસોડામાં જ ઘણો એવો ખોરાક છે જે ઔષધીની ગરજ સારે છે. જેમ કે,

  • અદરખ (આદુ)

આદુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રહેલાં છે. શિયાળામાં શરદી માટે થોડું આદુ ઝીણું વાટીને પાણીમાં ઉકાળીને એ પાણી હુંફાળૂં પીવાથી શરદી તેમજ કફમાં રાહત થાય છે. ગળાને પણ આરામ મળે છે.

  • સુપ

ટમેટાં, બીટ, ગાજર અને પાલકનું વેજીટેબલ સુપ પીવાથી પણ શરદીમાં રાહત થાય છે.

  • મધ

લીંબુપાણીમાં મધનું એક ચમચી મિશ્રણ પણ દુઃખતા ગળાને રાહત આપે છે. મધમાં એન્ટીબેક્ટેરીયલ ગુણધર્મ છે, જે શરદીને દૂર રાખે છે.

  • ખજૂર

 

1-2 ખજૂર ખાઈને ગરમ પાણી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. ઉપરાંત શરીરને પોષણ પણ મળે છે.

રાશિ ભવિષ્ય 05/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

રાશિ ભવિષ્ય 30/12/19થી 05/1/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમાં સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવું સારુ, જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલન-મુલાકાત કે હરવા-ફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમા તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમાં ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમાં કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમ્યાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમાં પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામાં સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.