Home Blog Page 3990

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશુંઃ અમિત શાહ

પટણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી કહ્યું છે કે બિહાર ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી નિતીશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે પહેલા પણ એવાત કહી હતી પરંતુ ઝારખંડના ચૂંટણી પરિણામો આવ્યા બાદ ફરીથી તેમણે આ વાત કહી છે. પરંતુ બિહારમાં ભાજપ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે સૌથી રાહતની સમાચાર છે કે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે સીટોની સમજૂતી શું સરખે સરખી થશે ત્યારે તેમણે કહ્યું કે એ ચર્ચા બાદમાં કરીશું. પરંતુ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને અમારા મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ રહેશે. નીતિશના સમર્થકો માનીને ચાલી રહ્યા છે કે શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ સીટોની સમજૂતીને લઈને અડગ નથી જે તેમના માટે સારા સમાચાર છે.

બિહાર ભાજપના નેતાઓનું કહેવું છે કે આ વિષય અમારા અધિકારથી બહારનો છે કારણ કે શરુઆતથી જ સંખ્યા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે છે. જ્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વ ફીડબેક માંગશે ત્યારે વધારે સીટો આપવામાં એટલા માટે કોઈ મુશ્કેલી નથી કારણ કે ભાજપનો સ્ટ્રાઈક રેટ સહયોગી દળ હોવાના કારણે હંમેશા વધારે સારો હોય છે. આ નેતાઓનું કહેવું છે કે જેપણ સત્તા વિરોધી લહેર હોય છે તેની નુકસાની નીતિશ કુમારના ઉમેદવારોને ઉઠાવવો પડે છે.

દીપિકા પાદુકોણે ખોલ્યું રાઝ: કહ્યું, રણવીરને કીધા વગર કરું છું આ કામ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ છપાકના પ્રમોશન માટે કપિલ શર્માના કોમોડી શો ધ કપિલ શર્મા શોના સેટ પર આવી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ જોરદાર મસ્તી કરીને કેટલીક અંગત વાતો પણ કહી. શો દરમ્યાન કપિલ શર્માએ દીપિકાને પુછ્યું કે શું તે ઘરમાં સામાન્ય ગૃહિણીઓની જેમ જ કામ કરે છે. જેનો દીપિકાએ એવો મજેદાર જવાબ આપ્યો કે શોમાં હાજર તમામ દર્શકો પણ પેટ પકડીને હસવા લાગ્યા.

દીપિકા પાદુકોણે કહ્યું કે, હા હું રોજ દૂધ ખરીદુ છું અને દરરોજની, સપ્તાહની અને મહિનાની ગ્રોસર શોપિંગનું લિસ્ટ પણ બનાવું છું. કપિલ શર્માએ તેમને આગળ પૂછયું કે, શું તે તેમના પતિ રણવીર સિંહના પર્સમાંથી પૈસા કાઢે છે. જેના જવાબમાં દીપિકાએ કહ્યું કે, હા, હું એક સામાન્ય ગૃહિણીની જેમ જ મારા પતિના પર્સમાંથી કીધા વગર પૈસા કાઢી લઉં છું.

મહત્વનું છે કે, એભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રીએ એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવી રહી છે. ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસે પણ મહત્વનો રોલ ભજવી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ પાટનગર બની શકે ખરા?

ગુજરાતમાં ચાર નગરો મુખ્ય ગણાય છે, પણ તેમાંનું એક વડોદરા થોડું સુસ્ત થયું હોય તેવું લાગે છે. તેથી અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણ મુખ્ય નગરો બન્યાની છાપ ઉપસશે. તેમાંય સુરત બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. વેપારમાં, વસતિમાં, વૈવિધ્યમાં, સુધારામાં, સ્વચ્છતામાં સુરત બીજા શહેરોથી આગળ વધીને રાષ્ટ્રીય શહેરો સાથે અને કેટલાક કિસ્સામાં વિશ્વના નગરો સાથે સ્પર્ધા કરે છે. જેમ કે વિશ્વના હિરા પ્રોસેસિંગમાં 10માંથી 7 સુરતમાં પ્રોસેસ થાય છે.

બીજી બાજુ મહેસાણા, ગાંધીધામ, જામનગર, ભાવનગર અને ઉંઝા તથા મોરબી વગેરે પણ અગત્યના શહેરો તરીકે સ્પર્ધામાં આવી શકે ખરા, પણ એવી કલ્પના કરો કે રાજ્યમાં ત્રણ રાજધાની રાખવાની હોય તો અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણની જ આપોઆપ પસંદગી થાય તેવી મારી વાત સાથે તમે સહમત થશો. વડોદરા અને મહેસાણા અમદાવાદની ઘણી નજીક હોવાનો ગેરફાયદો પણ થાય.

પણ ત્રણ પાટનગરની ચર્ચા શા માટે? પાટનગર તો એક જ હોય. ના, જરૂરી નથી. એકથી વધુ પાટનગર ધરાવતા બે રાજ્યો તમને તરત યાદ આવવા જોઈએ. અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે. નાગપુર શિયાળુ સત્ર 2019માં બીજા દિવસે શરૂઆતથી જ ખેડૂતોના મુદ્દે ભારે ધમાલ થઈ હતી. એ જ રીતે અત્યારે જમ્મુ અને કાશ્મીરનું સરકારી તંત્ર જમ્મુમાં આવી ગયું છે. જમ્મુ રાજ્યની શિયાળુ રાજધાની છે, તે જાણીતી વાત છે. વિભાજન પછી તે હવે કેન્દ્રશાસિત રાજ્ય છે અને વિધાનસભાની રચના થવાની બાકી છે, પણ સરકારી તંત્ર શ્રીનગર અને જમ્મુ વચ્ચે ઋતુ પ્રમાણે કામ કરતા રહેશે.

આ દરમિયાન હૈદરાબાદમાં આંધ્ર પ્રદેશની સરકારના મુખ્યમંત્રી જગનમોહને જાહેરાત કરી કે તેઓ એકના બદલે ત્રણ પાટનગરની રચના કરવા માટે વિચારી રહ્યા છે. યોગાનુયોગ એ છે કે હૈદરાબાદ અત્યારે બે રાજ્યોની રાજધાની છે – આંધ્ર પ્રદેશ ઉપરાંત તેલંગાણાની. આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા જૂદું રાજ્ય બન્યું છે, પણ રાજધાની હૈદરાબાદ તેની પાસે રહી છે એટલે જૂના રાજ્ય આંધ્રે નવી રાજધાની વિકસાવાની છે.

અમરાવતી એવા નામે નવી રાજધાની બનવાનું કામ ચાલી જ રહ્યું હતું, પણ ચંદ્રાબાબુ નાયડુને હરાવીને જગનમોહન મુખ્યમંત્રી બન્યા પછી તે કામ અટકી પડ્યું છે. એક લાખ કરોડ રૂપિયાના જંગી ખર્ચે આધુનિક નગરી બનાવવા માટેનું કામ શરૂ થઈ ગયું હતું, પણ નાયડુએ તેમાં જંગી ભ્રષ્ટાચાર કર્યો છે એમ કહીને કામ અટકાવી દેવાયું છે. તેથી વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક પણ જંગી લોન આપવાની હતી તે પણ અટક્યું છે.

પણ જગનમોહને જાહેરાત કરી કે અમરાવતી ઉપરાંત ઓલરેડી વિકસિત વિશાખાપટ્ટનમ નગર છે તેને અને કૂર્નુલને પણ રાજધાની તરીકે વિકસાવી શકાય છે. અમરાવતીમાં વિધાનસભા બેસશે, વહિવટીતંત્ર વિશાખાપટ્ટનમાંથી કામ કરશે અને કૂર્નુલમાં ન્યાયતંત્ર રહેશે તેવી વાત તેમણે કરી છે.

લોકોની ઇચ્છા અને આકાંક્ષાને ધ્યાનમાં રાખીને આવું કરવા વિચારી શકાય છે તેમ જગનમોહને કહ્યું, પણ આવી વાતમાં લોકોની ઇચ્છા કરતાં શાસકોના તુક્કા વધારે ચાલતા હોય છે. આના માટે ભારતમાં જૂનું તુઘલઘનું ઉદાહરણ અપાતું હોય છે. ગાંડિયા શાસકોના આવા ઘેલા વિચારોને તુઘલઘી તુક્કા કહેવામાં આવે છે. તુઘલઘ દિલ્હીનો બાદશાહ બન્યો પછી તેને થયું કે અહીંથી દક્ષિણ ભારત બહુ દૂર પડે છે. તેણે વિચાર્યું કે મધ્યમાં રાજધાની હોવી જોઈએ. તેથી તુઘલઘાબાદ નામની રાજધાની બનાવી દિલ્હીથી સૌને ત્યાં હિજરત કરાવવી પડી હતી. તેમાં ખજાનો ખાલી થઈ ગયો અને સત્તા પણ ગુમાવવી પડી.

વહીવટીતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે, પણ તેના માટે ત્રણ ત્રણ પાટનગર બનાવવા જરૂરી ખરા? આવો સવાલ પૂછાવાનો. જગનમોહનને પણ ખ્યાલ છે કે આવો સવાલ પૂછાવાનો એટલે તેમણે કહ્યું છે કે આ માત્ર વિચાર છે અને તેના પર વિચાર કરવામાં આવશે. નિષ્ણાતોને પૂછવામાં આવશે, જનમત જાણવામાં આવશે અને રાબેતા મુજબ સમિતિ બેસાડવામાં આવશે.

સમિતિ બેસાડી પણ દેવાઈ છે અને કેપિટલ રિજન માટેનો અહેવાલ તેમની પાસેથી આવવાનો બાકી છે. ગત નવેમ્બર મહિનામાં નિવૃત્ત આઇએએસ ઓફિસર નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ અલગ અલગ પાટનગર રાખી શકાય ખરા તેના માટે વિચાર કરવા સમિતિ બેસાડાઈ છે. સમિતિ પછી કન્સ્ટલન્સી ફર્મ પાસેથી પણ અભિપ્રાય માગવામાં આવશે અને વિચાર કર્યા પછી જ નિર્ણય લેવાશે એવું કહીને જગનમોહને વાત હાલ ઠંડી પાડી છે.

તેમણે દાખલો આપ્યો કે દક્ષિણ આફ્રિકામાં ત્રણ રાજધાની છે. તેને ધ્યાનમાં રાખીને અને વિકેન્દ્રીકરણ માટે આપણે પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ એમ તેમણે કહ્યું.

ગુજરાતમાં વિકેન્દ્રીકરણ કરવાની વાત આવે તો ત્રણ પાટનગર માટે અમદાવાદ-ગાંધીનગર, સુરત અને રાજકોટની વાત આવે. તેના કારણે પ્રથમ તો એ ચર્ચા થવાની કે અમદાવાદ હતું જ છતાં ગાંધીનગરમાં અલગ પાટનગર બનાવાયું. હવે ઢંગધડા વિનાનું આયોજન જુઓ કે બંને નગર એકબીજાને અડવા આવ્યા છે. આ બાજુ સાણંદમાં પણ ઉદ્યોગો નાખીને તેને પણ વિકસાવાયું છે. પેલી તરફ મહેમદાવાદ-નડિયાદ-આણંદ અને આ બાજુ કડી-કલોલ-મહેસાણા એકબીજાને કોણીઓ મારવા લાગ્યા છે.

આને કેવી રીતે વિકેન્દ્રીકરણ કહેવાય? આયોજન શબ્દ સૌથી વધારે નેતાઓ વાપરતા હોય છે અને આયોજનનો ‘અ’ પણ કદી સરકારી કામમાં દેખાયો તો દેખાડો? કેશુભાઈની સરકાર હતી ત્યારે ગાંધીનગરના પાદરે ઊભેલા 68 હજાર વૃક્ષોનો ખાતમો બોલાવીને ત્યાં ઇન્ફોસિટી બનાવવાની જાહેરાત થઈ હતી. ઇન્ફોસિટીમાં યુવાનોને રોજગારી મળવાને બદલે ત્યાં નકરી દુકાનો અને ઓફિસ બની ગઈ છે. ગાંધીનગર હરિયાળી અને રળિયામણી રાજધાની હતી તેને વર્ષો જતા સિમેન્ટ કોન્ક્રિટની ગંદી નગરી બનાવી દેવાઈ છે.

વિકેન્દ્રીકરણ આ રીતે ના થાય. ત્રણ ત્રણ રાજધાનીના બદલે કામગીરી અને સરકારી વિભાગોને વહેંચી દેવામાં આવે તો વિકેન્દ્રીકરણ થાય. ઇન્ફોસિટી કે કમર્શિયલ એક્ટિવિટી માટે બની રહેલું ફાઇનાન્સ સેન્ટર બીજે બનાવી શકાયું હોત. હાઇ કોર્ટની બેન્ચ સુરત અને રાજકોટમાં રાખવી જોઈએ. વનવિભાગ જૂનાગઢમાં હોવો જોઈએ અને પશુપાલન વિભાગ ચરોતરમાં હોવો જોઈએ. કૃષિ અને એગ્રો ઇન્ડસ્ટ્રીનો વિભાગ મહેસાણામાં હોવો જોઈએ. ટ્રેડિંગના કેન્દ્રો સુરત અને નવસારીમાં હોય. નિકાસના કેન્દ્રો ગાંધીધામ અને મુંદ્રામાં હોય. કેમિકલ માટેનું મુખ્ય વહિવટીતંત્ર વાપી-વલસાડમાં હોય. શિક્ષણ, સાંસ્કૃતિક અને રમતગમતનું કેન્દ્ર વડોદરામાં હોય. મત્સ્યોદ્યોગ માટે પોરબંદર કે વેરાવળ હોઈ શકે. એક પણ નિગમની ઓફિસ ગાંધીનગર કે અમદાવાદમાં રાખવાના બદલે જુદા જુદા જિલ્લામથકે હોય તો વિકેન્દ્રીકરણ થયું કહેવાય.

સંદેશ વ્યવહારની ક્રાંતિ થઈ છે અને થોડા આયોજન સાથે વાહન વ્યવહારની ક્રાંતિ પણ થઈ શકે. તેવું થાય ત્યારે બધા જ વહિવટદારોએ ગાંધીનગરમાં બેસવાની જરૂર ના પડે. વિધાનસભા અને મહેસુલ તથા પોલીસ સહિતનું ટોચનું થોડું વહિવટીતંત્ર ગાંધીનગરમાં બેસે, બાકી બધા વિભાગોના સચિવાલય જુદા જુદા નગરોમાં બેસે તો વહિવટ ઉલટાનો સુધરશે. તે સંજોગોમાં ત્રણ પાટનગરને બદલે ત્રીજી રીતે વિચારવાની જરૂર છે એમ તમે વિચારો છો ખરા? કે પછી આ પણ તુઘલઘી તુક્કા જ કહેવાય…

શું સાવરકર-ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધો હતા? કોંગ્રેસની બુકને લઇને વિવાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા વહેંચવામાં આવેલા એક પુસ્તકને લઈને વિવાદ થયો છે. આ પુસ્તક વીર સાવરકર પર છે. “વીર સાવરકર કિતને વીર” આ પ્રકારે તેનું ટાઈટલ છે. ભોપાલમાં આયોજિત કરવામાં આવેલા 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં આ પુસ્તક વહેંચવામાં આવ્યું હતું. આમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે નાથૂરામ ગોડસે અને વીર સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધો હતા.

વીર સાવરકર કીતને વિર નામના પુસ્તકમાં ઘણા પુસ્તકોના આધારે દાવાઓ કરવામાં આવ્યા છે. ડોમિનિક લૈપિએર અને લૈરી કોલિનની પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટનો ઉલ્લેખ કરતા આમાં લખવામાં આવ્યું છે કે, બ્રહ્મચર્ય ધારણ કરતા પહેલા નાથૂરામ ગોડસેના એક જ શારીરિક સંબંધની વિગત મળે છે. આ સમલૈંગિક સંબંધ હતા. તેમના પાર્ટનર હતા તેમના રાજનૈતિક ગુરુ વીર સાવરકર. સાવરકર અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પથ્થર ફેક્યા હતા અને ત્યાંની ટાઈલ્સ તોડી નાંખી હતી. પુસ્તકના 14મા પાને સવાલ છે કે, શું સાવરકરે હિંદુઓને અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા? આના જવાબમાં લખવામાં આવ્યું છે, કે આ સાચુ છે. સાવરકરે બળાત્કારને એક ન્યાયસંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હતું. પોતાના પુસ્તક “સિક્સ ગ્લોરિયરસ એક્સપોઝ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી” માં જાનવરોની વ્યવહારિક પ્રવૃત્તિને જોડતા સાવરકરે વ્યાખ્યા કરી કે કેવી રીતે દરેક જાનવર પોતાના અસ્તિત્વને બચાવી રાખવા માટે પોતાની સંખ્યા વધારે છે.jqpvu96

એક અન્ય પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સંઘ શરુઆતથી જ ફાંસીવાદ અને નાજીવાદથી પ્રેરણા લે છે. જેવી રીતે હિટલરે યહૂદિઓ સાથે કર્યું આરએસએસ પણ દેશના અલ્પસંખ્યકોને પોતાના નાગરિક અધિકારોથી વંચિત કરવા ઈચ્છે છે. જ્યારે આ બંન્ને પુસ્તિકાઓમાં વિવાદાસ્પદ સામગ્રી પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે, પુસ્તકમાં જે છાપવામાં આવ્યું છે તે ઐતિહાસિક તથ્ય છે, જેને યોગ્ય સંદર્ભો સાથે લખવામાં આવ્યું છે. જનતાને હકીકત જણાવવી જરુરી છે. આજે આપણા દેશમાં બધા જ વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે.

વિર સાવરકર વિરુદ્ધ આ પ્રકારની વાતને લઈને શિવસેના હવે મેદાને આવી છે, આ મામલે સંજય રાઉતે કહ્યું કે, જે લોકો સાવરકરજી મામલે આવું બોલી રહ્યા છે તેમના મગજની તપાસ કરવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્ર હોય કે દેશનો કોઈપણ ભાગ, દરેક વ્યક્તિ વીર સાવરકરજી પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેમનું મગજ ગંદકીથી ભરેલું છે. રાઉતે કહ્યું કે શિવસેનાનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે વિર સાવરકરજી મહાન હતા અને રહેશે. તેમણે કહ્યું કે જે પણ પુસ્તક છપાયું છે તે મધ્ય પ્રદેશની જિંદગી છે તે ક્યારેય મહારાષ્ટ્રમાં નહી આવે. આ ગેરકાયદેસર છે.

મહારાષ્ટ્ર સરકારમાં ખાતાની વહેંચણીમાં વિલંબ: કોની નારાજગી?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણીને હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી. મહા વિકાસ અઘાડીની મોડી રાત સુધી ચાલેલી બેઠક પછી પણ મંત્રીઓના વિભાર પર સહમતિ બની શકી નથી. ગુરુવારની બેઠક પછી કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, કોંગ્રેસમાં હવે કોઈપણ પ્રકારનો મતભેદ નથી અને તેમના તરફથી નામોનું લિસ્ટ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દેવામાં આવ્યું છે. હવે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે.

રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પણ કહ્યું કે, 95 ટકા વિભાગોને લઈને સહમતિ બની ગઈ છે અને બાકીના 5 ટકા પર સીએમ ઉદ્ધવ જે પણ નિર્ણય લેશે તે બધાને માન્ય છે. આ અગાઉ ગઈકાલે શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, પાર્ટીના નેતાઓને લઈને મંત્રાલયની વહેંચણી થઈ ગઈ છે જેમાં બાલાસાહેબ થોરાટને રાજસ્વ મંત્રાલય, અશોક ચવ્હાણને પીડબ્લ્યૂડી, યશોમતી ઠાકુરને મહિલા અને બાળ વિકાસ, વર્ષા ગાયકવાડને તબીબી શિક્ષણ, સુનીલ કેદારને ઓબીસી, અસલમ શેખને કાપડ ઉદ્યોગ, અમિત દેશમુખને શિક્ષણ અને કેસી પડવીને આદિવાસી મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

તો મંત્રાલયની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ પર એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તારુઢ ગઠબંધનમાં મંત્રાલયની વહેંચણીને લઈને કોઈ નારાજ નથી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવાર સુધીમાં મંત્રીઓને મંત્રાલયની ફાળવણી કરી દેશે. તો બીજી તરફ ગુરુવારે સવારે જ શિવસેનાએ માન્યું હતું કે, ગઠબંધનના વરિષ્ઠ નેતાઓમાં મુખ્ય મંત્રાલયોને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

તો મંત્રાલયોની ફાળવણીમાં થઈ રહેલા વિલંબને કારણે વિપક્ષને પણ સરકાર પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, આ ગઠબંધનની નિષ્ફળતા દર્શાવે છે. મહત્વનું છે કે, ગઠબંધનમાં શિવસેના, રાકાંપા, કોંગ્રેસ અને અન્ય નાની સહયોગી પાર્ટીઓ સામેલ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને છ મંત્રીઓએ ગત 28 નવેમ્બરે શપથ લીધા હતાં.

શું બિહારના મુખ્યમંત્રી આવાસમાં ભૂતનો વાસ છે?

પટના: બિહારમાં નવા વર્ષની શરુઆત સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમારની અનૌપચારિક વાતચીતે વિવાદ છેડ્યો છે. વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે વાતવાતમાં મુખ્યમંત્રી આવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે લાલુ-રાબડી અહીંથી અન્ય ઘરમાં શિફ્ટ થયાં ત્યારે જાદૂ-ટોના કરવાના બહાને દરેક જગ્યાએ પુરીઓ મુકી દીધી હતી. નીતિશના જણાવ્યા  અનુસાર ત્યારપછી લાલુ યાદવે મજાક મજાકમાં પોતે આવુ કર્યું હોવાનું સ્વીકાર્યું પણ હતું.

હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપવાની જવાબદારી રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ લીધી છે. તેમણે કહ્યું કે, લાલુજીએ એક વખત મને કહ્યું હતું કે, પટનાના દરભંગા હાઉસના કાલી માતા મંદિરમાં નીતિશ કુમારે મારક પૂજા કરાવી હતી. આ પૂજા લાલુ યાદવને લક્ષ્યમાં રાખીને કરાવવામાં આવી હતી. ત્યાંના પુજારીએ સાંભળી લીધુ હતું કે, આ પૂજા લાલુજીને નુકસાન પહોંચાડવા માટે કરાવવામાં આવી રહી છે. ત્યારપછી એ પુજારીએ આ વાતની જાણ લાલુજીને કરી હતી. કદાચ લાલુજી તરફથી પણ આ પ્રકારની તૈયારી કરવામાં આવી હતી. જોકે, મને આ બધી વસ્તુઓ પર વિશ્વાસ નથી એટલા માટે આ વાત મેં યાદ રાખી ન હતી. નીતિશજીની ભૂત વાળી વાતથી આ કહાની અચાનક મને યાદ આવી ગઈ હતી.

શિવાનંદના નિવેદન પછી હવે સમગ્ર વિવાદમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કૂદી પડ્યા છે. તેમણે કહ્યું કે, નવું વર્ષ બિહાર માટે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. જેથી તમામ નાગરિકોને દરેક પ્રકારના દુષ્પ્રચાર, અફવાઓ, અર્થવિહોણા નિવેદનો અને અંધશ્રદ્ધામાં માનનારા લોકોથી સતત સાવધાન રહેવાની જરૂર છે.
સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં 15 વર્ષ સત્તા ભોગવનાર લાલુ પ્રસાદને જ્યારે લોકોએ સત્તા પરથી દૂર કર્યા તો ઘણા સમય સુધી તેમણે મુખ્યમંત્રીનો બંગલો ખાલી નહતો કર્યો અને નીતિશ કુમારને સર્કિટ હાઉસ ખાતેથી સરકાર ચલાવવી પડી હતી. અને જ્યારે લાલુજીએ બંગલો ખાલી કર્યો તો ઘૂળ પણ સાથે લઈ ગયા હતાં. ભૂત-પ્રેત અને મંત્ર-તંત્રમાં માનનારા લાલુ પ્રસાદે પાછળથી એક તાંત્રિકને પાર્ટીનો ઉપાધ્યક્ષ બનાવી દીધો હતો. જેના પ્રજા પર ભરોસો નથી, તે રાજ્યનું ભલુ શું કરશે?

કોટા હોસ્પિટલમાં 100 બાળકોના મોતઃ કેટલાક ઉપકરણોમાં હતી ખામી, તપાસમાં ખુલાસો

જયપુરઃ રાજસ્થાનના કોટામાં જે.કે.લોન હોસ્પિટલમાં થયેલા નવજાત શિશુઓના મોતને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. આ મામલે રાજ્ય સરકારની તપાસમાં સામે આવ્યું છે કે ઈન્ક્યૂબેટર જેવા ઉપકરણોમાં કમી હતી અને કેટલાક ઉપકરણો યોગ્ય રીતે કામ નહોતા કરી શકતા. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે જૂના આંકડાઓને ઉઠાવતા દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોના મુકાબલે આ વર્ષે બાળકોના મોત ઓછા થયા છે. તો ભાજપ અને બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાજસ્થાન સરકાર પર નિશાન સાધ્યું છે. બસપા સુપ્રીમોએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ચૂપ છે.कोटा अस्पताल में 100 नवजातों की मौत: राज्य सरकार की जांच टीम ने पाया, कई इनक्यूबेटर सही ढंग से काम नहीं कर रहे थे

તેમણે કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશની જગ્યાએ રાજસ્થાન જતા અને એ ગરિબ માતાઓ સાથે મુલાકાત કરતા કે જેણે પોતાના સંતાન ગુમાવ્યા છે. યોગી આદિત્યનાથે આ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, કોટામાં ગરીબ બાળકોના મોતથી કાળજુ કંપી ઉઠ્યું છે. માતાઓના ખોળા સુના થઈ જવા તે સમાજ, માનવીય મુલ્યો અને સંવેદનાઓ પર કાળી ટીલી સમાન છે. મને દુઃખ છે કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા મહિલા થઈને પણ મહિલાઓનું દુઃખ સમજી શકતી નથી.

આ સાથે જ કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવજાત શિશુઓના મોતને દુઃખદ ઘટના ગણાવતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કામ કરે, બિરલાએ કહ્યું કે, કોટા મારું લોકસભા ક્ષેત્ર છે અને કોઈપણ આ પ્રકારની ઘટના મને કષ્ટ આપે છે. હું પોતે અહીંયા ગયો હતો અને આ વિષય પર રાજ્ય સરકારને પણ આગ્રહ કર્યો હતો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યા મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મારી વાત થઈ છે કે કઈ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી શકે છે.

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડરનું મોત; બંને દેશ વચ્ચે તંગદિલીની સંભાવના

બગદાદ – અમેરિકાના હવાઈ દળે આજે વહેલી સવારે ઈરાકના પાટનગર બગદાદના એરપોર્ટ પર કરેલા હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની અને ઈરાકના હાશીદ અલ-શાબી લશ્કરી દળના નાયબ વડા અબુ માહદી અલ-મુહન્ડીસનું મોત થયું છે.

કાસીમ સુલેમાની કુદ્સ ફોર્સ સંગઠનના વડા પણ હતા. હાશીદ ઉગ્રવાદી સંગઠનને ઈરાનનું લશ્કર સહાયતા કરે છે.

આ બંને જણ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર એમની કારને ટાર્ગેટ બનાવીને અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે બગદાદમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ, 31 ડિસેંબરે ઈરાન સમર્થિત ઉગ્રવાદીઓએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને અમેરિકાએ એના જવાબમાં સુલેમાની તથા અન્ય ઉગ્રવાદીને ટાર્ગેટ બનાવીને ખતમ કરી નાખ્યા છે.

આ જાણકારી હાશીદ સંગઠને એક નિવેદન દ્વારા આપી છે.

સુરક્ષા દળોએ કહ્યું કે ગુરુવારે મધરાત બાદ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક મિસાઈલોનો મારો કરવામાં આવ્યો હતો. અમેરિકી રોકેટ્સે હાશીદના એક કાફલાને ટાર્ગેટ બનાવ્યો હતો. એ હુમલામાં અમુક મહત્ત્વના વ્યક્તિઓ સહિત આઠ જણ માર્યા ગયા છે.

હાશીદ સંગઠનને પોપ્યૂલર મોબીલાઈઝેશન ફોર્સીસ (PMF) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુલેમાની અને મુહાન્ડીસના મોતને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં મોટા પાયે અશાંતિ ઊભી થવાની સંભાવના સર્જાઈ છે. ઈરાન તથા એના લશ્કરી દળો આનો બદલો ઈઝરાયલ અને અમેરિકી મથકો પર હુમલો કરીને લે એવી સંભાવના છે.

બગદાદ એરપોર્ટ પર કરાયેલા હુમલા માટે પીએમએફ સંગઠને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

આ હુમલા બાદ અમેરિકા તથા ઈરાનની સરકારો તરફથી કોઈ તત્કાળ કમેન્ટ બહાર પાડવામાં આવી નથી.