Home Blog Page 3989

ઈરાનની ખુલ્લેઆમ વિફર્યુંઃ પરમાણુ સમજૂતીનું પાલન હવે નહીં કરવાની જાહેરાત

નવી દિલ્હીઃ અમેરિકા સાથે વધતા તણાવ બાદ હવે ઈરાને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે તે વર્ષ 2015ની પરમાણુ સમજૂતી અંતર્ગત લાગુ કરવામાં આવેલી કોઈપણ શરતને નહી માને. તહેરાનમાં ઈરાની મંત્રીમંડળની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે. ઈરાન દ્વારા આ મોટી પ્રતિક્રિયા ત્યારે આવી છે કે જ્યારે તાજેતરમાં જ બગદાદમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે.

મંત્રી મંડળની બેઠક બાદ કહેવામાં આવ્યું કે, હવે તે પરમાણુ સંવર્ધન માટે પોતાની ક્ષમતા, તેનું સ્તર, તેને સમૃદ્ધ કરવા માટે અન્ય સામગ્રીનો ભંડાર કરવા, વગેરે સહિતની કોઈપણ રોકનું પાલન નહી કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018 માં આ સમજૂતીને રદ્દ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે અમે ઈરાન સાથે સમજૂતી કરવા નથી ઈચ્છતા જે તેના પરમાણુ કાર્યક્રમ અમે બેલેસ્ટિક મિસાઈલના વિકાસ પર અનિશ્ચિતકાલીને રોક લગાવશે. ઈરાને આ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને બાદમાં સમજૂતી અંતર્ગત કરવામાં આવેલા પોતાના વાયદાઓથી પીછેહટ કરી હતી.

ઈરાને હંમેશા એ વાત પર જોર આપ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે પરંતુ સંદેહ હતો કે પરમાણુ બોમ્બ વિકસિત કરવાનો કાર્યક્રમ હતો. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અમેરિકા અને યૂરોપીય સંઘે 2010 માં ઈરાન પર પાબંદી લગાવી હતી. વર્ષ 2015 માં ઈરાનની 6 દેશો સાથે સમજૂતી થઈ, આ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ચીન, રશિયા અને જર્મની હતા. આ સમજૂતી અંતર્ગત ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમોને સીમિત કર્યા.

ઓસ્ટ્રેલિયાઃ જંગલોમાં લાગેલી વિકરાળ આગથી બચવા કાંગારુની શહેર તરફ દોટ

સિડની: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગને કાબૂમાં લેવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે. 4 મહિનાથી લાગેલી આગમાં લગભગ 50 કરોડ પશુ-પક્ષી બળીને ખાખ થઈ ચૂક્યા છે અને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર આગની સૌથી ખરાબ અસર જોવા મળી છે. ન્યુ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોઆલા રહે છે આ આગને કારણે કોઆલાની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે.

ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી હતી જે હજુ સુધી કાબૂમાં આવી નથી. યુનિવર્સિટી ઓફ સિડનીના ઈકોલોજિસ્ટનું અનુમાન છે કે, અત્યાર સુધીમાં 48 કરોડ જાનવરોના મોત થયા છે. આગની ઝપેટમાં આવનારા જાનવરોમાં સ્તનધારી પશુ, પક્ષી અને અન્ય જીવોનો સમાવેશ થાય છે. જાનવરોને બચાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. જંગલમાં વિકરાળ આગને પગલે રાષ્ટ્રીય પક્ષી કાંગારુ જીવ બચાવવા માટે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે.

કોઆલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં વૃક્ષો પર વસવાટ કરતા દુલર્ભ પ્રજાતિના જાનવર છે. કોઆલાની ફેસકોલાર્કટિડાએ (Phascolarctidae) પ્રજાતિ અંતિમ દુર્લભ જાનવર છે. ખાસ કરીને આ પ્રજાતિ પૂર્વ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કાંઠા વિસ્તારોમાં જોવા મળી છે. 20મી સદીમાં ઓસ્ટ્રેલિયાના મોટાભાગના કોઆલાને મારી નાખવામાં આવ્યા હતા પણ ત્યારપછી તેને સંરક્ષિત કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી. અનેક સમાજસેવી સંસ્થાઓ કોઆલા પ્રજાતિના રીંછને બચાવવા માટે અત્યારે ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે.

આ સપ્તાહે કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહેલી આગમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઘર પણ બળીને ખાખ થઈ ગયા છે. આગની અસર હવે સિડનીમાં પણ જોવા મળી રહી છે જેને પગલે હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ સિઝનમાં આગથી સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આ આગ એટલી વિકરાળ છે કે, તેની અસર ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળી રહી છે અહીં લોકો ઈમરજન્સી સેવા પર સતત ફોન કરીને સુવિધા માંગ કરતા આકાશમાં નારંગી રંગના ધૂમાડો દેખાતો હોવાની સૂચના આપી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ દ્વીપના મોટાભાગનો વિસ્તાર આગના ધૂમાડાથી ઢંકાઈ ગયો છે જેના કારણે સફેદ હિમનદીઓ ભૂરા રંગની દેખાવા લાગી છે. ધીમે ધીમે આ ધૂમાડો હવે દ્વીપના ઉત્તરી ભાગ તરફ પહોંચી ગયો છે. આકાશમાં ઝાકળ દેખાતા પોલીસે લોકોને 111 (ઈમરજન્સી નંબર) પર આ નારંગી રંગના ધૂમાડાની સૂચના આપવા માટે વારંવાર કોલ નહીં કરવા અપીલ કરી છે.

JNU હિંસા મામલે બોલીવુડ એક્ટર્સ આકરા પાણીએઃ કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ ગઈકાલે રાત્રે દિલ્હીની જેએનયૂ યુનિવર્સિટીમાં કેટલાક અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર હુમલો કરી દીધો છે. આ હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઘાયલ થયા છે. આ હુમલા પર માત્ર સામાન્ય લોકોએ જ નહી પરંતુ બોલીવુડ સ્ટાર્સે પણ રોષ વ્યક્ત કર્યો છે. બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આ ઘટનાની નિંદા કરી છે.

જેએનયૂ હિંસાની આ ઘટના પર સ્વરા ભાસ્કર, તાપસી પન્નૂ, અનુરાગ કશ્યપ, શબાના આઝમી, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, અનુભવ સિન્હા, અપર્ણા સેન, વિશાલ દદલાની, વિશાલ ભારદ્વાજ, નેહા ધૂપિયા, કોંકણા સેન શર્મા અને આર માધવન જેવા બોલિવૂડ સ્ટાર્સે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

કૃતિ સેનને લખ્યું છે કે, જેએનયૂમાં જે થયું તેને જોઈને મને ઠેસ પહોંચી છે. ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ખૂબ બીહામણું છે. વિદ્યાર્થીઓ અને ટીચર્સ પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને ડરપોક નકાબધારીઓ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. સતત એક-બીજા પર આરોપો લગાવાઈ રહ્યા છે. પોલિટિકલ એજન્ડાઓ એટલા નીમ્ન સ્તરે પહોંચી ગયા છે. હિંસાથી ક્યારેય કોઈ સમાધાન આવતું નથી. આપણે લોકો આટલા અમાનવીય કેમ બની ગયા છીએ?

તાપસી પન્નૂએ હિંસાનો એક વિડીયો શેર કરતા કહ્યું છે કે, અંદર આવી સ્થિતિ છે ત્યારે શું આપણે એક આવી જગ્યાએ કહી શકીએ કે અહીંયા અમારું ભવિષ્ય ઉજ્વળ બનશે. આ અત્યંત બિહામણું છે અને આ નુકસાનની ભરપાઈ ન થઈ શકે. આ શું કરવામાં આવી રહ્યું છે અને આપણે આ શું જોવું પડી રહ્યું છે? દુઃખદ…

સોશિયલ મુદ્દાઓ પર હંમેશા વાત કરનારા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે લખ્યું કે, હિંદુત્વ આતંકવાદ ખુલીને સામે આવ્યો છે.

એક્ટ્રેસ શબાના આઝમીએ સ્વરા ભાસ્કરનો વિડીયો શેર કરતા લખ્યું કે, આ ચોંકાવનારું છે. માત્ર આ મામલે નિંદા જ ન કરવી જોઈએ પરંતુ તરત જ એક્શન લેવાની જરુર છે.

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે; 11 ફેબ્રુઆરીએ પરિણામ

નવી દિલ્હી – 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન આવતી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. મતગણતરી અને પરિણામ માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ જાહેરાત વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આજે અહીં ચૂંટણી પંચ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કરી હતી.

આજે ચૂંટણીની તારીખ જાહેર થવા સાથે જ દિલ્હીમાં ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, જેનું નેતૃત્ત્વ અરવિંદ કેજરીવાલ લઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણી જીતવા માટે જોરદાર રીતે કમર કસી રહી છે. તો કેજરીવાલ અને એમની પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટિબદ્ધ છે.

દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ મતદારો છે.

દિલ્હીમાં તમામ 70 બેઠકો માટે 2,689 સ્થળો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 13,797 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી સરળતાપૂર્વક પાર પડે એ માટે ચૂંટણી પંચ કુલ 90 હજાર અધિકારીઓને તહેનાત કરશે, એમ પણ સુનીલ અરોરાએ જણાવ્યું.

દિલ્હીમાં વર્તમાન વિધાનસભાની મુદત 22 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. 70-સભ્યોની વિધાનસભાની ચૂંટણી તે પહેલાં યોજાઈ જવી જોઈએ.

બીએસઈના સ્ટાર્ટઅપ મંચ પર ત્રીજી કંપની લિસ્ટેડ થઈ 

મુંબઈ – બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ) ના સ્ટાર્ટઅપ મંચ પર સોમવારે ત્રીજી કંપની લિસ્ટેડ થઈ હતી. વેલનેસીયા ન્યુટ્રીશન્સ લિ. નામની આ કંપની 723 લાખ રૂપિયાનો પબ્લિક ઈસ્યૂ લાવી હતી, જેમાં તેણે 10 રૂપિયાનો એક એવા 15.71 લાખ શેરો ઈસ્યૂ કર્યા હતા. જેના પર શેરદીઠ 36 રૂપિયાનું પ્રિમિયમ હોવાથી શેરદીઠ ઓફર રૂ.46 ની થઈ હતી. આ ઈસ્યૂ 27 ડિસેમ્બરે  સફળતાપુર્વક પાર પડયો હતો.

વેલનેસીયા  કર્ણાટક સ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ બેંગલુરુ માં છે. કંપની હેલ્થ સંબંધી ન્યુટ્રીશન્ટ  પ્રોડકટસ બનાવે છે અને આ ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચેના અભાવને દુર કરવાનો પ્રયાસ કરે છે. કંપની ચાર વરસથી આ ક્ષેત્રે કાર્યરત છે.

સેબીએ ડિસેમ્બર 2018 બીએસઈને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ શરૂ કરવા મંજુરી આપી હતી. અત્યારસુધીમાં  સ્ટાર્ટઅપ માટે આ એક માત્ર મંચ છે, જેના  પર ત્રણ કંપની લિસ્ટેડ થઈ છે. અગાઉની બે કંપનીમાં આલ્ફાલોજિક  ટેકસિસ અને ટ્રાન્સપેકટ એન્ટરપ્રાઈસિસનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓએ  આ મંચ પરથી 14.76 કરોડ રૂપિયા ઊભા કર્યા છે,જેનું માર્કેટ કેપ હાલ રૂ.54.64 કરોડ જેટલું છે.

નાગરિકતા બીલ મુદ્દે ચર્ચા માટે બોલીવુડના દિગ્ગજ ચેહેરાઓની ગેરહાજરી

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદાને પરત લેવાની માગને લઈને સતત પ્રદર્શન થઈ રહ્યું છે. ડિસેમ્બરમાં આ બિલને સંસદમાં રજૂ કર્યા પછી અસમમાં ભડકેલી હિંસા ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ ગઈ. જો કે વિરોધ વચ્ચે પણ ગૃહમંત્રી અમિત શાહે કાયદાને પરત ખેંચવાનો ઈનકાર કરી દીધો છે.

મોદી સરકાર રેલી, જનસભા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આની સાથે જોડાયેલા પાસાંઓથી વાકેફ કરાવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી રહ્યા છે કે, વિપક્ષી દળો પોતોના ફાયદા માટે આ કાયદાની આડમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે. મોદી સરકરાના મંત્રી પીયુષ ગોયલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ રવિવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં બોલિવુડ સિતારાઓને સીએએ પર ચર્ચા માટે બોલાવ્યા હતાં.

કાર્યક્રમ માટે ભાજપે અનેક સિતારાઓને આમંત્રણ આપ્યું હતુ પણ અમુક સ્ટાર્સે જ હાજરી આપી હતી. રવિવારે સવારે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, જાવેદ અખ્તર, વિક્કી કૌશલ, આયુષ્માન ખુરાના, રવીના ટંડન, કંગના રનૌત, બોની કપૂર અને મધુર ભંડારકર સહિત ફિલ્મી દુનિયાના અનેક દિગ્ગજ ચહેરાઓ આ બેઠકમાં ભાગ લેશે પણ એવું ન થયું. સીએએ પર ચર્ચા માટે ભૂષણ કુમાર, રિતેશ સિધવાની, રમેશ તૌરાની, રાહુલ રવેલ, પ્રસૂન જોશી, શાન, કૈલાશ ખેર, રણવીર શૌરી, ઉર્વશી રાઉતેલા અને અનુ મલિક હાજર રહ્યા હતા. બોલીવુડના મુખ્ય કહેવાતા સ્ટાર્સે આ કાર્યક્રમથી દૂરી રાખી હતી. જોકે અન્ય ફિલ્મી સ્ટાર્સ શા માટે હાજર ન રહ્યા તેનું કારણ હજુ સ્પષ્ટ નથી.

કાર્યક્રમમાં હાજર રહેલા એક કલાકારે કહ્યું, મને આશા હતી બોલિવુડના દિગ્ગજ ચહેરાઓ આવશે પણ એવું ન થયું. કાર્યક્રમનો હેતુ સીએએને લઈને ચાલી રહેલા કન્ફ્યુઝનને દૂર કરવાનો હતો. નાગરિકતા કાયદાને લઈ ખોટી માહિતી પ્રસારિત થઈ રહી છે અને તેને દૂર કરવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યમાં મોદી સરકાર તરફથી જૂદા જૂદા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

ફૂલનદેવી તો નથી, પણ તેમની સામેનો કેસ હજી જીવે છે….

કાનપુરઃ 80 ના દશકની શરુઆતમાં દેશ-પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ લાવનારા બેહમઈ કાંડ મામલે આજે નીચલી કોર્ટનો નિર્ણય આવી શકે છે. આ કાંડના મુખ્ય આરોપી ફૂલન દેવીની 2001 માં હત્યા કરી દેવામાં આવી હતી. 2011માં જે પાંચ આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ શરુ થઇ હતી તેમાંથી એકનું મોત થયું છે.ફૂલનદેવી સાથે જોડાયેલા કાંડ મામલે આજે આવી શકે છે નિર્ણય  

આરોપ છે કે પોત-પોતાના સાથે થયેલા ગેંગ રેપનો બદલો લેવા માટે 14 ફેબ્રુઆરી 1981 ના રોજ ફૂલન દેવી અને તેની ગેંગના ઘણા અન્ય લોકોએ કાનપુરના બેહમઈ ગામમાં 20 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં 17 લોકો ઠાકુર સમાજ સાથે સંબંધ ધરાવતા હતા. ઘટનાના બે વર્ષ બાદ સુધી પણ ફૂલનની પોલીસ ધરપકડ ન કરી શકી.

1983 માં ફૂલન દેવીએ ઘણી શરતો સાથે મધ્યપ્રદેશમાં આત્મસમર્પણ કર્યું હતું. 1993 માં ફૂલન જેલથી બહાર આવી ગઈ હતી. તે સમાજવાદી પાર્ટીની ટીકિટ પર મિરઝાપુર લોકસભા સીટથી બે વાર સાંસદ બની હતી. 2001માં શેર સિંહ રાણાએ ફૂલન દેવીની દિલ્હીમાં તેમના ઘર પાસે જ હત્યા કરી નાંખી હતી. 2011 માં રામ સિંહ, ભીખા, પોસા, વિશ્વનાથ ઉર્ફે પુતાની અને શ્યામબાબુ વિરુદ્ધ આરોપ નક્કી થયા બાદ ટ્રાયલ શરુ થયું. રામ સિંહનું જેલમાં જ મોત થયું. અત્યારે પોસા જેલમાં છે.

આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોની વિધવાઓ ન્યાય માટે વાટ જોતી રહી. આ પૈકી અત્યારે 8 ની વિધવા જીવિત છે.આ લોકો પશુપાલન કરીને પોતાનું જીવન પસાર કરી રહી છે. તેમને વિધવા પેન્શન આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે માત્ર વચન જ રહી ગયું. ગામમાં વિજળી ક્યારેક જ આવે છે અને રાતના સમયે તો આખુ ગામ અંધકારમાં ડૂબી જાય છે. અહીંયા નજીકનું બસ્ટેન્ડ પણ 14 કિલોમીટર દૂર છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી જવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. 300 ઘરના આ ગામમાં રહેતી વિધવાઓ પાસે ગરીબીમાં જીવ્યા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.

JNU કેમ્પસમાં આખરે શું થયું? 10 મુદ્દાઓમાં સમજીએ…

નવી દિલ્હીઃ ભારતની પ્રતિષ્ઠિત જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટી (JNU) માં ગઈકાલે લાકડી અને ડંડાથી આશરે 50 જેટલા અજાણ્યા બદમાશોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો. હુમલો કરનારા લોકોમાં યુવતીઓ પણ હતી. આરોપીઓએ હોસ્ટેલમાં તોડફોડ કરી અને ત્યાંની ગાડીઓને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધી. આ હુમલામાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલામાં કુલ 24 જેટલા લોકો ઘાયલ થયા છે. આમાં 5 શિક્ષક અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોની તબિયત અત્યારે સારી છે. ઘાયલ વિદ્યાર્થીઓએ ABVP કાર્યકર્તાઓ પર મારામારીનો આરોપ લગાવ્યો છે. તો ABVP નેતાઓનો આરોપ છે કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારામારી કરી છે. તેમના કેટલાક કાર્યકર્તાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ JNU કેમ્પસમાં પત્રકારો સાથે મારામારી કરવામાં આવી. આ ઘટનાના ઘણા વિડીયો સામે આવ્યા છે. અત્યારે JNU બહાર ભારે સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે.

  1. 1 જાન્યુઆરી 2020 થી જેએનયૂમાં શિયાળુ સત્ર શરુ થયું. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું હતું. જેએનયૂમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનું એક જૂથ આનો વિરોધ કરી રહ્યું હતું.
  2. 3 જાન્યુઆરીનો વિરોધ કરનારા વિદ્યાર્થી કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન સર્વિસીઝ કેમ્પસમાં ઘુસ્યા અને ઈન્ટરનેટ સર્વરને ખરાબ કરી દીધું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા રોકાઈ ગઈ. સર્વર ખરાબ કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે.
  3. 4 જાન્યુઆરીના રોજ એકવાર ફરીથી રજીસ્ટ્રેશન શરુ થયા. વિદ્યાર્થીઓના એક સમૂહે આ વખતે ઈન્ટરનેટની સાથે જ વિજળી સપ્લાય પણ બંધ કરી દીધો. વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ કેટલીક બિલ્ડીંગ પર તાળુ લગાવી દીધું.
  4. 5 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ 4:30 વાગ્યે કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ થઈ રહ્યા હતા. આ એ વિદ્યાર્થીઓ હતા કે જેઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા હતા. તેમને રોકવામાં આવ્યા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી.
  5. રવિવારના રોજ સાંજે લાકડી અને દંડા સાથે આશરે 50 લોકો હોસ્ટેલમાં ઘુસ્યા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો. વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયારથી પણ વાર કરવામાં આવ્યા.
  6. અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ જ નહી પરંતુ શિક્ષકો પર હુમલો કર્યો. હુમલામાં પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા. JNUTU એ ઘટનાની નિંદા કરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
  7. હુમલામાં યૂનિવર્સિટીની પ્રેસિડન્ટ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેના માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે. તેના માથામાંથી લોહીની ધાર થઈ રહી છે તેવો વિડીયો પણ સામે આવ્યો છે.
  8. હુમલામાં 19 વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓના હાથ અને પગ પણ ફ્રેક્ચર થઈ ગયા છે. AIIMS માં તેમની સારવાર ચાલી રહી છે. તમામ નેતા વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
  9. લેફ્ટ વિંગ સમર્થિત પીડિત વિદ્યાર્થીઓએ ABVP પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ABVP નેતા જ રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહ્યા હતા.
  10. બીજી બાજુ ABVP નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારપીટ કરી છે. હુમલામાં ABVP ના આશરે 20 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ JNU માં મોટી સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે. જોઈન્ટ કમિશનર શાલિની સિંહને આ મામલે તપાસ સોંપવામાં આવી છે.

રાજકોટમાં બાળકોના મોત મામલે કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા

અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં બે-પાંચ બાળકોના મોત થઈ જાય તો તે ગંભીર બાબત કહેવાય. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 નવજાત શિશુના મોત નિપજ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બાળકો મોતે ભેટ્યા છે. ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સીએમ રૂપાણીના રાજીનામાની માગ કરી.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓના મોતનો દર ઘણો વધ્યો છે. પરંતુ તંત્રને જાણે તેની ગંભીરતા નથી.. અને તેથી બાળકોના મોતનો સિલસિલો રોકાતો નથી. મોટાભાગના બાળકોના મોત કુપોષણને કારણે થયા છે. માતા-પિતા પોતાના વહાલસોયા બાળકોનું સ્વાસ્થ્ય સારૂ થઈ જશે તેવી આશાએ સિવિલ હોસ્પિટલનો લાભ લે છે. પરંતુ દાખલ થનારા બાળકોમાંથી ઘણા બાળકો બચી શકતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019માં 1,235 બાળકોનાં મોત થયા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 બાળકોનાં મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોબરમાં 131, નવેમ્બરમાં 110 અને ડિસેમ્બરમાં 112 બાળકોનાં મોત નોંધાયા છે. તો સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મનીષ મહેતા એવો દાવો કર્યો કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે. પૂરતા સાધનો છે. તો બાળકોના મૃત્યું કેમ થઈ રહ્યા છે તે મોટો સવાલ છે.

ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્વીકાર્યું કે તબીબો ખાનગી પ્રેક્ટિસ કરવામાં વધુ રસ છે. જેને કારણે સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત વર્તાય છે. બાળકોના મોત પર રાજકારણ ગરમાયુ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને જશ ખાટવાનો પ્રયાસ કર્યો. રાજસ્થાનની કોટામાં 100થી વધુ બાળકોનાં મોત મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું રાજીનામુ માગતા ભાજપ પાસે હવે રાજકોટમાં બાળકોનાં મોત મામલે તેમણે સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા બાળદર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો અને કોઈપણ પ્રકારે સંતોષકારક સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 111 મોત થયા છે. ત્યારે હોસ્પિટલ બહાર સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બાળકોની હોસ્પિટલ બહાર એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઇ અટકાવો બાળકોના મોત અટકાવો. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જવાબદારો રાજીનામા આપે.

આ અંગે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ભાવિ મરી રહ્યું છે ઓર્ગેનાઇઝડ ગુનો હોય એવું લાગે છે. અમારે કોઈ રાજનીતિ નથી કરવી પણ 70 ટકા જગ્યા રાજકોટમાં ખાલી છે. દર્દી હેરાન થાય છે, સરકાર જવાબદારી નિભાવી નથી શકતી. જવાબદારોએ રાજીનામાં આપવા જોઈએ. રાજકોટમાં 1234 બાળકોના મોત થયા, ગુજરાતમાં 25000ના મોત થયા છે.