Home Blog Page 3988

જેએનયુના પડઘા અમદાવાદમાં: વિદ્યાર્થી પાંખો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે થયેલી હિંસાની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ત્યારે આ ઘટનાના અમદાવાદમાં પણ પડઘા પડયા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને લાકડી-ધોકાઓ વડે સામ-સામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એબીવીપી કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. આ ઉપરાંત 10થી 12 લોકો ઘાયલ થયા છે. તો ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને મારમાર્યો હતો સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

હવે સોનિયા ગાંધીની આ તપાસ સમિતિ કરશે જેએનયૂ હુમલાની તપાસ

નવી દિલ્હીઃ જેએનયૂમાં હુમલાને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. વિપક્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલાની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઘટના પર રાજનનીતિ કરી રહ્યું છે. જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલા આ હુમલાને લઈને સોનિયા ગાંધીએ હવે ચાર સભ્યોની એક ટીમ બનાવી છે.

હુમલા બાદ જેએનયૂ ગેટ પર પહોંચેલા કોંગ્રેસના પ્રવક્તા ઉદિત રાજનો આરોપ છે કે ભાજપના સ્થાનીય નેતા ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે. ઉદિત રાજે કહ્યું કે, હું 9 વાગ્યે જેએનયૂ ગેટ પર પહોંચી ગયો હતો. મેં ત્યાં જોયું કે ભાજપ નેતાઓના નેતૃત્વમાં આશરે દોઢસો લોકો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. વામપંથી ગુંડાઓને ગોળી મારો-જે પરિસ્થિતિમાં જેએનયૂ વિદ્યાર્થીઓ પર હુમલો થયો તેને લઈને લેફ્ટ નેતાઓના પણ સવાલ છે.

સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર જે હુમલો થયો છે તેની તપાસ હાઈએસ્ટ લેવલ પર કરવામાં આવવી જોઈએ, ભલે જ્યુડિશિયલ ઈન્કવાયરી હોય કે પછી કોઈ અન્ય ઉચ્ચસ્તરીય તપાસ. ભાજપે વિપક્ષ પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

JNU હિંસામાં જખ્મી થયેલી એશી ઘોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે રવિવારના રોજ સાંજે જેએનયૂમાં થયેલી હિંસાથી એક દિવસ પહેલા યુનિવર્સિટીના સર્વર રુમમાં કથિત રુપથી તોડફોડ કરવા મામલે જેએનયૂ છાત્રસંઘ અધ્યક્ષ એશી ઘોષ અને 19 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 3 જાન્યુઆરીના મામલે પણ એક એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ તેમાં ઘોષનું નામ નથી. જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે. 4 જાન્યુઆરીના રોજ મારપીટ અને સર્વર રુમ તોડવાની એફઆઈઆર છે જેમાં એશી ઘોષ અને તેમના 7-8 સાથીદારોના નામ છે. આ બંન્ને એફઆઈઆર જેએનયૂ પ્રશાસન તરફથી નોંધાવવામાં આવી હતી. જેએનયૂમાં હિંસામાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 34 લોકો ઘાયલ થયા હતા. આ હિંસામાં એશી ઘોષને માથામાં ઈજા પહોંચી હતી.

તો બીજી બાજુ હાથોમાં ટેમ્બોરિન અને ગિટાર લઈને તેમજ ક્રાંતિના ગીત ગાતા પ્રદર્શનકારીઓ જેએનયૂમાં થયેલા હુમલાના વિરોધમાં ગેટવે એફ ઈન્ડિયા અને તાજ મહેલ પેલેસ હોટલ બહાર આખી રાત પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું કે જ્યારે પ્રદર્શનકારીઓને ગેટવે ઓફ ઈન્ડિયાથી હટાવીને આઝાદ મેદાન મોકલી દેવામાં આવ્યા છે. રવિવારના રોજ અડધી રાત્રે દક્ષિણ મુંબઈના કોલાબામાં ગેટવે ઓફ ઈન્ડિયા સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. બાદમાં અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ દદલાણી જેવી બોલીવુડ હસ્તીઓ પણ અહીંયા પહોંચી.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારની રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી લેસ કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી દીધો હતો અને પરિસરમાં સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસનને પોલીસને બોલાવી હતી.

રાજકોટ સીવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3 બાળકોના મોત

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 3 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાને અંદર જવા દેવામાં આવતું નથી તેમજ બાળકોના મોત અંગેની માહિતી છૂપાવવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા.

ડો.રાકેશ પટેલના જણાવ્યા અનુસાર એનઆઈસીયુમાં દોઢ કિલો વજનનું બાળક આવે એટલે નક્કી કરેલો પ્રોટોકોલ હોય છે જેમાં ઈન્ફેક્શન કંટ્રોલ, હાઈપોથર્મિયા પ્રિવેન્શન તેમજ ન્યૂટ્રિશિયન કેર છે, આ બધુ ગર્ભમાં બાળકને મળે છે અને તેથી જ એનઆઈસીયુમાં બાળકને માતાના પેટમાં હોય તે રીતે સાચવવાનું હોય છે. આ બધે સરખા જ હોય છે. ફરક એટલો કે તેમની હોસ્પિટલમાં દર બે નવજાતે એક નર્સ હોય છે, એક નર્સ ઈમરજન્સી માટે હોય છે. 3 મેડિકલ ઓફિસર અને એક કો-ઓર્ડિનેટર ફરજ બજાવી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ રાખે છે. જેથી દર મહિને માત્ર 1થી 2 ટકા જ મૃત્યુદર જળવાય છે. ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું કે, બાળકના પલ્સ અને શ્વાસ સતત ચકાસાય છે, વોર્મરમાં શરીરનું તાપમાન જાળવી રખાય છે તેમજ માતાનું દૂધ 1-1 એમએલ ગણીને દેવાય છે જેથી બાળકને નુકસાન ન કરે. જો ઈન્ફેક્શનની શંકા હોય તો સાથે સાથે તે પણ કરવું પડે.

બીજી તરફ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 54 બાળક 45 વોર્મરમાં રખાય છે. બે બાળકો દીઠ એક નર્સ તો દૂર સિવિલ પાસે માત્ર 35 નર્સ છે જેમાં વળી અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેથી દર દસ બાળકે એક નર્સ રહે છે. આ નર્સ એક બાળકને જૂએ અને 10માં બાળક સુધી પહોંચવામાં ખાસ્સો સમય વીતી જાય છે. મેડિકલ ઓફિસર માત્ર એક જ છે જ્યારે બાકીની જવાબદારી 6 રેસિડેન્ટ ડોક્ટર પર છોડી દીધી છે જે શીખવા માટે કામ કરે છે અને અનુભવહીન છે. એક જ સિનિયર રેસિડેન્ટ છે તેમજ એચઓડી સહિત માત્ર એક ફેકલ્ટી જે વહીવટી કામોમાંથી ઊંચા નથી આવતા. આ કારણોથી જ મૃત્યુદરમાં મસમોટો તફાવત છે.

મુંબઈમાં ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડ સાથેની યુવતીનો વિવાદ…

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ગયા રવિવારે કરાયેલી મારપીટ સામે મુંબઈમાં 6 જાન્યુઆરી, સોમવારે રાતે દક્ષિણ મુંબઈસ્થિત ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે લોકોએ દેખાવો કર્યા હતા. એ વખતે એક યુવતી ‘ફ્રી કશ્મીર’નું વિવાદાસ્પદ પ્લેકાર્ડ પકડીને ઊભેલી જોવા મળી હતી. પોલીસે બાદમાં દેખાવો કરનાર તમામ લોકોને ત્યાંથી હટાવીને આઝાદ મેદાન ખાતે શિફ્ટ કર્યા હતા.

પોલીસ અધિકારી (ડીસીપી-ઝોન-1) સંગ્રામસિંહ નિશાનદારે કહ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેના દેખાવો વખતે જોવા મળેલા ‘ફ્રી કશ્મીર’ પોસ્ટરની પોલીસે ગંભીર નોંધ લીધી છે. અમે ચોક્કસપણે એમાં તપાસ કરીશું.

દીપિકાએ એસિડ હુમલાની પીડિતાઓ સાથે બર્થડે ઉજવ્યો…

ગઈ પાંચ જાન્યુઆરીએ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો 34મો જન્મદિવસ હતો. એ દિવસ એણે અંગત રીતે કોઈ મોટી ધામધૂમથી ઉજવ્યો નહોતો, પરંતુ લખનઉમાં એસિડ હુમલાઓનો શિકાર બનેલી યુવતીઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા તેની નવી ફિલ્મ ‘છપાક’માં વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો શિકાર બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે. લક્ષ્મી અગ્રવાલ લખનઉમાં તેનાં જેવી એસિડ હુમલાની પીડિત યુવતીઓ સાથે મળીને એક કેફે ચલાવે છે. લખનઉમાં બર્થડે ઉજવણી પ્રસંગે દીપિકાની સાથે એનો અભિનેતા પતિ રણવીર સિંહ પણ હતો. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

લક્ષ્મી અગ્રવાલ અને એની પુત્રી સાથે દીપિકા

મોદીએ ટ્રમ્પને ફોન કરી નવા વર્ષની શુભેચ્છા આપી; દ્વિપક્ષી સંબંધો વિશે વાતચીત કરી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો અને એમને નવા વર્ષ 2020ના આરંભ નિમિત્તે શુભેચ્છા આપી હતી.

મોદીએ ટ્રમ્પ, એમના પરિવાર તથા અમેરિકાની જનતાને માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે પણ ભારતની જનતાને નવા વર્ષ માટે સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી હતી.

ભારત સરકારે બહાર પાડેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદીએ ફોન કરીને ટ્રમ્પ સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલી મજબૂતી આવી છે અને વ્યૂહાત્મક ભાગીદારી કેટલી બધી ગાઢ બની છે તે વિશે વાતચીત કરી હતી.

પ્રમુખ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા તથા પરસ્પર હિતનાં વિસ્તારોમાં સહકાર વધારવાની ઈચ્છા પણ વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા અમુક વર્ષોમાં ભારત-અમેરિકાના સંબંધોમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષી સહકારને વધારે ગાઢ બનાવવાની એમની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો હતો.

હવે રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામની ચર્ચા શરૂ થઇ છે

નવી દિલ્હીઃ શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું છે કે એનસીપી પ્રમુખ શરદ પવારના નામ પર 2022 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ રાજનૈતિક દળો દ્વારા વિચાર કરવામાં આવવો જોઈએ. રાઉતે દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. પવારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટી સાથે ગઠબંધનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને શિવસેનાને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, શરદ પવાર દેશના એક વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજનૈતિક દળોને તેમના નામ પર વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે વર્ષ 2022 માં ચૂંટણી યોજાશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા પર અન્ય રાજનૈતિક દળોના મત મામલે રાઉતે કહ્યું કે, તેમણે પવારના નામનો માત્ર પ્રસ્તાવ રાખ્યો છે. રાજ્યસભા સદસ્ય રાઉતે કહ્યું કે, મને લાગે છે કે અન્ય રાજનૈતિક દળ રાષ્ટ્રપતિ પદ માટે કોઈ અન્ય ઉમેદવારને પણ પ્રસ્તાવિત કરી શકે છે. 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં પવારની પાર્ટીને ગૃહ અને નાણા સહિતના મંત્રાલયે મળ્યા છે.

જેએનયૂ મામલે પવારે ટ્વીટ કરીને કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો હુમલો પહેલાથી જ સમજી વિચારીને કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કારગર સાબિત નથી થાય. પવારની ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે તેમની પાર્ટીના મંત્રી જિતેન્દ્ર અવહાદ ગેટ વે ઓફ ઈન્ડિયા પર હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે પહોંચ્યા.

પવારે કહ્યું કે, આ હુમલો પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો છે. હું હિંસા અને તોડ-ફોડની આ અલોકતાંત્રિક છે અને આ ઘટનાની હું કડક શબ્દોમાં નિંદા કરું છું. લોકતાંત્રિક મૂલ્યો અને વિચારોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ સાચો સાબિત નહી થાય.

સ્માર્ટફોન વેચતા દુકાનદારોની ય હવે હડતાલ!: ઓનલાઇન વેચાણ સામે વિરોધ

નવી દિલ્હી: સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, કારણ કે, અહીં મળતી ઓફર્સ અને ઓછી કિંમતો ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જેની વિપરીત અસર સ્માર્ટફોનની ઓફલાઈન માર્કેટ પર પડી છે, ઓફલાઈન માર્કેટ તરફ ગ્રાહકોનું આકર્ષણ ઘટયું છે. એજ કારણે ઓફલાઈન રિટેલર્સનું અસ્તિત્વ ખોવાવા લાગ્યું છે અને હવે તે આજ અસ્તિત્વને બચાવવા લડી રહ્યા છે. મોબાઈલ પ્રોડક્ટ ઓનલાઈન એક્સક્લૂસિવ ન રહે એ માટે 8 જાન્યુઆરીએ ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

AIMRA એ તેમના ફેસબુક એકાઉન્ટ મારફતે દેશભરના મોબાઈલ રિટેલર્સને આગામી 8 જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદામાં એક્ઠા થવા કહ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે, ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર કોઈપણ સ્માર્ટફોન એક સરખી કિંમત અને ઓફર સાથે મળવો જોઈએ.

મહત્વનું છે કે, મોબાઈલ ખરીદદારી માટે ઓનલાઈ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયકા અને માંગને કારણે ઓફલાઈ રિટેલર્સને બિઝનેસમાં મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા 8 જાન્યુઆરીએ દેશભરના મોબાઈલ સ્ટોર્સને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેથી AIMRA તેમની માંગો સરકાર સામે રાખી શકે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી લગભગ ત્રીસ હજાર મોબાઈલ રિટેલર્સ રામલીલા મેદાન ખાતે એક્ઠા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આજે મોટાભાગના સ્માર્ટફોન ઓનલાઈન સ્ટોર્સ પર એક્સક્લૂસિવ ઉપલબ્ધ હોય છે અને તેની ખરાબ અસર ઓફલાઈન રિટેલર્સ પર પડે છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ અને અનેક આકર્ષક ઓફર્સ સાથે ખરીદી શકે છે. ખાસ કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈની ઓફર્સ. આ સ્થિતિમાં ગ્રાહકો ઓફલાઈનને બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોબાઈલની ખરીદી કરવી વધુ પસંદ કરે છે. આ કારણે ઓફલાઈન રિટેલર્સને નુકસાન થઈ રહ્યું છે. હવે ઓફલાઈન મોબાલઈ સ્ટોર્સ રિટેલર્સની માંગ છે કે, ભારતમાં લોન્ચ થતો કોઈપણ સ્માર્ટફોન ઓનલાઈનની સાથે ઓફલાઈન સ્ટોર્સ પણ ઉપલબ્ધ હોય અને સાથે બંને પ્લેટફોર્મ પર ગ્રાહકોને એક સરખી કિંમત અને ઓફર્સની સુવિધા મળે.