Home Blog Page 3987

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના શનિવારે સંસદમાં રજૂ કરાશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.

1 ફેબ્રુઆરીના શનિવારે મુંબઈ શેરબજાર (બીએસઈ) ખુલ્લું રાખવામાં આવશે. શનિવાર સામાન્ય રીતે બીએસઈમાં રજાનો દિવસ હોય છે તે છતાં આ વખતે બજેટનો દિવસ હોઈ શેરબજાર ચાલુ રાખવામાં આવશે, એમ બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહામે આજે એક બિઝનેસ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

કેન્દ્રીય બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના આખરી કામકાજના દિવસે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ હકૂમતના વખતની પ્રથા દાયકાઓ સુધી ચાલુ રખાઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે એ પ્રથાનો 2017માં અંત લાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે બજેટ હવેથી વહેલું, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

આ નિર્ણય લેવા પાછળ સરકારનો આઈડિયા એવો છે કે બજેટને લગતી તમામ પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂરી થઈ જાય તેથી યોજનાઓના અમલ માટે ખર્ચ કરવાનું 12-મહિનાનું કામકાજ 1 એપ્રિલથી શરૂ થઈ શકે.

નાણાં મંત્રાલયના સૂત્રોએ અગાઉ એવો નિર્દેશ કર્યો હતો કે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે એવી ધારણા છે અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે દેશનું અર્થતંત્ર વિકાસ પામી શકે એ માટે બજેટ અંગે તેમને જે કોઈ સૂચન, ઈચ્છા, માગણી કે અપેક્ષા હોય તો તેઓ સરકારને જણાવી શકે છે.

કેન્દ્રીય બજેટ દેશની 130 કરોડની જનતાની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના વિકાસનો માર્ગ નક્કી કરે છે. તેથી હું આપણને આમંત્રણ આપું છું કે તમે આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો MyGov ઉપર અને આ લિન્ક પર શેર કરો. https://www.mygov.in/group-issue/inviting-ideas-and-suggestions-union-budget-2020-2021/https://t.co/zVCL06TdLn

ગુજરાતમાં ફરીથી ઉઠી અનામતની માંગ, આ સમાજના લોકોએ એકઠા થયા

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યમાં ફરીથી એકવાર અનામતની માંગ મજબૂત રીતે ઉઠી છે. રાજકોટ ખાતે લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાના આરોપો સાથે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો રાજકોટ ખાતે એકઠા થયા હતા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા અનામતની માંગને લઈને જાહેરસભા કરવામાં આવી હતી. તમામ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માગ કરી હતી.

રબારી, ભરવાડ અને ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી રહી છે. અને સંબોધન બાદ હજારોની સંખ્યામાં તે રેલીનું સ્વરૂપ લેશે. જો કે, હજુ સુધી પોલીસે આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.

પણ ત્રણેય સમાજ ભેગા મળી અનુસુચિત જાતિમાં સમાવવા અંગે કલેક્ટરને આવેદન આપવા માટે જશે. લોકરક્ષક દળની ભરતીમાં માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે. અને ભરતીમાં માલધારી સમાજને સતત અન્યાય થયો હોવાનો તેઓ જણાવી રહ્યા છે.

મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે. સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. જો કે, LRD ભરતી પહેલાં પણ માલધારી સમાજ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માટે પ્રદર્શન થતું આવ્યું છે.

અમદાવાદમાં ABVP-NSUI કાર્યકર્તાઓના ઘર્ષણને લઈને પ્રિયંકા ગાંધીનું નિવેદન

અમદાવાદ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. પહેલા તેમના મંત્રી ગુંડાઓને જેલમાંથી છૂટ્યા બાદ ફૂલોની માળા પહેરાવતા હતા અને હવે તો રોડ પર જ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યાં છે. પ્રિયંકાએ વીડિયોનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, સ્પષ્ટ જોઈ શકાય છે કે ABVPના ગુંડા તત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાઓને ફટકારી રહ્યાં છે અને પોલીસ ચૂપચાપ ઉભી છે.

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

આ ઘટનાની વિગતો જોઈએ તો મંગળવારે ABVPનાં કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે.

દીપિકા JNUની મુલાકાતે ગઈ એમાં કંઈ ખોટું નથી: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લીધી એમાં ઊભા થયેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરી શકે છે, એમાં કોઈને વાંધો શા માટે હોઈ શકે?

આજે પત્રકારો સાથેની વાતચીતમાં જાવડેકરને જ્યારે દીપિકાની મુલાકાતને પગલે થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ભારત લોકતાંત્રિક દેશ છે. કોઈ કલાકાર શું કામ, કોઈ પણ સામાન્ય માનવી પણ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. આમાં કોઈ વાંધો ન હોય, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો પણ નથી. હું પોતે ભાજપનો પ્રધાન છું અને પ્રવક્તા પણ છું અને હું પોતે જ આમ કહી રહ્યો છું.

એક અન્ય સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે દેશના કોઈ પણ ભાગમાં હિંસા થાય તો આપણે એને વખોડી કાઢીએ છીએ. આપણો દેશ પરિપક્વ લોકશાહીવાળો છે અને તમામ લોકોને એમના મંતવ્યો વ્યક્ત કરવાની તક મળે છે. તેથી દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, જેએનયૂમાં ગઈ પાંચ જાન્યુઆરીના રવિવારે કેટલાક બુકાનીધારી શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મારપીટ કરી હતી. એ હિંસામાં 18 જણ ઘાયલ થયા હતા. દિલ્હીની પોલીસ હજી સુધી એ બુકાનીધારી હુમલાખોરોને શોધી શકી નથી. એ હુમલા કરાવ્યાનું આરએસએસ-સંચાલિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંગઠન અને ડાબેરી વિચારસરણી હેઠળના વિદ્યાર્થી સંગઠનોએ એકબીજા પર દોષારોપણ કર્યું છે. એ હુમલાને પગલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.

દીપિકા પદુકોણ હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના સમર્થન માટે મંગળવારે જેએનયૂમાં વિદ્યાર્થીઓએ યોજેલા દેખાવોમાં હાજરી આપવા ગઈ હતી અને વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઈશી ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ ભાજપના અમુક નેતાઓએ દીપિકાની ટીકા કરી છે તો ટ્વિટર ઉપર ભાજપ તરફી ઘણા લોકોએ દીપિકાની ‘છપાક ફિલ્મનો બહિષ્કાર કરો’ (boycottChhapak) એવી ઝુંબેશ શરૂ કરી છે.

ભાજપના દિલ્હી એકમના પ્રમુખ તેજિન્દર બગ્ગાએ દેખાવકારોનું સમર્થન આપવા બદલ દીપિકાની ટીકા કરી હતી. એમણે દીપિકાની છપાક ફિલ્મનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી હતી. એમની અપીલને પગલે સોશિયલ મિડિયા પર દીપિકાની ફિલ્મનો બહિષ્કાર કરવાની વ્યાપક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.

4 કંપની કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ., કોટક મહિન્દ્રા પ્રાઈમ લિ., મન્નપુરમ ફાઈનાન્સ લિ. અને જેએમ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ લિ.એ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.5,200 કરોડ, રૂ.4,050 કરોડ, રૂ.100 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 9 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 68 ઈશ્યુઅરોના રૂ.1,52,090 કરોડના કમર્શિયલ પેપર્સના 474 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 144 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.12 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (8 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,79,057 કરોડ (66.81 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,30,592 કરોડનું ભંડોળ (32.10 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (8 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,37,074 કરોડ (130.45 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

અમદાવાદમાં એક કાર માલિકને 27.68 લાખ રૂપિયાનો દંડ

અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યારસુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. નવા ટ્રાફિક નિયમો હેઠળ બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં વિવિધ લક્ઝુરિયસ કારો ડિટેન કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, ગાડીના દસ્તાવેજ રજૂ ના કરી શકનારા લોકોની ગાડીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે.

ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે આ ડ્રાઇવ હેઠળ ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો 27.68 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ લાખો રૂપિયાની કિંમતની પોર્ષ ગાડી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે ટ્વીટર પર પણ આ અંગે માહિતી શેર કરી છે. કાર ચાલક જ્યારે ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો હતો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઇ હતી.

માહિતી મુજબ બે વર્ષથી ગાડી ટેક્ષ ભર્યા વગર ફરી રહી હતી. રૂ.16 લાખ આજીવન રોડ ટેક્ષ, અન્ય રૂ.7.68 લાખ વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કાર ચાલક દ્વારા અમદાવાદ RTOમાં ટેક્ષ ભરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસે ડ્રાઇવામાં લક્ઝુરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.

તેહરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા યુક્રેનના વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ

તેહરાન – ઈરાનના આ પાટનગર શહેરમાં આજે તૂટી પડેલા યુક્રેનના એક બોઈંગ 737 વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે. કોઈક ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાન તૂટી પડ્યું હોવાનું કહેવાય છે.

તેહરાનના ઈમામ ખોમેની એરપોર્ટથી ઉપડ્યાની અમુક જ મિનિટમાં જેટ વિમાન તૂટી પડ્યું હતું.

વિમાનમાં 167 પ્રવાસીઓ અને 9 ક્રૂ મેમ્બર્સ હતા.

મૃતકોમાં 82 ઈરાની, 63 કેનેડિયનનો સમાવેશ થાય છે.

વિમાન તૂટી પડ્યું એની પહેલાં મોટો ધડાકો થયો હતો અને વિમાન આકાશમાં આગના ગોળા જેવું બની ગયું હતું.

વિમાને તેહરાનના સમય મુજબ સવારે 6.12 વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું. એ યુક્રેનના કાઈવ શહેર તરફ જવા ઉપડ્યું હતું, પરંતુ ટેક ઓફ્ફ કર્યાની 8 મિનિટમાં જ એ તૂટી પડ્યું હતું.

જેએનયુમાં કયા જૂથને સમર્થન કરવા ગઈ હતી દીપિકા? : વિશ્વ હિન્દુ પરિષદ

નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા ત્યારે દીપીકા ત્યાં તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી. જેએનયુમાં દીપિકાની હાજરીને લઈને વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે દીપિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે તે ત્યાં કોને સમર્થન આપવા ગઈ હતી. વિહિપના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાંડે કહ્યું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે, દીપિકા જેએનયુના કયા વિદ્યાર્થી જૂથને સમર્થન કરી રહી છે? તાજેતરમાં જ થયેલી હિંસાના સમયે ત્યાં બે અલગ અલગ વિદ્યાર્થી જૂથો હતો. એક જૂથ વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યું હતું, જ્યારે બીજુ જૂથ હુમલાખોરોથી એ લોકોની સુરક્ષાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તેમણે પુછયું કે, શું દીપિકા એ લોકોનો સાથ આપી રહી છે જેએનયુમાં ખોટા કામો કરી રહ્યા છે?

પરાંડેએ ભારપુર્વક કહ્યું કે, દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં હિંસાને કોઈ સ્થાન નથી અને 34 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તે જેએનયુ વિદ્યાર્થીઓના કયા જૂથ સાથે છે. પારાંડેએ વધુમાં કહ્યું કે, હાલના સમયમાં જે રીતે દેશ વિરોધી શક્તિઓ દ્વારા એક ષડયંત્ર હેઠળ જેએનયુ અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં હિંસા કરવામાં આવી રહી છે તેને હું અત્યંત ખતરનાક માનું છું. આ પરિસરોમાં હિંસક આંદોલનનું આહવાન કરનારા લોકોને સજા મળવી જ જોઈએ.

નાગરિકતા બિલનું સમર્થન કરતા વિહિપ મહામંત્રીએ કહ્યું કે, ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદી શક્તિઓ સીએએની આડમાં હિંસા ભડકાવીને મુસ્લિમ તુષ્ટીકરણનો પ્રયાસ કરી રહી છે, હકીકતમાં દેશના મુસલમાનોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.

દીપિકા જ્યારે માલતી બનીને, બીજી એસિડ હુમલા પીડિતોની સાથે મુંબઈની બજારમાં નીકળી ત્યારે…

મુંબઈ – ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં ઘણી છોકરીઓ અને મહિલાઓ એસિડ હુમલા જેવી ભયાનક ઘટનાઓનો શિકાર બની ચૂકી છે. ઘણીય સ્ત્રીઓનાં જાન ગયા છે તો ઘણી સ્ત્રીઓનું જીવન બરબાદ થઈ ગયું છે. આવા હુમલાનો ભોગ બન્યા બાદ એમાંથી જે મહિલાઓ બચી જવા પામી છે એમનું જીવન દયાજનક બની જાય છે. તે છતાં એવી ઘણી એસિડ હુમલાપીડિત સ્ત્રીઓ છે જેઓ કદરૂપા થઈ ગયેલા ચહેરા અને શરીર સાથે જીવી રહી છે.

એવી જ એક કમનસીબ છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પરથી નિર્દેશિકા મેઘના ગુલઝારે હિન્દી ફિલ્મ બનાવી છે – ‘છપાક’. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં લક્ષ્મીનો રોલ અદા કર્યો છે દીપિકા પદુકોણે.

એસિડ હુમલાને કારણે કદરૂપા ચહેરા સાથે જો કોઈ છોકરી કે સ્ત્રી રસ્તા પર કે જાહેર સ્થળે દેખાય તો લોકોનાં ચહેરા પર જુદા જુદા પ્રકારના હાવભાવ જોવા મળે છે. કોઈકના પ્રત્યાઘાત આઘાતજનક હોય, તો કોઈકની નજરમાં સહાનુભૂતિ હોય તો કોઈક ઘૃણા બતાવે.

આવી કમનસીબ સ્ત્રીઓને જોઈને મુંબઈમાં લોકો કેવા પ્રત્યાઘાત બતાવે છે એ જોવા માટે દીપિકા પદુકોણે એક સામાજિક પ્રયોગ કર્યો હતો. એ છપાક ફિલ્મમાં જેનો રોલ કરી રહી છે એ માલતીના જ મેકઅપ સાથે સ્ટોર્સ અને બજારમાં નીકળી હતી. એની સાથે બીજી છોકરીઓ પણ હતી, જેઓ વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો ભોગ બની ચૂકી છે.

દીપિકા (માલતી) અને એની ટીમની સાથીઓ ગ્રાહકનાં સ્વાંગમાં મુંબઈમાં અમુક ખાસ સ્ટોર્સ અને ભીડવાળી બજારની મુલાકાતે ગઈ હતી. તેઓ જ્યાં ગઈ હતી એ સ્ટોર્સમાં તેની અગાઉ છૂપાં કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા તથા અમુક કેમેરા દીપિકા તથા તેની સાથીઓની બેગ્સમાં સંતાડવામાં આવ્યા હતા. જેથી અન્ય ગ્રાહકોનાં પ્રત્યાઘાત જાણી શકાય.

આ અજમાયશનો વિડિયો દીપિકાએ રિલીઝ કર્યો છે. જે ખરેખર જોવા જેવો છે.

પહેલાં દીપિકા તથા એની સાથીઓ એક સેલ ફોન સ્ટોરમાં જાય છે જ્યાં શોપકીપર એનું સ્વાગત કરે છે. ત્યાં તે એક મહિલાને એક સેલ્ફી લેવાની વિનંતી કરે છે જેને તે સ્ત્રી ખુશીથી લેવા દે છે. અમુક પુરુષો આ છોકરીઓ સામે જુએ છે, પરંતુ કોઈ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા નથી.

ત્યારબાદ છોકરીઓ એક કરિયાણા સ્ટોરમાં જાય છે જ્યાં અમુક લોકો છોકરીઓને મદદ કરવાની ચોખ્ખી ના પાડી દે છે અને એમની સામે ઘૃણાપૂર્વક જુએ પણ છે, ચહેરા પર ચીડનાં  અમુક લોકો જોકે છોકરીઓ પ્રતિ સદ્દવ્યવહાર બતાવે છે અને સ્મિત પણ કરે છે.

એક જ્વેલરી સ્ટોરમાં, છોકરીઓ સાથે એક મહિલા હસીને વાત કરે છે, પરંતુ રોડ પરની માર્કેટમાં છોકરીઓને સાવ જુદો જ અનુભવ થયો હતો. ત્યાં એક મહિલા એસિડહુમલાને કારણે કદરૂપી દેખાતી છોકરીઓથી પોતાના પુત્રને સંતાડવાની કોશિશ કરતી જોવા મળી.

વિડિયોની આખરમાં, દીપિકા કહે છે, હું આખા દિવસ દરમિયાન એટલું શીખી કે ઘણું બધું તમારી આંખોની સામે જ હોય છે, પરંતુ તમે એને સમજી શકતા નથી. તમે તમારો દ્રષ્ટિકોણ બદલો એ મહત્ત્વનું છે.

‘છપાક’ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલનાં જીવનમાં બનેલી સત્યઘટના પર આધારિત છે. એ જ્યારે 15 વર્ષની હતી ત્યારે એની પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

(આ છે એ વિડિયો, જેમાં દીપિકા માલતી બનીને નીકળે છે…)

સુરત: રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર

સુરત: રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજદ્રોહ કેસમાં ચાર્જ ફ્રેમ દાખલ કરવાની હોવાથી ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈએ અરજી નામંજૂર કરવાની સાથે આગામી 18મી જાન્યુઆરી ના રોજ ચાર્જફ્રેમની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે.

પાટીદાર અનામત આંદોલ દરમ્યાન પાસના આરોપી નેતાઓ હાર્દિક પટેલ,ચિરાગ તથા વિપુલ દેસાઈ સહિત પાછળથી પોલીસે ઝડપેલા અલ્પેશ કથીરિયા વિરુધ્ધ અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહના ગુનાઈત કારસા અંગે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા પાસના આરોપી નેતા હાર્દિક પટેલ, વિપુલ તથા ચિરાગ દેસાઈએ ચાર્જશીટ રજુ થયા બાદ આરોપોમાંથી દોષમુક્ત સમ્માનભેર છોડવા માગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી હતી.

અગાઉ ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્વે પુરવણી ચાર્જશીટમાં અલ્પેશ કથીરીયાએ પણ પોતાની સામે આક્ષેપિત ગુનાના અગાઉ દર્શનીય કેસ ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ વોટ્સએપ મેસેજીસ, વિડિયો ક્લિપ સહિતના પુરાવા ચાર્જ ઘડવા માટે પુરતા છે. જેથી હાલના તબક્કે આરોપીને બિનતહોમત છોડવા માટેના કોઈ ચોક્કસ કારણ કે અરજીને કાનુની પીઠબળ મળે તેમ ન હોય ડીસ્ચાર્જ અરજી રદ કરવા માગ કરી હતી. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકાર પક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપી અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. કોર્ટે આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમની પેન્ડીંગ કાર્યવાહી માટે આરોપી અલ્પેશ કથીરિયાને કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.