Home Blog Page 3992

પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યા, ફેબ્રુઆરીમાં એના લગ્ન થવાના હતા; હત્યારાઓની શોધ ચાલુ છે

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર મુસ્લિમોનાં એક ટોળાએ હુમલો કર્યાના બે દિવસ બાદ, આજે પેશાવર શહેરમાં 25-વર્ષના એક શીખ યુવકને અજાણ્યા ઈસમોએ ઠાર કર્યાનો બનાવ બન્યો છે.

પેશાવર પોલીસના જણાવ્યા મુજબ મૃતકને રવિન્દર સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એનો મૃતદેહ પેશાવરના ચમકાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ હજી ચાલુ છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને શીખ યુવકની હત્યાના બનાવને વખોડી કાઢ્યો છે અને જણાવ્યું છે કે શીખ છોકરીના અપહરણ, બળજબરીથી ધર્મપરિવર્તન અને લગ્નનો કેસ હજી ઉકેલાયો નથી અને નનકાના સાહિબ ખાતે ગુરુદ્વારા શ્રી જનમ અસ્થાન ખાતે પથ્થરમારાનો બનાવ બન્યો હતો ત્યાં હવે લઘુમતી શીખ કોમના યુવકની હત્યા કરવામાં આવી છે.

ભારત સરકારે પાકિસ્તાન સરકારને કહ્યું છે કે તે આ પ્રકારના અધમ કૃત્યોને રોકવા માટે તત્કાળ પગલાં લે અને ગુનેગારોને પકડી એમને સખત સજા કરે.

રવિન્દર સિંહ મલેશિયાનો વતની હતો અને આવતા મહિને એના લગ્ન નિર્ધારિત થયા હોઈ ખરીદી માટે પેશાવર ગયો હતો. રવિન્દર સિંહનો ભાઈ હરમીત સિંહ પત્રકાર છે.

રવિન્દરની હત્યાના સમાચાર જાણીને હરમીત સિંહ ખૂબ ગુસ્સે ભરાયો છે. એ પેશાવરમાં છે અને એણે કહ્યું છે કે લઘુમતી કોમો વિના કોઈ પણ દેશ પ્રગતિ સાધી શકે નહીં. પાકિસ્તાન લઘુમતી કોમોને કારણે જ સુંદર દેશ છે, પરંતુ દર વર્ષે અમારે મૃતકોને અમારા ખભે ઉઠાવવા પડે છે.

હરમીતે કહ્યું કે લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરવા માટે પાકિસ્તાનને અનેક દેશો પાસેથી જંગી રકમનું ભંડોળ મળે છે, પરંતુ લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરાતું નથી. માટે જ હું મારા ભાઈનો મૃતદેહ ઉપાડવા માટે અહીંયા આવ્યો છું. જ્યાં સુધી મારા ભાઈના હત્યારાઓને પાકિસ્તાન સરકાર પકડશે નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે.

શીખ લોકોનાં પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકના જન્મસ્થાન પર કરાયેલા હુમલાને કારણે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. જેણે શીખ છોકરી જગજીત કૌરનું અપહરણ કરીને એનું બળજબરીથી ધર્મપરિવર્તન કર્યું હતું તે જ માણસના પરિવારની આગેવાની હેઠળ એક મુસ્લિમ ટોળાએ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે ગભરાઈ ગયેલા શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની અંદર ફસાઈ ગયા હતા.

ભારતમાં, શાસક ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષ, બંનેએ આ બનાવને વખોડી કાઢ્યો છે. બંનેનાં કાર્યકર્તાઓએ નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા.

દીપિકાએ ઉજવ્યો 34મો જન્મદિવસ…

ટોચની બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે 5 જાન્યુઆરી, રવિવારે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો. સવારે મુંબઈ એરપોર્ટ ખાતે દીપિકા એનાં અભિનેતા પતિ રણવીર સિંહ સાથે આવી ત્યારે ત્યાં હાજર એનાં એક પ્રશંસકે એને કેક ખવડાવી હતી. દીપિકાએ તે ખાધી હતી અને રણવીરને પણ ખવડાવી હતી. બાદમાં બંને જણ ફ્લાઈટમાં બેસીને લખનઉ ગયાં હતાં.


એરપોર્ટ પર બર્થડે કેક કટિંગ કાર્યક્રમ વખતે રણવીર સિંહે એના સ્પીકર્સ કાઢ્યા હતા અને સૌથી લોકપ્રિય બર્થડે ગીત વગાડ્યું હતું 'બાર બાર દિન યે આયે'... એણે પોતે પણ ગીત ગાયું હતું એમની સાથે ત્યાં હાજર રહેલા પ્રેસ ફોટોગ્રાફરો અને મિડિયાકર્મીઓ પણ જોડાયા હતા.
















આગામી હિન્દી ફિલ્મ 'છપાક'ની ટીમ તરફથી દીપિકાનો બર્થડે ઉજવવામાં આવ્યો હતો અને દીપિકાએ એને ખૂબ ભાવતી ચોકલેટ બર્થડે કેક કાપી હતી. એ પ્રસંગે ફિલ્મનાં નિર્દેશિકા મેઘના ગુલઝાર તથા અન્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 'છપાક' ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.






























ઈરફાન પઠાણ નિવૃત્ત થયો: નહીં જોવા મળે એના સ્વિંગનો જાદુ…

વડોદરાનિવાસી અને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ એની કારકિર્દી પર પૂર્ણવિરામ આવી ગયો છે. ઈરફાન ભારત વતી 29 ટેસ્ટ મેચ, 120 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 24 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો.

ભૂતકાળમાં એક સમયે ઈરફાન ભારતીય ક્રિકેટમાં અગ્રગણ્ય નામ હતું. સ્થાનિક સર્કિટમાં પણ એ નિયમિત રીતે રમતો હતો.

પરંતુ, 2019ના ફેબ્રુઆરીથી એ કોઈ પણ ફોર્મેટની ક્રિકેટમાં રમ્યો નહોતો.

પઠાણની કારકિર્દી પર એક નજર

35 વર્ષીય ડાબોડી બોલર અને ડાબોડી બેટ્સમેન ઈરફાન ભારત વતી છેલ્લે 2012ની સાલમાં આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો.

ઈરફાન તીવ્ર રીતે બોલને સ્વિંગ કરવા માટે જાણીતો હતો. એણે તમામ ફોર્મેટ્સમાં કુલ 301 વિકેટો ઝડપી હતી.

એ બેટિંગ પણ સારી કરી જાણતો હતો. એણે ટેસ્ટ ક્રિકેટમાં 31થી વધુની સરેરાશ સાથે 1,105 રન કર્યા હતા તો વન-ડે ક્રિકેટમાં 23.39ની સરેરાશ સાથે 1,544 રન કર્યા હતા.

ઈરફાનનો તરખાટ, લીધી હતી હેટ-ટ્રિક

ઈરફાન 2003ની સાલમાં મેદાન પર એની બોલિંગ વડે ખૂબ ગાજ્યો હતો. એ તેની કારકિર્દીમાં શરૂઆતનો તબક્કો હતો.

એણે 2006માં કરાચીમાં રમાઈ ગયેલી ટેસ્ટ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ-ટ્રિક લીધી હતી. એણે સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કર્યા હતા.

2007ની આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો અને પાકિસ્તાન સામેની ફાઈનલમાં ‘મેન ઓફ ધ મેચ’ બન્યો હતો. એણે તે મેચમાં 16 રનમાં 3 વિકેટ લીધી હતી.

કારકિર્દીની પહેલી સદી પણ પાકિસ્તાન સામે જ ફટકારી

2007માં ઈરફાને તેની પહેલી ટેસ્ટ સદી પાકિસ્તાન સામે જ ફટકારી હતી. એ મેચમાં એણે 102 રન કર્યા હતા.

ભારતીય ટીમ જ્યારે 2007-8માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઈરફાને એ મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને બેટિંગમાં 28 અને 46 રનનું યોગદાન પણ આપ્યું હતું.

ત્યારબાદ ઈરફાન ભારત વતી વધુ બે ટેસ્ટ મેચ રમ્યો હતો. એમાંની છેલ્લી ટેસ્ટ એ 2008માં સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં રમ્યો હતો.

આઈપીએલ સ્પર્ધામાં આકર્ષક પરફોર્મન્સ કર્યો હતો

વારંવાર ઈજાગ્રસ્ત થવાથી અને કંગાળ ફોર્મને કારણે એને ટીમ ઈન્ડિયા વતી રમવાનું વધુ તક મળતી બંધ થઈ હતી.

તે છતાં એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં સારું રમતો રહ્યો હતો. છેક 2016 સુધી એ સારો દેખાવ કરતો રહ્યો હતો.

આઈપીએલમાં એ કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમો વતી રમ્યો હતો.

આઈપીએલમાં એણે 103 મેચમાં 80 વિકેટ લીધી હતી અને બેટિંગમાં 1,139 રન કર્યા હતા.

સ્થાનિક ક્રિકેટમાં બરોડા અને જમ્મુ-કશ્મીર ટીમો વતી રમ્યો

સ્થાનિક ક્રિકેટમાં પોતાના વતન શહેર બરોડાની ટીમ વતી રમનાર ઈરફાન 2018ની શરૂઆતમાં ખેલાડી અને માર્ગદર્શકના રૂપમાં જમ્મુ અને કશ્મીરની ટીમમાં જોડાયો હતો.

એ તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2018ના ફેબ્રુઆરીમાં રમ્યો હતો. એ મેચ તે જમ્મુ અને કશ્મીર ટીમ વતી રમ્યો હતો અને સ્પર્ધા હતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી.

CAA મામલે રાહુલ, પ્રિયંકા લોકોને રમખાણો કરવા ઉશ્કેરે છેઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર એવો આરોપ મૂક્યો છે કે નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને રમખાણો માટે એમને ભડકાવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનું રણશિંગૂ આજે ફૂંક્યું છે. એમણે આઈજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓની એક સભામાં સંબોધન કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું.

શાહે કહ્યું કે CAA કાયદો 3 પડોશી દેશ – પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો શિકાર બનીને ભારતમાં આવેલા લઘુમતી કોમોનાં લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો છે. આ કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી.

દિલ્હીમાં આગામી બે મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. દરેક પક્ષોએ એ માટે પોતપોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે આજથી ભાજપનું ચૂંટણી બ્યુગલ બજાવી દીધું છે.

શાહે કર્યું કે નાગરિકતા સુધારિત કાયદાનો વિરોધ કરનારાઓ દેશની જનતાને એક વાર ગેરમાર્ગે દોરી શકે છે, વારંવાર નહીં.

શાહે કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. ભાજપ ધરખમ બહુમતીથી જીતશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષ ચાલી, હવે લોકોએ એ પાર્ટીને પૂછવું જોઈએ કે એણે પાંચ વર્ષમાં કયા કયા કામો કર્યા. લોકોએ ‘આપ’ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે હિસાબ માગવો જોઈએ કે એમની સરકારે પાંચ વર્ષમાં શું કામ કર્યું.

મજબૂરીનું નામ નાટક ઉર્ફે પ્રવીણ ઉર્ફે પ્રવીણ સોલંકી

ગુજરાતી નાટય જગતમાં છેલ્લા ચૌદ વર્ષથી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાઓ ખાસ છે. એમ કહો કે, નાટય જગતના સિધ્ધહસ્ત કલાકારોથી માંડીને તખ્તા પર અભિનયની અજમાયશ કરવા માગતા નવોદિત કલાકારો જે ઉત્સવની રાહ જોઇને બેઠા હોય છે એ ઉત્સવના મહિનાઓ એટલે ડીસેમ્બર-જાન્યુઆરી અને એ ઉત્સવ એટલે મુંબઇસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી આયોજિત ‘ચિત્રલેખા નાટયસ્પર્ધા’.  એક અર્થમાં એ સાતત્ય અને સમર્પણનો ઉત્સવ છે, રંગભૂમિ પ્રત્યેના અદ્વિતીય સમર્પણનો.

ગુજરાતી રંગભૂમિનો આ ઉત્સવ હાલ મુંબઇમાં પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે એની સફળતાના પાયાના શિલ્પી અને સિધ્ધહસ્ત નાટ્ય લેખક પ્રવીણ સોલંકીએ આ નાટ્યસ્પર્ધાની રસપ્રદ સફરની વાત અહીં દિલથી આલેખી છે….

————————————————————————–

કેટલીક મજબૂરી ન કરવાનાં કામ કરાવે છે, જ્યારે કેટલીક મજબૂરી કરવા જેવાં કામ કરતાં અટકાવે પણ છે. કેટલીક મજબૂરી એવી પણ હોય છે જે પ્રેમથી નિભાવવી પડે છે અને હસતે મોઢે સહન કરવી પડે છે. ક્યારેક-ક્યારેક ફરજને આપણે મજબૂરીનું લેબલ લગાડી દેતાં હોઈએ છીએ તો ક્યારેક મજબૂરીનો ‘બહાના’ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ એવું આપણે વારંવાર બોલીએ છીએ કે સાંભળીએ છીએ, પણ એનો અર્થ કોઈ ક્યારેય સ્પષ્ટપણે જણાવી શક્યું કે સમજાવી શક્યું નથી.

એક બુઝુર્ગ ગાંધીયને મને એ સમજાવતાં કહ્યું, ‘પ્રવીણભાઈ, મારા ફાધર ગાંધીબાપુના અંતેવાસી હતા. ગાંધી આશ્રમમાં બાપુનો પડ્યો બોલ ઝિલાતો. કોઈ મીનમેખ નહીં. બાપુનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય. બાપુનો આદેશ એટલે અફર અને આખરી. બાપુ જે કહે એ કરવા બધા સદૈવ તત્પર રહેતા. કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. જોકે બાપુ આવું ઇચ્છતા નહીં. તે પોતાનો મત બીજા પર થોપવા ક્યારેય પ્રયત્ન ન કરતા. પણ તેમનો પ્રભાવ, વ્યક્તિત્વ એવાં હતાં કે કોઈ સામે પ્રશ્ન ન કરતું. આવી પરિસ્થિતિ કેટલાકને મજબૂરી લાગતી એટલે કહેવાતું કે ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.’

છેલ્લાં ૧૪ વર્ષથી દર ડિસેમ્બરમાં મારે લગભગ એકાદ મહિનો બધાં જ કામો કોરાણે મૂકી ઘર-કુટુંબના બધા જ સારા-નરસા પ્રસંગોને અવગણી, બધી જ પ્રવૃત્તિઓને અલ્પવિરામ આપી સળંગ એક મહિનો ગુજરાતમાં વીતાવવો પડે છે. સતત ૧૪ વર્ષથી આ ક્રમ ચાલતો આવ્યો છે. એક વર્ષના મારા દીકરાને ‘તાયફોડ’માં મૂકીને જવું પડ્યું તો એક વર્ષ મેં કરાવેલા ઑપરેશન પછી ચોથા દિવસે રવાના થયો. આવા પ્રસંગે મિત્રો, વડીલો બધા મને ટપારે કે એવો તે તારો શું ગરાસ લૂંટાઈ જવાનો છે કે તું જાય છે? હું હસીને વાત ટાળવા કહું, ‘મારી મજબૂરી છે.’

હકીકતમાં એ મારું કર્તવ્ય, ફરજ રહી છે. ૧૪ વર્ષ પહેલાં મેં કરેલો ‘સંકલ્પ’ પાર પાડવાનું કર્તવ્ય. શાળાજીવનથી હું નાટકને જીવતો આવ્યો છું. ૬૦ વર્ષથી નાટક મારી રગેરગમાં ફરતું રહ્યું છે. રંગભૂમિ મારા કર્મ અને ધર્મનું ક્ષેત્ર રહ્યું છે. મારા અધિષ્ઠાતા એટલે રંગદેવતા! આ રંગભૂમિ થકી હું જીવતો રહ્યો છું, ઉન્નત મસ્તકે મને જિવાડ્યો છે. મને નામ આપ્યું, સન્માન આપ્યું, દામ આપ્યા અને સૌથી વિશેષ તો મને જીવવાનું બહાનું આપ્યું.

૧૪ વર્ષ પહેલાં એક શુભ પળે મને વિચાર આવ્યો કે રંગભૂમિએ જો મને આટલું બધું આપ્યું છે તો મેં એના બદલામાં રંગભૂમિને શું-શું આપ્યું? એવું તે હું શું કરું જેનાથી રંગભૂમિના કલાકારો, કસબીઓ, લેખકો, દિગ્દર્શકો અને છેવટે પ્રેક્ષકોનું હું કંઈક આપી શકું? મારી દ્વિધામાં ભવન્સ કલ્ચરલ સેન્ટરના પ્રશાસક લલિત શાહ જોડાયા. ફળશ્રુતિરૂપે ત્રિઅંકી (હવે દ્વિઅંકી) નાટ્યસ્પર્ધાનો જન્મ થયો.

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું સશક્ત સાધન-માધ્યમ ‘નાટક’ છે. ગુજરાતના ખૂણે-ખૂણે, ભારતભરમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં અનેક કલાકારો અને કસબીઓ રંગભૂમિની નાની-મોટી પ્રવૃત્તિઓ કરે છે અને તેમને કંઈક નવું-નોખું કરવાની ધગશ છે, ઉત્સાહ છે; પણ યોગ્ય પ્લૅટફૉર્મ નથી. અનેક અનુભવી કલાકારોને પણ પ્રોયોગિક ધોરણે કશુંક નવું-નોખું કરવાની તમન્ના છે, પણ એ લોકો પાસે પણ સાધન-સગવડ, પ્રેક્ષક-પૈસા નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખી નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે અને અનુભવી કલાકારોને કંઈક નવું નોખું કરવાની તક મળે એવા આશયથી પ્રસ્તુત સ્પર્ધાનો આરંભ થયો.

પહેલે વર્ષે ભારતભરમાંથી ૯ એન્ટ્રીઓ આવેલી. ઉત્તરોઉત્તર એન્ટ્રીઓ વધતી ગઈ. ૨૦૧૬-૧૭માં કુલ્લે ૫૧ એન્ટ્રીઓ આવી હતી. સ્પર્ધાનું પ્રથમ ચરણ ગુજરાતનાં શહેરો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, નવસારી જેવાં શહેરોમાં યોજાય છે. આ વર્ષે કુલ ૪૮ એન્ટ્રીઓ આવી છે, જેમાંથી ૧૯ નાટકો પ્રથમ ચરણ માટે પસંદ થયાં અને એમાંથી ૭ નાટકો ભાવનગર ખાતે અને બાકીનાં ૧૨ નાટકો સુરત ખાતે રજૂ થયાં, જેમાંથી ૧૦ નાટકો ફાઇનલ માટે અંતિમ સ્પર્ધા માટે પસંદ થયાં છે જે તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે રજૂ થશે.

મને સંતોષ થાય છે કે મેં આદરેલા યજ્ઞનું પરિણામ અદ્ભુત આવ્યું છે. આજે મુંબઈમાં ભજવાતાં વ્યાવસાયિક નાટકો માટે ટિકિટબારી ફળતી નથી. એકાદ-બે અપવાદ સિવાય કોઈ નાટકો ટિકિટબારી પર ભાગ્યે જ ચાલે છે. નાટકમાં નાટ્યત્વને બદલે હાસ્યત્વ અનિવાર્ય બન્યું છે ને વાર્તાને બદલે ટેક્નિક-આંજી નાખે એવા ભપકાને પ્રાધાન્ય મળી રહ્યું છે. નાટક ચલાવવા માટે પ્રોડ્યુસરે જાતજાતની તરકીબો અજમાવવી પડે છે ને એમાં કશું ખોટું નથી. જે હોય તે, મુંબઈમાં પ્રેક્ષકો ઓછા થયા છે એ હકીકત છે. નાટક સંસ્થાઓના ખભા પર ચાલે છે એ બીજી વરવી વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં આ સ્પર્ધામાં ગુજરાતનાં નાનાં-નાનાં શહેરોમાં નાટક જોવા માટે અડધો કલાક પહેલાં લાઇન બનાવે, ૮૦૦-૧૦૦૦ સીટનું સભાગૃહ હાઉસફુલ થાય, જગ્યા ન હોય તો લોકો ઊભા રહીને, પગથિયાં પર બેસીને નાટક જુએ, માણે, યોગ્ય સ્થળે દાદ આપે, ન ગમે તો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે સહન કરી લે આ દૃશ્ય મનને ભાવવિભોર કરી નાખે એ સ્વાભાવિક છે.

કોઇને દલીલ કરવાનું મન થાય કે ‘મફત’માં નાટક જોવા મળે તો હાઉસફુલ કેમ ન થાય? આ દલીલમાં કોઈ વજૂદ નથી. લોકોની મનોવૃત્તિનો મને બરાબર અંદાજ છે. મફતમાં મળતી વસ્તુઓમાં ગુણવત્તા નથી હોતી એવો લોકોમાં ભ્રમ હોય છે. જેટલું મોંઘું એટલું વધારે સારું એવી માન્યતા લોકોનાં મનમાં ઘર કરી ગઈ છે. શરૂઆતનાં બે વર્ષ અમને પણ પ્રેક્ષકો મેળવવામાં અગવડ પડેલી. પરંતુ સ્પર્ધાના ધોરણ અને લોકપ્રિયતાને લીધે પ્રેક્ષકો આકર્ષાયા. વિવિધ વિષયો અને અનોખી ભાતનાં નાટકો  પ્રેક્ષકોને સભાગૃહ સુધી લઈ આવવામાં સફળ બન્યાં.

પ્રસ્તુત સ્પર્ધામાં છેલ્લાં ૧૦ વર્ષથી દર વર્ષે લગભગ ૩૦૦થી ૬૦૦ કલાકાર કસબીઓ ભાગ લે છે, ૨૫થી ૩૦ હજાર પ્રેક્ષકો નાટક જુએ છે, દર વર્ષે ચારથી પાંચ નવા કલાકારો મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિને અને ટીવી સિરિયલ્સના પ્રોડ્યુસરને મળે છે. આ સ્પર્ધાને કારણે નવા-નવા લેખકો મળ્યા છે, દિગ્દર્શકો મળ્યા છે. જે અનુભવી કલાકારો પોતાના દાયરામાં કેદ હતા તેમને રંગભૂમિનું વિશાળ ફલક જાણતું થયું છે. દા.ત. વિરલ રાછ જામનગરના મટીને સમસ્ત રંગભૂમિના બની ગયા.

પ્રસ્તુત સ્પર્ધાનો ઇતિહાસ અને સિદ્ધિઓની યાદી લાંબી છે અને આત્મશ્લાઘાના ભયે અટકાવું છું. ફક્ત એટલું જ કહીશ કે અમારો પરસેવો રંગ લાવ્યો છે, મહેનત મહેકી ઊઠી છે, પ્રયત્નોનું ધાર્યું પરિણામ આવ્યું છે. રંગભૂમિનું ઋણ ચૂકવવાના મારા મુઠીભર પ્રયાસનું પરિણામ થાળ ભરીને આવ્યું એનો આનંદ છે. વ્યાવસાયિક નાટકો લખવાં એ મારી જરૂરિયાત છે, જીવનનિર્વાહનું સાધન છે. બાકી રંગદેવતા મારા આરાધ્ય દેવ છે. મેં ઘણી જગ્યાએ કહ્યું છે, લખ્યું છે કે મારે મન નાટક કૃષ્ણ છે, લેખક દેવકી છે જે નાટકને જન્મ આપે છે, દિગ્દર્શક યશોદા છે જે નાટકનું જતન કરે છે, ઉછેરે છે. રંગમંચ ગોકુળ છે, કલાકાર કસબીઓ ગોવાળિયાઓ છે અને પ્રેક્ષકો ગોકુ‍ળવાસી છે.

એક બીજી મહત્વની વાત. એકાંકી નાટ્યસ્પર્ધા મુંબઈ સહિત ભારતભરમાં ઠેર-ઠેર થાય છે. કેટલાંક રાજ્ય સરકારી કે મહાપાલિકા ત્રિઅંકી નાટકો-ફુલ લેન્ગ્થ પ્લેની સ્પર્ધાનું આયોજન કરે છે. સુરતની મહાપાલિકા છેલ્લાં ૪૦થી વધુ વર્ષોથી આ આયોજન કરતી આવી છે, પરંતુ કોઈ જાહેર સંસ્થાએ વ્યાપક ફલક પર ૧૪ વર્ષ સતત આયોજન કર્યું હોય એવો આ પહેલો દાખલો છે. એ રીતે પણ ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા રંગભૂમિના ઇતિહાસનું ઊજ‍ળું પાનું બની રહેશે.

સતત ૧૪ વર્ષથી ચાલતા અમારા આ રંગયજ્ઞની નોંધ બહુ ઓછી લેવાઈ છે એનું અમને દુ:ખ એટલા માટે નથી કે સારા કામની સરાહના ન કરવી એ આપણી રાષ્ટ્રીય આદત અને માનસિક વૃત્તિ છે. આપણે હોળી પ્રગટાવીએ છીએ પણ પ્રહલાદની પૂજા કરતા નથી. રાવણનાં પૂતળાં બાળીએ છીએ, પણ જટાયુની આરતી ઉતારતા નથી. વિચાર કરો, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોય તો કેટલી દોડધામ કરવી પડે છે? તો…

ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં ૨૦-૨૨ નાટકોનું આયોજન કરવું, થિયેટર બુક કરાવવાં, જાહેરાત કરવી, ટિકિટો-આમંત્રણપત્રિકાઓ છાપવી, એનું વિતરણ કરવું, સ્પર્ધકોને તારીખો ફાળવવી, તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે આયોજનની રૂપરેખા ઘડવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું, નાટકોની ભજવણી માટે સેટ, લાઇટ, પ્રૉપર્ટીની યોગ્ય વ્યવસ્થા થઈ છે કે નહીં એનું ધ્યાન રાખવું, આ બધું કેટલું ભગીરથ કામ હશે? કેટલાે સમય માગી લે? જો આ સ્પર્ધા કોઈ પ્રાઇવેટ કંપની કે સરકાર કરતી હોય તો કેટલા માણસો કામે લગાડે?

પ્રિય વાચકો, છેલ્લાં ૧૪ વર્ષથી આ જવાબદારી પાંચ જ વ્યક્તિઓએ નિભાવી છેઃ પ્રવીણ સોલંકી, લલિત શાહ, કમલેશ દરૂ, રમાકાંત ભગત અને જિજ્ઞેશ મકવાણા.

આ શક્ય બન્યું એનું કારણ રંગભૂમિ પ્રેમીજનોનો સહકાર, જે-તે શહેરની સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોનો સથવારો, દાતા વ્યક્તિ અને કંપનીઓની આર્થિક મદદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની ઉદારતા અને પહેલા વર્ષથી જ ચિત્રલેખા સાપ્તાહિકના માલિકો-સંચાલકોનું પડખું અને હૂંફ અમારો આધાર બની રહ્યાં.

અને છેલ્લે…

દર વર્ષે ૨૦-૨૨ દિવસ કામધંધો, ઘરબાર, કુટુંબ છોડીને ઘરથી દૂર રહેવાની મારી ‘મજબૂરી’નું કારણ હવે આપને સમજાઈ ગયું હશે. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી નહીં, પ્રવીણ હતું. હાથે કરીને વહોરી લીધેલી રંગીન પીડા. એક વાર ગોરખનાથ કબીરસાહેબના ઘરે ગયા. ગોરખનાથે કહ્યું, ‘ચાલો, આપણે ગંગાસ્નાન કરવા જઈએ.’ ગંગાતટે પહોંચ્યા પછી બોલ્યા કે પહેલાં હું ગંગામાં કૂદકો મારું છું, થોડી પળ પછી તમે કૂદકો મારી મને શોધી કાઢશો? કબીરજીએ કહ્યું, ‘અવશ્ય.’ ગોરખનાથે કૂદકો માર્યો. થોડીક ક્ષણો બાદ કબીરજીએ કૂદકો માર્યો અને હાથમાં એક દેડકો પકડી બહાર આવી બોલ્યા, ‘ગોરખનાથ, મૂળ સ્વરૂપમાં આવો.’ ગોરખનાથ શરમાયા. હવે કબીરજીએ કહ્યું કે હું ડૂબકી મારું છું, તમે શોધી કાઢો. કબીરજીએ ડૂબકી માર્યા પછી ગોરખનાથે ગંગામાં કબીરને ખૂબ શોધ્યા, ક્યાંય મળ્યા નહીં. નિરાશ થઈ હાથ જોડી તટ પરથી બોલ્યા, ‘કબીર, હું મુંઝાયો છું, તમે બહાર આવો.’ કબીરસાહેબ હસતાં-હસતાં બહાર આવ્યા. ગોરખનાથે પૂછ્યું કે તમે પાણીમાં શું થઈ ગયા હતા? કબીરજીએ કહ્યું કે હું પાણીમાં પાણી થઈને ભળી ગયો હતો.

હું પણ નાટકમાં નાટક થઈને ભ‍ળી ગયો છું.

સમાપન

એક અજીબ સા રિશ્તા હૈ મેરે ઔર ખ્વાહિશ કે બીચ

વો મુઝે જીને નહીં દેતી ઔર મૈં ઉન્હે મરને નહીં દેતા

અરમાનો અને મારા વચ્ચે એક અજબનો સંબંધ છે. એ મને જીવવા નથી દેતાં અને હું એને મરવા નથી દેતો.

(લેખ સૌજન્યઃ મિડ-ડે ગુજરાતી દૈનિક) 

(તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા)

 

 

મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણીઃ NCPના અજીત પવાર નાણાં પ્રધાન, અનિલ દેશમુખ ગૃહ પ્રધાન

મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની 3-પક્ષોના સંગઠન ‘મહાવિકાસ આઘાડી’ની બનાવાયેલી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદીને રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ મંજૂરી આપી દીધી છે.

ઘણા દિવસોના વિલંબ બાદ પ્રધાનોને ખાતાની ફાળવણીનો મામલો હવે સમાપ્ત થયો છે.

કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવ્યું છે એની ઔપચારિક જાહેરાત હજી કરવામાં આવી નથી, પરંતુ યાદી મિડિયા પાસે પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદી ગઈ કાલે રાતે ગવર્નર કોશિયારીને મોકલી હતી. રાજ્યપાલે એની પર પોતાના હસ્તાક્ષર કરી દેતાં એ મંજૂર થઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય પ્રશાસન, ભંડોળ, ન્યાયતંત્ર પોતાની પાસે રાખ્યા છે. એમણે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને પર્યાવરણ અને પર્યટન ખાતું સોંપ્યું છે તથા પોતાના જ પક્ષના એકનાથ શિંદેને નગરવિકાસ અને સાર્વજનિક બાંધકામ ખાતાઓની જવાબદારી આપી છે.

સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મહત્ત્વના પદ આપવામાં આવ્યા છે. અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે અને એમને બે મહત્ત્વના ખાતા આપવામાં આવ્યા છે – નાણાં અને આયોજન.

અગાઉ એવા અહેવાલ હતા કે એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલને નાણાં ખાતું સોંપવામાં આવશે, પરંતુ એમને તે આપવામાં આવ્યું નથી અને અજીત પવાર બન્યા છે નાણાં પ્રધાન. જયંત પાટીલને જળસંસાધન પ્રધાન બનાવવામાં આવ્યા છે.

એનસીપીના અનિલ દેશમુખને રાજ્યના નવા ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતને મહેસૂલ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ બન્યા છે સાર્વજનિક બાંધકામ પ્રધાન.

શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ રાજ્યના નવા ઉદ્યોગ પ્રધાન બન્યા છે.

એનસીપીના છગન ભુજબળને અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન બનાવાયા છે. આ જ પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડને ગૃહનિર્માણ અને ધનંજય મુંડેને સામાજિક ન્યાય ખાતાની જવાબદારી આપવામાં આવી છે. નવાબ મલિકને અલ્પસંખ્યકોને લગતી બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

શિવસેનાના અનિલ પરબને બનાવવામાં આવ્યા છે નવા ટ્રાન્સપોર્ટ પ્રધાન.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પાર્ટીના પ્રધાન અબ્દુલ સત્તાર

બે દિવસ પહેલાં નારાજગી વ્યક્ત કરીને રાજીનામાની ધમકી આપનાર શિવસેનાનાં મુસ્લિમ પ્રધાન અબ્દુલ સત્તારને મહેસુલ અને ગ્રામવિકાસ ખાતાના રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણીઃ અમારી પર હુમલો કર્યો તો ઈરાનના 52 સ્થળો પર હુમલા કરીશું

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકાના સૈનિકો પર કે સંપત્તિ પર હુમલા કરશે તો અમેરિકા ઈરાનમાં 52 સ્થળોને ટાર્ગેટ બનાવીને એની પર હુમલા કરશે અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ખતરનાક ફટકો મારશે.

અમેરિકા, ઈરાન વચ્ચે તંગદિલી વધી; યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, જો અમારી પર હુમલો કર્યો તો અમે 52 સ્થળો પર હુમલા કરીશું.

ગયા શુક્રવારે ઈરાકના પાટનગર બગદાદમાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીનું મોત નિપજાવનાર અમેરિકી દળોના હવાઈ હુમલાનો બચાવ કરતા ટ્રમ્પે ટ્વિટ્સ કર્યા છે અને કહ્યું છે કે 52 આંકડો ઈરાને ઘણા વર્ષો પહેલાં બાનમાં પકડેલા 52 અમેરિકન નાગરિકોના આંકડાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાની શાસકોએ 1979ના નવેંબરમાં પાટનગર તેહરાનમાં યુએસ દૂતાવાસ પર કબજો જમાવ્યા બાદ 52 અમેરિકન નાગરિકોને બાનમાં પકડ્યા હતા. એ અમેરિકનોને ઈરાને 444 દિવસો સુધી બાનમાં પકડ્યા હતા.

ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું છે કે 52માંના અમુક સ્થળો ઈરાનમાં ઘણા જ ઉચ્ચ સ્તરીય અને અને ઈરાની સંસ્કૃતિ માટે મહત્ત્વના છે. અમેરિકા એ લક્ષ્યાંકો પર ખૂબ જ ઝડપથી ત્રાટકશે અને એ ફટકો ખૂબ જ ખતરનાક હશે. અમેરિકા હવે વધારે ધમકીઓ નહીં આપે.

ટ્રમ્પે અમેરિકા ઈરાનમાં કયા સ્થળો પર હુમલા કરશે એ જણાવ્યું નથી.

અમેરિકી દળોએ ગયા શુક્રવારે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન વડે કરેલા હવાઈ હુમલામાં ઈરાકના ઉગ્રવાદીઓને સમર્થન આપતા ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની તથા ઈરાકના ઉગ્રવાદી નેતા અબુ માહદી અલ-મુહાન્ડીસ માર્યા ગયા હતા. એ બંનેનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા હજારો ઈરાકી લોકોએ શનિવારે કૂચ કાઢી હતી.

છેલ્લા અમુક દિવસોની ઘટનાઓ અને ઈરાન પર ત્રાટકવાની ટ્રમ્પની ધમકીને કારણે મધ્યપૂર્વમાં તંગદિલી ખૂબ વધી ગઈ છે.

ઈરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી

દરમિયાન, ઈરાનના કોમ શહેરની મસ્જિદ-એ-જમકરાનની ઉપર લાલ ઝંડો ફરકાવી દેવામાં આવ્યો છે જે યુદ્ધનું પ્રતિક ગણવામાં આવે છે.

ઈરાની લશ્કરના બ્રિગેડિયર જનરલ અબૂલ ફૈઝલ નામના વરિષ્ઠ કમાન્ડરે એલાન કર્યું છે કે જનરલ કાસીમ સુલેમાનીની મોતનો ઈરાન અમેરિકા પર જરૂર બદલો લેશે. અમેરિકા પર બદલો લેવા માટે યોગ્ય સ્થળ અને યોગ્ય સમયની રાહ જોવામાં આવશે.

અબૂલ ફૈઝલે એમ પણ કહ્યું છે કે અમે અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવા માટે શાંતિથી અમારો પ્લાન બનાવીશું અને જોરદાર ફટકો મારીશું.

ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ પણ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર ભારતમાં એન્ટ્રી માટે તૈયાર

મુંબઈ: ચીનની કાર નિર્માતા કંપની ગ્રેટ વૉલ માટર્સ ભારતના માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કંપની ફ્રેબુઆરીમાં યોજાનારા ઓટો એક્સપોમાં કેટલીક એસયુવી અને એક ઈલેક્ટ્રીક કાર પ્રદર્શિત કરશે. આ ઈલેક્ટ્રિક કાર Ora R1 છે જે વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક તરીકે જાણીતી છે.

Ora R1 ઈલેક્ટ્રીક કારની કિંમત 8.6 હજાર ડોલરથી લઈને 11 હજાર ડોલર જેટલી છે. એટલે કે ભારતીય રુપિયામાં આ કારની કિંમત 6.2 લાખથી લઈને 8 લાખ રુપિયા સુધી આંકી શકાય. ગ્રેટ વૉલ મોટરે પોતાના ભારતીય ટ્વિટર પેજ પર આ સસ્તી ઈલેક્ટ્રિકલ કારને ફીચર કરી છે. Ora R1 ઈલેક્ટ્રિક કાર એક વાર ફુલ ચાર્જ થયા બાદ 351 કિમી સુધી ચાલી શકે છે. કારમાં 35KWની ઈલેક્ટ્રિક મોટર અને 33kwhની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ચાર્જરથી આ કારને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 10 કલાકનો સમય લાગશે. ફાસ્ટ ચાર્જરથી કારની બેટરી 40 મિનિટમાં 20 ટકાથી ચાર્જ થઈને 80 ટકા થઈ જશે.

આ સસ્તી ઈલેક્ટ્રિક કારની રેન્જ ભારતીય માર્કેટમાં રહેલી અન્ય ઈલેક્ટ્રિક કારના હિસાબે પ્રતિસ્પર્ધી છે. આ ઈલેક્ટ્રિક કારની સરેરાશ એવરેજ 270 કિમી છે. ફુલ ચાર્જ પર સૌથી વધુ એવરેજ 452 કિમી હ્યુંડાઈની કોના ઈલેક્ટ્રિક આપે છે. પરંતુ તેની એક્સ શો રૂમ કિંમત 23.72 લાખ રુપિયા છે.

જોકે, આ ઈલેક્ટ્રીક કારમાં ટેસ્લા ઓટોપાયલટ કે તેમના જેવા અન્ય ફેન્સી ટેક્નોલોજી ફિચર્સ નથી પણ આ કારનો દેખાવ આકર્ષક છે. કારની સ્ટીલ ફ્રેમ પર શાનદાર કર્વ્સ અને મોટા રાઉન્ડ હેડલેમ્પ કારને રેટ્રો મોર્ડન લુક આપે છે. આ ઈલેક્ટ્રીક કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી Hello Ora બોલતાની સાથે આ કાર ચાલુ થઈ જશે.

ભારતમાં ઈલેક્ટ્રિક કારની સરેરાશ કિંમત 13 લાખ રુપિયાની આસપાસ છે. જે ટ્રેડિશનલ પોપ્યુલર કાર્સ કરતા લગભગ 5 લાખ રુપિયા વધારે છે. જ્યારે ગ્રેટ વૉલ મોટર્સની એન્ટ્રીથી ભારતના ગ્રાહકોને Ora R1ના સ્વરુપે એક સારો વિકલ્પ મળશે. ગ્રેટ વોલ મોટરે ભારતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ટ્વિટર પેજ પર કંપનીએ નમસ્તે ઈન્ડિયા ટાઈટલ સાથે એક ટીઝર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક SUVની આઉટલાઈન પણ જોવા મળે છે.