Home Blog Page 3979

ઉત્તરાખંડ સરકાર ચાર ધામ સહિત 50 મંદિરોના વહીવટનો કબજો લેશે

દેહરાદૂન – ઉત્તરાખંડ રાજ્યના ગવર્નર બેબી રાની મૌર્યએ ‘ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-2019’ને તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ – એમ ચાર ધામ સહિત 50 તીર્થસ્થાનો પોતાને હસ્તક લેવાનો રાજ્ય સરકાર માટે માર્ગ મોકળો થઈ ગયો છે.

ઉક્ત ખરડો ઉત્તરાખંડ સરકારના કાયદા વિભાગે પાસ કરી દીધો છે અને હવે એને અમલમાં મૂકતા પહેલાં નોટિફિકેશનની તારીખ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ માટે જે બોર્ડ રચવામાં આવશે એમાં આઈએએસ કક્ષાના કોઈ અધિકારી સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન બોર્ડના પ્રમુખપદે રહેશે. બોર્ડના સભ્યો તરીકે વિધાનસભ્યો, સંસદસભ્યો તથા ટેહડી શાહી પરિવારના એક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવશે.

બોર્ડનું મુખ્યાલય દેહરાદૂન શહેરમાં રખાશે.

આ બોર્ડ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિત ઉત્તરાખંડ રાજ્યના બીજા 51 મંદિરોને રાજ્ય સરકારના અંકુશ હેઠળ લાવશે.

એ સાથે જ હાલના જે મંદિર સંચાલન ટ્રસ્ટ, સમિતિ કે બોર્ડ છે એ રદ કરવામાં આવશે. આમાં બદ્રી-કેદાર ટેમ્પલ કમિટીનો પણ સમાવેશ થાય છે.

વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અને તિરુપતિ બાલાજી શ્રાઈન બોર્ડની જેમ ઉત્તરાખંડનું મંદિર બોર્ડ બનશે.

સ્થાનિક પૂજારીઓ, સાધુ-સંતો નારાજ, આંદોલન કરશે

દરમિયાન, ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયથી રાજ્યના ઘણા પૂજારીઓ, સાધુ-સંતો નારાજ થયા છે.

કેદારનાથ વિસ્તારના કોંગ્રેસના વિધાનસભ્ય મનોજ રાવતે આ ખરડાની વિરુદ્ધમાં આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. એમણે કહ્યું છે કે આ ખરડો પૂજારીઓ, સાધુ-સંતોના સમાજના હિતની વિરુદ્ધમાં છે.

રાવતે કહ્યું કે રાજ્ય સરકાર ચાર ધામ માટે આદી શંકરાચાર્એ રચેલી સદી જૂની હિન્દુ પ્રણાલિકાને બગાડી રહી છે. જે કામ બ્રિટિશરો કરી શક્યા નહોતા એ કામ આ સરકાર કરી રહી છે. ચાર ધામમાં પૂજારીઓની નિમણૂક તથા એમની મુદત સહિત બધું કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો રાજ્ય સરકાર આ પદ્ધતિને રદ કરી શું મેળવવા માગે છે?

બદ્રીનાથ મંદિરના પૂજારી આશુતોષ સેમવાલે કહ્યું કે અમારો સમાજ નવા બોર્ડનો વિરોધ કરે છે, કારણ કે એ હાલની પદ્ધતિને રદ કરશે. અમે તમામ પૂજારીઓ, સાધુ-સંતો મળવાના છીએ અને આગળના પગલાં લેવાનો નિર્ણય લઈશું.

જોકે રાજ્ય સરકારના પ્રવક્તા અને હરિદ્વારના વિધાનસભ્ય મદન કૌશિકનું કહેવું છે કે આદી શંકરાચાર્યએ સ્થાપેલી વડા પૂજારીઓ માટેની પ્રથા અત્યારે છે એ જ પ્રમાણે ચાલુ રહેશે. નવું બોર્ડ મંદિરોની દૈનિક કામગીરીઓમાં દખલ નહીં કરે. એ માત્ર દાનની રકમ તથા મંદિરોનાં વિકાસ માટે વપરાતા નાણાંનો વહીવટ સંભાળશે.

રાશિ ભવિષ્ય 15/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે,


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે,


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે,


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 13/01/20 થી 19/1/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિક ચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિક પ્રસંગમાં જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરી કે વેપારમા ફેરબદલીના સારા સમાચાર મળે, ઘરમાં કે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિક ખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમાં થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્ન બાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિક ભાવના સારી જાગે અને ક્યાક ધાર્મિક સ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થ્યની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમાં ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્ય બાબતની કોઈ તકલીફ હોયતો તેમાં પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમાં કે દામ્પત્યજીવનમાં તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિક થાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલન-મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચાર અને ઉમંગમાં વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તણાવથી બચવુ, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થી વર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિક બાબતની ચિંતા અને નવા આયોજન બાબતમાં અન્યનો સાથ સહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમાં કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે, જૂનીવાતકે કામના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમાં ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગ ક્ષેત્રમાં તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમાં અચાનક સારા સમાચાર સાંભળવા મળી જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમાં કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારી કામકાજમાં ધાર્યું થવાથી ઉત્સાહમાં વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમાં ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગ ક્ષેત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિક બાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમાં લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીત કે મિલનમુલાકાતમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમ્યાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે.


કામકાજમાં ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમાં વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમ્યાન વિચાર મતભેદ થાય પણ તેમાં પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમ્યાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન-મુલાકાતમાં તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમ્યાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરી કે પ્રવાસનું આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણાં વધુ તાજા થાય, કામકાજમાં મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમાં રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૨૦’: અંતિમ સ્પર્ધાનું સમાપનઃ આ છે, નામાંકનોની યાદી

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ફાઈનલ રાઉન્ડ ૩-૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ વચ્ચે તળ મુંબઈના ભવન-ચોપાટી  ખાતે કદરદાન પ્રેક્ષકોની ટોળાબંધ હાજરી વચ્ચે પાર પડ્યો.

૧૪મા વર્ષમાં પ્રવેશેલી આ સ્પર્ધામાં ૨૦ નાટક ભાવનગર-સુરત ખાતે પ્રથમ રાઉન્ડમાં ભજવાયાં. એમાં ખરાં ઊતરેલાં ૧૦ નાટકના કલાકારકસબીઓને મુંબઈની ફાઈનલમાં કળા દર્શાવવાની તક મળી.

૧૩ જાન્યુઆરીના મંગળવારે ફાઈનલના છેલ્લા નાટકની સમાપ્તિ પછી નિર્ણાયકો રોબિન ભટ્ટ, લતેશ શાહ અને પ્રવીણ સોલંકીએ બંધબારણે મનોમંથન કરીને વિવિધ કૅટેગરીમાં નામાંકન જાહેર કર્યાં, જે આ પ્રમાણે છે.

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં નામાંકન પામેલા નાટકો અને એમની સંસ્થાનાં નામ આ મુજબ છેઃ

(1) શુભ મંગલ સાવધાન – ઍક્યૂરેટ પ્રોડક્શન (વડોદરા)

(2) મીંડી કોટ – જયઘોષ થિયેટર (નવસારી)

(3) તું અને હું – અલ્ટીમા ઈવેન્ટ્સ (મુંબઈ)

(4) અંત વગરની વાત – માનસી શાહ (અમદાવાદ)

(5) નિમિત્ત કમ બેક સુન – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ (સુરત)

(6) કુમારની અગાશી – સિલ્યૂટ થિયેટર (સુરત)

(7) અહમનું એન્કાઉન્ટર – ઉદય આર્ટ (નવસારી)

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

(3) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(4) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

(5) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કુરુષ જાગીરદાર (રાહુલ-સચીન, મીંડી કોટ)

(2) રાજુલ દીવાન (શિશિર, તું અને હું)

(3) હિમાંશુ વૈદ્ય (ગિરજાશંકર દવે, અહમનું એન્કાઉન્ટર)

(4) વિશાલ ચૌહાણ (સંવાદ-શ્યામ, અંત વગરની વાત)

(5) પલાશ આઠવલે (કુમાર, કુમારની અગાશી)

(6) સ્વપ્નીલ પાઠક (નિમિત્ત, નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂબી ઠક્કર (શુભા, શુભ મંગલ સાવધાન)

(2) જૈની શાહ (પ્રેરણા-કનક, અંત વગરની વાત)

(3) મેઘા સિયારામ (નીશા, કુમારની અગાશી)

(4) શિલ્પી લુહાર (રૂકસાના-આરતી, અહમનું એન્કાઉન્ટર)

(5) ડૉ. મેઘા પંડ્યા – (તૃષા-જિયા, વિસ્ફોટ ૨.૦)

શ્રેષ્ઠ સહ-અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રવિ બારોટ (રોમી, શુભ મંગલ સાવધાન)

(2) પાર્થ રાવલ (વિરેન-મોહરૂ, વિસ્ફોટ ૨.૦)

(3) હનીફ મીર (માલવનું મન, પ્રેમની તા… તા… થૈયા)

(4) નીરજ ચિનાઈ (શાસ્ત્રી-બોસ, નિમિત્ત કમ બૅક સૂન)

(5) નીરવ પરમાર (વૈભવ, અંત વગરની વાત)

શ્રેષ્ઠ સહ-અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) પૂર્વી ભટ્ટ (સેમી, શુભ મંગલ સાવધાન)

(2) શિવાની ચાહવાલા (મીરાં, મીંડી કોટ)

(3) માધવી શાનભાગ, (યુવાન શૈલજા, તું અને હું)

(4) સુહાની જાગીરદાર (અભિલાષા, કુમારની અગાશી)

(5) પૂનમ મેવાડા (નીશાનું મન, પ્રેમની તા… તા… થૈયા).

શ્રેષ્ઠ વેશભૂષાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) માનસી શાહ (અંત વગરની વાત)

(3) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ યુવા કલાકાર શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) સૌમ્ય પંડ્યા (સૂત્રધાર-નાનો તિમિર, વિસ્ફોટ ૨.૦)

(2) અમિતા ગોહિલ (સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ, વિસ્ફોટ ૨.૦)

(3) જીત સોલંકી (મેડી પટેલ, શુભ મંગલ સાવધાન)

શ્રેષ્ઠ મૌલિક નાટક શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ કળાનિર્દેશન શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ચેતન કણિયા (કુમારની અગાશી)

શ્રેષ્ઠ પ્રકાશ રચના શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) મિતુલ લુહાર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ખેગન નાયક/સંતોષ જતકર (અહમનું એન્કાઉન્ટર)

(4) મિતુલ લુહાર-દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ સંગીત શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

(2) સિદ્ધરાજ પરમાર (શુભ મંગલ સાવધાન)

(3) જિમી દેસાઈ (નિમિત્ત કમ બેક સૂન)

હવે બુધવાર, ૨૨ જાન્યુઆરીએ ભવન્સ કૅમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં સાંજે ૬:૩૦થી યોજાશે એક મનોરંજક કાર્યક્રમ જશન ને જલસો,  જેમાં ગુજરાતી રંગભૂમિનાં ગીત-નૃત્ય, સંગીત-એકોક્તિ તથા દુહા-છંદની રસલહાણી વચ્ચે વિજેતાને પારિતોષિકોથી પોંખવામાં આવશે.

– તો ઓવર ટુ – ૨૨ જાન્યુઆરી, બુધવાર

(અહેવાલઃ સમીર પાલેજા)

ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવવા વિચારે છે

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારતની મુલાકાતે આવવા વિચારે છે, એમ અમેરિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું છે.

ટ્રમ્પ જો આવશે તો ભારતમાં એમની પહેલી જ મુલાકાત હશે.

ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં આવતા અઠવાડિયાથી ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી પણ શરૂ થવાની છે.

ટ્રમ્પની ભારત મુલાકાતની અનુકૂળ તારીખો નક્કી કરવા માટે બંને દેશના અધિકારીઓ પરસ્પર સંપર્કમાં છે.

અમદાવાદીઓએ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો…

અમદાવાદમાં 14 જાન્યુઆરી, મંગળવારે ખુલ્લા મેદાનોમાંથી પતંગો ચગાવીને લોકોએ ઉત્તરાયણ અને પતંગોત્સવ પર્વની ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવણી કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)






















અમિતાભ-જયાનાં વેવાણ રિતુ નંદાનું નિધન; દિલ્હીમાં અંતિમસંસ્કાર કરાયા

નવી દિલ્હી – બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને એમના પત્ની જયા બચ્ચનનાં વેવાણ, અમિતાભ-જયાનાં પુત્રી શ્વેતાનાં સાસુ રિતુ નંદાનું કેન્સરની બીમારીને કારણે સોમવારે રાતે નિધન થયું હતું. આજે બપોરે દિલ્હીના લોધી રોડ સ્મશાનભૂમિ ખાતે એમનાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

રિતુ નંદા 71 વર્ષનાં હતાં.

રિતુ નંદા બોલીવૂડના શોમેન સ્વ. રાજકપૂરના પુત્રી હતાં અને અભિનેતાઓ રણધીર, રિશી અને રાજીવ કપૂર, અને રીમાનાં બહેન હતાં.

રિતુ નંદા જાણીતા ઉદ્યોગપતિ રાજન નંદા (એસ્કોર્ટ્સ ગ્રુપનાં વડા)ને પરણ્યાં હતાં. એમનાં પુત્ર નિખિલ નંદા સાથે શ્વેતાનાં લગ્ન થયાં છે. રિતુ નંદાનાં પરિવારમાં પુત્ર નિખિલ પુત્રવધુ શ્વેતા, પુત્રી નતાશા અને પૌત્ર-પૌત્રી છે.

અંતિમ સંસ્કાર વખતે અમિતાભ બચ્ચન, શ્વેતાનો ભાઈ અભિષેક, અભિષેકની પત્ની ઐશ્વર્યા, શ્વેતાની પુત્રી નવ્યા નવેલી અને પુત્ર અગસ્ત્ય, કપૂર પરિવારનાં સભ્યો, રિશી કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર-સાહની હાજર રહ્યાં હતાં.

રિતુ નંદા રિતુ નંદા ઈન્શ્યોરન્સ સર્વિસીસ કંપનીનાં ચેરપર્સન હતાં. એમણે વીમા ક્ષેત્રમાં અનેક વિક્રમો સર્જ્યાં હતાં અને ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) તરફથી ‘બેસ્ટ ઈન્શ્યૂરન્સ એડવાઈઝર ઓફ ધ ડેકેડ’ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યાં હતાં.

રિતુ નંદાએ એક જ દિવસમાં 17 હજાર પેન્શન પ્લાન પોલિસીઓ વેચીને વિક્રમ સર્જ્યો હતો. એ માટે એમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ થયું છે.

છેલ્લા ચાર દાયકાથી રિતુ નંદા બોલીવૂડની ટોચની હસ્તીઓ માટે વીમા સલાહકાર તરીકેની પ્રતિષ્ઠા પામ્યાં હતાં. એમણે આશરે કરોડો રૂપિયાની રકમની વીમા પોલિસીઓ કઢાવી આપી હતી.

રિતુ નંદાએ એમનાં દંતકથાસમાન પિતા રાજકપૂર વિશે સત્તાવાર જીવનચરિત્ર પુસ્તક પણ લખ્યું હતું – ‘રાજ કપૂરઃ ધ વન એન્ડ ઓન્લી શોમેન’. એ પુસ્તકને રશિયન ભાષામાં પણ અનુવાદિત કરવામાં આવ્યું હતું જેની એક લાખ કોપી રશિયામાં વેચાઈ હતી.

અમદાવાદ: ગેસવાળા બલૂન્સ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી…

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) અને પતંગોત્સવ પર્વની 14 જાન્યુઆરી, મંગળવારે અમદાવાદમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ તહેવાર નિમિત્તે શહેરમાં ઠેરઠેર રંગબેરંગી તેમજ વિવિધ આકાર અને કદનાં ગેસનાં બલૂન્સ વેચાતાં જોવા મળ્યા હતા. લોકોએ, ખાસ કરીને બાળકોએ પતંગની જેમ આકાશમાં વિમાન, માછલી, હાથી વગેરેના ચિત્રોવાળા ગેસ ભરેલા ફૂગ્ગા આકાશમાં ચગાવવાનો લોકોએ આનંદ માણ્યો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)






















ઉત્તરાયણઃ અમદાવાદીઓએ માણી ઊંધિયું, ફાફડા-જલેબીની મજા…

ઉત્તરાયણ અને પતંગોત્સવ પર્વની 14 જાન્યુઆરી, મંગળવારે અમદાવાદમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી છે. તહેવારની પરંપરા અનુસાર શહેરમાં લોકોએ ઘર-ઘરમાં તેમજ ઠેરઠેર જાહેર માર્ગો પર ઊંધિયું, ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા, તલના લાડુના સ્વાદિષ્ટ નાસ્તાની તેમજ શેરડી, બોર, જામફળની મજા માણી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)