Home Blog Page 2994

મહારાષ્ટ્રમાં એકેય દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે કોરોના ચેપી બીમારીના ફેલાવા સામે તંત્રની સજ્જતાની ચકાસણી કરવા માટે આવતી 13-14 એપ્રિલે રાજ્યમાં મોક-ડ્રિલ હાથ ધરવામાં આવશે.

સાવંતે નાગરિકોને કહ્યું છે કે તેમણે ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવું અને ભીડ થતી હોય એવા સ્થળોએ સાવચેતી રાખવી. હાલ કોવિડ કેસ વધી રહ્યા છે એ ખરું, પરંતુ આ બહુ હળવા પ્રકારનો વેરિઅન્ટ છે, એની ખાસ અસર નથી. તમામ કોવિડ હોસ્પિટલોનાં સત્તાવાળાઓ સાથે મેં વાતચીત કરી છે અને જનતાને અપડેટ આપું કે હાલ આપણા રાજ્યમાં એકેય દર્દી વેન્ટીલેટર કે ઓક્સિજન સપોર્ટ પર નથી.

હિંસા : ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસેથી 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને કેન્દ્ર કડક વલણ અપનાવી રહ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મમતા સરકાર પાસેથી રામ નવમી રમખાણો અને ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને 3 દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ મોકલવા કહ્યું છે.

બંગાળ બીજેપી અધ્યક્ષે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે બંગાળમાં હિન્દુઓ અને લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પત્ર બાદ ગૃહ મંત્રાલયે આ રિપોર્ટ માંગ્યો છે. ગુરુવારે ગૃહ પ્રધાન અમિત શાહે બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ અને રાજ્ય ભાજપના વડા સુકાંત મજુમદાર સાથે વાત કરી હતી અને ગુરુવારે હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેની અથડામણ બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

રાજ્યપાલે અમિત શાહને હિંસા અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. હાવડામાં ટોળાએ ઉશ્કેરણી કરી, વાહનો સળગાવી, પથ્થરમારો કર્યો અને દુકાનોમાં તોડફોડ કર્યા પછી મોટી સંખ્યામાં પોલીસ દળોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસના અનેક વાહનોને પણ નુકસાન થયું હતું.

 

IITGNનું ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ‘G20-Ignite’નું આયોજન

ગાંધીનગરઃ ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ આયામો પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જગાડવાના ઉદ્દેશ સાથે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) 15 એપ્રિલ, 2023એ ‘G20-Ignite’નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે ધોરણ 10થી 12ના શાળાના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલો વિજ્ઞાન અને ટેક્નોલોજી મેળો છે.

દિવસભર ચાલનારા મેળાને રોમાંચક પ્રવૃત્તિઓ, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ મોડ્યુલ્સ, ઇન્ટરેક્ટિવ શોકેસ અને પ્રદર્શનો, અને IITGN સ્ટુડન્ટ ટેક્નિકલ કાઉન્સિલ અને તેની સંલગ્ન ક્લબ્સ/હોબી ગ્રુપ્સ, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL), મેકર ભવન, અને HackRush જેવી IITGNના વિદ્યાર્થીઓની પહેલ દ્વારા ક્યુરેટ કરાયેલી વર્કશોપ અને સ્પર્ધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. સ્પર્ધાઓમાં હાર્ડવેર પ્રોગ્રામિંગ, ગેમ ડેવલપમેન્ટ, બ્લોકચેન ટેક્નોલોજી અને NFTsને સમજવું, વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત ટ્રેઝર હન્ટ અને ક્વિઝ, ખગોળશાસ્ત્ર વર્કશોપ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, વિદ્યાર્થીઓ સાયલન્ટ ડીજે, લાઇટ એન્ડ સાઉન્ડ શો, 3ડી પ્રિન્ટિંગ અને લેસર કટિંગ ટેક્નોલોજી, સંશોધન શોકેસ, સાઇટેક-થીમ આધારિત એન્ટરટેઇનમેન્ટ અને ઘણીબધી ઈવેન્ટ્સ દ્વારા મેળાને માણી શકે છે.

વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ ઉપરાંત, IITGNનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ એક હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરશે, જે આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ અને એક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપશે. આ ઇવેન્ટમાં બે અલગ-અલગ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. IIT ગાંધીનગરની અસંખ્ય સંશોધન પ્રયોગશાળાઓ મોડેલો, પ્રાયોગિક સેટ-અપ્સ અને શોકેસનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને તક્નિકીની વિભાવનાઓને સરળ બનાવવા માટે નિદર્શન કરશે. આ અનોખું પ્રદર્શન વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરના ગતિશીલ સંશોધન અને શૈક્ષણિક ઈકોસિસ્ટમની ઝલક પ્રદાન કરશે.

પહેલ વિશે વાત કરતાં પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, R&D, IITGNએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ IIT ગાંધીનગર STEAM ક્ષેત્રોમાં શિક્ષણ, જ્ઞાન પ્રસાર, નવીન સંશોધન અને ઇન્ટરેક્ટિવ આઉટરિચ પ્રોગ્રામ્સ માટેનું એક મહત્વપૂર્ણ સૂત્રધાર રહ્યું છે. ‘G20-Ignite’ દ્વારા અમે ઇચ્છીએ છીએ કે Gen-Z વિજ્ઞાન, ટેક્નોલોજી, શોધ, અને નવીનતાની અજાયબીઓની ઉજવણી કરે અને તેને આગળ વધારે. તે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના પ્રતિનિધિઓ અને રસ ધરાવતા હિતધારકોને IITGNની આંતરિક તક્નિકી કુશળતા, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન સુવિધાઓ, અને સર્જનાત્મક શિક્ષણ કાર્યક્રમોનો અનુભવ કરવાની તક પણ પૂરી પાડશે.”

 

 

 

 

 

 

 

નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો અમદાવાદમાં તા. 6 એપ્રિલથી આરંભ

દેશનાં ચુનંદા તસવીરકારોનાં ફોટોગ્રાફ્સ સહિતનાં ફોટોગ્રાફીનાં વિવિધ પાસાઓને આવરી લેતો નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ ગુજરાતમાં સર્વપ્રથમવાર યોજાઈ રહ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટિવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે તા. 6 એપ્રિલથી તા. 9 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે.

નવજીવન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું છે કે દેશનાં જાણીતાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ, પોર્ટફોલિયો એક્ઝિબિશન્સનો આ નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં સ્ટીલ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શાહીદુલ આલમ, સુચિ કપૂર અને નતાશા રાહેજા, અનુશ્રી ફડનવિસ, પ્રશાંત પંજિયાર, સુધાકર ઓલ્વે, અમિત દવે, દૃષ્ટિમાન મુખર્જી અને વરૂણ આદિત્ય જેવા ટોચનાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ આ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ ઉપરાંત શિવાંગ મહેતા, ઈન્દ્રજીત ખાંબે, મનીષ લાખાણી, અનેરી નિહલાની, લોપામુદ્રા તાલુકદાર અને જયેશ જોષી જેવા ફોટોગ્રાફર્સનાં પોર્ટફોલિયો એક્ઝિબિશન્સ પણ આ ફેસ્ટિવલનું આકર્ષક પાસું બની રહેશે.

તા. 7 અને 8 એપ્રિલ 2023નાં રોજ લોપામુદ્રા તાલુકદાર દ્વારા સ્ટીલ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને તા. 8 એપ્રિલ અને તા. 9 એપ્રિલ 2023 દરમિયાન સૌરભ દેસાઈ દ્વારા ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં ફોટોગ્રાફર્સનાં ઈન્ટરેક્ટિવ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે. જેનાથી ફોટોગ્રાફીના ચાહકોને નિષ્ણાતોનાં જ્ઞાન અને અનુભવનો લાભ મળશે.

નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ સવારે 11 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

નાથુલામાં ભારે હિમસ્ખલનઃ અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા

ગુવાહાટીઃ સિક્કિમમાં ગંગટોકના નાથુલાથી જોડનારા જવાહરલાલ નેહરુ રોડની પાસે મોટું હિમસ્ખલન થયું છે. સિક્કિમના નાથુલા પહાડોમાં આજે ભારે હિમસ્ખલનથી છ પ્રવાસીઓનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થઈ ગયા છે. હિમસ્ખલન પછી બરફમાં ફસાવાની આશંકા છે. બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હિમસ્ખલનમાં 150થી વધુ પ્રવાસીઓ હોવાની સૂચના મળી છે. કેટલાક લોકોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની માહિતી મળી છે. હાલ ઘટના પછી બચાવ કાર્ય જારી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે ગંગટોકના નાથુલાના જવાહરલાલ નેહરુ રોડ પર પર 15મા માઇલ પર થયેલા હિમસ્ખલનમાં છ પ્રવાસીઓનાં મોત થયાં છે, જ્યારે 80થી વધુ લોકોના બરફમાં ફસાયેલા હોવાની આશંકા છે. આ હિમસ્ખલન મંગળવારે બપોરે આશરે 12.20 કલાકે થયું હતું. આ હિમસ્ખલનમાં ઘાયલ થયેલા છ લોકોએ નજીકની સેનાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે.  

પોલીસ જણાવ્યાનુસાર 150થી વધુ પ્રવાસીઓ હજી પણ 15 માઇલથી આગળ ફસાયેલા છે. દરમ્યાન બરફમાં ફસાયેલા 30 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ગંગટોક એટીએનએમ હોસ્પિલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

પિચાઈએ ચેટ જીપીટીથી બાર્ડ કેમ હાર્યું એનાં કારણ બતાવ્યાં

વોશિંગ્ટનઃ ચેટ જીપીટી (ChatGPT)ને ટક્કર આપવા માટે ગૂગલે હાલમાં પોતાનું AI ટૂલ બાર્ડ (Bard) લોન્ચ કર્યું છે. એને ચેટ જીપીટીનું સ્પર્ધક બતાવવામાં આવી રહ્યું છે. જોકે એ ટૂલ ચેટ જીપીટીની સામે અત્યાર સુધી નથી ટકી શક્યું. લોન્ચ થયા પછી એ ટીકાઓનો શિકાર થઈ રહ્યું છે. જે કામ ચેટ જીપીટી સરળતાથી કરી લે છે એ કરવામાં બાર્ડ નિષ્ફળ થઈ રહ્યું છે. આને જોતાં ગૂગલના CEO સુંદર પિચાઈ ટૂંક સમયમાં વધુ કેપેબલ અને પાવરફુલ AI મોડલ લોન્ચ કરવાની વાત કરી હતી.  

ગૂગલે આ વર્ષે 21 માર્ચે સામાન્ય લોકો માટે ગૂગલ બાર્ડને રોલઆઉટ કર્યું હતું. એ ઓપન AIના ચેટ જીપીટી અને માઇક્રોસોફ્ટના બિંગ ચેટબોટ સામે હારી ગયું, જેને લઈને ન્યુ યોર્ક ટાઇમ્સના હાર્ડ ફોર્ક પોડકાસ્ટમાં સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેમની ટીમ જલદી વધુ સક્ષમ મોડલ લઈને આવશે. એવું જલદીમાં જલદી થયું હતું. બાર્ડને પણ અપગ્રેડ કરવામાં આવશે. સારા પાથવેઝ લેન્ગવેજ મોડલમાં બાર્ડનું અપડેશન થશે. એનો લાભ એ થશે કે બાર્ડ વધુ સક્ષમ અને રીજનિંગ, કોડિંગ અને મેથ્સના સવાલોને સોલ્વ કરી શકશે.

તેમણે જણાવ્યું હતું કે આગામી સપ્તાહથી બાર્ડમાં પ્રોસેસ જોઈ શકશો. બાર્ડની ક્ષમતા ઘણી લિમિટેડ હતી. બાર્ડને એટલા માટે લિમિટેડ રાખ્યું છે, જેથી કન્ફર્મ થઈ શકે કે એ સામાન્ય લોકો માટે ઠીક છે કે નહીં. આવી પરિસ્થિતિમાં વધુ સક્ષમ મોડલ લાવવું ઠીક નથી. તેમણે કહ્યું હતું કે કંપનીના ફાઉન્ડર લેરી પેજ અને સર્ગેઇ બ્રિનથી સતત ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

અટલ ઈન્ક્યુબેશન સેન્ટરના નેજા હેઠળ યુવા બિઝનેસ સાહસિકોને માર્ગદર્શન

મુંબઈઃ અત્રેની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં મેનેજમેન્ટ સ્ટડી વિભાગે તાજેતરમાં “અટલ ઈન્ક્યુબેશન સેન્ટર – રામતાઉ મ્હાલગી પ્રબોધિની” સંલગ્ન એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આજના આ પ્રગતિશીલ યુગમાં વેપાર ક્ષેત્રે નવા નવા પ્રવેશતા ઉદ્યોગવીરો અને યુવકોને સાચું જ્ઞાન અને પ્રોત્સાહન મળે તે દ્રષ્ટિએ આ સેમિનાર આયોજિત કરાયો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વસાહતીકરણ વિભાગના પ્રમુખ ઉજ્જવલ ઉકે પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રીનાથ શ્રીધરન મુખ્ય વક્તા હતા. આ ત્રિદિવસીય સેમિનારમાં પેપર પ્રેઝન્ટેશન પણ સમાવિષ્ટ કરાયું હતું.

અતિથિ વિશેષે બિઝનેસ ક્ષેત્રે નવા-નવા પ્રવેશતા યુવાનોને વિવિધ શક્યતાઓ વિષેની જાણકારી આપી હતી. પેપર પ્રેઝન્ટ કરવા માટે લગભગ 480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિભાગમાં વિન્ડ પ્લસ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર માનસી ઠક્કર, યુવા નેતા અને વિચારક અપૂર્વ ગંગર તેમજ પ્રમુખ એચ.આર. ઓફિસર સંજીવ બહેરી હતા. નીક્કી વાન ડેનબર્ગ દુબઈથી ઓનલાઇન જોડાયા હતા, જેમાં તેમણે બિઝનેસ સફળતા વિષે સૂચનો આપ્યા હતા.

“વેપાર અને વાણિજ્યના વિકાસ” પર નમન જૈન તેમજ મીતાક્ષરા સીરગાંવકરના વક્તવ્યએ નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસ્થાના સંચાલકોએ આધુનિક યુગમાં વિદેશ સુધી વિદ્યાર્થી વ્યાપક બની જ્ઞાન પ્રાપ્તિ કરે તે માટે ખૂબ ઉત્સાહ સીંચ્યો હતો. કેઈએસ સંસ્થાના ટ્રસ્ટીગણમાંથી રજનીકાંત ઘેલાણી, સંસ્થાના વાઈસ પ્રિન્સિપાલ વી.એસ. કન્નન અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રીલંકાએ નીતિ સુધારા, ડિજિટલાઈઝેશન માટે ભારતની મદદ માગી

નવી દિલ્હી/કોલંબોઃ નેશનલ સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ (NCGG)ના ડાયરેક્ટર જનરલ ભરત લાલની આગેવાની હેઠળ ભારતનું એક પ્રતિનિધિમંડળ શ્રીલંકાના બે-દિવસીય પ્રવાસ દરમિયાન પાટનગર કોલંબોમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેને મળ્યું હતું.

તે બેઠકમાં વિક્રમસિંઘેએ એમના દેશમાં હાલમાં ઊભા થયેલા આર્થિક પડકારોનો એમની સરકારે કેવી રીતે સામનો કર્યો હતો અને દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટા પર કેવી રીતે ચડાવી તે વિશે રજૂઆત કરી હતી. ભારત સરકારે ભારતમાં જે રીતે સામાજિક અને આર્થિક વિકાસ હાંસલ કર્યો છે તેની વિક્રમસિંઘેએ સરાહના કરી હતી અને NCGGને વિનંતી કરી હતી કે શ્રીલંકામાં નીતિ વિષયક સુધારા લાવવા, સુશાસન સ્થાપિત કરવા, ડિજિટલાઈઝેશન લાવવામાં ભારત તરફથી એમની સરકારને મદદ મળે.

ભરત લાલે બેઠકમાં જાણકારી આપી હતી કે નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમના દૂરદ્રષ્ટિપૂર્ણ શાસનથી રાજ્યની નકારાત્મક હાલતમાં ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે ફરી મજબૂત કરી આપી હતી. વડા પ્રધાન મોદીના એ જ વિઝનને આધારે જ ભારત વ્યાપકપણે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

બેઠકમાં ભરત લાલની સાથે શ્રીલંકાસ્થિત ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, NCGGના એસોસિએટ પ્રોફેસર ડો. એ.પી. સિંહ તથા દૂતાવાસના અન્ય વરિષ્ઠ રાજદૂતોનો પણ સમાવેશ થતો હતો.

શહેરમાં મહાવીર જન્મકલ્યાણક રથયાત્રા નીકળી

અમદાવાદઃ જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જૈનોનાં ધાર્મિક સ્થળોએ પૂજા, અર્ચના, વ્યાખ્યાન અને યાત્રાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં વિવિધ પાઠશાળાઓ- શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી (ચારેય પંથ) સમસ્ત જૈન સમાજના ઉપક્રમે એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચોથી એપ્રિલે મંગળવારની વહેલી સવારે મહાવીર જયંતી નિમિત્તે નીકળેલી રથયાત્રાનું ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી પ્રસ્થાન થયું હતું.

હાથી, ઘોડા શણગારેલી બગી, રથ , બેન્ડ-વાજાં જેવાં વિવિધ આકર્ષણો સાથે નીકળેલી રથયાત્રાનું સમગ્ર વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ, પરોપકાર અને અહિંસાનો સંદેશ આપતા જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદિવસે નીકળેલી રથયાત્રામાં આચાર્ય ભગવંતો અને શ્રાવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ધોનીએ બોલરોને નોબોલ, વાઇડ નહીં કરવા ચેતવણી આપી

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોને IPLની આગામી મેચમાં નોબોલ અને વાઇડની સંખ્યામાં કાપ કરવાની કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ વિરોધી ટીમને આ રીતે સરળતાથી રન આપતા રહેશે તો પછી તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવાનું રહેશે. ધોનીની આ ચેતવણી ચેન્નઈ સુપર કિંગ્સની સોમવારે લખનઉ સુપરજાયન્ટ્સની સામે 12 રનની જીત પછી આવી છે. એ વિકેટકીપર બેટ્સમેન એ વાતે નારાજ હતો કે તેના બોલરો એ મેચમાં ત્રણ નોબોલ ને 13 વાઇડ બોલ કર્યા હતા, જેથી લખનઉ 218 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે સાત વિકેટ પર 205 રન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

ચેન્નઈની ટીમે હાલના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની સામે પહેલી મેચમાં ચાર વાઇડ અને બે નોબોલ ફેંક્યા હતા. ધોનીની ટીમ એ મેચમાં પાંચ વિકેટે હારી ગઈ હતી. યુવા ઝડપી બોલર રાજવર્ધન હેંગારગેકરે એ મેચમાં ત્રણ વાઇડ અને એક નોબોલ ફેંક્યો હતો. સોમવારે તેણે લખનઉની સામે ત્રણ વાઇડ ફેંક્યા હતા.

ચેન્નઈના એક અન્ય ઝડપી બોલર તુષાર દેશપાંડેએ સોમવારે બે વિકેટ લીધી હતી, પણ તેણે ચાર વાઇડ અને ત્રણ નોબોલ ફેંક્યા હતા. દીપક ચાહરે પણ વાઇડ દ્વારા પાંચ વધારાના રન આપ્યા હતા.ધોનીએ મેચ પછી કહ્યું હતું કે તેમણે એક પણ નોબોલ નહીં ફેંકવા જોઈએ અને ઓછા વાઇડ બોલ ફેંકવા જોઈએ. અમે બહુ વધારાના બોલ ફેંકી રહ્યા છીએ અને એમાં કાપ મૂકવાની જરૂર છે, અન્યથા તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશે.